જીવવા માટે જ્યારે નરભક્ષી બનવું પડ્યું

16 June, 2021 12:38 PM IST  |  Mumbai | Rashmin Shah

ઍન્ડીઝ પર્વતમાળામાં તૂટી પડેલા પ્લેનમાં પિનસ્તાલીસ પૅસેન્જર કેવી રીતે ટક્યા એ સત્યઘટનાને વિજયગુપ્ત મૌર્યએ ‘જિંદગી જિંદગી’માં એ સ્તર પર અસરકારક લખી કે વાચકોને એવું જ લાગતું કે જાણે તે એ તૂટી પડેલા પ્લેનના પૅસેન્જર છે

જીવવા માટે જ્યારે નરભક્ષી બનવું પડ્યું

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
સાઉથ અમેરિકામાં આવેલી ઍન્ડીઝ પર્વતમાળામાં એક પ્લેન તૂટ્યું. પ્લેન રડારમાંથી અચાનક ગાયબ થયું અને ગાયબ થતાં પહેલાં પાઇલટે એવિએશન ઑથોરિટીને કહ્યું પણ ખરું કે અમારા પ્લેનનું મશીન બગડી ગયું છે. બગડી ગયેલું મશીન અને પછી પ્લેનનું ગાયબ થવું. ધારણા મૂકી દેવામાં આવે છે કે પ્લેન તૂટ્યું. તૂટેલા પ્લેનમાંથી ધારો કે કોઈ પૅસેન્જર બચ્યા હોય તો પણ બરફાચ્છાદિત ઍન્ડીઝની માઇનસ વીસ ડિગ્રી ઠંડીમાં બધા થીજી ગયા હશે એવી ધારણા અને માર્યા ગયા હોવાના મળતા પુરાવાઓના આધારે પ્લેનમાં રહેલા પૅસેન્જરના ફૅમિલી મેમ્બર પોતાના પરિવારજનોના ફોટો સામે કૅન્ડલ જલાવી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી લે છે, પણ અઢી મહિના પછી અચાનક ખબર પડે છે કે અમુક પૅસેન્જર જીવે છે. જીવતા હોય એવા પૅસેન્જરને પાછા લાવવામાં આવે છે પણ એ કઈ રીતે જીવ્યા એની જે કબૂલાત થઈ એનાથી ભલભલાનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
‘જિંદગી જિંદગી’માં આ જ ઘટનાને હૃદયદ્રાવક રીતે રજૂ કરવાનું કામ વિજયગુપ્ત મૌર્યએ કર્યું છે. વિજયગુપ્ત મૌર્યએ લખેલી યુદ્ધકથા ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ વિશે અગાઉ તમે આ જ કૉલમમાં વાંચ્યું છે, જેનાથી સંપૂર્ણપણે વિપરીત અને છતાં પણ શૌર્ય, સાહસ, રોમાંચ અને જિજીવિષાથી ભરપૂર એવી ‘જિંદગી જિંદગી’ વાંચતી વખતે વાચકને એવું લાગ્યા વિના રહેતું નથી કે એ પોતે એ તૂટેલા પ્લેનના એક પૅસેન્જર છે.
લાગે વાચકોની લાઇન  |  ‘જિંદગી જિંદગી’ પુસ્તક ગુજરાતીમાં છે પણ આ સત્યઘટના પરથી અંગ્રેજીમાં પુસ્તક લખાયું, જેમાં ઘટનામાંથી બચેલા લોકોની સાથે વાત કરવામાં આવી અને દુનિયાભરમાં એ પુસ્તક જબરદસ્ત પૉપ્યુલર થયું. એવું જ ‘જિંદગી જિંદગી’ સાથે પણ બન્યું. ‘જિંદગી જિંદગી’ લખવાનું સજેશન વિજયગુપ્ત મૌર્યને જાણીતા લેખક અને મૌર્યના દીકરા નગેન્દ્ર વિજયે આપ્યું હતું, જે નગેન્દ્રભાઈના પોતાના વીકલીમાં હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી. હવે આગળ શું થશે એની તાલાવેલી એ સ્તર પર વાચકોને થતી કે વાચકો રહી શકતા નહીં અને નગેન્દ્રભાઈના મૅગેઝિનની ઑફિસે પહોંચી જતા. આવું 
નિયમિત થવા માંડ્યું એટલે નગેન્દ્રભાઈએ ગેલી પ્રૂફ છપાતાં હોય એની ચાર-પાંચ નકલો રાખવી પડતી અને આવનારા વાચકોને ‘અહીં જ વાંચજો’ એવી તાકીદ કરીને વાંચવા આપવી પડતી.
મૂળ કથા ‘અલાઇવ’ના નામે લખાઈ હતી. ‘અલાઇવ’માં ઓરિજિનલ ફોટોગ્રાફ્સ પણ છાપવામાં આવ્યા હતા, જે ઑથેન્ટિસિટી ‘જિંદગી જિંદગી’માં પણ અકબંધ રાખવામાં આવી છે.
એક નહીં, બે ફિલ્મ  |  બુક ‘અલાઇવ’ પરથી એ જ નામની ફિલ્મ બની. મજાની વાત એ છે કે ૧૯૭૨માં ઘટેલી આ ઘટનાના ન્યુઝ વાંચીને બ્રિટિશ રાઇટર પીયર્સ રીડને ઘટનામાં રસ પડ્યો અને તેણે અમેરિકા જઈ ઘટનામાંથી જે બચીને આવ્યા હતા એ લોકોને મળીને ‘અલાઇવ’ લખી. આ બુક પરથી ૧૯૯૩માં 
ફિલ્મ બની અને એ જ વર્ષે આ જ 
ઘટનાને ધ્યાનમાં રાખીને ‘અલાઇવ-ટ્વેન્ટી યર્સ લેટર’ નામની 
ડૉક્યુમેન્ટરી બની જેમાં તમામ સાચી વ્યક્તિઓને દુનિયા સામે લાવવામાં આવી.
સમગ્ર ઘટના પછી બચી ગયેલા લોકોની માનસિક અવસ્થા એ સ્તર પર ડામાડોળ થઈ ગઈ હતી કે તેમણે બેથી પણ વધુ વર્ષ સુધી સાઇકિયાટ્રિસ્ટની હેલ્પ લેવી પડી. લોહી થીજી જાય એવા શિયાળામાં બરફમઢ્યા પવર્તો વચ્ચે રહ્યા પછી અનેક લોકોની આખેઆખી સ્કિન નીકળી ગઈ તો અનેક લોકોની આંખોનાં ઑપરેશન પણ કરવામાં આવ્યાં. વિજયગુપ્ત મૌર્યની આ કથા પરથી બૉલીવુડમાં નેવુંના દશકના અંત ભાગમાં ફિલ્મ ડિરેક્ટર મનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઈએ તૈયારીઓ કરી હતી, પણ વાત ક્યારેય આગળ વધી નહીં.

સ્ટોરી શૉર્ટકટ

બાર હજાર ફીટ ઊંચે ઍન્ડીઝનાં બર્ફીલાં શિખરો વચ્ચેથી પ્લેન પસાર થાય છે. ફ્લાઇટમાં રગ્બી ટીમ પણ છે અને મૅચ રમવાની તૈયારી અને જીત વિશે વાત કરતાં સફર આગળ વધે છે, પણ પ્લેનમાં ખરાબીના કારણે એ પ્લેન આ શિખરો પર તૂટી પડે છે. અમુક મુસાફરો મૃત્યુ પામે છે તો સામાન્ય ઘાયલ થયા હોય એવા લોકો માટે યક્ષ પ્રશ્ન છે કે હાડ બાળી નાખે એવો આ બર્ફીલો શિયાળો ક્યારે પૂરો થાય અને મદદ શોધવા આગળ જઈ શકાય. મુશ્કેલી વેઠતા સૌકોઈ પડ્યા રહે છે પણ છ-આઠ દિવસમાં તો ખાધાખોરાકી પૂરી થઈ જાય છે. હવે જીવતા રહેવા શું ખાવું? નાછૂટકે મરી ગયેલા સાથી પૅસેન્જરનું માંસ ખાવા તરફ બચી ગયેલા આગળ વધે છે. 
મુસાફરોએ કેટકેટલી મુસીબતોનો સામનો કર્યો, ગગનચુંબી પહાડોના કેદખાનામાં અઢી મહિના સુધી કેમ જીવતા રહ્યા અને છેવટે કેવો ચમત્કારિક બચાવ થયો એની વાત આ સત્યકથામાં છે.

columnists Rashmin Shah