ક્યોં ખામોશી કા ચેહરા રખ્ખા હૈ તૂને ચાહતા હૂં તૂ ભી આવાઝ દે

20 April, 2022 08:52 PM IST  |  Mumbai | Pravin Solanki

પંડિત ભરત વ્યાસ, જેમને આંગણે ૧૯૫૦-’૬૦ના દાયકામાં મોટી-મોટી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ ગીત લખાવવા માટે લાઇન લગાવતી તેઓ એકાએક શૂન્યાવકાશમાં કેમ આવી ગયા?

પંડિત ભરત વ્યાસ

પંડિત ભરત વ્યાસ, જેમને આંગણે ૧૯૫૦-’૬૦ના દાયકામાં મોટી-મોટી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ ગીત લખાવવા માટે લાઇન લગાવતી તેઓ એકાએક શૂન્યાવકાશમાં કેમ આવી ગયા?
 ભરત વ્યાસનું જીવન આમ પણ નાટ્યાત્મક રહ્યું છે. તેમના જીવનમાં ઘણા નાટકીય વળાંક આવ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના ચુરુ ઇલાકાના. તેમનો જન્મ ૧૯૧૮ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ બિકાનેરમાં થયો હતો. 
બાળપણથી જ તેઓ પ્રકૃતિપ્રેમી. ખુલ્લી હવામાં ફરવું, પહાડો પર ભમવું. જંગલોમાં ઘૂમવું, નદી-નાળાં અને રણમાં વિહરવું એ તેમનો શોખ. ૧૭-૧૮ વર્ષની ઉંમરે જ તેમની કલમને પાંખ આવી હતી. પહેલું ગીત લખાયું, ‘આઓ વીરોં હિલમિલ ગાયે વંદે માતરમ.’ ચુરુમાં  મેટ્રિક થયા, કલકત્તામાં બીકૉમ કર્યું. થોડો સમય પુણેમાં ગાળ્યા બાદ મુંબઈ આવ્યા. 
 હિન્દી ફિલ્મમાં તેમનો પ્રવેશ ‘દુહાઈ’ નામની ફિલ્મથી થયો. પન્નાલાલ ઘોષ, રફિક ગઝનવી  અને શાંતિકુમાર જેવા ત્રણ ધુરંધરોએ ફિલ્મના સંગીતકાર હતા. 
 વાત છે ૧૯૫૭ની. ફિલ્મનું નામ છે, ‘જનમ જનમ કે ફેરે.’ એનાં બધાં જ ગીતો લોકપ્રિય  થયાં, પણ ‘ઝરા સામને તો આઓ છલિયએ’ ગીત ઇતિહાસ બની ગયું. શહેર-શહેર, ગામ-ગામ, ગલી-ગલીમાં એ ગીત ગુંજી ઊઠ્યું, ત્યાં સુધી તો કેટલાંક મંદિરોમાં એ ભજનસ્વરૂપે પણ સંભળાતું, પણ જેટલું એ ગીત લોકપ્રિય બન્યું એના કરતાં વધારે દર્દનાક એ ગીતના જન્મની કહાણી છે.
ભરત વ્યાસને શ્યામસુંદર નામનો એક પુત્ર હતો. ખૂબ સંવેદનશીલ અને લજામણીના છોડ જેવો, જરીક અડતાં ઓછું આવી જાય. પંડિતજી જેટલા તેમને લાડ કરતા એટલા જ શિસ્તના પાઠ પણ શીખવતા. 
 એક દિવસ કોઈ નજીવી બાબતે પિતા-પુત્ર વચ્ચે વિવાદ થયો. રાબેતા મુજબ થોડી બોલાચાલી  થઈ અને ત્યાર બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ રહ્યું. મામલો શાંત પડી ગયો અને રાતે બન્ને શાંતિથી સૂઈ ગયા. 
રાત વીતી ગઈ અને સવાર તો પડી, પણ પંડિતજી માટે એ સવાર રાત કરતાં વધારે બિહામણી  નીકળી. સવાર થતાં જ ખબર પડી કે શ્યામસુંદર ઘરમાં નથી. આજુબાજુ ક્યાંક લટાર મારવા  ગયો હશે એવું માનીને થોડી વાર બધાએ રાહ જોઈ. બપોર થઈ, સાંજ પડી અને પછી રાત. શ્યામસુંદરનો પત્તો જ ન મળે.
 દિવસોના દિવસો તેની શોધખોળ ચાલી, પોલીસ-ફરિયાદ થઈ, ગલી-ગલીમાં પોસ્ટર લગાવ્યાં, રેડિયો-છાપામાં જાહેરાત કરાવી, પંડિતજી અને સગાંવહાલાં અનેક સ્થળે પગપાળા ઘૂમી વળ્યા, પણ બધું વ્યર્થ ઠર્યું!!
વ્યાસ ભરતમાંથી જડભરત થઈ ગયા. સાવ સૂનમૂન, અવાક્, નિષ્ક્રિય. કોઈ કામ સૂઝે નહીં, કંઈ બોલે નહીં, પગના ગોટલા ચડી ગયા, 
આંખો સૂજી ગઈ, ચહેરો નંખાઈ ગયો, કામધંધો છોડી દીધો, ગીતો લખવાની આવતી ઑફરોનો જવાબ સુધ્ધાં આપતા નહીં. મૂઢની જેમ ઘરમાં  પુરાઈ ગયા. 
આ સમય દરમ્યાન બે ભાઈઓ સુભાષ દેસાઈ અને મનમોહન દેસાઈ એક ફિલ્મનું નિર્માણ  કરતા હતા, જેમાં ભરત વ્યાસના ભાઈ બી. એમ. વ્યાસ એક ભૂમિકા ભજવવાના હતા. તેમણે  ‘જનમ જનમ કે ફેરે’માં ભરત વ્યાસને પ્રવૃત્ત કરવા તેમની પાસે ગીતો લખાવવાની વિનંતી કરી. 
બન્ને દેસાઈબંધુઓ પંડિતજીને મળ્યા, ખૂબ સમજાવ્યા, મિત્રો અને કુટુંબીજનોએ પણ મનાવ્યા-ધમકાવ્યા, આખરે પંડિતજી રિઝાયા અને એક અલૌકિક ગીતનો જન્મ થયો, ‘ઝરા સામને તો આઓ છલિએ....’
જેમ યક્ષે પ્રેમિકાને સંદેશો પહોંચાડવા મેઘનો સહારો લીધો હતો એમ પંડિતજીએ દીકરાને  સંદેશો ગીત દ્વારા પહોંચાડ્યો; કલમથી નહીં કાળજાથી લખી, શાહીથી નહીં લોહી ભરી  લાગણીથી લખી. આ એક વિરલ કિસ્સો બન્યો. ગીતની દરેકેદરેક પંક્તિમાં, શબ્દમાં આર્તનાદ  હતો, વિનવણી હતી, આજીજી હતી, જીવનની ફિલોસૉફી હતી... 
‘ઝરા સામને તો આઓ છલિએ, 
છુપ છુપ છલને મેં ક્યા રાઝ હૈ 
યૂં છુપ ના સકેગા પરમાત્મા, 
મેરી આત્મા કી યે આવાઝ હૈ...’
‘છલિએ’ શબ્દનો ઉપયોગ કેવી સુંદર રીતે કર્યો છે. કૃષ્ણને પણ ‘છલિયા’નું ઉપનામ મળેલું. આગળ જુઓ.... 
‘હમ તુમ્હેં ચાહે તુમ નહીં ચાહો, 
ઐસા કભી ના હો સકતા 
પિતા અપને બાલક સે બિછડ કે 
સુખ સે કભી ના સો સકતા... 
હમે ડરને કી જગ મેં ક્યા બાત હૈ, 
જબ હાથ મેં તિહારે મેરી લાજ હૈ. 
‘જબ હાથ મેં તિહારે મેરી લાજ હૈ!!’ કેવી દર્દભરી વિનંતી. 
પ્રસંગની ગંભીરતા સમજીને લતાજી અને રફીસાહેબે અત્યંત દર્દભર્યા અને લાગણીસભર સ્વરે  આ ગીત ગાયુ. સંગીતકાર એસ. એમ. ત્રિપાઠીને પણ દાદ આપવી ઘટે. 
 ખેર, બધાએ બધી રીતે ખૂબ પ્રયત્ન કર્યા, પણ પરિણામ શૂન્ય આવ્યું. પંડિતજીના સરતાજે  કોઈ વિનવણી, આજીજી ધ્યાનમાં લીધી નહીં. જે ધૂન ઘર-ઘરમાં વાગી એ દીકરાના દિલ સુધી  પહોંચી નહીં, પણ પંડિતજી હિંમત હાર્યા નહીં. તેમણે ગીત દ્વારા પોતાની મન:સ્થિતિ અને પરિસ્થિતિ જાહેરમાં રજૂ કરવાનું ચાલુ જ રાખ્યું. 
તેમને સંગીતની તાકાતમાં શ્રદ્ધા હતી. સંગીત પથ્થરને પણ પીગળાવી શકે છે, અંધારામાં દીપ  જલાવી શકે છે, મૂંગાને બોલતો ને બહેરાને સાંભળતો કરી શકે છે એવો વિશ્વાસ એક દિવસ રંગ લાવ્યો. એક ગીતે શ્યામસુંદરને પીગળાવી દીધો અને પિતાને ચરણે-શરણે આવી ગયો. કયું  હતું એ ગીત? 
‘આ લૌટ કે આજા મેરે મીત
તુઝે મેરે ગીત બુલાતે હૈં 
મેરા સૂના પડા હૈ સંગીત,
તુઝે મેરે ગીત બુલાતે હૈં...’

columnists Pravin Solanki