યુપી, હાથરસ અને વધુ એક નિર્ભયા

02 October, 2020 07:37 PM IST  |  Mumbai | Jamanadas Majethia

યુપી, હાથરસ અને વધુ એક નિર્ભયા

પ્રતીકાત્મક તસવીર

હું ટીવી પર ગઈ કાલે રાતે સમાચાર જોતો હતો અને જોતાં-જોતાં દંગ રહી ગયો.

મેં હજી ગયા અઠવાડિયાની સ્ટોરીમાં લખ્યું હતું કે ન્યુઝ-ઍન્કર આટલા ડ્રામૅટિક થાય છે તો કરુણ ઘટના વખતે ક્યારેય રડી કેમ નથી પડતા. તો જાણે કે મારો ગુજરાતી લેખ વાંચ્યો હોય એમ પ્રાઇમ ટાઇમ પર એક બહુ જ મોટી ચૅનલના ઍન્કર છેલ્લે-છેલ્લે રડીને વાતો કરતા હતા. જોકે મને એકદમ સાચા ન લાગ્યા, થોડું ટીઆરપી વધારવાના નુસખામાંનો એક નુસખો લાગ્યો મને. અફસોસ સાથે મારે કહેવું પડે છે કે ટીઆરપી વધવાની સાથોસાથ આ ન્યુઝ-ચૅનલોની વિશ્વસનીયતા બહુ ઘટતી જાય છે. મૂળ વાત પર આવીએ આપણે. એ ન્યુઝ-ઍન્કર જે મુદ્દા પર રડ્યા હતા એ વાતને, એ મુદ્દાને જો હું અવગણું તો મારી પોતાની વિશ્વસનીયતા મારી જ નજરમાં ઘટી જાય.

વધુ એક નિર્ભયા.

ઉત્તર પ્રદેશમાં આવેલા હાથરસ નામના ગામની આ ૧૯ વર્ષની છોકરીની હૃદયવીંધક ઘટનાને તમને સમજાવવી હોય તો બે શબ્દમાં કહી શકાય, બીજી નિર્ભયા. હા, ફરી એક ગૅન્ગરેપ અને મૃત્યુ. લોકો કઈ હદે અજ્ઞાની, વિકૃત અને હિંસક થતા જાય છે. આગળ વાત વધારીએ એ પહેલાં મેં કહેલા શબ્દો અજ્ઞાની, વિકૃત અને હિંસકનો વધુ એક પુરાવો. આ ઘટનાને જે રીતે હૅન્ડલ કરવામાં આવી એની પાછળનું રાજકારણ વધારે શરમજનક અને દુખદ છે. આપણે તે છોકરી અને દેશની માનસિકતા વિશે વાત કરીએ એ પહેલાં હું તમને કહીશ કે જો આ આખા પ્રકરણને તમે હજી પણ ન જોયું હોય તો સોશ્યલ મીડિયા, યુટ્યુબડૉટકૉમ પર જઈને જોઈ લો. રોજ ન્યુઝ-ચૅનલ પર જોશો તો પણ તમને સમજાશે કે મૂળ વાત શું છે? એક નિર્દોષ, માસૂમ અને હજી જેણે દુનિયા બરાબર જોઈ પણ નથી, દુનિયાદારીને બરાબર ઓળખતી પણ નથી એવી કુમળી છોકરી પર ચારથી પાંચ લોકો બળાત્કાર કરે છે. કોઈ ચૅનલ કહે છે કે કૌટુંબિક અદાવતને કારણે, કોઈ પણ કારણે આ અમાનવીય કૃત્ય છે અને કોઈ કાળે સ્વીકાર્ય નથી. કોઈ ચૅનલના કહેવા મુજબ, નીચી જાતિની છોકરીનો બળાત્કાર કર્યો ઊંચી જાતિના છોકરાઓ દ્વારા. એકવીસમી સદીમાં આપણે આવી ઊંચી અને નીચી જાતિની વાત કરીએ છીએ! જાતિવાદ પર ધિક્કાર છૂટે એવી આ વાત છે, પણ આ હકીકત છે. ન્યુઝ-ચૅનલોનું કહેવું છે કે જાતિવાદને લીધે આ ઘટનાને દબાવી દેવાના પ્રયાસ થયા અને બહુ દિવસો સુધી છોકરાઓની શોધ ન થઈ કે પછી આરોપીઓની ધરપકડ ન થઈ. છેક ત્યાં સુધી કે છોકરીની અંતિમક્રિયા પણ મા-બાપની હાજરી અને મંજૂરી વિના કરી નાખવામાં આવી.

યુપી પોલીસનું આ કૃત્ય ખૂબ વખોડાયું છે અને એની ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. સાત દિવસમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આખો રિપોર્ટ આપવાનો છે. દેશભરમાં આ ઘટના વિરુદ્ધમાં ક્રોધની જબરદસ્ત લાગણી ફેલાઈ છે. આ લખતી વખતે મને પણ ખૂબ ગુસ્સો આવે છે. હજી ચાર-પાંચ દિવસ પહેલાં આપણા દેશમાં ડૉટર ડે ઊજવાયો. ખૂબ બધા મેસેજ આવ્યા. દીકરી માટે કહેવાતા ગોલ્ડન વર્ડ્‍‍સ કહેવાય એવી વાતો અને વાક્યો વાંચીને ખૂબ ખુશી થઈ, આનંદ થયો અને એવામાં એક જગ્યાએ એક દીકરી સાથે આવું કૃત્ય થાય તો ક્રોધથી કોપાયમાન થઈ જ જવાય. અત્યારે બધે જ આખા દેશમાં બળાત્કારીઓને ફાંસી આપવાની માગણી થઈ રહી છે અને ક્યાંક-ક્યાંક તો એવી સજાની વાત થઈ રહી છે કે ક્રોધ વચ્ચે એ માગણીઓ પણ યોગ્ય લાગે. હું સામાન્ય રીતે દેશ-વિદેશના સમાચાર પણ નિયમિત જોતો હોઉં છું. ગઈ કાલે બપોરે જ સમાચારમાં જોયું કે નાઇજિરિયામાં આવી જ એક દુર્ઘટના પ્રકાશમાં આવી. ત્યાંની એક છોકરી પર પાડોશના છોકરાઓએ જ આવું દુષ્કર્મ આચર્યુ. ત્યાંના લોકોની માગણી છે કે આ બધાનું કૅસ્ટ્રેશન કરી નાખવું જોઈએ. કૅસ્ટ્રેશન એટલે પુરુષોના વંશને વધારવા માટે જરૂરી એવા અંગને કાપી નાખવું. ભારતમાં પણ આ અને આવી બીજા અનેક પ્રકારની સજાની માગણીઓ થઈ રહી છે. લગભગ લોકોએ કુકર્મની કંપારી છૂટી જાય એવી સજાની માગણી કરી છે જેથી આપણા દેશમાં બળાત્કાર બંધ થઈ જાય અથવા સારા અંશે એમાં ઘટાડો થાય. ઘટાડો શું કામ, બંધ જ થવા જોઈએ. દુનિયાઆખીમાં આ કુકર્મ માટે અલગ-અલગ કાયદાઓ અને સજા છે. ઘણી જગ્યાએ હ્યુમન રાઇટ્સ એજન્સીઓ આવા કુકર્મીઓને મોતની કે પછી ક્રૂર સજા ન થાય એ માટે રડે પણ છે અને લડે પણ છે. જેમ કસબ કે દુનિયાના કોઈ ગંભીર ગુનો કરનારા ગુનેગારને વકીલ મળે જ છે. માનવીય અધિકારના નામે આવા કેસમાં કુકર્મીઓના વહારે આવે છે અને તેના વતી કેસ લડે છે. તેમનું માનવું અને કહેવું છે કે આ એક માનસિક બીમારીમાંથી જન્મેલું કૃત્ય છે અને માટે તેમને એટલે કે બળાત્કારીઓને બીમારની જેમ ગણીને સજાની સાથોસાથ ઇલાજ આપવો જોઈએ.

ક્યાંથી ક્યાં જાય છે આ દુનિયાના વિચારો. વિશ્વમાં ઘણા ટકા એવો વર્ગ છે જેમાં બળાત્કારની ફરિયાદ થતી જ નથી. એનાં કારણોમાં અનેક પ્રકારના ડરનો સમાવેશ થાય છે; સમાજનો ડર, બદનામીનો ડર, વાત વધશે અને કાયદાથી ન્યાય નહીં મળે એવો ડર, વકીલના ખર્ચાનો ડર, કોર્ટ-કચેરીના ધક્કાનો ડર, દીકરી જો કુંવારી હોય તો સારું ઠેકાણું નહીં મળે એનો ડર તો ઘણી વાર આવું કૃત્ય કુટુંબના કોઈકે કે પછી નજીકના મિત્રમાંથી જ થયેલું હોય તો એ બહાર આવે ત્યારે પરિવાર કે મિત્ર કે પછી સમાજની બદનામીનો ડર. ઘણી વાર સમાજના મોટા-મોટા મોભીઓનાં નામ પણ બહાર આવ્યાં છે આમાં. જો સમાજની મોટી વ્યક્તિની સંડોવણી હોય તો એની પહોંચનો ડર. આવા બીજા ઘણા ડર છે પણ સામા પક્ષે આવું કૃત્ય કરનારાઓ બિલકુલ નીડર છે, બિન્દાસ ફરે છે, ફરે છે અને વિકૃતિભર્યાં કૃત્યો કરે છે. પોતાની ક્ષણિક કે કાયમી માનસિક વિકૃતિઓને સંતોષવા. આમાં પાછું જો એકાદ વાર કરીને તેમની સામે કેસ ન થાય કે સજા ન થાય તો તેમની હિંમત વધી જાય છે અને પછી વારંવાર આવું કૃત્ય આચરે છે,

એકની એક વ્યક્તિ દ્વારા અને એકની એક વ્યક્તિ પર.

તમને આ બધું થોડું અકળાવતું હોય તો સમય છે આ અકળામણને વ્યક્ત કરવાનો. આની ચર્ચા અને આની સામેનો વિરોધ એવી રીતે નોંધાવો કે આપણી આસપાસના દરેકને ખબર પડે કે આવા કૃત્યનું પરિણામ શું આવી શકે. તમને થતું હશે કે આપણી આસપાસ? તમે મનોમન કહેશો પણ ખરા કે આપણી આસપાસ ન હોય જેડીભાઈ, આપણે તો ભદ્ર વર્ગના લોકો છીએ, ભણેલા-ગણેલા, શિક્ષિત. અપર ક્લાસવાળા. પણ ના, એવું નથી અને જો એમ છતાં પણ તમે તમારી મુસ્તાકીમાં હો તો અહીં તમારી ભૂલ થાય છે. મેં તમને અગાઉ કહ્યું એમ, આપણી આસપાસ પણ ઘણાં કૃત્ય થાય છે, પણ એ બહાર નથી આવતાં. બહાર નહીં આવતાં અને કાયમ માટે દબાઈ જતાં આવાં કૃત્યોને પણ રોકવાં જ રહ્યાં, દરેક સ્તરે અને દરેક જગ્યાએ. દરેક પ્રકારના વર્ગમાં, સમાજમાં, આખી દુનિયામાં. બહુ મોટા ફિલ્મસ્ટારે પરમ દિવસે આ ઘટનાના અનુસંધાનમાં ટ્વીટ કર્યું કે આ પ્રકારનાં કૃત્યો કરનારાઓને તરત મોતની સજા આપી દેવી જોઈએ. આ ટ્વીટની સામે એક મનોચિકિત્સક ડૉક્ટરે રિપ્લાય આપ્યો. એ મનોચિકિત્સકનું કહેવું હતું કે આવી સજા આપીને તમે આવા ગુનેગારોને વધારે ખતરનાક બનાવો છો. જોજો, તમે આપણે વિચારીએ નહીં એવું આ ડૉક્ટર વિચારતા હોય છે. ઘણા બળાત્કારી એ કૃત્ય કરીને કોઈને ખબર ન પડે એની ધમકી આપી પોતે ભાગી જતા હોય છે અને પીડિતને છોડી મૂકતા હોય છે. હવે આ ડૉક્ટરોનું કહેવું છે કે ગુનેગાર પોતાના કૃત્યનો પુરાવો ન રહે એ માટે વધુ ખતરનાક પગલું ભરીને પીડિત વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા થઈ જશે.

જેમ વધુ ઊંડાણમાં વિચારતા જાઓ એમ આવું ઘણું-ઘણું જાણવા અને સમજવા મળે છે અને સમજતાં-સમજતાં જે સમજાય છે એની વાત આપણે કરીશું આવતા શુક્રવારે.

columnists JD Majethia