એક ઘટના સાબિત કરે છે કે આપણે હજી પણ જંગલરાજ વચ્ચે જીવીએ છીએ

03 October, 2020 07:24 PM IST  |  Mumbai | Manoj Joshi

એક ઘટના સાબિત કરે છે કે આપણે હજી પણ જંગલરાજ વચ્ચે જીવીએ છીએ

પ્રતીકાત્મક તસવીર

આવું કૃત્ય કોઈ કાળે ન થવું જોઈએ, કોઈ હિસાબે ન થવું જોઈએ. શાસક કોઈ પણ હોય અને શાસન ગમે એવું હોય પણ ના, આવું કૃત્ય ક્યારેય ન થવું જોઈએ.

ઉત્તર પ્રદેશના હાથરસમાં જે બન્યું એ ઘટના ખરેખર ધ્રુજારી ચડાવી દે એવી છે. કલ્પના પણ ન થઈ શકે એવી આ ઘટનાની વિકૃતિ તો એ છે કે એને દબાવવાના પ્રયાસ થયા અને એ પ્રયાસના વિડિયો પણ બહાર આવ્યા. આ વિડિયો સાચા છે કે ખોટા છે એની ચર્ચામાં અત્યારે નથી પડવું, નથી પડવું એ ચર્ચામાં પણ કે આ ઘટના સાચી હતી કે ખોટી. મુદ્દો એ છે કે આવી ઘટના બનવી જોઈએ કે નહીં અને આ મુદ્દાસરના પ્રશ્નનો એક જ જવાબ હોય.

ના, ન બનવી જોઈએ અને ન જ ઘટવી જોઈએ આવી ઘટના.

હાથરસમાં જે બન્યું એ ભારતની તસવીર છે. ભલે આપણે ભદ્ર પરિવારમાં હોવાના ભ્રમમાં રાચતા હોઈએ, ભલે આપણે હાઇટેક બની જવાનો દેખાવ કરતા હોઈએ, પણ હાથરસની ઘટના દર્શાવે છે કે આપણે આજે પણ જંગલિયત વચ્ચે જ જીવીએ છીએ. આજે પણ આપણે મહિલાઓને ભોગવવાનો અધિકાર હોય એવી ભ્રામક માનસિકતા વચ્ચે જીવીએ છીએ. હાથરસમાં જે બન્યું એ રાક્ષસરાજનું પ્રતીક છે. હાથરસમાં જે બની રહ્યું છે એ અરાજકતાનું પ્રતીક છે. હાથરસની ઘટના કલંક છે અને આ કલંક માટે આપણે સૌ જવાબદાર છીએ. એવું નહીં માનતા કે આ વાત માત્ર યુપીના લોકોને જ લાગુ પડે છે. ના, બોરીવલીમાં રહેતા લોકોને પણ આ જ વાત લાગુ પડે અને ટાઉનના ભદ્ર ક્લાસને પણ આ જ વાત લાગુ પડે.

આપણી માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે. ગઈ કાલે એક ટીવી-ચૅનલ પર મેં ડિબેટ જોઈ. સાહેબ, તમારાં રૂંવાડાં સળગી જાય એવી દલીલો ચાલતી હતી. ભદ્ર સમાજમાં જે શબ્દોનો ઉલ્લેખ નથી થતો એ અને એવા શબ્દોનો ઉલ્લેખ થતો હતો. નીચલી જાત‌િ, ઉપલી જાતિ, ઉચ્ચ વર્ણ અને એવા બીજા અનેક શબ્દો. શરમ છે મને આ ઉપલી જાતિ પર. શરમ છે મને ઉચ્ચ વર્ણ પર અને શરમ છે મને આ કહેવાતા ભદ્ર વર્ગ માટે પણ. વર્ણવ્યવસ્થા માનવસર્જ‌િત છે અને એ પછી પણ આપણે એવી રીતે એને પાળી રહ્યા છીએ જાણે એ વ્યવસ્થા ઈશ્વરનિર્મિત હોય. હું તો કહીશ કે ઈશ્વરનિર્મિત હોય તો પણ એનો વિરોધ થવો જોઈએ, પણ આપણે તો આજે પણ આ જ વર્ણવ્યવસ્થામાં પડ્યા છીએ જેને પોણી દુનિયા પાછળ મૂકીને આગળ નીકળી ગઈ છે. અમેરિકામાં સ્વિપર હોવું એ એનું કામ છે, એનો વર્ણ નહીં. ઑસ્ટ્રેલિયામાં સફાઈ-સ્ટાફને એના વર્ણ તરીકે નહીં, પણ એની જવાબદારી તરીકે જોવામાં આવે છે. તમારા દેશના વડા પ્રધાન ઝાડુ લઈને રસ્તો સાફ કરવા બહાર આવે છે અને તેને સાથ આપવા અબજોપતિ ઉદ્યોગપતિઓ પણ ઝાડુ લઈને બહાર આવે છે. સ્વચ્છતા અભિયાનની વાતો કરીએ છીએ અને એ વાતો કર્યા પછી પણ આપણે મનમાં આવી ગંદકી ભરી રાખીએ છીએ? શરમ આવવી જોઈએ, એ સૌ પર જેઓ પોતાના વર્ણને પોતાની શાખ માને છે. બ્રાહ્મણ હોવું કે જૈન હોવું એ જન્મ સાથે જોડાયેલી વાત હોઈ શકે, કર્મ સાથે નહીં. કર્મે બ્રાહ્મણ ત્યારે બનાતું હોય છે જ્યારે મનમાં શાસ્ત્રને સ્થાન મળ્યું હોય અને કર્મે ક્ષત્રિય ત્યારે બનાતું હોય છે જ્યારે અન્યાય સામે હથિયાર ઉપાડવાની માનસિકતા હોય. હાથરસ આ બધી માનસિકતા ભાંગી નાખે છે. ભાંગી નાખે છે અને કહે છે, શરમ કરો ભારતીયો.

columnists manoj joshi