કાયમી ખુશી (લાઇફ કા ફન્ડા)

11 December, 2019 04:05 PM IST  |  Mumbai Desk

કાયમી ખુશી (લાઇફ કા ફન્ડા)

ક્લાસમાં પ્રોફેસર આવ્યા અને સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘ખુશી એટલે શું અને શું એને માપી શકાય?’ જુદા-જુદા જવાબ મળ્યા. ખુશી એટલે મનગમતું કરવું, ખુશી એટલે કોઈનું મળી જવું, ખુશી એટલે કઈક વધુ મેળવી લેવું, ખુશી મોટી હોય અને ખુશી નાની પણ હોય, ખુશી પળભર માટે પણ મળે અને લાંબા સમય માટે પણ અને ખુશીની વ્યાખ્યા વ્યક્તિ મુજબ અને એની જરૂરિયાત મુજબ બદલાઈ પણ જાય.

આવું ઘણું બધું સાંભળ્યા બાદ પ્રોફેસર બોલ્યા, ‘તમારા કોઈની કોઈ વાત ખોટી છે એમ હું નથી કહેતો, પણ કોઈ વસ્તુ કે ભૌતિક ચીજો પર આધાર રાખ્યા વિના ખુશી મેળવવી હોય તો?’
કોઈએ કઈ જવાબ ન આપ્યો.
પ્રોફેસર હસ્યા અને બોલ્યા, ‘જુઓ, મારી વાત ધ્યાનથી સાંભળજો. આજે હું તમને અમુક એવી ખુશી અને એ કેટલી લાંબી ટકે એ વિષે જણાવી રહ્યો છું જેમાં કોઈ ચીજવસ્તુને મેળવવાની વાત નથી. ફાયદા અને નુકસાનની વાત નથી.’
પ્રોફેસર એવી કઈ ખુશીઓ વિશે કહેશે એ જાણવા બધા ઉત્સુક બન્યા અને પ્રોફેસર આગળ શું કહે છે એની પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું.
પ્રોફેસર બોલ્યા, ‘જો તમને ઘડી-બેઘડીની ખુશી જોઈતી હોય તો મનગમતા પાત્રને યાદ કરી લો અને પાસે હોય તો તેને ભેટી લો. એ ઘડીએ મન પ્રફુલ્લિત થઈ જશે. જો એક કલાક માટે ખુશીનો અનુભવ કરવો હોય તો તમારી રૂમમાં સરસમજાનું મનગમતું સંગીત સાંભળો અથવા એક નાનકડી ઝપકી મારી લો, કલાક આનંદમાં જશે. જો તમને આખી સાંજ આનંદમાં પસાર કરવી હોય તો પ્રિય પાત્રની સાથે બેસી ચા પીઓ કે દરિયાકિનારે લટાર મારો, સાંજ મધુરી થઈ જશે. આવાં ઘણાં નાનાં-મોટાં કાર્યો છે જે તમે કરો તો તમને સાચો આનંદ મળશે અને એક-એક દિવસ આમ આવી રીતે ખુશીઓથી શણગારતાં અઠવાડિયું, મહિનાઓ, વર્ષો ખુશીઓથી ભરેલા થશે.’ પ્રોફેસરની વાતને બધાએ તાળીઓથી વધાવી.
બધાને શાંત રહેવા જણાવી પ્રોફેસર બોલ્યા, ‘અરે, મારી વાત હજી પૂરી નથી થઈ. હવે હું તમને એવી ખુશી વિષે જણાવવાનો છું જે જિંદગીભર તમને ખુશી આપશે.’
બધાના મનમાં પ્રશ્ન થયો કે બધી ખુશીઓનો આનંદ ટૂંકો હોય અથવા લાંબો, પણ જિંદગીભર આનંદ આપે એવી ખુશી કઈ હશે?
પ્રોફેસર બોલ્યા, ‘તમને જીવનભર આનંદ આપે એવી ખુશી તમને મળશે અન્યને મદદ કરવાથી. કોઈ ને કોઈ રીતે બીજાને મદદરૂપ બનો, બીમારની સેવા કરો, વિદ્યાર્થીને ભણાવો, આંધળાને રસ્તો ક્રૉસ કરાવો કે કોઈ અશક્તનો ભાર ઉપાડી લો. આવાં બીજાં માટે કરેલાં કાર્યો તમને કાયમી આનંદ આપશે. જે અમાપ અને અપાર હશે.’
બધાએ પ્રોફેસરની વાત જીવનમાં ઉતારવાનું મનોમન નક્કી કર્યું.

columnists