કાતિલ કાર્ટેલ (પ્રકરણ 21)

30 March, 2024 09:13 AM IST  |  Mumbai | Bharat Ghelani, Parth Nanavati

આખી વાર્તા અહીં વાંચો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘ચાલ, આપણે સુનીલ પાસે જઈને મોબાઇલ લઈ આવીએ...’ 
 આટલું કહી અમરીશને ગાલ પર એક ગરમાગરમ પપ્પી કરી શાલિનીએ ઉમેર્યું : 
 ‘પછી આપણી ‘કૌન બનેગા કરોડપતિ’ની રમત શરૂ કરીએ.’ 
 ‘શાલિની યાર, તું હજી પેલા ઇન્સ્પેક્ટરને મળી નથી. મહા ખતરુ ચીજ છે એ... સાલો. લફરાબાજી એવી જોરથી કરે છે કે ધોળે દિવસે આસમાનના તારા નહીં, બધા ગ્રહ દેખાઈ જાય,’ અમરીશે ધ્રૂજતા અવાજે કહ્યું.

શાલિની કંઈ બોલી નહીં. હાથ પકડીને અમરીશને ફ્લૅટમાંથી તે બહાર ખેંચી લાવી. 
 રિક્ષા કરીને ‘હોટેલ ઝેન’ પહોંચ્યાં ત્યારે તેમનો ત્રીજો સાગરીત સુનીલ અગાઉ ફોન પર આપેલી સૂચના મુજ્બ રિસેપ્શન કાઉન્ટર પાસે ઊભો હતો. 
 તે બન્ને સુનીલ પાસે પહોંચ્યાં. પછી અમરીશ-સુનીલના હાથ પકડી લઈને શાલિનીએ બન્ને તરફ આંખ મીંચકારતાં કહ્યું,
 ‘બચ્ચેલોગ, હું દિલ્હીની છું. સિટી ઑફ પાવર. ઍન્ડ આ પાવર ગેમમાં તું અને સુનીલ. બસ, હું કહું એમ કરશો તો આંખના પલકારામાં કરોડપતિ બની જશો.’ 
શાલિનીના મગજમાં શું ચાલી રહ્યું હતું એ હજી પણ અમરીશ કે સુનીલના પલ્લે નહોતું પડી રહ્યું. 
 ‘અમરીશ, તું સુનીલને તેનાં કપડાં આપ. સુનીલ, તું શાવર લઈને લૉબીની કૉફી-શૉપમાં આવ. સાથે મારા કાકાને ત્યાંથી લીધેલો પેલો મોબાઇલ પણ લેતો આવજે.’ 
 શાલિની શાણી હતી. તે બને એટલો જલદી મોબાઇલ પોતાના કબજામાં કરી લેવા માગતી હતી. 
 ‘અમુ બેબી. ચાલ, આપણે ઝેન-કૅફેમાં કોલ્ડ કૉફી પીએ.’
 થોડી વારે તે બન્નેની કોલ્ડ કૉફી આવી ત્યાં સુધીમાં તો સુનીલ પણ ફટાફટ ફ્રેશ થઈને આવી ગયો. કાકાવાળો મોબાઇલ તેણે અમરીશ તરફ સરકાવ્યો. શાલિનીએ તેને વચ્ચેથી જ આંતરી લીધો: 

સુનીલ માટે પણ કૉફી આવે એ દરમ્યાન શાલિનીએ પેલો મોબાઇલ આમ તેમ ઊથલાવ્યો : ‘ખરેખર મોંઘો લાગે છે.’ 
 સુનીલ માટે કૉફી આવી. તે હજી કૉફી પૂરી કરે ત્યાં સુધી શાલિનીથી રહેવાયું નહીં: 
 ‘ચાલો... ચાલો... જોઈએ તો ખરા આ મોબાઇલમાં એવું તે શું છે કે પોલીસ એની પાછળ પાગલની જેમ પડી છે.’
 આટલું કહીને શાલિનીએ મોબાઇલ સ્વિચ-ઑન કર્યો. અનુપે મોબાઇલમાં પાસકોડ નાખ્યો નહોતો એટલે શાલિનીનું કામ સરળ થઈ ગયું. 
‘વાઉ! જસ્ટ ખરીદ્યો લાગે છે. આમાં કોઈ ઍપ પણ નથી ઇન્સ્ટૉલ કરી,’ મોબાઇલના સ્ક્રીનને સ્વૅપ કરતાં શાલિની બોલી :
 ‘ફાઇલ્સ ક્યાં છે? ઓકે, મળી ગઈ. હંમ, કોઈ વિડિયો ફાઇલ છે.’ અનુપની ફુટેજ ફાઇલ પર ક્લિક કરતાં શાલિનીએ કહ્યું: 
 ‘ઓત્તારી, આ તો પેલી ફેમસ ટીવી-રિપોર્ટર નતાશા છે, પણ આ લંગૂર કોણ છે?’ શાલિની પેલા ‘લંગૂર’ સમીરને ન ઓળખી શકી. અમરીશ અને સુનીલ બાઘા બનીને શાલિનીની સાથે સ્ક્રીન જોતા રહ્યા.
 ‘ઓહ, આ તો પેલો મિનિસ્ટર જયરાજ પટેલ, બાપ રે!’ આગળનું ફુટેજ જોતાં જ શાલિનીની આંખો પહોળી થઈ ગઈ. તેણે ફટાક કરીને મોબાઇલ સ્વિચ-ઑફ કર્યો: 
 ‘ઓહ તેરી માં કી.. માય ગૉડ, આમાં તો જબરો દારૂગોળો ભરેલો છે. અહીં જાહેરમાં ન જોવાય. ચાલ, ઉપર આપણી હોટેલરૂમમાં,’ આટલું ઝડપથી બોલીને શાલિની ઊભી થઈ ગઈ.
ભાનુએ કરેલા રેકૉર્ડિંગની ક્લિપ થોડી જ જોઈને ત્રણેય ચકરાવે ચડી ગયાં હતાં. પાછળ જાણે ભૂત પડ્યું હોય એવા ભયભીત થઈને એ ત્રણેય સુનીલની હોટેલરૂમમાં ભરાઈ ગયાં.
 થોડીક ક્ષણ પછી ઊંડો શ્વાસ લઈને શાલિની બોલી: 
 ‘હંમ, હવે સમજાયું કે બન્ટીને પોલીસ કેમ ઉપાડી ગઈ.’ 
 ‘ઓ શાલિની, બન્ટી પછી આપણો વારો પણ નક્કી છે. ભાઈ અમરીશ, તું પેલા પીઆઇ મહીડાનો કૉન્ટૅક્ટ કરીને તેને જણાવી દે કે મોબાઇલ અમારી પાસે છે અને તમે કહો ત્યાં આવીને અમે આપી જઈએ,’ ધ્રૂજતા અવાજે સુનીલે કહ્યું. 
 ‘ઓ સુનીલ, આર યુ મૅડ? મોબાઇલ એમ ને એમ ન અપાય. એની કિંમત નક્કી કરીને સોદો કરવો પડશે,’ આટલું કહી શાલિનીએ ઉમેર્યું: 
‘આ મોબાઇલમાં મંત્રીનું ભવિષ્ય કેદ છે. જો આ ફુટેજ જાહેર થયું તો તે જેલમાં અને તેની કારકિર્દી-પ્રતિષ્ઠા બધું ગટરમાં. વિચારો, આ મંત્રી પાસે કરોડોની દોલત છે. પોતાનાં આવાં કૌભાંડ બહાર ન પડે એ માટે શું તે પાંચ-દસ કરોડ રૂપિયા ઢીલા નહીં કરે?’ શાલિનીએ એકીટશે અમરીશ-સુનીલ સામે જોઈને કહ્યું.
‘ના, તે પાંચ-દસ કરોડ રૂપિયા આપણને નહીં આપે. તે પચાસ લાખ પેલા જાલિમ પોલીસવાળાને આપીને આપણું એન્કાઉન્ટર કરાવી નાખશે.’ મહીડાએ ફટકારેલો લાફો અમરીશને યાદ આવી ગયો.’

 ‘તમે બન્ને સાવ ફટ્ટુ છો. થોડી હિંમત રાખો, બધું હું પતાવી દઈશ. મારી ગૅરન્ટી,’ શાલિનીએ જુસ્સાભેર કહ્યું. 
 ‘ઓકે, તો બોલો હવે આગળ શું કરવાનું છ?’ સુનીલ તરત જ શાલિનીને શરણે થઈ ગયો.
 ‘યે હુઈ ના બાત. શાબાશ, સુનીલ.’ 
 ‘હવે ધ્યાનથી સાંભળો, આપણે એક નવો મોબાઇલ લઈને - આ ફુટેજમાં નતાશાની જોડે જે પેલો લંગૂર છે તેને ફોન કરીને કહીશું કે ‘મોબાઇલ અમારી પાસે છે. એમાં રહેલી સામગ્રી જો જાહેર ન કરવી હોય તો ચોવીસ કલાકમાં ૧૦ કરોડની વ્યવસ્થા કર.’ શાલિની એકદમ ફિલ્મી સ્ટાઇલમાં બોલી.
 ‘બ્લૅકમેઇલ, વાહ... શાલિની, શું પ્લાન છે!’ સુનીલ ખુશ થઈ ગયો.
 ‘શું પ્લાન? ધૂળ ને ઢેફા. એક તો કોઈની પાસે દસ કરોડ કૅશમાં ન હોય અને જો હોય તો પણ તે આપણને કેવી રીતે પહોંચાડશે? અથવા તો એ લેવા કોણ જશે? અને ધારી પણ લો કે એ રકમ આપણી પાસે આવી ગઈ તો પછી આપણે એને છુપાવીશું ક્યાં?’ અમરીશે પૂછ્યું.
 ‘યાર, તમે લોકો ગરીબી રેખાની ઉપર આવો. આવા લોકોને ત્યાં બે નંબરના કરોડો રૂપિયા ઘેર પડેલા હોય છે.
ન્યુઝમાં નથી જોતા? ‘ઈડી’ના દરોડા પડે છે ત્યારે ઢગલાબંધ નહીં, ટેકરીબંધ રોકડ મળી આવે છે. અને એક વાર ૧૦ કરોડ રૂપિયા હાથમાં આવે એટલે આપણે એમાંથી બિટકૉઇન્સ-ક્રિપ્ટો કરન્સી ખરીદી લઈશું. દિલ્હીમાં મારો દોસ્ત છે તે આ બધાં કાળાં-ધોળાં કરે છે, ડોન્ટ વરી.’ શાલિનીનું મગજ પૂરપાટ દોડતું હતું.
 ‘પણ એ દસ કરોડ રૂપિયાના ભાગ કેવી રીતે પાડીશું?’ સુનીલે તો જાણે મંત્રી પાસેથી ઑલરેડી કૅશ આવી ગઈ હોય એમ એની વહેંચણીની વાત ચાલુ કરી.
‘અરે સિમ્પલ, તમને બન્નેને ત્રણ-ત્રણ કરોડ ને મારા ચાર કરોડ.’ 
 ‘કેમ અમને ત્રણ કરોડ?’ અમરીશે પૂછ્યું.

 ‘બિકૉઝ, આઇડિયા મારો હતો કાકાને લૂંટવાનો, જેના થકી આ મોબાઇલ હાથમાં આવ્યો અને પછી બીજો આઇડિયા પણ મારો છે, મંત્રી સાથે સોદો કરવાનો.’
 ‘પણ રિસ્ક તો અમે બન્નેએ લીધેલુંને?’ સુનીલે સહેજ ઉશ્કરાઈને સામે સવાલ કર્યો.
 ‘સુનીલ ડિયર, તમારા રિસ્કના જ ત્રણ કરોડ રૂપિયા આપું છું. બાકી તમે લોકો તો એક લાફો પણ ખાઈ શકતા નથી,’ શાલિનીએ પોતાનો રોષ ઉછાળ્યો.
 ‘ઓકે ડીલ.’ સવાલ ત્રણ કરોડનો હતો. અમરીશે શરણાગતિ સ્વીકારી લીધી.
 ‘સો, આપણે આ પ્લાન અમલમાં મૂકીએ છીએ. બાય ધ વે, આ મોબાઇલ મારી પાસે રહેશે અને સુનીલ, તું ‘ગૂગલ’ સર્ચ કરીને પેલા મંત્રીશ્રીની ફૅમિલીમાં કોણ-કોણ છે એની કુંડળી કાઢ. તેમના કોઈ કૉન્ટૅક્ટ નંબર મળે એ પણ જો.’ થોડું અટકીને શાલિની પછી અમરીશ તરફ ફરી : 
 ‘અમરીશ, તું બજારમાં જઈને સાવ સસ્તાં બે-ત્રણ મોબાઇલ અને સિમ કાર્ડ લઈ આવ.’
 ‘અરે, આપણા નામે? સિમ લેવા માટે આધાર કાર્ડ જોઈએ.’ 
 ‘ના, અહીં આપણે મારાં કાકા-કાકીને કામે લગાડીએ,’ કહીને શાલિની ખંધું હસી : 
 ‘તેમનાં આધાર કાર્ડ્સ મારી પાસે છે.’ શાલિનીએ પોતાના પર્સમાંથી કાકા-કાકીનાં આધાર કાર્ડ અને ૧૦ હજાર રૂપિયા ગણીને અમરીશને આપ્યા.
 ‘સુનીલ, તું લૉબીમાં બેસીને ‘ગૂગલ’ પર મંત્રીના વંશ-વારસનો અત્તો-પત્તો મેળવ અને અમરીશ તું પણ માર્કેટમાં જઈ મોબાઇલ ખરીદી લાવ. હવે તમે બન્ને કામે લાગો. ત્યાં સુધીમાં હું અહીં શાવર લઈ ફ્રેશ થઈ જાઉં.’ શાલિનીએ ઊભાં થઈને અદાભેર આળસ મરડી.

  ‘હોટેલ ઝેન’માં શાલિની માટે સુનીલે એક અલગ રૂમ બુક કરાવી લીધો. પછી એ રાતે અમરીશ-સુનીલ સાથે શાલિની બેસી ગઈ બ્લૅકમેઇલના પ્લાનિંગ માટે. 
 અમરીશ ત્રણ મોબાઇલ અને સિમ લઈ આવેલો. સુનીલે રિસર્ચ કરીને મોબાઇલમાં ‘ટેક્સ્ટ ટુ સ્પીચ’ની ઍપ ડાઉનલોડ કરી. પછી બ્લૅકમેઇલના મેસેજનું કોઈ ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ (AI) કૅરૅક્ટરના અવાજમાં રેકૉર્ડિંગ કરી લીધું. 
કાલ સવારથી શરૂ થનારું ચોવીસ કલાકનું તેમનું ‘ઑપરેશન મંત્રીશ્રી’ જો બરાબર પાર પડે તો એ ત્રણેય કરોડપતિ બની જવાનાં. એ વિચાર માત્રથી ત્રણેય હોઠો પર સ્મિત ફરકાવતાં સૂઈ ગયાં.
સુનીલે એકઠી કરેલી માહિતીને આધારે બીજે દિવસે સવારે પહેલો ફોન પાળજની ‘સૂર્યા સહકારી બૅન્ક’ના ફોન બોર્ડ પર ગયો. ટેલિફોન ઑપરેટરે એ કૉલ અજય ગણાત્રાને આપ્યો.
 ‘હેલો, કોણ બોલો?’ શાલિનીએ રેકૉર્ડ કરેલો મેસેજ પ્લે કર્યો : 
 ‘શાંતિથી સાંભળ, સમીર ખેતાણીને કહો કે તેના સસરા જયરાજ પટેલનાં કાળાં કરતૂતોનો વિડિયો અમારી પાસે છે. જો એ વિડિયો વાઇરલ ન થવા દેવો હોય તો અમને આ નંબર પર ફોન કરો, નંબર છે : ૭૬૮૯૦૧૨૩૨૫. લખી લો, ફરીથી નંબર કહું છું : ૭૬૮૯૦૧૨૩૨૫. તારા સાહેબને કે’ આ નંબર પર બે કલાકમાં ફોન કરે. નહીંતર...’ 
 ‘અરે,પણ.’ 
 આ રેકૉર્ડેડ મેસેજ સાંભળીને અજય પહેલાં તો મૂંઝાયો પછી મનમાં અટ્ટહાસ્ય કર્યું : 
 ‘પાજી સમીરિયો એ જ લાગનો છે. મારી પાસેથી નતાશા છીનવી. મને કરોડપતિ થતાં રોક્યો, પણ લે, હવે આ પાર્ટી તારી વાટ લગાડશે.’ 
 એકાદ મિનિટ વિચાર કરીને બૉસ સમીર ખેતાણીને અજયે ફોન કર્યો : 
 ‘બોલ ભાઈ, કેમ સવાર-સવારમાં કૉલ કરવાની નોબત આવી?’ સમીરે પૂછ્યું.
 અજયનો ફોન આવ્યો ત્યારે સમીર ગાંધીનગર-દશેલાના ફાર્મહાઉસ પર જવા નીકળ્યો હતો. 
 ‘સર, કોઈ પાર્ટીનો રેકૉર્ડેડ મેસેજ હતો. બૅન્કના નંબર પર કૉલ આવેલો.’ અજયે કહ્યું.
 ‘કોણ પાર્ટી?’
 ‘એ તો ખબર નથી, પણ કોઈ વિડિયોની વાત કરી. કહ્યું કે તમારા સરને કહો કે કલાકમાં ફોન કરે. નહીંતર મંત્રીશ્રી અને તમારો વિડિયો સોશ્યલ મીડિયાનાં બધાં પ્લૅટફૉર્મ્સ પર વાઇરલ કરશે.’ મૂળ મેસેજમાં પોતાના શબ્દો ઉમેરીને અજયે જૂનું વેર વાળ્યાનો આનંદ લીધો. 
‘અબે, મોઢું સંભાળીને બોલ.’ અજયના તોછડા ટોનથી સમીર છંછેડાયો.
 ‘સૉરી સર, આ હું નથી કહેતો. આ તો પેલા મેસેજમાં જે હતું એ જ મેં તમને કહ્યું. હું નંબર તમને વૉટ્સઍપ કરું છું. તમને ઠીક લાગે એમ કરો’ અજય માંડ-માંડ હસવાનું રોકી શક્યો.
 અજયે મોકલેલા નંબર પર સમીરે તાત્કાલિક ફોન કર્યો.
 ‘હેલો.’ સામે છેડે સુનીલે ફોન લીધો.

‘કોણ છે બે, તું? તારી શામત આવી લાગે છે. મને ધમકી આપે છે? કૂતરાની જેમ દોડાવીને મારીશ તમને બધાને’ સમીરે ધમકીથી વાત શરૂ કરી.
 ‘હો ગયા, તેરા?’ શાલિનીએ આપી રાખેલા માર્ગદર્શન હેઠળ સુનીલે શરૂ કર્યું :
 ‘અબ હમારી સૂન લે ભેણ*****, શામત અમારી નહીં તારી ને તારા ફૅમિલીની આવશે, માટે બકવાસ બંધ કર. તાત્કાલિક તારા સસરાને જાણ કર ને દસ કરોડ રૂપિયા તૈયાર રાખો. તને બે કલાકમાં ફરી ફોન કરીશું’ કહીને સુનીલે કૉલ કટ કર્યો.
સુનીલની હિંમતને બિરદાવવા શાલિનીએ તેને હળવું હગ કર્યું. એ જોઈને અમરીશ ચિડાયો: 
‘શાલિની, આ નખરા બંધ કરો. હવે શું કરવાનું છે આગળ?’ 
 ‘કુલ, અમુ ડિયર, હવે તું સમીરને એક વિડિયો-ક્લિપ આ જ નંબર પરથી મોકલ, પ્રૂફ તરીકે, પછી...’ અચાનક શાલિનીની વાત વચ્ચેથી અટકાવીને અમરીરીશ બોલી ઊઠ્યો : 
 ‘પણ તે લોકો જો કૉલ ટ્રેસ કરશે તો આ લોકેશન મળી આવશે’ અમરીશના અવાજમાં વ્યાકુળતા હતી.
‘યાર, મારી વાત પૂરી તો સાંભળ. હું પણ એ જ કહેવાની હતી. હવે સાંભળ, સમીરને જેવી વિડિયો-ક્લિપ તું આ જ નંબર પરથી મોકલી દે પછી આ ફોન અને સિમ કાર્ડનું કામ પૂરું. તાત્કાલિક આ ફોન ને સિમ કાર્ડ દૂર કોઈ ગાર્બેજ-ઉકરડાના ડબ્બામાં પધરાવી દઈએ, અને પછી...’ 
 ‘અને પછી?’ સુનીલ બોલી ઊઠ્યો. 
 ‘એ પછી નહીં, હમણાં જ અહીંથી આપણે ચેક-આઉટ કરીને સિટીને બીજે છેડે કોઈ સસ્તી હોટેલમાં ચેક-ઇન કરીએ.’ 
 ‘વાહ, બ્રિલિયન્ટ આઇડિયા,’ અમરીશ-સુનીલ બન્ને એકસાથે બોલી ઊઠ્યા.
‘હવે તમને-બન્ને ડફોળને ખ્યાલ આવ્યો કે તમારા કરતાં એક કરોડ વધુ મને કેમ?’ શાલિનીએ હસીને ઉમેર્યું :
 ‘ઍની વે. ચાલો, વખાણ પછી, પહેલાં કામ પર લાગો,’ શાલિનીના અવાજમાં ઉત્તેજના હતી. 

 ‘બડો ફસાયો છું મારા આ હરામી સસરાની ફૅમિલી જોડે,’ બબડતાં-બબડતાં સમીરે દિલ્હી તેના સસરા જયરાજ પટેલને ફોન જોડ્યો. 
 ‘હા બેટા, તો બધું પતી ગયું?’ મંત્રીએ તેમના ટ્રેડમાર્ક ટોનમાં પૂછ્યું.
‘ના બાપુજી’ સમીરે દાંત ભીંસીને ઉમેર્યું :
 ‘પેલા નમકહરામ ભાનુએ આપણી બધી વાતનું મોબાઇલમાં રેકૉર્ડિંગ કરેલું. હવે એ ફોન કોઈ ત્રીજી પાર્ટી પાસે પહોંચી ગયો છે,’ સમીરે ટૂંકમાં આખી કથા કહી.
 ‘ઓહ! વાંધો નહીં. આ વખતે સોદો પતાવી દો,’ કહીને પછી જયરામે સાંકેતિક ભાષામાં વાત શરૂ કરી : 
 ‘કેટલાં ટન ખજૂર જોઈએ છે સામેવાળા વેપારીને?’ 
 ‘વીસ ટન ખજૂર, ને એ પણ એકદમ ફ્રેશ.’ 
બ્લૅકમેઇલરે ૧૦ કરોડ રોકડા માગ્યા હતા, પણ સમીરે પોતાના બીજા ૧૦ ઉમેરીને સસરાજીને ૨૦ કરોડ કહ્યા. 
‘અચ્છા, છે આપણી પાસે એટલો માલ હાજર સ્ટૉકમાં?’ 
‘હા, થઈ જશે, બાપુજી.’ 
‘હંમ, સારું પતાવો આ વખતે. નવા સોદા વખતે જોઈ લેશું. મારી જરૂર હોય તો કહેજો, હું આવી જઈશ.’ અંદર ભભૂકેલા દાવાનળને કાબૂમાં રાખીને મંત્રીજીએ શાંતિથી કહ્યું.
 ‘જી, બાપુજી,’ સમીરે કૉલ કટ કર્યો.
‘હાશ’ સમીરે મનોમન વિચાર્યું : 
‘એક વાર આ મારાવાળા દસ કરોડ હાથમાં આવે એટલે હું પણ અહીંથી છટકી જઈશ પૂર્વ યુરોપના કોઈ દેશમાં. નતાશા સાથે.’ 
પણ સમીરને સપનેય ખ્યાલ નહોતો કે હવે પછીની ઘટનાઓનો પ્રવાહ કઈ દિશામાં ફંટાવાનો હતો. 

(ક્રમશ:)

columnists gujarati mid-day