હર્ષદ મહેતા આજે પણ હયાત છે

16 October, 2020 02:49 PM IST  |  Mumbai | J D Majethia

હર્ષદ મહેતા આજે પણ હયાત છે

હર્ષદ મહેતા

હા, આ સાચું છે. હર્ષદ મહેતા, ‘ધી બિગ બુલ’ હર્ષદ મહેતા આજે પણ હયાત છે.
આપણા બધાની વચ્ચેથી હર્ષદ મહેતાની વિદાય થઈ જ નથી અને આવનારા દસકાઓ સુધી તેમની વિદાય નહીં થાય. જ્યારે-જ્યારે સ્ટૉક માર્કેટ કે ફાઇનૅન્શિયલ માર્કેટમાં સ્કૅમ થશે ત્યારે-ત્યારે હર્ષદ મહેતાના રેફરન્સિસ આવતા રહેશે. એને કારણે સર્જાયેલી તારાજીમાં ઘણા લોકોની વાતો સામે આવશે, એ વાતોમાંથી ઊભી થયેલી વાર્તાઓ સામે આવશે. સામે આવશે અને ફરીથી જીવંત થતી રહેશે. એ વાતો પણ અને આપણી વચ્ચે હર્ષદ મહેતા પણ. હું એક વાત માનું છું અને બહુ દૃઢપણે કહું છું કે હર્ષદ મહેતાને ફક્ત સ્કૅમ માટે જ યાદ કરવા બિલકુલ યોગ્ય નહીં ગણાય. જો મારું ચાલે તો તેમની આખી કરીઅરના પ્રકરણને એક કેસ સ્ટડી તરીકે ફાઇનૅન્શિયલ કોર્સમાં ઉમેરી વિદ્યાર્થીઓએ ‘શું કરવું’ અને ‘શું ન કરવું’ એની તાલીમ અપાવું. હર્ષદ મહેતાના સ્કૅમને બાજુએ મૂકીને એક વાર જુઓ તમે, એ કેવો હોશિયાર હતો, કેવી તેની ચપળતા હતી અને જુઓ કેવી વિશાળ તેની મહત્ત્વાકાંક્ષાઓ હતી. મહત્ત્વાકાંક્ષાની આ વાત લગભગ દરેક ગુજરાતીને લાગુ પડે છે.
સિસ્ટમના લૂપહોલ્સને જોઈ-સમજીને એમાંથી રસ્તો કાઢીને આગળ વધવામાં કોઈને ખોટું નથી લાગતું. હર્ષદ મહેતાએ પણ એમ જ કર્યું હતું. મારે વધારે નથી કહેવું, પણ એક વાત તો સૌકોઈને લાગુ પડે કે દરેકેદરેક પોતાના ધંધા કે પછી જીવનમાં આવું નાના-મોટા પાયે કરી લેતા હોય છે, જાણતાં-અજાણતાં. આ વાક્યમાં બે-બે શબ્દોની જે જોડી આવે છે એ બહુ મહત્ત્વની છે. ‘નાના-મોટા’ પાયે અને ‘જાણતાં-અજાણતાં.’
અજાણતાં કરો તો જે ખોટું છે, ગુનાહિત છે એ એમનું એમ જ રહેશે. નાના પાયે કરો તો પણ આ જ વાત લાગુ પડે. વાત રહી જાણતાં કરવાની અને મોટા પાયે કરવાની તો તો એ ગુનો છે, છે અને છે જ. પણ મહત્ત્વની વાત એ છે કે તમારી સફળતા મેળવવાની, આગળ વધવાની અને પરિવારની આર્થિક પરિસ્થિતિ સુધારવાની ભૂખ હોય ત્યારે ખોટા અને ખરાબનો ભેદભાવ ક્યારે હાંસિયામાં ધકેલાઈ જાય છે એનો તમને ખ્યાલ જ નથી રહેતો અને આગળ વધતા જ જાઓ. એ પછી તો એમાં ઉમેરાય પૈસો અને પ્રસિદ્ધિનો નશો. આ નશો એવો છે કે એ તો તમને ક્યારેય ‘સાચું શું’ અને ‘ખોટું શું’નો ભેદભાવ સમજવાની ક્ષમતા જ નથી આપતો અને ધારો કે એ ભેદ સમજાય તો પણ ખોટા અને ખરાબના વમળમાં એવા ભરાઈ ગયા હો તમે કે નીકળવા જતાં વધારે ખોટું થશે કે મોટી ભૂલ થઈ જશે એવા વિચારો મનમાં આવી જાય અને એ વિચારો તમને વધુ ખોટા સુધી લઈ જાય, કહો કે ખેંચી જાય. કદાચ આ જ બન્યું હતું હર્ષદ મહેતા સાથે.
આગળ વધતાં પહેલાં મારે કહેવું છે કે આજે, આમ અચાનક મને હર્ષદ મહેતા કેમ યાદ આવ્યા?
‘સ્કૅમ - 1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી.’
સોની ચૅનલના વેબ-પ્લૅટફૉર્મ સોની લિવ પર આ વેબ-સિરીઝ લૉન્ચ થઈ છે. કામકાજને કારણે તો ખરા જ, પણ સાથોસાથ શોખના હિસાબે પણ હું અલગ-અલગ પ્રકારની વેબ-સિરીઝ જોવા માટે શોધતો જ હોઉં છું. મિત્રો પણ મને સજેસ્ટ કરતા હોય છે પણ આ વેબ-સિરીઝ મને કોઈએ સજેસ્ટ નથી કરવી પડી. કંઈક જોતાં-જોતાં મને ‘સ્કૅમ 1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી’નું ટીઝર જોવા મળ્યું. હર્ષદ મહેતાનું નામ એટલે નૅચરલી રસ પડ્યો તો સાથોસાથ ગુજરાતી ઍક્ટર પ્રતીક ગાંધી, મારો ગમતો કલાકાર. મારા કરતાં પણ આપણા બધાનો ગમતો કલાકાર કહી શકાય અને સાથોસાથ એમ પણ કહી શકાય કે હવે થોડા સમયમાં આખા દેશના લોકોનો ગમતો થઈ જવાનો છે એ કલાકાર.
ટીઝર જોયું અને બસ એ દિવસથી હું રાહ જોવા લાગ્યો સિરીઝ લૉન્ચ થવાની.
૯ ઑક્ટોબરે સિરીઝ લૉન્ચ થઈ. રોજ રાતે જોવાની નિયમિત આદત મુજબ મેં બહુ જ ઉત્સાહ સાથે પહેલા બે એપિસોડ એકબેઠકે જોઈ નાખ્યા. ગમ્યા, પણ બે એપિસોડ પૂરા થયા પછી મને લાગ્યું કે ના, કંઈક ખૂટે છે. કંઈક અધૂરું છે. સૂતા પછી હું ફરી ઊભો થયો અને મેં ફરીથી રાતે બે વાગ્યે નવો એપિસોડ શરૂ કર્યો. એપિસોડ શરૂ થયો અને મને સમજાયું કે જે ખૂટે છે એની ખોટ સિરીઝમાં નથી, પણ મારી, આખી વાર્તા હમણાં જ જોઈ લેવાની તાલાવેલી છે. આગળ વધતાં પહેલાં મારે ખરેખર અહીં જ કહેવું છે કે હૅટ્સ ઑફ ટુ પ્રોડ્યુસર સમીર નાયર, દીપક સેગલ અને ઇન્દ્રનીલ ચક્રવર્તી. સાથોસાથ મારે કહેવું છે કે સોની લિવ પર આટલું અદ્ભુત કન્ટેન્ટ આપવા બદલ દાનિશ ખાન અને સૌગાતા મુખરજી તમારો પણ ખૂબ-ખૂબ આભાર. કન્ટેન્ટ કેવું હોય અને એ કઈ રીતે, કયા સ્વરૂપમાં ઑડિયન્સ સુધી પહોંચાડવું એ ખરેખર આમની પાસેથી શીખવું પડે. ગુજરાતીઓ તો ખરા જ પણ સાથોસાથ હર્ષદ મહેતા, શૅરબજાર અને શૅરબજાર સાથે સંકળાયેલી દરેકેદરેક વ્યક્તિ આ વેબ-સિરીઝ જોશે એની ખાતરી કોઈ પણ આપી શકે.
હવે આવીએ ફરીથી આપણે પેલા બે એપિસોડ પછીની વાત પર. મને સમજાઈ ગયું કે ખોટ વાર્તામાં નહીં, પણ મારી તાલાવેલીમાં છે અને એને હું કાબૂમાં નથી રાખી શકતો એટલે મને સિરીઝ પૂરી જોવાનું મન થાય છે, પણ મેં એ તાલાવેલી કાબૂમાં રાખી અને નક્કી કર્યું કે ૪૫ મિનિટના બે એપિસોડ રોજ રાતે જોવા, એક પણ એસિપોડ વધારે નહીં જોવાનો. સીઝનની હજી તો શરૂઆત જ હોય અને આપણે મોંઘા ભાવે એક જ પાટી આંબાની ઘરમાં લાવ્યા હોઈએ ત્યારે જેમ રોજ સંભાળી-સંભાળીને આપણે એમાંથી કેરી ખાતા હોઈએ એવી જ રીતે મેં એ સીઝનની શરૂઆતની પહેલી પાટીની કેરીની જેમ મજા માણતાં રોજના બે એપિસોડના નિયમ મુજબ પાંચ દિવસ આ સિરીઝ ચલાવી. સિરીઝ પૂરી થઈ ગઈ, પણ એનો નશો. ના સાહેબ ના, એનો નશો હજી પણ નથી ઊતરતો.
આગળ વધીએ એ પહેલાં મારે કહેવું છે કે તમારી સાથે આ વાત એટલા માટે મારે કરવી છે કે હું હર્ષદ મહેતાનો બહુ મોટો ફૅન નથી. ના, જરાય નહીં, પણ મારા વાચક મિત્રોને અમારા પ્રોડક્શન-હાઉસ ‘હૅટ્સ ઓફ પ્રોડક્શન’ તરફથી સારું મનોરંજન આપવા ઉપરાંત મારી બીજી પણ એક ફરજ હું માનું છું. તેમને ગમશે કે પછી તેમને બહુ મજા પડશે એવું કંઈ મને લાગે તો તેમના સુધી એ પહોંચાડવાની મારી જવાબદારી છે. ઘણી સિરીઝ તમે ન જોઈ હોય, આઇડિયા ન હોય તમને એનો એટલે વાત ધ્યાન પર મૂકવી એ મારી ફરજ છે. બહુ ઉત્કૃષ્ટ નાટક કે ફિલ્મો જોયા પછી હું જ્વલ્લે જ એના વિશે લખું છું. આપણી આ જર્ની ઑલમોસ્ટ ત્રણેક વર્ષથી છે, પણ આ ત્રણ વર્ષમાં મેં માત્ર બે વાર ફિલ્મ જોવાનું કહ્યું છે અને એ બન્ને ફિલ્મનાં નામ આજે પણ મને યાદ છે. ‘ચલ મન જીતવા જઈએ’ અને બીજી ફિલ્મ ‘હેલ્લારો’. બેસ્ટ મનોરંજન તમારા સુધી પહોંચાડવાની મારી ફરજ સમજું છું અને એટલે જ તમને એ ફિલ્મોનું મેં કહ્યું હતું. વર્ષ દરમ્યાન ૫૦થી પણ વધારે ફિલ્મ જોતો હોઈશ, કદાચ એટલાં જ નાટકો થતાં હશે અને વેબ-સિરીઝ તો ઑલમોસ્ટ દરરોજ, પણ એ બધાની સિફારિશ મેં ક્યારેય નથી કરી, પણ આ સિરીઝ વિશે કહ્યા વિના મારાથી રહેવાતું નથી. એનું કારણ પણ છે.
હું રીતસર ‘સ્કૅમ-1992 ધી હર્ષદ મહેતા સ્ટોરી’નો રીતસર ફૅન થઈ ગયો છું. સિરીઝનો ફૅન થયો એવી જ રીતે સિરીઝ જોયા પછી હું બીજા પણ ઘણા લોકોનો ફૅન થઈ ગયો. સૌથી પહેલાં તો હું ફૅન થયો આ સિરીઝ જેમના પુસ્તક પર આધારિત છે એવાં પદ‍્મશ્રી લેખક-પત્રકાર સુચેતા દલાલ અને તેમની સાથે નૉવેલ લખવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે એ દેબાશિષ બાસુનો. સુચેતા અને દેબાશિષે એ સમયનું આ આખું સ્કૅમ ખુલ્લું કર્યું અને જો એ ન થયું હોત તો એ બધું વધારે લાંબો સમય ખેંચાયું હોત, ખેંચાયું હોત અને ઇન્વેસ્ટરના બીજા અમુક-તમુક લાખ-કરોડ રૂપિયા ધોવાઈ ગયા હોત. વધુ લોકોની બરબાદી થઈ હોત અને વધારે લોકો દુખી થયા હોત, પણ એવું ન થયું. સુચેતા દલાલ અને દેબાશિષ બાસુએ જે કામ કર્યું એ કામ ખરેખર બહુ મહત્ત્વનું હતું. આજ સુધી માત્ર શાબ્દિક રીતે આ વાત ખબર હતી, પણ સિરીઝ જોયા પછી એ ગંભીરતા માનસિક રીતે વધારે ગંભીરતા સાથે સમજાઈ.
હર્ષદ મહેતા, તેમના પર બનેલી આ વેબ-સિરીઝ અને મારી-તમારી વાતો કન્ટિન્યુ કરીશું આવતા શુક્રવારે, સ્ટે ટ્યુન ટિલ ધેન...

JD Majethia columnists