હમસે ખેલતી રહી દુનિયા, તાશ કે પત્તોં કી તરહ

27 April, 2022 05:27 PM IST  |  Mumbai | Pravin Solanki

તાળું તોડ્યા પછી ચાવી મળે એવું જીવનમાં ઘણી વાર થતું હોય છે. 

બુલો સી. રાની.

‘ભરત વ્યાસ’ના લેખને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ‘મિડ-ડે’ના વાચકો સંગીતમાં પણ ઊંડો  રસ ધરાવે છે એની પ્રતીતિ થઈ. આમ પણ ‘હૈ ગીત વહી સબસે મધુર, જો હમદર્દ કે સૂર મેં  ગાતે હૈં!’
કેટલાક જિજ્ઞાસુ વાચકોએ પ્રશ્ન કર્યો, ‘દીકરો ઘરે પાછો ફર્યા પછી પંડિતજીનું શું થયું?’ ‘ગઢ આવ્યો, પણ સિંહ ગયો’ એવું થયું. તાળું તોડ્યા પછી ચાવી મળે એવું જીવનમાં ઘણી વાર થતું હોય છે. 
 નવા-નવા ગીતકારો આવ્યા, સંગીતકારો આવ્યા, લોકોનો ટેસ્ટ બદલાઈ ગયો, ગ્રુપિઝમ- વાડાબંધી થવા લાગી. પંડિતજી બદલાતા જમાના સાથે તાલ ન મેળવી શક્યા અને હાંસિયામાં  ધકેલાઈ ગયા. કપરી આર્થિક સ્થિતિમાં દિવસો વિતાવ્યા પછી જીવન સંકેલાઈ ગયું. 
ભૂતકાળમાં ઘણા નામી ફિલ્મી કલાકાર-કસબીઓએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. નામ કમાયા પછી ન નામ જાળવી શક્યા ન દામ. સમય વર્તે સાવધાન ન થયા, સમાધાન ન કરી શક્યા અને સમયના વહેણમાં તણાઈ ગયા. 
આજના કલાકારો ખૂબ દૂરંદેશી છે. કલાકાર સાથે વેપારી પણ બની ગયા છે. ફિલ્મની  કમાણીનું ક્યાં રોકાણ કરીને બમણી કરવી એની કલા તેઓ જાણે છે. જે જાણતા નથી તેઓ આર્થિક સલાહકાર રાખે છે. ટૂંકમાં કહીએ તો, આજના કલાકારો ભવિષ્યની તમામ જોગવાઈ કરવાની હોશિયારી રાખે છે અને કફન તથા દફનની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખે છે. 
કોઈ ગરીબીને કારણે મરે એ ભાગ્યની વાત છે, પણ કોઈ ગરીબીને કારણે શરીર પર ઘાસલેટ  છાંટી સળગી ઊઠવા મજબૂર બને એ દુર્દશાને આપણે કઈ રીતે જોઈશું?
એક કલાકારે આ રીતે મજબૂરીમાં પોતાની જાતને સળગાવી હતી. શું નામ હતું તેમનું? 
બુલો સી. રાની. આ નામ તમે સાંભળ્યું છે? ઘણાના મનમાં પ્રશ્ન જાગશે કે આ નામ પુરુષનું  છે કે સ્ત્રીનું? કલાકારનું છે કે કસબીનું? છોડો, એ વાત પછી. તમે સંગીતના રસિયા છો, ક્યારેય મોડી રાતે, નીરવ શાંતિમાં સૂતાં-સૂતાં ગીતા દત્તના મધુર અવાજમાં ‘મત જા મત જા  જોગી, પાંવ પડું મેં તોરે’ ભજન સાંભળ્યું છે? કે ‘એ રી મૈં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને  કોઈ’ની મધુર ધૂન કોઈ દિવસ કાને પડી છે? મીરાબાઈનાં ૧૫ ભજનોની રચના સ્વરબદ્ધ કરી  જેમણે શ્રોતાઓની સુષુમ્ણાના તાર ઝણઝણાવ્યા એ વ્યક્તિ છે બુલો સી. રાની. ‘મત જા જોગી’  એ ભજન ભૂતકાળમાં પંડિત ઓમકારનાથજીએ ગાઈને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. એ ભજનની અલગ રચના કરવાની કલ્પના સુધ્ધાં કોઈ ન કરે, જે બુલો સી. રાનીએ કરી. તેમણે ગીતને જ નહીં, ગીતા દત્તને પણ અમર કરી દીધી. ફિલ્મ હતી ‘જોગન.’ કલાકારો દિલીપકુમાર-નર્ગિસ હતાં. તમને કવ્વાલીમાં રસ છે? જવાબ ‘હા’માં હોય તો બુલો સી. રાનીનું નામ જાણવું જ જોઈએ. એક જમાનો હતો જ્યારે ફિલ્મ અને મનોરંજનની દુનિયામાં કવ્વાલ  અને કવ્વાલીઓની બોલબાલા હતી. ફિલ્મમાં એકાદ ગઝલ કે કવ્વાલી સફળતાનો અંશ  ગણાતી. પ્રેક્ષકો ખાસ કવ્વાલી માણવા થિયેટરમાં જતા. 
 યાદ કરો ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી’, ‘ન તો કારવાં કી તલાશ હૈ’, ‘પર્દા હૈ પર્દા હૈ’, ‘નિગાહેં  મિલાને કો જી ચાહતા હૈ’, ‘તેરી મેહફિલ મેં કિસ્મત આઝમા કે હમ ભી દેખેંગે’ વગેરે  કવ્વાલીઓ એનાં ઉદાહરણ છે. ‘ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા’ કવ્વાલી આજે પણ લોકો સાંભળીને મુગ્ધ બને છે. 
એ જમાનામાં કવ્વાલી જેટલી મશહૂર હતી એટલાં જ કવ્વાલોનાં નામ ગાજતાં હતા. કવ્વાલોના બાદશાહ નુસરત ફતેહઅલી ખાનનું નામ કયો કવ્વાલીરસિક નહીં જાણતો હોય? ઇસ્માઇલ આઝાદ, જાનીબાબુ, યુસુફ આઝાદ, નિઝામી બંધુ, અબિદા પરવીન, રાહત ફતેહ અલી ખાન, સાબરીબંધુ વગેરે અનેક કવ્વાલોના કાર્યક્રમમાં હકડેઠઠ ભીડ જામતી. 
એક સમયે પુરુષ કવ્વાલની દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. એક સ્ત્રીકલાકારે કવ્વાલીની  દુનિયામાં પ્રથમ પ્રવેશ કર્યો, નામ હતું શકીલાબાનુ ભોપાલી. 
શકીલાબાનુ ભોપાલીનો એક અનોખો ઠાઠ હતો. તેની મારકણી અદા પર પ્રેક્ષકો ફિદા-ફિદા થઈ જતા. પાટકર હૉલમાં તેની અદા પર ઓળઘોળ થઈને રૂપિયાની નોટો ઉડાડતા મેં નરી આંખે  જોયા છે. કવ્વાલીની રજૂઆતનો એક અનોખો અંદાજ હતો તેનો. તેના નાઝ-નખરા, તેની તીરછી નજર, તેના અંગમરોડ, કવ્વાલીની તાળીઓની થાપીઓનો નોખો ઢંગ પ્રેક્ષકોના હોંશ ઉડાડી દેતો. તેની ગાયકીમાં કોઈ કમાલ ન હોવા છતાં તેની નખરાળી પ્રસ્તુતિને કારણે  પ્રેક્ષકો આફરીન પોકારી જતા. 
તમે માનશો? શકીલાબાનુનો કાર્યક્રમ જે થિયેટરમાં હોય ત્યાં ખાસ પ્રકારના પહેરેગીરો  રાખવામાં આવતા, જેથી ઉન્માદી પ્રેક્ષકો કાબૂમાં રહે. એક સમય તો એવો આવ્યો કે મુંબઈનાં  અમુક સભાગૃહોએ શકીલાબાનુના કાર્યક્રમ માટે પ્રતિબંધ મૂકવો પડ્યો. 
ખેર, તમને થશે કે આ બધામાં બુલો સી. રાની ક્યાં આવ્યા? ૧૯૫૮માં એક ફિલ્મ આવી હતી, ‘અલ હિલાલ.’ સંગીતકાર બુલો સી. રાની. એમાં એક કવ્વાલી એવી હતી જેણે કવ્વાલીનો યુગ શરૂ કરાવ્યો. દેશભરમાં એવી ધૂમ મચાવી કે યુવાનો દીવાના થઈ ગયા ને બુઢ્ઢાઓ યુવાન થઈ ગયા. 
કઈ હતી એ કવ્વાલી? આવતા સપ્તાહે. 

columnists Pravin Solanki