હૅપી ફાધર્સ ડે, પપ્પા

20 June, 2021 12:20 PM IST  |  Mumbai | Bhavya Gandhi

આ પહેલો ફાધર્સ ડે છે જ્યારે મારી સાથે પપ્પા નથી અને એટલે જ તમને કહું છું કે પપ્પાની ગેરહાજરીમાં તેમને મિસ કરવાને બદલે તેમની સાથે દિલથી જીવી લો

હૅપી ફાધર્સ ડે, પપ્પા

આજે ૨૦ જૂન છે. ફાધર્સ ડે છે અને સાથે મારો બર્થ-ડે પણ છે. મને આજે ચોવીસમું બેઠું. બર્થ-ડે અને ફાધર્સ ડે બન્ને ઘણા આવ્યા, ઊજવ્યા પણ ઘણા; પણ સૌથી બેસ્ટ જો કોઈ વાત મને અત્યારે લાગતી હોય તે એ કે જે બધા મેં ઊજવ્યા એ બધાની મેમરી કાયમ માટે સેવ થઈ ગઈ. જ્યારે આપણી વ્યક્તિ જીવનમાંથી જતી રહે ત્યારે એ વ્યક્તિની આપણી પાસે રહે છે માત્ર મેમરી, યાદ. આજે હું તમને કહું છું કે લાઇફની આ જે સફર છે એમાં આપણે જેટલી વધારે મેમરી બનાવી શકીએ એ જ આપણા માટે સારું છે. 
Life without memory is nothing.
યાદ, મેમરી જીવનમાં યાદ હોવી જોઈએ. યાદ વિના જીવન શક્ય જ નથી અને જો એવું હોય તો એ જીવન નથી. આજે હું દિવસમાં પચાસ વખત મારા પપ્પાને યાદ કરું છું. જેમ એક શ્રદ્ધાળુ માણસ ભગવાનને યાદ કરે એમ મને સતત પપ્પા યાદ આવ્યા કરે. કહો કે એ સતત મારા મનમાં ચાલતા હોય. તેમની યાદરૂપે તેમની અમુક વસ્તુઓ મારી પાસે છે. આ જે વસ્તુઓ છે એ બધાની સાથે ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ ઘટના છે. ફાધર્સ ડે, મધર્સ ડે, બર્થ-ડે જેવા દિવસો આવે ત્યારે મારી મમ્મી મને હંમેશાં કહે કે તું કંઈક એવું કર કે કાયમ માટે યાદ રહી જાય. નાનપણની એ વાતે મને અઢળક યાદો આપી છે. પપ્પા માટે જાતે કાર્ડ પણ બનાવ્યું છે અને તેમના માટે મારી પહેલી ઇન્કમમાંથી ગિફ્ટ પણ લાવ્યો છું. ક્યારેક આખો દિવસ કશું કહું નહીં અને એવી જ રીતે વર્તું કે જાણે મને તેમનો બર્થ-ડે ભુલાઈ ગયો છે અને રાતે સરપ્રાઇઝ સાથે કેક લઈને આવું તો કોઈ વાર બર્થ-ડેની આગલી રાતથી જ તેમની સાથે સેલિબ્રેશન શરૂ કરી દઈએ. ઘણું કર્યું અને ઘણી રીતે કર્યું, પણ એ બધા પછી હવે સમજાય છે કે લાઇફ બદલાઈ રહી છે. 
જેમ-જેમ દુનિયા જોતા ગયા સમજતા ગયા, જેમ-જેમ સમજતા ગયા એમ-એમ બધું ચેન્જ થવા માંડ્યું અને ફાધર્સ ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે નાના થવા માંડ્યા. સમજાયું કે આ દિવસો ચોવીસ કલાકના સેલિબ્રેશનના નથી, કાયમ ઊજવવા માટેના છે. આ ચોવીસ કલાક ટેમ્પરરી છે, ચપટી વગાડતાં નીકળી જશે.
ઉંમરથી પણ મોટા થયા અને ફ્યુચરને સેટ કરવાની દોટ શરૂ થઈ ગઈ. એવી દોડધામ જેમાં આજે, અત્યારે આપણે શું કરીએ છીએ એ પણ જોયું નહીં અને બસ ભાગવાનું કામ કર્યું. દિવસો પસાર થતા ગયા, પણ એમ છતાં વિતાવેલા સારા દિવસો પરથી પણ આંખ ક્યારેય હટી નહીં. મન પણ થવા માંડ્યું કે પહેલાંની જેમ નાના થઈ જઈએ તો સારું, પણ એવું થોડું બને. મનમાં આ વિચાર આવે અને પછી તરત જ ચહેરા પર સ્માઇલ પણ આવી જાય. 
ફ્રેન્ડ્સ, એક વાત મારે આજના આ દિવસે તમારી પાસે સ્વીકારવી છે. હું બહુ અજીબ હતો. મારા કઝિન્સ ગેટ-ટુગેધર રાખે કે પછી ફૅમિલીમાં કોઈ ફંક્શન હોય તો હું એમાં જઉં નહીં. સાચે જ, મને નથી યાદ આવતું કે હું ક્યારેય અમારા કોઈ ફૅમિલી ફંક્શનમાં કે પછી કઝિનના બર્થ-ડેમાં કે ફ્રેન્ડ્સ સાથે ક્યાંય ફરવા ગયો હોઉં. બસ, કામ, કામ ને કામ. આખો દિવસ કામમાં જ હોઉં અને કામમાં ન હોઉં તો નવા કામની તલાશમાં હોઉં. સાચું કહું ફ્રેન્ડ્સ, ભૂલ છે એ. મારી પણ અને જો તમે પણ એવું કરતા હો તો તમારી પણ. લાઇફને મેમરીમાં કન્વર્ટ કરવાનો હેતુ પહેલો હોવો જોઈએ અને એના માટે તમારી તૈયારી હોવી જોઈએ કે એ તમામ જગ્યાએ હાજર રહો જ્યાં આ પ્રકારની મેમરીનું સર્જન થઈ રહ્યું હોય. આ ફંક્શનોમાંથી અમુક ફંક્શનો એવાં હતાં જેમાં મારા પપ્પા હાજર હતા. તેમની વાતો, તેમની હસી-મજાક, તેમની ખુશી હું જોઈ શક્યો હોત; પણ એ મેં મિસ કરી છે અને એ મેં મિસ કરી છે એટલે કહું છું કે તમારા હિસ્સામાં આવતી એ યાદો મિસ ન થવી જોઈએ. જરાય નહીં.
પપ્પા આજે ફિઝિકલી દુનિયા છોડીને અચાનક જતા રહ્યા, જેનું નૅચરલી સૌકોઈને દુખ હોય. જોકે એ દુખ વચ્ચે હું કહીશ કે હવે હાથમાં એક જ વાત રહી છે મારા - તેમની યાદો, તેમની સાથે વિતાવેલી ક્ષણો. પેલા ગીત જેવું છે આ યાદોનું.
બાતેં ભૂલ જાતી હૈ, યાદેં યાદ આતી હૈ...
યે યાદેં કિસી દિલ-ઓ-જાનમ કે 
ચલે જાને કે બાદ આતી હૈ
આ બધી વાત તમને કહેવાનું એક જ રીઝન છે. મારા જેવા ઘણા છે જેઓ આ દિવસોને કે પછી ઘરનાં ફંક્શનોને બહુ ખાસ ગણતાં નથી. તેમના માટે આ દિવસો આવે છે અને જાય છે, એનાથી વધારે કશું નથી. કાં તો તેમના માટે કામ મહત્ત્વનું છે તો કેટલાક એવા પણ છે જેમને એવું લાગે છે કે આ બધું બહુ બચકાના હરકતો જેવું છે. પણ ના, એવું નથી. સંબંધોની કોઈ ગાઇડ હોતી નથી અને સંબંધોમાં કોઈ ગાઇડનો ઉપયોગ પણ કરવાનો હોતો નથી. તમારા પેરન્ટ્સ છે, તમારા ભાઈઓ છે. જીવો તેમની સાથે - મસ્ત રીતે અને પૂરી ખુશીઓ સાથે. આજે પપ્પા વિનાના પહેલા ફાધર્સ ડેના દિવસે હું તમને કહું છું, એ જ કરો જે નાનપણમાં તમે કરતા હતા. શું કામ કરવાનું અને કરીએ તો કેવું લાગે એવા પ્રશ્નો મનમાંથી કાઢીને પપ્પાની આંગળી પકડીને એક વૉક લેવા જાઓ. પપ્પાની સાથે એક પ્લેટમાં આઇસક્રીમ ખાઓ. એક વાર ખોળામાં માથું રાખીને સૂઓ. કરીઅરનો કે પછી ઉંમરનો ભાર સંબંધો પરથી કાઢી નાખો. એક ટાઇટ હગ કરો પપ્પાને, એવી ટાઇટ હગ કે જે લઈને પપ્પાને પણ એમ થાય કે મારો દીકરો, મારી દીકરી મારી બાજુમાં છે. એક વાર, પ્લીઝ એક વાર. ધારી લો આ જ એ પળ છે જેમાં તમારે તમારા પપ્પાની આંખોમાં બધી ખુશી ભરી દેવાની છે, બધી લાગણીઓ આપી દેવાની છે અને એ ક્ષણને દરેક મિનિટે માણતા રહેવાની છે.
ફિલ્મની લાઇન યાદ આવે છે અત્યારે મને.
જીઓ, ખુશ રહો, મુસ્કુરાઓ... 
ક્યા પતા કલ હો ન હો...
યાદ છેને ફિલ્મ. ‘કલ હો ના હો’. રાહુલને બધા પ્રેમ કરે છે. ડરથી નહીં પણ તેના પ્રેમને લીધે. બધાને એ ગમે છે, કારણ કે તે એવું જીવે છે જેવું જીવવાની બધાની ઇચ્છા હોય છે. એ હીરો છે, કારણ કે એ સતત સૌ કોઈના ચહેરા પર સ્માઇલ લાવ્યા કરે છે. તમે પણ એ જ હીરો છો. જુઓ તમારામાં. એક વખત ટ્રાય કરો. એક વાર દિલથી ટ્રાય કરો.
પર સોચ લો ઇસ પલ હૈ જો,
વો દાસ્તાં કલ હો ન હો
લવ યુ પપ્પા ઍન્ડ સૉરી, તમારી સાથે વિતાવી નહીં શકાયેલી એ દરેક ક્ષણ માટે.

 સંબંધોની કોઈ ગાઇડ હોતી નથી અને સંબંધોમાં કોઈ ગાઇડ જરૂરી પણ નથી હોતી. તમારા પેરન્ટ્સ છે, તમારા ભાઈઓ છે. જીવો તેમની સાથે - મસ્ત રીતે અને પૂરી ખુશીઓ સાથે. આજે પપ્પા વિનાના પહેલા ફાધર્સ ડેના દિવસે હું તમને કહું છું, એ જ કરો જે નાનપણમાં તમે કરતા હતા.

Bhavya Gandhi columnists