15 November, 2026 07:40 AM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
લાભ પાંચમ સાથે દિવાળીની રજાઓ સંકેલી પાછા કામે ચડવાનો સમય આવી ગયો છે. આ ક્ષણે વાર્ષિક સંકલ્પો પર એક નજર નાખી લેવી જરૂરી છે. લક્ષ્ય સામે હોય તો એને સાધવા માટેના માર્ગો વિશે ચિંતન-મનન થઈ શકે. લક્ષ્ય બિઝનેસ કે ઉદ્યોગધંધાની નજરે હોય એ સ્વાભાવિક છે પણ સાથે-સાથે સંતોષ તરફ લઈ જતી કેડી વિશે પણ વિચારવું પડે. કેડી ભલે નાની હોય પણ આપણને ઉન્નત સ્થિતિમાં લઈ જતી હોય તો રાજમાર્ગથી જરાય ઉતરતી ન ગણાય. રાજેન્દ્ર શુક્લની પંક્તિઓમાં એક અલગારી ચિતાર અને વિચાર મળે છે...
સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે સામા ધસવાનો પ્રયાસ ચોક્કસ કર્યો પણ આખરે આઘા ખસી જવાનો વારો આવ્યો. એમનું કાંડું નથી કપાયું પણ ન્હોર ચોક્કસ કાપી લેવામાં આવ્યા છે. પ્રજા જે રાજાને માથે બેસાડે છે એને પળમાં હતો ન હતો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ચીન કે રશિયા જેવા દેશોમાં ભલે આ શક્ય નથી લાગતું પણ જ્યાં લોકશાહીના મૂળિયા ઊંડા છે ત્યાં પ્રજા વ્હાલ કરી શકે અને વિફરી પણ શકે. ચિનુ મોદીની પંક્તિઓમાં શબ્દ સાથે મતની પણ તાકાત જોઈ શકાય છે...
કદી રાંક છે તો કદી રાય શબ્દો
કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો
કદી હોઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર બહુ બોલકા થાય શબ્દો
બોલકા શબ્દોને બફાટ બનવામાં વાર નથી લાગતી. સમજ્યા વિચાર્યા વગર બોલવું, તથ્ય વગર બોલવું, પાયા વગરની વાતો કરવી વગેરે નાદાનિયતના લક્ષણો છે. આ બધા લક્ષણો જનાબ રાહુલ ગાંધી પ્રકારના નેતાઓને તસોતસ ફીટ બેસે છે. આખા વિશ્વમાં ભારતની છાપ એવી ઊભી કરવામાં આવે છે કે અહીં લોકશાહી ખતરામાં છે. દેશને ભાંગવા ઇચ્છુક અમીચંદો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. સત્તા માટેના ઉધામા દેશહિતના ભોગે થાય એ શરમજનક છે. કોઈ પણ વ્યક્તિ કે પક્ષ કરતાં રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ. આદિલ મન્સૂરી સમાધાનનો માર્ગ દર્શાવે છે...
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
રાજકીય વિચારધારામાં જે વિવાદો ઊભા થતા રહે છે એની ચર્ચા સંસદને બદલે સડક પર કરવા હો-હા થઈ રહી છે. અડધો પગ કારની અંદર હોય અને અડધો પગ કારની બહાર હોય એવી સ્થિતિમાં કોઈ પણ નેતાને ગંભીર પ્રશ્નો ન પૂછવા જોઈએ. એના જવાબ અદ્ધર જ મળવાના. પ્રશ્નોની ચર્ચા માટે માહોલ પણ ઉચિત હોવો જોઈએ. સ્મશાનમાં લગ્નની તારીખ નક્કી ન થાય અને લગ્ન સમારંભમાં સ્મશાનની વાત ન છેડાય. વંચિત કુકમાવાલા પ્રકૃતિની શક્તિનો સ્વીકાર કરે છે...
જે બને, બનશે જ, બનવાકાળ છે
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે?
ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે
બનવાકાળ એટલું બધું બની રહ્યું છે કે દિવસભર સમાચારો જ જોતા રહીએ તોય ધરવ ન થાય. એક નાની ટ્વિટ આગ લગાડી શકે છે. એક ખોટું નિવેદન ખળભળાટ મચાવી શકે છે. અભિવ્યક્તિ સહજ બની છે તો એની સામે પ્રતિભાવ પણ ત્વરિત બન્યા છે. નગીનદાસ સંઘવીની એક કટાર ચાલતી હતી જેનું શીર્ષક હતું `તડ અને ફડ’. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો ચાલતો રહે ત્યારે ટહુકાનું સંગીત અળપાઈ જતાં વાર નથી લાગતી. હર્ષા દવે મુદ્દાની વાત કરે છે...
આપણી બારી ઉઘાડી રાખીએ
તો બધે અજવાસ પારાવાર છે
રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે
એક ટહુકા પર બધો આધાર છે
લાસ્ટ લાઇન
હું કદી જીવી શકું નહિ ભાગ્યના ઉપકાર પર
નહિ ભરોસો વર્ષ, તિથિ, માસ, તારીખ, વાર પર
એટલે ભીનું રહે છે ગાલનું ફળિયું સદા
યાદ તારી મેં નિચોવી પાંપણોના તાર પર
રંગ-રંગોળી-પતંગો આ બધું તો ઠીક છે
ઝૂંપડે દીવો’ય પણ કરવો રહ્યો તહેવાર પર
`સ્મિતની વેધક કટારી’, `સ્નેહની તલવાર’ - આ
આગવાં શાસ્ત્રો ઉગામો, અંગતોના વાર પર
અન્નના કણને ઉપાડી, ચાલતી થઈ છે કીડી
જિંદગી આખી વીતે નહિ, અન્યના આધાર પર
હા, નદીનું નીર ઝીલવા, ખૂબ વિસ્તરવું પડે
ઠાઠ, જલધિનો મળે નહિ, એકલો ઉધાર પર
પીયૂષ ચાવડા
ગઝલસંગ્રહ: હાથ સળગે છે હજી