મહેશ ભટ્ટનો સારાંશ અને અનુપમની કરુણા

28 November, 2020 08:00 PM IST  |  Mumbai | Raj Goswami

મહેશ ભટ્ટનો સારાંશ અને અનુપમની કરુણા

'સારાંશ'

સ્ટૉકબ્રોકર હર્ષદ મહેતાના કૌભાંડ પર લોકપ્રિય સાબિત થયેલી વેબ-સિરીઝ ‘સ્કૅમ-1992’ બનાવનારા ડિરેક્ટર હંસલ મહેતા મહેશ ભટ્ટની સંવેદનશીલ ‘સારાંશ’ની રીમેક બનાવવાના છે એવા સમાચાર થોડાં વર્ષ પહેલાં આવ્યા હતા. કોઈક કારણસર એમાં કોઈ પ્રગતિ થઈ શકી નથી, પરંતુ ‘સ્કૅમ-1992’’ની સુંદર સફળતા પછી હંસલ મહેતાનો આત્મવિશ્વાસ અત્યારે અસામાનને અડી રહ્યો છે એ જોતાં ‘સારાંશ’ ખરેખર તેમના હાથમાં હવે શોભી ઊઠશે.

મહેશ ભટ્ટની ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘અર્થ’ સિનેમાની દુનિયામાં લોકોના વિવાહ કેટલા બરડ છે એનું પ્રથમદર્શીય દસ્તાવેજી કાવ્ય હતું, તો એના પછી તરત ૧૯૮૪માં આવેલી ‘સારાંશ’ એકના એક દીકરાના અકાળ અવસાનથી એક મધ્યમવર્ગી માતા-પિતાના જીવનમાં એકલતા અને અસુરક્ષાનો કેવો ઝંઝાવાત ફૂંકાય છે એનું ગદ્યકાવ્ય હતું. બન્ને ફિલ્મો નિર્દયી રીતે પ્રામાણિક હતી. તેણે આઇસક્રીમ જેવી ફિલ્મો જોવાના શોખીન ભારતીય દર્શકોને ઝકઝોરી નાખ્યા હતા. વ્યાવસાયિક ફિલ્મોમાં યથાર્થવાદી સિનેમાનો જો કોઈ ચીલો હોય તો એને આ બે ફિલ્મોએ પાડ્યો હતો. એકરારનામાવાળી ફિલ્મોમાં પણ આ બે ફિલ્મો શિરમોર છે.

‘અર્થ’ સુપરસ્ટાર પરવીન બાબી સાથેના ભટ્ટના વિસ્ફોટક પ્રેમ-સંબંધ અને એમાંથી વેરાયેલા કાટમાળની કહાની હતી, તો ‘સારાંશ’ ભટ્ટના આધ્યામિક ગુરુ યુ. જી. કૃષ્ણમૂર્તિના યુવાન દીકરાના અવસાન પરથી પ્રેરિત હતી. બહુ ઓછા લોકોને ખબર છે કે ‘અર્થ’ ફિલ્મમાં છેલ્લે પૂજા (શબાના આઝમી) તેના પતિ ઇન્દર (કુલભૂષણ ખરબંદા)ના પાપસ્વીકાર અને પ્રેમી રાજ (રાજ કિરણ)ના પ્રેમ-પ્રસ્તાવ બન્નેને ઠુકરાવીને સંબંધોમાંથી આઝાદ રહેવાનું પસંદ કરે છે એવા ક્લાઇમૅક્સનું સૂચન યુ. જી.એ કર્યું હતું. વિતરકોએ ત્યારે મહેશ ભટ્ટને ચેતવ્યા હતા કે ‘ખાધું, પીધું અને મોજ કરી’ જેવા અંતને પસંદ કરતા દર્શકો ફિલ્મને જ ઠુકરાવી દેશે ત્યારે ભટ્ટ તેમના ગુરુના સૂચન પર અડેલા રહ્યા હતા. ‘અર્થ’ આજે ક્લાસિક ગણાય છે એ એના આ સાહસિક ક્લાઇમૅક્સને કારણે જ.

યુ. જી. કૃષ્ણમૂર્તિનો દીકરો વસંતકુમાર મુંબઈમાં જાહેરખબર-એજન્સીમાં કૉપી-રાઇટરની નોકરી કરતો હતો. તેને સાર્કોમા કૅન્સર થયું હતું. તેને હૉસ્પિટલમાં ભરતી કરવાથી લઈને અવસાન પછી અંતિમસંસ્કારની વિધિ સુધી મહેશ ભટ્ટ યુ.જી.ની સાથે હતા. યુ.જી.એ એક સાધારણ પિતાની જેમ જેકોઈ વિધિઓ કરવી પડે એ કરી એના ભટ્ટ સાક્ષી હતા. ભટ્ટ કહે છે, ‘ફિલ્મ ‘અર્થ’ પછી સિનેમા પર મારી હથોટી બેસી ગઈ હતી. એ સમયની આસપાસ, મને યુજીનો પરિચય થયો હતો અને તેમની આંખ સામે જ તેમના દીકરાનું અવસાન થયું હતું. એ જ વખતે એક મહારાષ્ટ્રિયન

યુગલના એકના એક દીકરાનું ન્યુ યૉર્કની શેરીમાં લૂંટફાટમાં ખૂન થઈ ગયું હતું. મોતની આ નિશ્ચિતતા અને પાછળ મનુષ્યો કેવી રીતે આ ખુવારીનો સામનો કરે છે એના પરથી મને ‘સારાંશ’નો વિચાર આવ્યો હતો.’

અનુપમ ખેરે ફિલ્મમાં એક એવા નિવૃત્ત સ્કૂલ-શિક્ષક બી. વી. પ્રધાનની ભૂમિકા કરી હતી, જેમની દીકરાના મોત પછી જીવતા રહેવાની ઇચ્છા મરીપરવારી છે. પ્રધાન અને તેમનાં પત્ની પાર્વતી (રોહિણી હટ્ટંગડી) આર્થિક ટેકા માટે તેમના ઘરમાં સુજાતા (સોની રાઝદાન) નામની નવોદિત ઍક્ટ્રેસને પેઇંગ ગેસ્ટ તરીકે રાખે છે. સુજાતા રાજકારણીના દીકરા વિલાસ (મદન જૈન) સાથે લગ્ન કરવાની ફિરાકમાં છે. દીકરા વગરના જીવનની એકલતામાં વૃદ્ધ યુગલ આત્મહત્યા કરવાનું વિચારે છે, પણ સુજાતાના પેટમાં મૃત દીકરાએ પુનર્જન્મ લીધો છે એવા ખયાલથી બન્નેને જીવવાનું સાહસ આવે છે.

અંગત જીવનમાં મચેલા તોફાન અને વ્યાવસાયિક સફળતાની હતાશામાંથી મહેશ ભટ્ટના દિમાગમાં કશુંક અર્થપૂર્ણ અને નક્કર કરવાની જે ધૂન સવાર થયેલી હતી એમાંથી ‘સારાંશ’ ફિલ્મ આવી હતી. એવી જ રીતે અનુપમ ખેરમાં પણ ભયંકર હતાશા હતી. અનુપમ ત્યારે મુંબઈમાં કામ માટે દોડધામ કરતા હતા અને લગભગ ગળે આવી ગયા હતા. શિમલાથી મુંબઈ આવીને તેઓ એક મહિના સુધી તો ફુટપાથ પર સૂતા હતા. ના રોટલો હતો, ના ઓટલો હતો. એમાં આ ફિલ્મ મળી, તો ડૂબતો માણસ તરણું પકડી લે એમ

અનુપમે આ ભૂમિકામાં પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. બે રચનાત્મક લોકો, નિર્દેશક અને ઍક્ટર જ્યારે એકસરખા ઝનૂન સાથે ભેગા થાય તો એનું કેવું બહેતરીન પરિણામ આવે એનું ‘સારાંશ’ ઉદાહરણ છે.

૨૮ વર્ષના અનુપમ ખેરે તેમની પહેલી જ ફિલ્મમાં ૬૫ વર્ષના બી. વી. પ્રધાનની ભૂમિકા કરી હતી એ સાહસ તો કહેવાય જ, મજબૂરી પણ હતી. ‘સારાંશ’ પર અનુપમની પૂરી કારકિર્દીનો મદાર હતો અને એ પણ હાથમાંથી જતી રહેવાની હતી, કારણ કે ‘સારાંશ’ માટે સંજીવકુમાર જેવા સ્થાપિત ઍક્ટરનો વિચાર થઈ ચૂક્યો હતો.‘અર્થ’ રિલીઝ થઈ એ પહેલાં અનુપમ ખેરે એક વાર મહેશ ભટ્ટના ઘરે જઈને કહ્યું હતું કે મારા માટે કોઈ યોગ્ય ભૂમિકા હોય તો જોજો.

ભટ્ટ કહે છે, ‘મેં જ્યારે પ્રધાનના પાત્રનો વિચાર કર્યો ત્યારે મને સહજસ્ફુરણા થઈ કે આ ભૂમિકા માટે અનુપમ ઉચિત છે. હું રાજશ્રી પ્રોડક્શનના રાજબાબુ પાસે ગયો ત્યારે મારી પાસે ખાલી ફિલ્મનો વિષય હતો, સ્ક્રિપ્ટ નહોતી. આ પ્રકારની ફિલ્મો રાજશ્રી કરતું હતું. રાજશ્રીએ શરત મૂકી હતી કે ‘અર્થ’ સફળ જાહેર થાય પછી ‘સારાંશ’ કરીશું. બીજું, એ લોકો પ્રધાનના પાત્રમાં સંજીવકુમારને ઇચ્છતા હતા.’

અનુપમને આની ખબર પડી ત્યારે આભ તૂટી પડ્યું. માંડ એક ફિલ્મ મળી હતી એ પણ જતી રહેવાની હતી. હવે મુંબઈમાં રહેવાનું પોસાય એમ નહોતું. અનુપમે બિસ્તરા-પોટલાં બાંધ્યાં અને

મુંબઈ સેન્ટ્રલ જઈને દિલ્હી જતી ટ્રેન પકડવાનું નક્કી કર્યું. અનુપમ ભારે ગુસ્સામાં અને હતાશામાં હતા. રસ્તામાં થયું કે મહેશને બે-ચાર ગાળો ચોપડાવતો જાઉં.

તેમની આત્મકથામાં અનુપમ લખે છે, ‘હું ભટ્ટના ઘરમાં ઘૂસી ગયો અને બરાબરનો ભડક્યો. હું તેમને બારી પાસે લઈ ગયો, જ્યાંથી નીચે રોડ દેખાતો હતો. મેં મોટા અવાજે કહ્યું કે આ નીચે ટૅક્સી દેખાય છે? એમાં મારો લગેજ છે. હું બૉમ્બે છોડીને જઈ રહ્યો છું. હું ગમે ત્યાં જઈશ... દિલ્હી, લખનઉ, શિમલા, ટિમ્બકટુ કે પછી નરકમાં, પણ જતાં પહેલાં મારે તને એક વાત કહેવી છે કે મહેશ ભટ્ટ, તું એક નંબરનો ફ્રૉડ છે. તું ચીટર છે, સૌથી ગંદો ચીટર. છેલ્લા ૬ મહિનાથી તું મને કહી રહ્યો છે કે બી. વી. પ્રધાનનો રોલ તું કરીશ. હવે અચાનક તું મને બીજા એક વૃદ્ધ (રાજકારણી ગજાનન ચિત્રે)ની ભૂમિકા કરવાનું કહે છે, જેનું કંઈ ખાસ કામ નથી! મેં મારા પૂરા પરિવારને ગાઈવગાડીને સમાચાર આપ્યા છે... બધાને એમ છે કે હું ‘સારાંશ’નો મુખ્ય રોલ કરી રહ્યો છું અને તું હવે મને સાઇડ રોલમાં ધકેલી રહ્યો છે!’

અનુપમનો એ ગુસ્સો, એ હતાશા અને એ મજબૂરી મહેશ ભટ્ટને સ્પર્શી ગઈ. તેમણે ત્યાં ને ત્યાં નક્કી કરી નાખ્યું કે આ ભૂમિકા હવે અનુપમ જ કરશે અને રાજશ્રીને ફોન કરીને કહી દીધું. એ પણ નક્કી કરી નાખ્યું કે રાજશ્રી આ ફિલ્મ ન કરે તો એનએફડીસી પાસે પૈસા માગવા જઈશ. બી. વી. પ્રધાનમાં જેવો ગુસ્સો અને હતાશા હતી એ મહેશ ભટ્ટ સામે એક અસલી વ્યક્તિમાંથી તો વ્યક્ત થઈ રહી હતી. આનાથી વધુ એક ઍક્ટરમાં બીજું શું જોઈએ!

તમે જો ‘સારાંશ’ જોઈ હોય તો મુંબઈ ઍરપોર્ટ પર ન્યુ યૉર્કથી આવેલાં દીકરાનાં અસ્થિ (સાથે ટીવી સેટ્સ, કપડાં અને બીજો સમાન પણ છે) લેવા અહીથી તહીં ધક્કા ખાતા પ્રધાનનું એક હૃદયસ્પર્શી દૃશ્ય છે એનો રેફરન્સ મુંબઈમાં કામ માટેના સંઘર્ષ દરમ્યાન અનુપમે જે અપમાન સહન કરવાં પડ્યાં હતાં એમાં છે. એમાં કસ્ટમ-ઑફિસરની કૅબિનમાં ઘૂસીને અનુપમે એવું કહેવાનું હોય છે કે ‘દીકરાનાં અસ્થિ માટે મારે લાંચ ચૂકવવાની તો નથીને?’

આંખોમાં વહેતાં પાણી સાથે પ્રધાન ઑફિસરને કહે છે, ‘ટીવી લેને નહીં આયા હૂં. મૈં અપને મરે હુએ બેટે કી અસ્થિયાં લેને આયા હૂં. એક બાપ કા અપને બેટે કી રાખ પર કોઈ અધિકાર હૈ કિ નહીં? યા ઉસકે લિએ ભી મુઝે નીચે રિશ્વત દેની પડેગી?’

અનુપમ કહે છે, ‘મને ખબર જ નહોતી કે આવા સંજોગોમાં એક પિતા કેવો વ્યવહાર કરે એટલે મેં મુંબઈમાં કામ વગરના ઍક્ટર તરીકે જે પીડાઓ અને અપમાન સહન કર્યાં હતાં એને યાદ કર્યાં. મેં મહેશને કહ્યું કે હું રિહર્સલ નહીં કરું અને આંખમાં ગ્લિસરિન પણ નહીં નાખું. ફિલ્મસિટીમાં આ શૉટ એક જ પ્રયાસમાં ‘ઓકે’ કરવામાં આવ્યો હતો અને એ અવિસ્મરણીય છે.’

નવયુવાનોના રોમૅન્સથી ભરેલી હિન્દી ફિલ્મોની જમાતમાં ‘સારાંશ’ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિનિયર સિટિઝન્સનો અવાજ બનીને આવી હતી. હજી તો જેમની કારકિર્દી શરૂ નથી થઈ એવા બે સર્જકો મહેશ ભટ્ટ અને અનુપમ ખેર વૃદ્ધ યુગલ પર ફિલ્મ બનાવે એ સિનેમાની ભાષામાં આત્મઘાતી પગલું કહેવાય, પણ ભટ્ટ એવાં જ સાહસો કરવા માટે જાણીતા છે. ‘સારાંશ’ એક સીમાચિહ્‍ન ફિલ્મ સાબિત થઈ, કારણ કે ભટ્ટની બીજી તમામ ફિલ્મોની જેમ એનો ઇમોશનલ પાવર પુરજોશમાં હતો. અનુપમે પણ એમાં તેમનું દિલ નિચોવી નાખ્યું હતું.

ફિલ્મના પહેલા જ દિવસના શૂટિંગમાં અનુપમે મહેશ ભટ્ટને પૂછ્યું હતું કે કોઈ એક ઇમોશનનું નામ આપ, જેને હું આખી ફિલ્મમાં વ્યક્ત કરતો રહું. ભટ્ટે કહ્યું હતું, ‘કરુણા.’ અનુપમ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મહેશે મને ‘સારાંશ’ જ નહીં, એક એવા ઇમોશનની પણ ગિફ્ટ આપી હતી જે મારા તમામ સંબંધોમાં છવાયેલું રહ્યું.’

columnists raj goswami