સ્પેશ્યલ ચાઇલ્ડને સ્પેશ્યલ કૅર આપતી આ મમ્મીઓને સલામ

07 July, 2020 07:33 PM IST  |  Mumbai | Bhakti D Desai

સ્પેશ્યલ ચાઇલ્ડને સ્પેશ્યલ કૅર આપતી આ મમ્મીઓને સલામ

અત્યારે ભલાચંગા સ્વસ્થ લોકો પણ લૉકડાઉનના મંદ માહોલમાં ડિપ્રેસ્ડ અને ઉચાટ અનુભવે છે ત્યારે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને આ પરિસ્થિતિમાં સ્વસ્થ અને વ્યસ્ત રાખવાં એ મોટી ચૅલેન્જ છે. પ્રેમ અને વહાલ દ્વારા સતત અવનવી ચીજોમાં ઇન્વૉલ્વમેન્ટ ઊભી કરીને તેમના પરિવારજનોના સપોર્ટથી આ બાળકો મસ્ત ખીલી રહ્યા છે

‘હવે તો ભાઈ ઘરે બેસીને અને કામ કરીને કંટાળી ગયા...’

આવા ઉદાસીન વાક્યો હવે ઘણા લોકો બોલતા થઈ ગયા છે. બાળકોને હવે ઘરમાં જ વ્યસ્ત રાખતી પ્રવૃત્તિઓ કરાવવી અને ભણાવવાનું હવે અઘરું થઈ રહ્યું છે. જોકે જે ઘરમાં માનસિક રીતે દિવ્યાંગ એટલે કે સ્પેશ્યલ ચાઇલ્ડ હોય છે તેમની જવાબદારી બમણી થઈ ગઈ છે.

સ્પેશ્યલ ચાઇલ્ડમાં એવું તે શું ખાસ છે જે અન્ય સામાન્ય લોકોમાં નથી? મોટા ભાગે તેમના સહવાસમાં રહેનાર લોકો તેમના દિવ્ય ગુણોથી અવગત હોય છે. માનસિક રીતે દિવ્યાંગ બાળકોને પણ જો યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ પણ સિદ્ધિઓ મેળવવા સક્ષમ હોય છે, કારણ આ વિશેષ બાળકો આપણી જેમ સકારાત્મક શબ્દ અને ભાવનાઓના વિરોધી શબ્દો જાણતાં જ નથી. જેમ કે  તેમના જીવનમાં વિશ્વાસ, પ્રેમ, સફળતા, કરુણા, પ્રામાણિકતા જેવા અનેક શબ્દો જ સાકાર સ્વરૂપમાં રહેલા છે. જ્યારે સંદેહ, નફરત, નિષ્ફળતા, ક્રૂરતા, અપ્રામાણિકતા જેવા નકારાત્મક ભાવનું અસ્તિત્વ જ નથી. 

વિચાર કરીએ તો કેટલું અઘરું છે આ બાળકોને કોરોના વાઇરસની સમજ આપવી જે દૃશ્યમાન નથી. કોરોના વાઇરસને કારણે તેઓએ ઘરમાં રહેવાની ફરજ પડી છે. આમાંથી મોટા ભાગનાં બાળકોમાં સતત કોઈ નવી પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ હોય છે એથી તેમને સ્વસ્થ રાખવાં, વ્યસ્ત રાખવાં ખૂબ જરૂરી છે. લૉકડાઉન દરમ્યાન આ મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકોને વ્યસ્ત અને સ્વસ્થ રાખવા માટે તેમના પેરન્ટ્સ કેવી જહેમત ઉઠાવી રહ્યા છે એ આજે જાણીએ...

માત્ર પ્રેમની ભાષાને જ અનુસરે છે

ગોરેગામ રહેતા ૧૮ વર્ષના પ્રિયાંક વિનોદ ગડાની મમ્મી મનીષાબહેન કહે છે, ‘પ્રિયાંક ડાઉન સિન્ડ્રૉમની સમસ્યા ધરાવે છે, જેમાં બાળક વધારાનું રંગસૂત્ર (ક્રોમોઝોમ) લઈને જન્મે છે જેનાથી તેનામાં અસામાન્ય શારીરિક અને માનસિક વિકાસલક્ષી પરિવર્તન થાય છે. લૉકડાઉનની શરૂઆતમાં પ્રિયાંકને ઘરની દિનચર્યામાં ઢાળવા મેં સમજાવ્યું, પણ તેના શિક્ષકોના વિડિયોએ પણ ઘણી મદદ કરી છે. તે ડાહ્યો છે, પણ કોઈક વાર તેની મરજી વિરુદ્ધ થાય તો તેને ગુસ્સો આવે એ પછી તે કોઈનું ન સાંભળે. એવા સમયે તેના ગુસ્સાને ફક્ત હું પ્રેમથી મનાવીને શાંત કરી શકું છું. જરૂરી નથી કે તેને અમે જે કહીએ એ સમયે તે કામ કરે જ. આવા સમયે જો હું તેને કહું કે ‘બેટા હું શાકભાજી છોલવા બેસું છું. આવ આપણે બન્ને કરીએ મજા આવશે.’ તો તે જોઈને તરત જ કામ કરાવવા લાગી જાય. આમ આ બાળકોને જો પ્રેમથી વારીએ તો તેને સમજતાં વાર નથી લાગતી. કળામાં લૉકડાઉન દરમ્યાન બ્લો પેઇન્ટિંગમાં રંગ કરતાં તે શીખ્યો. રસોઈના કામમાં તેણે પહેલી વાર પૂરી, પીત્ઝા અને સૅન્ડવિચ બનાવ્યાં. તે જે પણ કામ કરે છે એ મારાથી વધારે સારી રીતે કરે છે. પ્રેમથી પ્રિયાંકને શીખવો તો તે બધું જ માને છે. અંગત અટેન્શન, મહેનત, પ્રેમથી અને શિક્ષકોના વિડિયોમાં આવતા માર્ગદર્શનથી આ બાળકો ઘરે બેસીને પણ પોતાની કળાને બખૂબી ખીલવી શકશે એની મને ખાતરી છે.’

રસોઈ અને અંગ્રેજીમાં લખતાં શીખી રહી છે

બોરીવલીમાં રહેતી ડાઉન સિન્ડ્રૉમની સમસ્યા ધરાવતી ૧૦ વર્ષની દેશના મિનેષ શાહની મમ્મી દિનાબહેન કહે છે, ‘દેશના ઉંમરમાં ઘણી નાની છે એથી તેને ઘરમાં લોકો રમાડે તો મન થોડું વળી જાય છે. દરેકને માટે જ લૉકડાઉનનો સમય કપરો છે, તો દેશના માટે પણ હાલમાં કોઈને મળવું કે સ્કૂલ જવું એ બધું બંધ છે એટલે અકળાઈ જાય છે. હાલમાં તે સ્કૂલ અને શિક્ષકોને ખૂબ યાદ કરે છે. તેને ટીવીમાં વિવિધ સિરિયલ જોવાનું ગમે છે. હવે સિરિયલ તો દરરોજ ન આવે તો એવા સમયે તે ખૂબ રડે છે. પછી તરત તેની સાથે ઘરમાંના કોઈકે રમત રમવા બેસવું પડે છે. લૉકડાઉનમાં તે અંગ્રેજીમાં ૧૧થી ૨૦ લખતાં શીખી. J સુધીના આલ્ફાબેટ સ્કૂલમાં શીખી હતી. હવે ઘરમાં KLM - ત્રણ અક્ષર લખે છે. તેને હવે રસોઈમાં રુચિ જાગી છે એટલે તે રોટલી વણે છે અને સરસ ગોળ બનાવે છે. લોટ બાંધતાં શીખી રહી છે. તે મારી પાસે રસોડામાં આવીને પોતાનો કિચન-સેટ લાવીને બેસે અને હું બનાવું તેમ રસોઈ બનાવે. તેને ડાન્સ કરવાનું ગમે છે, પણ ક્યારેક પડવાનો ડર લાગે છે. તે ખૂબ સરસ ડ્રૉઇંગ કરે છે અને રંગ પણ ભરતાં શીખી છે. તેને માટે તેની શાળાના શિક્ષકો મારા કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. તેઓ જે કહે એ તે કરે. હમણાં તો આ ત્રણ મહિનામાં તેણે બહાર જવાની જીદ નથી કરી, પણ આગળ જોઈએ. દેશના જેવાં બાળકોને એકલાં ન રખાય એથી માતા-પિતા અને પરિવારે સતત સાથે જ રહેવું પડે છે અને તેને વ્યસ્ત રાખવા કોઈકે તો મહેનત કરવી જ પડે છે.’

ફોટોગ્રાફીનો શોખ પૂરો થયો

મલાડ-ઈસ્ટમાં  રહેતી ૨૨ વર્ષની સ્પોર્ટ્સની વિજેતા અને કરાટે બ્લૅક બેલ્ટ પ્રિયા પ્રકાશ ગડાની મમ્મી જયશ્રીબહેન કહે છે, ‘પ્રિયા માઇક્રોસેફલીની સમસ્યા સાથે જન્મી છે, જેમાં બાળકના મગજનો વિકાસ ઍબ્નૉર્મલ (અસામાન્ય) થાય છે. હું તેને ગમતા વિષયમાં આગળ વધારીશ જ એવો મેં નિર્ધાર કર્યો છે. ઇન ફૅક્ટ, તે પોતે ખૂબ ઍક્ટિવ છે. હાલમાં લૉકડાઉનમાં તે સ્કૂલને ખૂબ યાદ કરે છે. પહેલાં તે વેકેશનમાં ઘરે રહે એમ દોઢ મહિનો તો રહી, પણ હવે જૂન મહિનો શરૂ થયો કે સતત પૂછવા લાગી કે મમ્મી હવે તો સ્કૂલ શરૂ થઈ જશેને? થોડા સમય પહેલાં જ ઑલિમ્પિકમાં સ્કેટિંગમાં અબુધાબીથી બે સિલ્વર અને એક ગોલ્ડન મેડલ જીતી આવી છે. તે દોડવામાં, ટેબલ-ટેનિસમાં અને અન્ય સ્પોર્ટ્સમાં ખૂબ આગળ છે. સ્પોર્ટ્સને કારણે તે બહાર પણ ફરે છે એથી તેને ત્રણ મહિના ઘરે બેસીને કાઢવા ખૂબ અઘરા લાગે એ હું સમજી શકું છું. મેં આખી જિંદગી તેને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી છે. મને ભણવામાં ઓછો અને સ્પોર્ટ્‍‍સમાં વધારે રસ હતો. પ્રિયામાં પણ મારા આ જ ગુણ છે એથી હું મારી સ્પોર્ટ્સમાં સિદ્ધિ મેળવવાની ઇચ્છા તેના થકી પૂર્ણ કરી રહી છું. તેણે ત્રણ મહિનામાં એક વૉલપીસ તૈયાર કર્યો છે. તેનો ફોટોગ્રાફીનો શોખ લૉકડાઉનમાં પૂરો થયો. ટેરેસ પર જઈને તે ફોટો લે છે. ઘરનાં બધાં કામમાં ખૂબ રુચિ લે છે. હું એક જ વાત કહીશ કે નૉર્મલ બાળક પોતાનો રસ્તો શોધી લે છે, જ્યારે આ બાળકોને આપણે સતત હાથ પકડીને નવા રસ્તે ચલાવવું પડે છે. સામાન્ય રીતે જે સમય તેમને શિક્ષકો આપે છે, લૉકડાઉનમાં એ જ ભૂમિકા માતાએ ભજવવાની છે.’

સિન્ગિંગ અને કુકિંગની કળા વિકસાવી રહી છે

મલાડ-ઈસ્ટમાં રહેતી નેહા ગૂંદરિયા ૩૭ વર્ષની છે. માઇક્રોસેફલી હોવાથી તે ભણવામાં પાછળ પડે છે, પણ આ ખોટ તેણે કળામાં સિદ્ધિઓ સર કરીને પૂરી કરી દીધી છે. તેની મમ્મી માલતીબહેન કહે છે, ‘મારી દીકરીનો અવાજ ખૂબ મધુર છે અને તે ગાયિકા છે. તેના પિતાનું સુરાવલિ ગ્રુપ હતું અને તે તેમની સાથે ગાયિકા તરીકે નાનપણથી જતી હતી. આ કળા તેણે એવી રીતે હસ્તગત કરી કે ભારતમાં અને બહાર પર્ફોર્મન્સ આપ્યા છે. તે લૉકડાઉનમાં પોતાની શાળા અને શિક્ષકોને ખૂબ યાદ કરે છે. ગુરુપૂર્ણિમાના દિવસે સવારે તેણે ગુરુ અને ઠાકોરજી માટે ભજન ગાયાં હતાં. લૉકડાઉન દરમ્યાન તેણે રૂમાલ પર ભરતકામ કર્યું. રસોઈમાં પોતાની એક નવી આઇટમ ઇડલી મસાલા ભાત બનાવ્યા. એમાં સાંભારની જરૂર ન પડે. રાજમા જીરા રાઇસ, વેજિટેબલ ખીચડી અને ભાખરી બનાવ્યાં. તે કંટાળ્યા વગર સતત કામમાં અને મારી સાથે રહે છે. આ સમયે સ્કૂલથી આવતા ઑનલાઇન વિડિયોની ખૂબ મદદ થાય છે.’

વાત્સલ્ય જ આ બાળકોને સાચવવાનો ગુરુમંત્ર

માનસિક દિવ્યાંગ બાળકોને જીવનમાં યોગ્ય દિશા બતાવનાર વીડીઆઇએસ સ્કૂલ ફૉર મેન્ટલી ચૅલેન્જ્ડનાં સેક્રેટરી અને ૨૦ વર્ષનો અનુભવ ધરાવતાં ડૉ. ગુંજન મહેતા ઠાકર સ્પેશ્યલ ચાઇલ્ડની સ્પેશ્યલ કૅર કેવી રીતે કરવી એ વિશે કહે છે, ‘આ બાળકો સમાજ પર બોજ નથી. તેઓ આપણાં ખૂબ પ્રિય અને વિશેષ ગુણ ધરાવતાં સંતાનો છે. લૉકડાઉનમાં દૂરનાં ગામડાંઓમાં એવી ઘણી સ્પેશ્યલ શાળાઓ છે, જે બંધ છે અને બાળકો પહોંચી નથી શકતાં. એવામાં માતા-પિતા તેમના સ્પેશ્યલ બાળક પાસે કઈરી તે કામ લેવું એ વિશે અસહાય અનુભવે છે. મારી શાળાનાં બાળકોને અમારા શિક્ષકો વૉટ્સઍપ-વિડિયો દ્વારા વિવિધ વિષય પર શિક્ષણ આપે છે. હવે અમારો આખો અભ્યાસક્રમ ઑનલાઇન વિડિયોના માધ્યમથી બહારનાં બાળકો માટે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવીએ તો આવાં અનેક બાળકોને અને તેમના પરિવારને એક દિશા મળે. આ બાળકોને સતત પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાં જરૂરી છે. તેમને દરેક કામ આપી તેમની ઊર્જાને એક યોગ્ય માધ્યમ મળે તો તે ખૂબ ખુશ રહે છે, જીદ નથી કરતાં. ઘરમાં પણ મદદ કરે છે. જે બાળકો સ્પેશ્યલ સ્કૂલમાં નથી પહોંચી શકતાં તેમની પ્રગતિ કરવાનું બીડું અમે ઉઠાવ્યું છે. આ વિડિયો એકાદ અઠવાડિયામાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જશે.’

ડૉ. ગુંજન કહે છે, ‘માનસિક દિવ્યાંગ બાળકોની કોઈ પણ સમસ્યાનું નિવારણ કરવાનો ગુરુમંત્ર તેમના પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય જ છે. આ બાળકોની કોઈ પણ જીદ કે ભૂલ માટે માતા-પિતાએ તેમને ક્યારેય શિક્ષા ન કરવી, માત્ર તેમને પ્રેમથી જ વારવાં જોઈએ.’

columnists bhakti desai