તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તમે અને તમારું મન એક નથી?

14 February, 2021 07:53 AM IST  |  Mumbai | Kana Bantwa

તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તમે અને તમારું મન એક નથી?

પ્રતીકાત્મક તસવીર

તમે હૅમ્સ્ટરને વ્હીલમાં દોડતું જોયું છે? ઉંદર જેવું નાનકડું પ્રાણી છે હૅમ્સ્ટર. આ પ્રાણીને ફરી શકે એવા ઊભા વ્હીલની અંદર મૂકો એટલે એ દોડવા માંડે છે. દોડવાથી વ્હીલ ફરતું રહે છે, ગુરુત્વાકર્ષણને લીધે અને હૅમ્સ્ટરના વજનને લીધે વ્હીલમાં એ નીચે જ રહે છે, ગમે એટલું દોડવા છતાં. પાંચ સેન્ટિમીટરના વ્યાસના વ્હીલમાં હૅમ્સ્ટર એક રાતમાં ૧૨-૧૩ કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે છતાં ત્યાંનું ત્યાં જ રહે છે, ઘાણીના બળદની જેમ. જોકે બળદને ચલાવવા પડે છે, ન ચલાવો તો અટકી જાય, હૅમ્સ્ટર સતત દોડતું જ રહે છે. શા માટે એ દોડતું રહે છે એ હજી સમજી શકાયું નથી. કદાચ હૅમ્સ્ટર પાંજરામાંથી બહાર નીકળવાના વિકલ્પે વ્હીલમાં દોડતું રહે છે. દોડવાથી એને કદાચ લાગે છે કે પાંજરાની સીમિત જગ્યાને બદલે એ વિશાળ અનંતમાં દોડી રહ્યું છે. એનાથી એના મગજમાં ઍન્ડોર્ફિન જેવાં હૉર્મોન ઝરે છે જે સેલ્ફ રિવૉર્ડિંગ હોય છે.

  સતત દોડતું છતાં ક્યાંય ન પહોંચતું હૅમ્સ્ટર માણસના મન જેવું છે. મન પણ સતત દોડતું રહે છે અને ક્યાંય પહોંચતું નથી. એને લાગે છે કે અનંત સફર કાપી નાખી, પણ હકીકતમાં તો એક ઇંચ પણ આગળ વધ્યું હોતું નથી. શા માટે હૅમ્સ્ટર કિલોમીટર દોડ્યા છતાં ત્યાંનું ત્યાં જ રહે છે? એનું વ્હીલ ગોળ-ગોળ ફર્યા કરે છે એટલા માટે. મનનું પૈડું પણ ગોળ-ગોળ ફર્યા કરે છે. ગયા વખતે આપણે અહીં વાત માંડી હતી કે માણસ ખરેખર કેટલું વિચારે છે. આ મુદ્દો વધુ એલાબરેટ થવો જોઈતો હતો એવા પ્રતિભાવ ઘણા વાચકોએ આપ્યા, એના અનુસંધાનમાં થોડું વિગતે સમજીએ વિચારને. જ્યારે મગજમાં અનેક ન્યુરોન્સ એકસાથે ઍક્ટિવ થાય ત્યારે વિચાર પેદા થાય છે એવું ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે. આ ન્યુરોન્સનાં વિવિધ પડ વચ્ચે સંવાદ કઈ રીતે સધાય છે એ હજી વિજ્ઞાન સમજી શક્યું નથી, પણ આ તો મગજની વાત થઈ. મનના ભૌતિક રૂપની વાત થઈ. મન એ મગજ નથી. મગજ તો હાર્ડવેર માત્ર છે, પણ મન સૉફટવેર માત્ર નથી. મન એનાથી ઘણું વધુ છે. ઉપનિષદમાં મનને બ્રહ્મ કહેવામાં આવ્યું છે, પણ એ જ મન નરક પણ છે અને દાનવ પણ. એ જ સૌથી કામઢું અને સૌથી આળસુ છે. એ જ માલિક છે અને એ જ ગુલામ છે. એમાં જ અસત વસે છે અને સત પણ વસે છે. એમાં જ દુગુર્ણો છે અને સદ્ગુણોનું રહેઠાણ પણ એ જ છે. એ જ વિચારો પણ કરે છે અને એ જ વિચારોને બદલે વમળો સર્જે છે. એ જ તમને સિદ્ધિની ટોચ સુધી લઈ જાય છે અને એ જ દુર્ગતિની ખાઈમાં ધકેલી દે છે. એ જ પાપ કરાવે છે અને પુણ્ય પણ એ જ આચરાવે છે. એ જ અધર્મ તરફ ખેંચે છે અને એ જ ધર્મના માર્ગે લઈ જાય છે. એ જ અનીતિનું આચરણ કરાવે છે અને એ જ નૈતિકતા રખાવે છે. એ જ દ્વેષ કરાવે છે અને એ જ કરુણા જન્માવે છે. એ જ મોહમાં લપેટે છે અને એ જ વીતરાગ બનાવે છે. એ જ ક્રોધ કરાવે છે અને એ જ  શાંતિ પ્રદાન કરે છે. એ જ માણસને દેવ બનાવે છે અને એ જ રાક્ષસ બનાવે છે. એ જ પતિત કરે છે અને એ જ પ્રબુદ્ધ બનાવે છે. મન બેધારી તલવાર જેવું છે. બન્ને બાજુ કાપે છે અને સરખું કાપે છે. મન માત્ર વિચાર કરનાર તંત્ર નથી. વિચાર તો મનનું બહુ જ પ્રાથમિક ફંક્શન છે. મનના ડાબા હાથનું કામ છે વિચાર અને છતાં મન વિચારવાથી બચતું રહે છે. એ પેલા હૅમ્સ્ટરની જેમ એકની એક બાબતને ગોળ-ગોળ ફેરવ્યા કરે છે. સતત એનાં વમળ સર્જતું રહે છે.

આપણે આ પ્રક્રિયાને વિચાર માની લઈએ છીએ, પણ વિચાર એ છે જે કોઈ ફળ આપે, પરિણામ આપે. જે આગળની સ્થિતિ માટેનો રસ્તો ખોળી કાઢે. જે એક નહીં, અનેક રસ્તા શોધી કાઢે અને એ અનેક રસ્તાઓનું ઍનૅલિસિસ કરીને એક સૌથી શ્રેષ્ઠ રસ્તો તમને બતાવે એ વિચાર. આજના સ્પર્ધાત્મક જમાનામાં ક્રિટિકલ થિન્કિંગની ચર્ચા બહુ થાય છે. ખાસ કરીને કૉર્પોરેટ વર્લ્ડમાં ક્રિટિકલ થિન્કિંગ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. જ્યારે કોઈ એક બાબત કે સમસ્યા કે ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી એના વિશે વિશદ માહિતી મેળવવામાં આવે, આ માહિતીને અન્ય બાબતો સાથે જોડીને પૃથક્કરણ કરવામાં આવે, એમાં પોતાના અનુભવને કામે લગાડવામાં આવે, એની તમામ અસરોને તપાસી લેવામાં આવે અને પછી એ બધાના આધારે શ્રેષ્ઠ નિર્ણય લેવામાં આવે એ ક્રિટિકલ થિન્કિંગ છે. ક્રિટિકલ થિન્કિંગ શીખી શકાય એવી વૈજ્ઞાનિક બાબત છે. પ્રયત્ન કરવામાં આવે તો મન ક્રિટિકલ થિન્કિંગ કરતાં શીખી જાય છે. એને માટે કેટલાય ટૂલ્સ વિકસાવવામાં આવ્યા છે.‍ સામાન્ય માણસ પણ ક્રિટિકલ થિન્કિંગ શીખી શકે છે. એને માટે ટ્રેઇનિંગ લેવાનું અનિવાર્ય નથી. હકીકતમાં તો માણસ વિચારતાં જ શીખતો નથી. કોઈ પણ બાબત વિશે વિચારવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ એ બાબતના મૂળમાં જાઓ. એની મૂળથી માહિતી મેળવો. શક્ય એટલી તમામ વિગતો એકઠી કરો. ત્યાર બાદ દરેક વિગત વિશે એક પછી એક વિચારો. આમ કરવાથી બધી બાબતો વિશેનું વ્યાપક જ્ઞાન એકત્ર થશે. ત્યાર બાદ તમારે શું પરિણામ જોઈએ છે એના સંદર્ભમાં આ માહિતીનું ઍનૅલિસિસ કરો. તમને શું પરિણામ મળી શકે અને એના શક્ય એટલા ફાયદા અને ગેરફાયદા થઈ શકે એ વિચારી જુઓ. મહત્ત્વની દરેક બાબતમાં આ રીતે વિચારવાનું શરૂ કરવાથી ધીમે-ધીમે મનને ટેવ પડી જશે એ જ રીતે વિચારવાની. મન ટેવ મુજબ કામ કરવા માટે ટેવાયેલું છે. મન કમાલ ચીજ છે. દરેક બાબતને એ ટેવમાં બદલી નાખે છે એટલે એણે મહેનત કરવી પડતી નથી. શક્ય એટલી દરેક બાબતને એ ઑટોમેશનમાં મૂકી દે છે. યાંત્રિક બનાવી દે છે. અરે, પ્રેમ કરવા જેવી અદ્ભુત અને અત્યંત ક્રીએટિવ બાબતને પણ મન યાંત્રિક બનાવી દઈ શકે છે. મોટા ભાગના લોકોમાં પ્રેમ ખતમ પણ એટલા માટે થઈ જાય છે કે મને તેને ઘરેડમાં ઢાળી દીધો હોય છે. મન મોટા ભાગની બાબતો ઘરેડમાં ઢાળીને પોતે નવરું થઈ જાય છે.

  મનને વિચારવા બાબતે મનમાની ન કરવા દેવી હોય તો એને જોતાં શીખવું પડે. જેમ કર્મચારી પર નજર રાખવાથી કામ સારી રીતે થાય છે એ રીતે જો મનને જોતા રહેવામાં આવે તો એ સરસ રીતે કામ કરે છે, પણ બહુ જૂજ માણસો પોતાના મનને પોતાની જાતથી અલગ પાડીને જોતા હોય છે. મોટા ભાગના તો પોતાને અને મનને એક જ સમજે છે. મન અને માનવી અલગ છે એ જાગૃતિ પણ બહુધા હોતી નથી. સામાન્ય કામમાં આવી જાગૃતિ જરૂરી પણ નથી હોતી, પરંતુ જેનામાં આવી જાગૃતિ નથી તે હંમેશાં સામાન્ય જ બની રહે છે. તે આ જગતના ૯૯ ટકા માણસોની ભીડનું એક માથું માત્ર બની રહે છે. એ અસામાન્ય બની શકતો નથી. તેની સિદ્ધિઓ અસામાન્ય હોતી નથી. તેનું જીવન અસામાન્ય હોતું નથી. તે ટોળામાંના ઘેટાની જેમ જીવતો રહે છે. ટોળું જે તરફ જાય એ તરફ તે ચાલતો રહે છે. તે પોતાનો રસ્તો પોતાની જાતે નક્કી કરતો નથી. જે મનને પોતાનાથી અલગ જુએ છે તે મનને સમજી શકે છે. એને આદેશ આપી શકે છે. આપણામાંથી કેટલા લોકો કહે છે કે મારા મને વિચાર કર્યો? બધા એમ જ કહે છે કે મેં વિચાર કર્યો. વાત ખોટી નથી. તમારા વતી મને વિચાર્યું એટલે તમે જ વિચાર્યું કહેવાય, પણ એવી જાગૃતિ સાથે કેટલા કહે છે કે મેં વિચાર્યું? તમે ક્યારેય વિચાર્યું છે કે તમે અને તમારું મન એક નથી. તમે જ્યારે મનને જોતાં શીખી જશો ત્યારે મનનાં નિરર્થક વમળોને તમે વિચાર નહીં સમજો. ત્યારે તમે એ પ્રવાહોને અટકાવી શકશો. તમારા પોતાના મનને જોવાનો પ્રયાસ કરો ડિયર રીડર. એ જ બુદ્ધે કહેલી વિપશ્યના છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists kana bantwa