મને ગાળો બોલવાની આદત પડી ગઈ છે કેવી રીતે અપશબ્દો બોલવાનું કન્ટ્રોલ કરવુ

04 January, 2019 04:00 PM IST  | 

મને ગાળો બોલવાની આદત પડી ગઈ છે કેવી રીતે અપશબ્દો બોલવાનું કન્ટ્રોલ કરવુ

સેજલને સવાલ  

સવાલ : હું ગુજરાતના ગામડામાં ઊછયોર્ અને ધંધા માટે મુંબઈ આવ્યો અને અહીં જ સેટલ થયો. ગામમાં પરિવારની સ્થિતિ નબળી હતી એટલે બાપાભેગો હું પણ મજૂરીએ જતો. એ વખતે બીજા લોકોને બેફામ ગાળો બોલતાં જોઈને મને પણ ગાળો બોલવાની આદત પડી ગઈ છે. મુંબઈ આવ્યા પછી મારી નાની દુકાન છે અને હવે પરિવાર બેપાંદડે થયો છે. જોકે અહીં પણ તમે જુઓ તો વર્કરો પાસે કામ કરાવનારા સુપરવાઇઝરો ગાળો બોલતા જ હોય છે. મારાં લગ્ન થયાને નવ વર્ષ થયાં છે અને મારી પત્નીને હું ગાળો બોલું એ જરાય પસંદ નથી. બને ત્યાં સુધી હું તેની સામે ગાળો નથી બોલતો, પણ આદતથી મજબૂર હોઈએ એટલે ક્યારેક અજાણતાં પણ બોલાઈ જ જાય છે. ધાર્મિક વ્યાખ્યાનો સાંભળું ત્યારે બહુ જીવ બળે કે હું જીભ પર કાબૂ નથી રાખી શકતો. બહુ કન્ટ્રોલ કરું છું, પણ ગુસ્સો આવે ત્યારે અપશબ્દ બોલાઈ જ જાય છે. પહેલાં તો કોઈને ચાર ગાળ સંભળાવી દીધા પછી સારું લાગતું હતું, પણ હવે બહુ ખરાબ લાગે છે. મારા મનમાં એ વ્યક્તિ માટે ખરેખર ખરાબ ભાવના નથી હોતી. તમે શું માનો છો અપશબ્દ એ અસભ્યતાની નિશાની છે? કે પછી ક્યારેક એવું થઈ જાય તો ચાલે?

જવાબ : અપશબ્દ બોલવા હું વિશે શું માનું છું એ ગૌણ છે. તમે પોતે અપશબ્દ વિશે શું માનો છો, એ બોલ્યા પછી શું ફીલ કરો છો, એ નથી બોલતાં ત્યારે શું ફીલ કરો છો એ જ મહત્વની બાબત છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે ગાળ આપવાનું મન કેમ થાય છે? કાં તો સામેવાળી વ્યક્તિને આપણે ઉતારી પાડવી હોય છે કાં પછી આપણી અંદરના ગુસ્સાને ઠાલવવો હોય છે. બીજું, કોઈ તમને ગાળ આપી જાય તો તમને શું ફીલ થાય છે? મને લાગે છે કે અપશબ્દો એ બીજું કશું જ નહીં, પણ બોલનાર અને સાંભળનાર વ્યક્તિના લાગણીતંત્રને અસર પહોંચાડવા માટેના ગંદો અર્થ ધરાવતા શબ્દો છે. આ શબ્દો તો જ ધારી અસર કરે જો બોલનાર અને સાંભળનારને એ શબ્દનો અર્થ સમજાતો હોય.

જે ગાળ આપીને તમને ગુસ્સો ઠાલવી દીધાનો સંતોષ થાય છે અથવા તો કોઈ તમને જે ગાળ આપી જાય એનાથી તમારું માથાથી પગ સુધીનું લોહી ઊકળી ઊઠે છે એ જ અર્થ ધરાવતો અપશબ્દ કોઈ તમને ફ્રેન્ચ, તામિલ કે સ્પૅનિશ ભાષામાં કહી જાય તો શું થાય? સ્વાભાવિક છે કે તમને ખબર જ ન પડે કે પેલો તમને શું કહી ગયો. તો શું એ અપશબ્દ નહોતો?

કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સભ્યતા કે અસભ્યતા શબ્દોમાં નથી હોતી, શબ્દો પાછળ રહેલી તમારી ભાવનામાં હોય છે. જીભ પર સાકર જેવી મીઠાશ સાથે તમે જો અંદરથી સામેવાળી વ્યક્તિ માટે દોથો ભરીને ગાળો ભાંડતાં હો તો એ દંભ સૌથી મોટી અશિષ્ટતા છે. ભલે આ અસભ્યતા કોઈ જોઈ ન શકતું હોય. બીજી તરફ જીભ પર કોઈ લગામ રાખ્યા વિના બેફામ જે મનફાવ્યું એ બકી નાખનારો માણસ પણ જો મન અને ભાવનાથી સાફ હોય તો તેને સાવ જ અસભ્ય કહી નાખવો એ ઠીક નથી.

આ પણ વાંચોઃ ભગવાન જ નહીં, લોકો પણ સારા માણસોની કદર નથી કરતા ત્યારે શું સારપ અભરાઈએ ચડાવી દેવી?

તમને જો આદતવશ અશિષ્ટ શબ્દો વાપરવાની આદત પડી ગઈ હોય તો પહેલાં ભાવનાઓને શુદ્ધ કરવાની આદત કેળવો. ધીમે-ધીમે કરતાં ભાવનાઓની શુદ્ધિ આપમેળે તમારા શબ્દોની પસંદગીમાં પણ વર્તાવા લાગશે.

columnists