શું મુંબઈમાં સાપની સંખ્યા વધી ગઈ છે?

09 January, 2021 01:09 PM IST  |  Mumbai | Bhakti D Desai

શું મુંબઈમાં સાપની સંખ્યા વધી ગઈ છે?

મુંબઈમાં કમ્પ્લીટ લૉકડાઉન હતું ત્યારે મલબાર હિલના હૅન્ગિંગ ગાર્ડનની બહાર મલબાર હિલ પોલીસ સ્ટેશન પાસે પાંચથી છ ફૂટનો મોટો કોબ્રા શુભમ બેન્દ્રે નામના સ્નેકકૅચરે પકડ્યો હતો. (તસવીર: બિપિન કોકાટે)

જ્યાં હરિયાળી, વન્યસૃષ્ટિ વિકસી હોય ત્યાં જ સાપ જેવાં પ્રાણીઓ રહેતા હોય છે એવી આપણી માન્યતા છે પણ મુંબઈમાં સાપ નીકળવાનું પ્રમાણ હવે દિનપ્રતિદિન વધતું ચાલ્યું છે. સાપ જોઈને ડરી જવાય એ સ્વાભાવિક છે પણ આ સાપ પણ પ્રકૃતિના ચક્રનો બહુ મહત્ત્વનો હિસ્સો છે એટલું જ નહીં, આપણા શહેર માટે બહુ કામના છે. આજે નિષ્ણાતો પાસેથી જાણીએ મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં દેખાતા સાપની વિશેષતાઓ અને એનાં કારણો

થોડા દિવસ પહેલાં જ કાંદિવલી (ઈસ્ટ)માં એક હાઉસિંગ સોસાયટી પાસે અત્યંત ચોંકાવનારી પશુક્રૂરતાની ઘટના સામે આવી હતી જેમાં સાપના મોઢા પર વાપરેલું કૉન્ડોમ ફસાયું હતું. સવારે લગભગ સાડાઆઠ વાગ્યાના સુમારે એક સ્થાનિક રહેવાસીએ જ્યારે આ સાપને જોયો ત્યારે એ એકદમ વિચિત્ર રીતે છટપટતો હોય એવું લાગતું હતું. રહેવાસીએ સાપને બચાવવા માટે એક સર્પમિત્રને બોલાવ્યો. સામાન્ય રીતે સાપ એની નિયમિત સર્પાકાર ગતિએ ચાલતો હોય, પણ આ સાપ કંઈક વિચિત્ર રીતે જ ઊછળકૂદ કરી રહ્યો હતો. સામાન્ય રીતે સાપ માણસોને જોઈને ત્યાંથી સલામત જગ્યાએ ઝાડીમાં છુપાઈ જવાનું પસંદ કરતો હોય છે, પણ આ સાપ માણસો એકઠા થયા પછી પણ કોઈક વિચિત્ર રીતે મૂવમેન્ટ કરતો હતો. નજીક જઈને જોતાં ખબર પડી કે એના મોં પર કશુંક બંધાયેલું છે. આ બંધાયેલી ચીજ હતી વપરાયેલું કૉન્ડોમ. એ સાપના મોં પર ફિટ થઈ ગયું હતું. સર્પમિત્રએ જ્યારે અઢી ફુટ લાંબા એ સાપને બચાવ્યો ત્યારે એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી એ છટપટતો હતો. બચાવનાર સર્પમિત્રનું કહેવું છે કિલબૅક તરીકે ઓળખાતા આવા સાપના મોં પર કૉન્ડોમ ફિટ કરવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કારસ્તાન ન હોઈ શકે કેમ કે આ સાપ ભલે ઝેરી નથી, પરંતુ એનો દંશ બહુ જ પીડાદાયક હોય છે. સોય જેવા દાંત સાપ એક વાર તમારી સ્કિનમાં ભરાવી દે એ પછી એની પકડ છોડવી અઘરી હોય છે. આ કિલબૅક સાપને બચાવીને બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લઈ જવાયો અને ત્યાં એનું મેડિકલ ચેક-અપ પણ થયું. કોઈકે સાપ સાથે મજાક કરવા કે ત્રાસ આપવા જાણીજોઈને આવું કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે અને આ કૃત્ય કરનારની સઘન શોધ પણ ચાલી રહી છે. 

સાપ નીકળવા સામાન્ય છે. આરે કૉલોની, પવઈ, નૅશનલ પાર્કના વિસ્તારોમાં જ્યાં વન્યસૃષ્ટિ ખીલેલી છે એની આસપાસના વિસ્તારોમાં સાપ નીકળવા સામાન્ય છે, પણ આજકાલ મુંબઈમાં કૉન્ક્રીટનું જંગલ કહેવાતા વિસ્તારોમાં પણ સાપ નીકળવાનું બહુ સામાન્ય થઈ ગયું છે. છેલ્લાં બે-ત્રણ વર્ષોથી આપણી આસપાસના ઉદ્યાનમાં અને રેસિડેન્શિયલ કૉલોનીઓમાં આજુબાજુમાં સાપ દેખાવાના અનેક કિસ્સા બન્યા છે. હવે તો હાઇવે પર, રસ્તાઓ પર પાઇથન ફરતા જોવા મળવાની ઘટના પણ બની રહી છે. પહેલાં આરે કૉલોની, સંજય ગાંધી નૅશનલ પાર્ક, બોરીવલી અને કાંદિવલીમાં જ્યાં ઝાડનું પ્રમાણ વધારે હતું ત્યાં જ માત્ર સાપ વધારે દેખાતા હતા તો હવે કેમ કોઈ પણ જગ્યાએ એ સરળતાથી હરતા-ફરતા દેખાય છે? શું આનો અર્થ એવો છે કે એમની સંખ્યામાં વધારો થયો છે? આવા અનેક પ્રશ્નોના જવાબ અને સાપ વિશે સવિસ્તર માહિતી મેળવવા આજે આપણે અમુક સર્પમિત્રો અને સર્પ સંશોધક સાથે વાત કરીએ.

શું સાપનું પ્રમાણ વધ્યું છે?

સાપ પર ઊંડું સંશોધન કરનાર, એમને બચાવવા માટે મૂવમેન્ટ ચલાવતા અને સ્નેક કન્ઝર્વેશનના ટ્રેઇનર થાણેના કેદાર ભીડે મુંબઈમાં સાપના હરવા-ફરવા અને બહાર સરળતાથી દેખાવાનાં અમુક કારણો સમજાવતાં કહે છે, ‘મુંબઈની વાત લઈએ તો છેલ્લાં બે વર્ષથી બધે રોડનું કામ, ખોદકામ અને મેટ્રોનાં કામ જોરશોરમાં ચાલી રહ્યાં છે. આને કારણે સાપના નિવાસસ્થાનનો વિનાશ થઈ રહ્યો છે તેથી સાપને નવી જગ્યા શોધવાની ફરજ પડે છે. આ એક કારણથી તેઓ હાઇવે પર કે બિઝી રસ્તાઓ પર ફરતા દેખાય છે. બીજું કારણ એ છે લોકોમાં હવે સાપને બચાવવા પ્રત્યેની એક જાગૃતિ આવી છે એટલે રેસ્ક્યુ કૉલ્સની સંખ્યા વધી છે. સર્પમિત્ર કે સ્નેક રેસ્ક્યુઅરના નંબર પણ ઇન્ટરનેટ પર સહેલાઈથી મળી રહે છે. આનું ત્રીજું કારણ ખૂબ રસપ્રદ અને થોડું ચિંતાજનક પણ છે. શહેરી જૈવ વિવિધતા અને શહેરી માહોલ કૉબ્રા, રૅટ સ્નેક, રસેલ વાઇપર્સ જેવી અમુક જાત માટે ખૂબ સારી રીતે અનુકૂળ બની રહે છે. આ જાતના સાપને બિલ્ડિંગમાં કે આસપાસનાં ઉદ્યાનોમાં છુપાવાની જગ્યા, એના ખોરાક માટે ઉંદર અને ઈંડાં મૂકવા માટે સુરક્ષિત એકાંતની જગ્યા મળી રહે તો એમનો સર્વાઇવલ દર અને સંવર્ધન દર વધવા લાગે છે. આથી આવી અમુક જાતના સાપની સંખ્યા મુંબઈમાં વધી છે. બીજી તરફ સાપની અન્ય જાત, જે પહેલાં સામાન્ય રીતે દેખાતી હતી એ લુપ્ત થઈ રહી છે. આવી જાતના સાપ એટલે કે અર્બોરીઅલ સ્પીશીઝના સાપ. આને જીવવા માટે વૃક્ષોનું આચ્છાદન, ઝાડ-પાન, વનસ્પતિ વગેરેની અત્યંત આવશ્યકતા હોય છે. આના અભાવને કારણે મુંબઈમાં એની સંખ્યા અલ્પ થઈ રહી છે. એને કારણે પણ મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અમુક જાતના સાપ વધારે ફરતા દેખાય છે, જ્યારે અમુક જાત નહીંવત થતી જણાઈ રહી છે. આનાથી સાપની જાતિઓની સંખ્યામાં એક સંતુલન દેખાઈ રહ્યું છે. મુંબઈમાં ૪૫થી વધારે જાતના સાપ હતા, જેમાંથી હવે ખૂબ ઓછા રહ્યા છે.’

સાપ ઈંડાં મૂકવા સુરક્ષિત જગ્યા શોધે છે

સર્પમિત્રની કલ્પનાના અગ્રણીઓમાંથી પ્રખ્યાત એવા ભાંડુપના ભાઈ તારકર ચાલીસ વર્ષોથી સર્પમિત્ર તરીકે પ્રચલિત છે. લક્ષ્મણ તારકર રસપ્રદ અનુભવો વર્ણવતાં કહે છે, ‘સાપ જ્યારે આપણી વસ્તીમાં દેખાય છે ત્યારે એનું એક કારણ એ પણ હોય છે કે એ માદા સાપ ઈંડાં મૂકવા સુરક્ષિત જગ્યાની શોધમાં ફરે છે. હું જે સાપ પકડીને લાવું છું એ ઘણી વાર તરત જ ઈંડાં મૂકે છે. તેથી આ વિષયમાં મારી રુચિ વધી અને સાપનાં ઈંડાંનું કૃત્રિમ રીતે સેવન કઈ રીતે કરી શકાય એમાં મેં નિપુણતા મેળવી. સાપ સમાન્ય રીતે ઈંડાં મૂકીને એના રક્ષણ માટે એની આજુબાજુ રહે છે. મણિયાર, કિંગ કૉબ્રા, ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કૉબ્રા અને ચેકર્ડ કિલબૅક આ ચાર નાગ પોતાનાં ઈંડાંની આસપાસ રહે છે અને માત્ર ઇન્ડિયન રૉક પાઇથન અમુક અંશે ઈંડાં પર વીંટળાઈને સ્નાયુઓની ઉષ્ણતા એમને આપે છે. જન્મતાંની સાથે જ સાપનાં બચ્ચાં સ્વતંત્ર રીતે એમનું ભક્ષ્ય શોધે છે તેથી જ નિસર્ગની ચક્ર રચના એવી હોય છે કે જે ઋતુમાં દેડકાનાં બચ્ચાં જન્મે છે એ જ સમયે સાપનાં બચ્ચાં પણ જન્મ લે છે અને દેડકાનાં બચ્ચાં સાપનાં બચ્ચાંના ભક્ષ્ય બને છે.’        

હવે લોકોમાં સાપને બચાવવાને લઈને ઘણી સજાગતા આવી છે એ વિશે ભાઈ તારકર કહે છે, ‘અમને દિવસમાં ૪થી ૫ સાપ બચાવ માટેના કૉલ્સ આવે છે. પહેલાં લોકો સાપ દેખાય કે મારી નાખતા હતા, જે ન થવું જોઈએ તેથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે સર્પમિત્ર અને વનમિત્રનું એક ગ્રુપ બનાવ્યું છે. કોઈ વાર સર્પમિત્રને થોડું પણ મોડું થાય તો લોકો સાપને મારી પણ નાખે છે, જે ખૂબ દુ:ખદાયક ઘટના છે. સાપને મારવાથી ઉંદરની સંખ્યા વધશે, જેનાથી ભારે નુકસાન થશે. તબીબી વિશ્વમાં સાપના વિષનું પણ ખૂબ મહત્ત્વ છે અને સાપની સંખ્યા ઓછી થવાથી આની પર પણ અસર પડશે. સાપનું પ્રકૃતિના ચક્રમાં ખૂબ મહત્ત્વ છે.’

સાપ દંશ ક્યારે મારે? 

સાપને મારી નાખનારા લોકોને મોટા ભાગે સાપ કરડી જશે એનો ભય હોય છે. જોકે સાપ પણ કંઈ એમ જ તમને જોઈને હુમલો કરવા નથી આવતો. સાપના ડિફેન્સ મેકૅનિઝમ વિશે વાત કરતાં કેદારભાઈ કહે છે, ‘સર્પદંશ સો ટકા સાપ પોતાના બચાવ માટે જ કરે છે. સાપને પોતાના બચાવ માટે કુદરતે ફક્ત મોઢું જ આપ્યું છે અને એક છેલ્લામાં છેલ્લા પર્યાય તરીકે બચાવ માટે સાપ કોઈને દંશે છે. જેવી રીતે આપણને કોઈ ત્રાસ આપે અને આપણે એને મારીએ અથવા આપણો બચાવ કરીએ બસ એ જ રીતે. સાપનો દંશ મહદ અંશે ‘ડ્રાય સ્નેક બાઇટ’ હોય છે જેમાં વિષારી કે ઝેરી સાપ પણ જો દંશે તો એનો એના વિષ પર એટલો સંયમ હોય છે કે એ દંશમાં વિષ નથી છોડતો અને તેથી એને ડ્રાય સ્નેક બાઇટ કહે છે, પણ એક વાત ધ્યાનમાં રહે કે જેને પણ સાપ કરડે તેણે તરત જ હૉસ્પિટલ જવું જોઈએ.’  

સાપને છંછેડવામાં ન આવે તો કલાકો સુધી પણ એ માણસને દંશતો નથી. આ વાતનું ઉદાહરણ આપતાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સર્પમિત્ર આકાશ જાધવ કહે છે, ‘અમારે ત્યાંની સિવિલ હૉસ્પિટલમાંથી ગયા અઠવાડિયે મને એક ફોન આવ્યો. રાતનો દોઢ વાગ્યો હતો, હું ભર ઊંઘમાં હતો. કોઈકે કહ્યું, ‘આઇસીયુની બહાર એક દરદીના સંબંધી ભર ઊંઘમાં સૂતા છે અને તેમના શર્ટમાં સાપ છે. તમે જલદી એને કાઢવા આવો.’ મને પહેલાં થયું કોઈ મશ્કરી કરે છે. પંદર મિનિટના અંતર પર ત્રણ વાર ફોન આવ્યા તેથી હું ઊઠીને સીધો ત્યાં પહોંચી ગયો. આ બધામાં આશરે પોણો કલાક વીતી ગયો હતો, પણ તે ધોતી અને શર્ટ પહેરેલા કાકા એક જ પડખે સૂતેલા હતા. સાપ બરાબર તેમની પીઠ પર એટલે કે શર્ટની અંદર ચીટકીને નિરાંતે બેસી ગયો હતો. સાપને કેમ કાઢવો આની પર વિચાર કર્યો અને સાપની જાત એના નાના હિસ્સાને જોઈને હું ઓળખી શકું તેથી મેં ધીરેથી શર્ટ ઊંચું કરીને જોઈ લીધું કે સાપ ઝેરી તો નથીને. એ વિષારી નહોતો. ધીરેથી તેમના શર્ટમાં હાથ નાખી લીલો સાપ મેં કાઢી લીધો. તે કાકા હજીયે એમ જ સૂતા હતા અને આશરે સવા કલાક સાપ તેમની પર હતો. તેમને દંશ મારવાનું તો દૂર એ સાપ હલ્યો પણ નહોતો.’

 

સાપ બહુ કામના છે હોં!

પૃથ્વી પરના દરેક જીવની આખી ઇકોલૉજીમાં આગવી ભૂમિકા છે. આપણે ત્યાં સાપની અગત્યની ભૂમિકા સમજાવતાં સર્પમિત્ર કેદાર કહે છે, ‘ગ્રાઉન્ડ લેવલ ઇકોલૉજીમાં સાપ એટલે મહત્ત્વ ધરાવે છે, કારણ કે સાપની સંખ્યા ઓછી થતાં જ લેપ્ટોસ્પાઇરોસિસનું પ્રમાણ વધી શકે, આપણાં મકાનોના ફાઉન્ડેશનને ઉંદરથી હાનિ વધી શકે છે, શહેરમાં તબીબી નુકસાન, અનાજનું નુકસાન, આર્થિક નુકસાન આ બધું વધી શકે છે. ગામડામાં અનાજ અને ખેતીનું નુકસાન વધી શકે છે. તેથી સાપ બચાવો અને પર્યાવરણના ચક્રનું સંતુલન જાળવો એમાં જ માનવજાતિનું હિત છે.’

સાપ વિશેની ગેરસમજણો

ભાઈ તારકર લોકોની સાપ વિશેની અમુક માન્યતાઓને લઈને કહે છે, ‘સામાન્ય રીતે વર્ષાઋતુમાં સાપનું મિલન થાય છે. એક વાર મુલુંડની એક સોસાયટીમાંથી મને  ફોન આવ્યો અને હું પહોંચ્યો તો લોકોની ખૂબ ભીડ જામી હતી. મેં જોયું તો બે સાપ એકબીજાની સાથે સાંકળી લઈને જમીનથી ઉપર સુધી અધ્ધર થોડા સમય માટે ઊભા હતા. લોકોને થયું આ નર સાપ અને માદા સપનું મિલન છે, પણ વાસ્તવિકતા જુદી જ હતી. આ બન્ને નર સાપ હતા, જેમની લડાઈ ચાલી રહી હતી.  સાપમાં મિલન માટે બે નર સાપની લડાઈ થાય અને જે સાપ જીતે એ માદા સાપ સાથે મિલન કરે. એવામાં હું એમને પકડવા ગયો તો એક સાપ ભાગી ગયો અને બીજો પકડાયો. હું જઈ રહ્યો હતો ત્યારે એક માણસ આવ્યો. તેના હાથમાં કોરું કાપડ હતું. તેણે મને પૂછ્યું કે પેલા બે સાપ ક્યાં ગયાં? મેં કહ્યું, એક ભાગી ગયો અને બીજો મારા હાથમાં છે. તે ખૂબ જ હતાશ થઈ મારી પર ભડકી ગયો. મને ઉત્સુકતા થઈ કે આવું શું થયું કે તે આટલો હતાશ થઈ ગયો? તેણે જવાબ આપ્યો કે તેઓમાં એક એવી અંધશ્રદ્ધા છે કે સાપનું મિલન થતું હોય ત્યારે જે માણસ એમની પર એક કોરું કપડું નાખી દે તે ખૂબ ધનવાન થઈ જાય છે. આવી જ એક માન્યતા ઘણા લોકોને સાપની કાંચળીને લઈને હોય છે. સાપની કાંચળી કબાટમાં રાખવાથી ખૂબ ધન આવે છે એવું અમુક લોકો માને છે ત્યારે હું લોકોને હસતાં-હસતાં કહું છું કે આનાથી ધનની તો ખબર નથી, પણ આ પ્રોટીનસભર હોય છે તેથી કબાટમાં અસંખ્ય કીડીઓ જરૂર હાલી મળશે.’

Box

મહારાષ્ટ્રમાં સાપની ઘટતી સંખ્યા અને કારણો

અહમદનગરમાં રહેતા આવા જ એક અનુભવી સર્પમિત્ર અને સાપ પર ઊંડો અભ્યાસ કરનાર આકાશ જાધવ અહીં કહે છે, ‘મારા વાંચન અનુસાર આશરે ચાલીસેક વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં સાપની ૭૦થી ૭૫ જાતિ હતી જે હવે આશરે પંચાવન રહી ગઈ છે. વાસ્તવમાં સાપની અમુક જાતિઓ નષ્ટ થઈ ગઈ છે, સાપની સંખ્યા ઓછી થઈ છે અને જો આવું જ ચાલતું રહ્યું તો આખી પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન થશે. ઝાડ પર્યાવરણનું એક મુખ્ય ઘટક છે તો બીજું મુખ્ય ઘટક સાપ છે. મહારાષ્ટ્રમાં સાપનું કોઈના ઘરમાં, કોઈના બાથરૂમમાં અચાનક જઈને બેસી જવું, રસ્તા પર દેખાવું આવી ઘટનાનું પ્રમાણ હવે ઘણું વધી ગયું છે. આ સ્વાભાવિક છે, કારણ કે મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં જંગલ કાપીને શહેરીકરણ થવા લાગ્યું છે. હું જ્યાં રહું છું ત્યાં આજથી ત્રીસ વર્ષ પહેલાં જ્યાં નજર નાખો ત્યાં ગીચ ઝાડ અને જંગલ હતાં, હવે અહીં ફક્ત લોકોનાં ઘર, બંગલો અને શહેર જેવી સુવિધાઓ જ દેખાય છે. સાપને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું હોય તો એને માટે સ્થળ જ નથી. આ આખા પરિવર્તનમાં સાપના વસવાટ માટે, પ્રજનન માટે અને એમની ઉત્પત્તિ વધવા માટે એમની પાસે જગ્યા રહી નથી. એમને ઈંડાં મૂકવા સુરક્ષિત જગ્યા નથી મળતી. એક સાપને માટે હવે જંગલ જેવી એકાંતની જગ્યાની એટલી કમી છે કે એનું આખું જીવન સંઘર્ષ જ છે. લોકોમાં સેકન્ડ હોમનું આકર્ષણ વધવાને કારણે મોટા ડેવલપર્સ જૂના ઝાડ કાપીને પણ ટાઉનશિપનું નિર્માણ કરે છે. આવા બંગલોમાં જ્યારે સાપ કોઈના ઘરમાં અથવા બાથરૂમમાં દેખાય તો લોકો એને પોતાના ઘરમાં આવી ગયો એમ વિચારીને મારી નાખે છે પણ સાપ અહીંનો સ્થાનિક નિવાસી છે, એ ક્યાં જાય? સાપ આપણને ક્યારેય વગર કારણે દંશ મારતો નથી, પણ મનુષ્ય પોતાના ડરને કારણે એનો જીવ લઈ લે છે.’

સર્પમિત્ર

નિસર્ગપ્રેમને વશ થઈ રસ્તા પર આવેલા સાપને કેવી રીતે પકડવા અને જંગલમાં છોડવા એ વિશેની તાલીમ લે છે અને પોતાનું કામ સંભાળવાની સાથે એક સેવા તરીકે આવાં કામ કરે છે. આનું કોઈ ફૉર્મલ શિક્ષણ નથી હોતું. અંગ્રેજીમાં તેમને સ્નેક રેસ્ક્યુઅર કહે છે અને ગુજરાતી, મરાઠીમાં સર્પમિત્ર તરીકે સંબોધાય છે.

columnists bhakti desai