હાંફ: આશા અને નિરાશા વચ્ચે ચડતો શ્વાસ

02 November, 2025 11:50 AM IST  |  Mumbai | Raam Mori

માધવી આમ તો એકલી હતી પણ રૅશનકાર્ડની ચોપડી મુજબ તે સૌથી મોટી અને પછી એક નાની બહેન અને બે નાના ભાઈઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ પાસે પીલા હાઉસની નજીક આરબ ગલીમાં એક નાનકડી ખખડધજ જૂની ચાલમાં માધવીનો આખો પરિવાર ખીચોખીચ ભીંસાઈને જીવતો. 

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

તેનું નામ માધવી. ઉંમર ઓગણચાલીસ વર્ષ. લોકો વાંઢી કહેતા પણ તેની બાને મન માધવી કુંવારી હતી. દરેકની પોતાની એક ઓળખ હોય. કોઈનો ચહેરો, કોઈનો અવાજ, કોઈની ચાલ કે કોઈની કપડાં પહેરવાની સ્ટાઇલ. પણ માધવીની ઓળખ હતી માધવીની હાંફ. સતત હાંફ્યા કરતી. કોઈ કહેતું કે અસ્થમા હશે, કોઈ કહે શ્વાસ બહુ ચડે છે તો ફેફસાંમાં તકલીફ હોવી જોઈએ. માધવીની બા ડરી ગયેલી. તેમણે માધવીની દવા કરાવી પણ ડૉક્ટરે કહ્યું કે અસ્થમા નથી અને ફેફસાંમાં કોઈ ફિકર જેવી વાત નથી.
પણ બા જેનું નામ...
ડૉક્ટરનું ભણતર પૂરું થાય ત્યાંથી જનેતાનું ગણતર શરૂ થાય.
બાએ દવા, દવાખાનું, દોરાધાગા અને માનતામાં કશું બાકી નહોતું રાખ્યું. પણ ચડતો શ્વાસ એટલો જિદ્દી હતો કે બધી બાધાઆખડીની માથે પગ મૂકીને માધવીની છાતીમાં ચસોચસ ગોઠવાઈ ગયો હતો. માધવીને થતું કે બળ્યું, ઓગણચાલીસ વર્ષની ઉંમરે કોઈ ઉમળકો આવે-ન આવે પણ છાતીમાં હાંફ તો આવે છે!  
માધવીને એવી ટેવ જ નહોતી કે કોઈ તેનું ધ્યાન રાખે. બા જો માધવીની કાળજી કરતી તો એમાં માધવીને એ વાતનો ઉચાટ રહેતો કે મારી ચિંતામાં ને ચિંતામાં બાનું BP વધી જશે, ફરી બાનો ખાટલો આવશે, ફરી દવાખાનું આવશે, ફરી આખા મહિનાના ખર્ચાનું બજેટ ડોલવા લાગશે એટલે સરવાળે કોઈ માધવીની ચિંતા કરે એ સુખ પણ તેના નસીબમાં નહોતું. 
માધવી આમ તો એકલી હતી પણ રૅશનકાર્ડની ચોપડી મુજબ તે સૌથી મોટી અને પછી એક નાની બહેન અને બે નાના ભાઈઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ પાસે પીલા હાઉસની નજીક આરબ ગલીમાં એક નાનકડી ખખડધજ જૂની ચાલમાં માધવીનો આખો પરિવાર ખીચોખીચ ભીંસાઈને જીવતો. 
માધવી જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે તેના બાપુ અડધી રાત્રે ક્યાંક જતા રહેલા. આ ‘ક્યાંક જતા રહેવું’ એટલે શું? આ ‘ક્યાંક’ એ જગ્યા કઈ બાજુ? લોકો શું કામ ત્યાં જતા રહેતા હશે? અને સૌથી મુખ્ય વાત કે એ જગ્યા એવી તે કેવી હશે કે ત્યાં ગયા પછી માણસ પાછો ન આવે? આવા તો અનેક પ્રશ્નો માધવીને થતા પણ જવાબ તેને આજ સુધી મળ્યા નથી. 
એ સવારે માધવી દરરોજ કરતાં થોડી વહેલી જાગેલી, કદાચ આડોશીપાડોશીની ચહલપહલ. ‘અરરર ભારે કરી’, ‘ધાર્યું ધણીનું થાય’, ‘પોલીસને જાણ કરી દો’, ‘ઘરમાંથી કોઈએ કાંઈ કહ્યું હતું એને?’, ‘કોઈ વાતે માઠું લાગી ગયું હોય એવું કશું?’, ‘બીજું બધું તો ઠીક પણ આ નાના છોકરાઓનું શું થશે?’ એવા ગુપચુપ ફુસફુસ અજાણ્યા અવાજોના કારણે માધવીની આંખ ખૂલી ગઈ હતી. તેણે જોયું કે ઘરનાં રોજિંદાં દૃશ્યોમાં બધું જ એમનેમ છે પણ એ અજવાળામાં ક્યાંય બાપુ નહોતા. પૂછ્યું તો કોઈ પાડોશીએ ‘હવે તું બિચારી’ એવું સર્ટિફિકેટ આપતાં કહેલું કે – ‘તારા બાપુ તો અંધારામાં જ ક્યાંક જતા રહ્યા છે!’ માધવીએ આમતેમ નજર ફેરવી તો ભીંતે માથું ટેકવી પાલવથી મોં ઢાંકીને બા રડતી હતી. નાની બહેન હીબકાં ભરતી હતી. એક ભાઈ ઘોડિયામાં હતો અને બીજો મમ્મીના પેટમાં. આ દૃશ્ય માધવીને ખટક્યું કેમ કે આ માહોલની તેને ટેવ નહોતી.
દરરોજ સવારે તે આંખ ખોલતી ત્યારે બા અને બાપુ સામસામા પૂરા જોશથી ટિફિનના ડબ્બાઓનો ઘા કરતાં. 
‘આજેય દૂધીનું શાક કેમ?’
‘મારા ટિફિનની રોટલી કેમ ચવડ થઈ જાય છે?’
‘ગળ્યું કેમ નથી બનાવતી?’
‘હું એકલો ગધેડાની જેમ આખા ઘર માટે કમાઉં છું પણ મારી કદર નથી.’
દરરોજ સવારે ટિફિનના ડબ્બાઓમાં, બાપુના અવાજમાં અને સંબંધમાં ઘોબાઓ પડતા. રાતે જ્યારે માધવીની આંખ મીંચાતી ત્યારે બાપુ નીચું જોઈને જમતા હોય અને બા પોતાનું માથું ભીંત સાથે અફળાવીને છાતી કૂટતી હોય કે...
‘પગારના પૂરા પૈસા કેમ ઘરે નથી આપતા?’
‘ખોલીનું ભાડું આપવાનું છે એ કેમ નથી જાણતા તમે?’
‘દારૂમાં એવું તો શું દાટ્યું છે કે તમને બીજા કોઈનો વિચાર નથી આવતો?’
પછી જેમ-જેમ રાત ઘેરાતી એમ-એમ ટિફિનના ડબ્બાના, આખી વાતના અને રાતના એકસામટા ઘોબાઓ બાના શરીર પર આવતા ઘબ્ભ, ધબ્બ, ઘબ્બ, ધબ્બ અને પછી ઘચ્ચ ઘચ્ચ ઘચ્ચ! 
માધવીએ કાયમ પોતાની આંખો કસકસાવીને મીંચી રાખી હતી. અંધારું ઓઢીને તે મોટી થઈ. અંધારાનું ઘેન આંખોમાં એવું તો ચડી ગયું કે બાપુ ક્યાં ચાલ્યા ગયા અને ક્યારે ચાલ્યા ગયા એની ભાળ સુધ્ધાં તેને રહી નહીં.
lll
સવારે બાપુ ન મળ્યા ત્યારે માધવી મૂઠીઓ વાળીને તેમને શોધવા દોડેલી. ખૂબ દોડેલી. કેટકેટલાં સ્ટેશન અને ટ્રેન બદલીને તે ભાગતી રહી...
વાહનોનાં હૉર્ન પીઈઈઈઈપ...ભોંઓઓઓપ...રિક્ષાનો ધુમાડો, સ્કૂટરના સાઇડ ગ્લાસ પર બેસેલો કાગડો, ઇડલી ચાવતી ગાય, લાલ બેસ્ટની છત પર ચરકતું કબૂતર, કાળા ગૂંચળાવાળા વાયરોની વચ્ચે હેલ્લો પાપડની ડિલિવરી જલદી પહોંચાડજો, દરિયાકિનારે ગરમ તવી પર શેકાતી મમરી અને અથડાતો તવેથો, છાતી પર થેલા ભરાવી કાનના ઇઅરફોનમાં લટકતા મુસાફરો, પાટા પર દોડતી સુપરફાસ્ટ લોકલ ટ્રેન, પુઢીલ સ્ટેશન દાદર આહે... પ્રવાશાંની કૃપયા લક્ષ દ્યાવે, ધક ધક... શિર્ડીવાલે સાંઈબાબા...મંજીરાનું ધિનતાકધિનતાક, પાનના ગલ્લે વાગતું મૈં હૂં ખલનાયક, અજાણી મોટી કારની સાઇલન્ટ બ્રેક પર ચીસ પાડતાં ટાયર, લવ કર લવ કર, જાને દે ના ભાઉ નયા હૈ રે...પચાસનાં બે પૅકેટ પચાસનાં બે પૅકટ, ટ્રાફિક-પોલીસની સીટી, બે માળની બસનું ભોંઓઓઓપ....ચ્યા માય લા...ઑફિસ પહોંચવા ઉતાવળી બાઇકનું ટેંએએએએએ. ધમધમાટ, ધુમાડો, ફુસફુસ ટાયર, રઘવાટ, દોડધામ, માથા પર તોળાતો સૂરજ અને કાળાં પડી ગયેલાં માંદાં પીળાં પાંદડાંવાળા પીપળામાંથી ચળાતું ભૂખરું આકાશ.
બાપુને શોધવા નીકળેલી માધવી આ બધામાં ભટકાતી અફળાતી અડખાતી પડખાતી આખરે ભૂખ્યા પેટે રસ્તા વચ્ચે બેસી પડી. અડધું ચાલતાં ને વધારે દોડતા પગ. ઘડિયાળ, મોબાઇલ અને રિક્ષાના મીટરને માપતી આંખો. ટોપલો, બ્રીફકેસ, ટિફિન અને પર્સ ઊંચકતા હાથ. નોકરી, પ્રમોશન, કામવાળીની છુટ્ટી, સ્ટાર્ટઅપ, લફરું, મેકઅપ અને ઓળખાણનો ભાર ઊંચકીને ડોલતાં માથાં. કોઈએ બેહાલ માધવીને હોંકારો આપ્યો નથી પણ તેની છાતીમાં નવી-નવી ચડેલી હાંફે તેને પહેલી વાર કહેલું કે ‘તું હવે એકલી નથી!’
ઢળતી બપોરે માધવી ધીમા પગલે થાકીને ઘરે પાછી આવી ત્યારે ખોલીમાં લગભગ આખી ચાલ એકઠી થઈ ગયેલી. પોલીસ બાપુનો ઓઘરાળો ફોટો અને અધૂરી વિગતો એકઠી કરતી હતી. બાપુ કેવા દેખાતા હતા એના પૂરતા સંતોષકારક જવાબો બા પાસે નહોતા, પોલીસે કડક અવાજે એમ પૂછેલું કે, ‘તેમના શરીર પર કોઈ નિશાન?’ ત્યારે ડરેલી બાએ માધવીની જેમ આંખો મીંચીને જવાબ આપેલો કે ‘મને શું ખબર? મેં તો કાયમ આંખો બંધ રાખી હતી!’
બા રડી-રડીને અધમૂઈ અને નાનાં ભાંડરડાંઓનો કકળાટ. ને પછી અચાનક સૌએ બાપુને શોધવા ગયેલી માધવીને પાછી આવેલી જોઈ. બધાને લાગ્યું કે માધવી ખાલી હાથે પાછી આવી પણ માધવીને ખબર હતી કે તે ખાલી હાથે નથી આવી, બાપુના બદલે જિંદગીભરનો ચડતો શ્વાસ ને હાંફ છાતીમાં ભરડીને લાવી છે. અત્યાર સુધી તો બાપુની નાનકડી કમાણી પર ઘર ચાલતું પણ ‘હવે શું?’ એ પ્રશ્ન ટિનના ડબ્બામાં ઘઉં-ચોખાનું ખાલી તળિયું બનીને ઊભો હતો. બા તો પહેલેથી જ ગભરુ જીવ. પોતાની કેટકેટલી આવડતોનો ઉપયોગ કોઈએ ક્યારેય મને કરવા નથી દીધો એનું લાંબું લિસ્ટ તેમને મોઢે હતું. બા જ્યારે-જ્યારે માધવી આગળ ‘હું જીવનમાં ઘણું કરી શકત પણ....’ની વાર્તાઓ કરતી ત્યારે માધવી સામેની ચાલીની પાક્કી દીવાલ ફાડીને ઊગેલા પીપળાને જોયા કરતી.
અંતે માધવીએ ભણવાનું પડતું મૂક્યું. તેણે પાપડ, વડી અને મમરીનો બિઝનેસ શરૂ કરી દીધો. ખભે થેલો ભરાવી હાથમાં પૅકેટ લઈને તે નીકળી પડતી. ભાગ્યા કરતી એક સ્ટેશનથી બીજા સ્ટેશન, એક ટ્રેનથી બીજી ટ્રેન, એક સોસાયટીથી બીજી સોસાયટી, એક અપાર્ટમેન્ટથી બીજા અપાર્ટમેન્ટ, એક ઘરથી બીજા ઘર સુધી. માધવીને લાગતું કે તે પાપડ-વડી વેચવા નહીં પણ બાપુને શોધવા દોડતી રહે છે. 
મગરના પેટ જેવું મુંબઈ શહેર. પાંચ જણનો પરિવાર. જાણે ઘંટીમાં જેટલું નાખતી એ બધું દળાઈ જતું અને એ ઘંટી ગોળ-ગોળ ફેરવતી માધવી હાંફ્યા કરતી. દાણા ખૂટી જતા તો ઘંટીનાં બે પૈડાં કાનમાંથી લોહી નીકળી જાય એટલી ફરિયાદો કરતા.
‘મોટી બહેન, મારી ફીના પૈસા?’
‘દીદી, મારે સ્કેટિંગ શૂઝ લેવાનાં છે.’
‘દી, એ કૉલેજ સારી નથી. મારે તો પ્રાઇવેટમાં જાવું છે.’
‘હું નહીં જાઉં જનરલ ડબ્બામાં, મને AC કોચનો પાસ કઢાવી દે.’
‘કૉલેજમાં ફર્સ્ટ આવ્યો છું તો પાર્ટી તો આપવી પડે એટલે બસ થોડા વધારે પૈસા જોઈશે.’
‘હું તો ગોવા જવાની. મારી ફ્રેન્ડની બૅચલર પાર્ટી છે.’
lll
બા ક્યારેક બોલતી કે...
‘માધવી, થોડો આરામ કરી લેને બેટા!’
‘ના બા, થોડુંક વધારે કામ કરી લેવા દે.’
આ ‘થોડુંક વધારે કામ કરી લેવા દે’ની હાંફમાં માધવીથી નાનાં ત્રણેય ભાંડરડાં ભણી ગયાં, સરસ નોકરીએ લાગી ગયાં અને પરણીને ઠરીને ઠામ થઈ પોતપોતાને ફાવે એવા સારા કહેવાતા વિસ્તારોમાં વસી ગયાં પણ માધવી દોડતી રહી. વડી, પાપડ અને મમરી વેચતી રહી, શેકાતી રહી, તળાતી રહી, બળતી રહી ને હાંફતી રહી.
ઘરના દરેક માટે માધવી તો, ‘મોટી બહેન કરી લેશે, એ તો મોટી બહેન છે પછી શું ચિંતા? મોટી બહેન બધું ફોડી લે એવી છે, મોટી બહેનને ક્યાં કોઈ શોખ છે? મોટી બહેન ક્યાં કશે જાય છે? મોટી બહેનને એવું પેરવા ઓઢવાનું બહુ ફાવે નહીં’ આ બધી વાતો સુધી માધવીને કે બાને કોઈ વાંધો નહોતો પડ્યો. 
પણ જ્યારે ઘરમાં અને સગાંવહાલાંમાં માધવીની બાએ આ વાક્ય સાંભળ્યું, વારંવાર સાંભળ્યું કે...
‘મોટી બહેનને આ ઉંમરે હવે આવું સારું ન લાગે!’ તો બા તરત સાબદી થઈ. અચાનક તેમને બ્રહ્મજ્ઞાન થયું કે માધવી હવે કુંવારી નહીં, વાંઢી છે. તેમણે રામ નામની માળા છોડીને ‘માધવી, હવે જલદી સારો છોકરો શોધીને પરણી જા’નું રટણ રાતદિવસ શરૂ કરી દીધું. માધવીને બાની વાત પર હસવું કે રડવું એ સમજાતું નહોતું. તેને તો આજ સુધી એક વસ્તુ આવડી હતી. મન હરખાઈ જાય તો પાંચ થાળી ભરીને વડી બનાવતી અને ક્યાંક મન દુભાઈ જાય તો વેલણથી પાપડના લોટ પર દાઝ ઉતારતી. તેના હરખશોકનો લાભ પણ ઘરના ઘંટલાને મળતો રહેતો સતત! 
વેકેશન પડે એટલે બધા ભાઈઓ પોતાનાં બાળકો માધવીના હવાલે કરી લાંબી રજાઓ પર જતા રહેતા. ભાઈબહેનનાં ટેણિયાંઓ માધવીને વળગી પડતાં ત્યારે પણ માધવીને ચિંતા તો એ જ રહેતી કે ક્યાંક આ બધાંને સાચવવામાં પાપડની ડિલિવરીમાં મોડું ન થાય. બા બધું સમજવા લાગી એટલે જીવતે જીવ બળવા લાગી. ઓગણચાલીસ પૂરા થવાનો સમય થયો થયો કે બાએ સગાંવહાલાંમાં બધે ‘માધવી માટે યોગ્ય છોકરાની જરૂર’નો સંદેશ ફેલાવી દીધો. બધાને આ વાત એટલીબધી અજુગતી લાગી કે માધવીનાં લગ્ન?
નાતજાતમાં પહેલાં તો બહુ જ સારો કાચો કુંવારો છોકરો શોધાવા લાગ્યો. પછી સારો કાચો કુંવારો છોકરો શોધવાની પરેડ, પછી કાચો કુંવારો છોકરો શોધવાની મહેનત અને અંતે છોકરો શોધવાની કવાયત. મળતા, પણ છોકરો નહીં; બીજવર! બા અકળાતી અને માધવી ચૂપચાપ બધું જોયા કરતી. 
એક દિવસ માધવી પાપડનો ઑર્ડર પૂરો કરીને ધીમા પગે લાકડાના દાદરાઓ ચડતી ચાલીમાં પ્રવેશી તો તેણે જોયું કે તેની નાનકડી ખોલીમાં મહેમાન હતા. ચાલીસી વટાવેલો કોઈ પુરુષ બા સાથે વાતો કરતો હતો. ઉંબર પર ઊભેલી માધવી એ પુરુષને ઓળખવા મથતી રહી. જેવી ઉંબરો ઓળંગી ઘરમાં આવી કે બા હરખાઈ ગઈ, ‘માધવીબેટા, હરીશ કુલકર્ણી. તને જોવા આવ્યા છે. બૅન્કમાં નોકરી કરે છે. કાંદિવલી રહે છે. તમે લોકો બેસો. હું લીંબુ લઈ આવું.’ બા લીંબુના બહાને નીકળી ગઈ. માધવી પોતાના જ ઘરમાં અજાણ્યા જણની જેમ મૂંઝાઈને ઊભી રહી. કોઈ પોતાને જોવા આવે એવી ટેવ હજી તેણે પોતાની જાતને પાડી નહોતી. માધવી પોતાની ગભરામણ સંતાડવા રસોડામાં જતી રહી. પાણીના બહાને તેણે જલદી-જલદી કપાળ પર બિંદી લગાડી, કોગળો કરી દાંત સાફ કર્યા, ફટાફટ આછી લિપસ્ટિક કરી અને દાદર સ્ટેશનથી લીધેલી ચમેલીના અત્તરની શીશીને બન્ને કાંડે ઘસી લીધી. ટ્રેમાં પાણીનો ગ્લાસ મૂક્યો અને થાકેલી આંખોના ખૂણે ચોંટેલા ચીપડા ભૂલ્યા વગર દુપટ્ટાના છેડાથી લૂછી લીધા. ભાગતી ટ્રેન પકડી શકે એવી કેળવાયેલી ચાલને ખાસ યાદ રાખીને માધવીએ અત્યારે કાબૂ કરી. 
છાતીમાં પાણી ન ઢોળાય એ સિફતથી એક-એક ઘૂંટડો ધ્યાનથી પીતા હરીશને જોઈ માધવીએ નજરો નીચી ઢાળી. આજે પહેલી વાર માધવીને થયું કે કાંડામાં લીલી બંગડીઓ હોત તો એ વધારે સારી લાગત. કંઈ નહીં તો એને રમાડતી આંગળીઓ વધારે રૂપાળી લાગત.
‘’માધવી, મારી પત્ની પાંચ વર્ષ પહેલાં કૅન્સરના કારણે મૃત્યુ પામી છે. એકલો રહું છું. આપણી જ્ઞાતિ અને ભાષા જુદી છે પણ હું ગુજરાતીઓની આસપાસ રહેવા ટેવાયેલો છું. જમ્યા પછી પાનસોપારીની ટેવ છે એ સિવાય બીજું કોઈ વ્યસન નથી. રીંગણાં નથી ભાવતાં. રસોઈ નથી આવડતી પણ કૉફી સરસ બનાવું છું. મહિને ત્રીસ હજાર કમાઉં છું પણ હાથ ટૂંકો રાખું છું. ફિલ્મ જોવાનો શોખ નથી પણ નાટક જોવા જાઉં છું. મારે બહુ મિત્રો નથી, સ્વભાવથી...’ એ જણ બોલતો જ રહ્યો, બોલતો જ રહ્યો પણ માધવીને જાણે કે કશું  જ સંભળાતું નહોતું. તે તો એક જ વસ્તુ એકીટશે જોઈ રહી હતી કે તેને જોવા આવનારો જણ આ બધું બોલતી વખતે હાંફે છે. તેના શ્વાસ ચડી રહ્યા છે.
બા આવી ગઈ. શરબત પિવાયું. 
‘મને તમારી દીકરી પસંદ છે. તમારા જવાબની રાહ રહેશે.’ એવું કહીને પેલો ઊભો થયો. માધવી તેને ચાલનાં પગથિયાં સુધી મૂકવા ગઈ. જિંદગીમાં પહેલી એવી કોઈ વ્યક્તિ આવી હતી જેને માધવીના જવાબની રાહ હતી. માધવીને લાગ્યું કે વર્ષો પહેલાં અડધી રાત્રે અંધારામાં કોઈ જતું રહેલું એ પાછું આવ્યું, અજવાળું લઈને. માધવીએ ઘણા દિવસે એ સાંજે માથામાં તેલ નાખ્યું અને ચાલના પગથિયે બેસીને કલાકો સુધી ગીતો ગાતી વાળ ઓળતી રહી હતી. તેણે પહેલી વાર નોંધ્યું કે ચાલના પગથિયે મૂકેલા કૂંડામાં ઊગેલી બોગનવેલમાં ગુલાબી ફૂલ પાંગર્યાં છે. એ રાતે જમતી વખતે માધવીએ બાને કહેલું કે ‘બા, આપણા ઘરમાં બધું જ છે બસ, કૉફી નથી. ઘરમાં કૉફી તો હોવી જ જોઈએ!’
બાએ સગાંવહાલાંઓમાં આ સમાચાર પહોંચાડ્યા. આખી ચાલમાં વાત વહેતી થઈ. માધવી વાળ ખુલ્લા રાખતી અને એમાં બોગનવેલનું ફૂલ ગૂંથતી. સાંજે કૉફીનો કપ ભરીને પગથિયે ક્યાંય સુધી બેસી રહેતી. ચાર આંખોના ઉલાળ થયા, છ નેણ ઊંચા થયા, દીવાલને કાન ઊગ્યા, પાંચ ચોટલાના ઓટલા પહોળા થયા અને આંખની શરમની કોર્ટ ભરાઈ.
‘માધવી થાળે પડશે, એય તે હવે છેક આ ઉંમરે? બીજવર પાછો આપણી નાતનો તો નથી જ!’
ભાઈ-ભાભીઓ અને બહેન-બનેવીને લોકોની વાતોથી ખૂબ શરમ આવી. એવા-એવા સંબંધીઓના ફોન આવ્યા જેના ઘરનાં સરનામાં માધવીને આજ સુધી જોયાં નહોતાં. શનિવારની સાંજે ઘરના બધા લોકો બાને સમજાવવા આવ્યા. આ પહેલી વખત ભાઈઓ ભાભી સાથે અને બહેન બનેવી સાથે  વેકેશન વિના પણ ઘરે આવ્યાં હતાં. માધવીને ચિંતા થઈ ગઈ હતી કે ક્યાંક ઑર્ડર સાચવવામાં આ બધાની સરભરામાં ઓછું ન આવે. ઘરના લોકો અને મહેમાન વચ્ચેની ભેદરેખા તો જાણે એક ભવથી ભૂંસાઈ ગઈ હતી.
lll
બધા લોકો રાત્રે જમીને ભેગા થયા. માધવી પોતાના હાથમાં પહેરેલી બંગડીમાંથી નીકળી જતો ડાયમન્ડ વારંવાર થૂંકવાળો કરીને ચોંટાડવાનો પ્રયત્ન કરતી હતી. બા ચૂપ હતી. નાના ભાઈઓ અને બહેન બાને ખૂબ બોલ્યાં હતાં, ‘બા, તમને કાંઈ શરમ જેવું છે કે નહીં? સાવ ગાંડા જેવી વાતો કરો છો. લોકો હસે છે. આ ઉંમરે હવે માધવીબહેનને પરણાવવા નીકળ્યાં છો.’
‘માધવીબહેન તમને ભારે પડે છે કે પરણાવીને કાઢી મૂકવાં છે?’
‘તમે એવું વિચારો બા કે કેટલાં લકી છો તમે. મોટી બહેન અહીં છે તો તમને કેટલો સરસ સપોર્ટ મળી રહે છે.’
માધવી બધાના ચહેરા જોઈ રહી. બા ધીમું-ધીમું ઝીણું-ઝીણું રડવા લાગી. બાને થયું કે હું આ લોકોને કેવી રીતે સમજાવું કે મારી માધવીએ માથામાં તેલ નાખ્યું છે, માધવીને કૉફી ગમવા લાગી છે, માધવીએ હમણાં-હમણાથી માથામાં ફૂલ નાખવાનું શરૂ કર્યું છે.
...પણ બા કશું ન બોલી શકી. 
બધાએ માધવી સામે જોયું પણ માધવી તો થૂંક ગળીને માત્ર એટલું બોલી શકી, ‘મમરી બળવાની વાસ આવે છે, હું જાઉં?’ તે દોડીને રસોડામાં પહોંચી ગઈ. 
ચર્ચાઓ શમી ગઈ, આબરૂ સચવાઈ ગઈ. બા અને માધવી ભૂલ કરે એ પહેલાં ભીનું સંકેલી લીધું. માધવીના છુટ્ટા વાળનો અંબોડો થઈ ગયો. મોટાં ભાભી કૉફી પીવાના ગેરફાયદાની ઇન્સ્ટા રીલ જોતાં-જોતાં સૂઈ ગયાં. બોગનવેલનાં ફૂલ સાંજ પહેલાંની સંજવારીમાં વળાઈને સૂપડીમાં ઓઝપાઈ ગયાં. ઘરની લાઇટોએ આંખો મીંચી લીધી. રાત્રે બધાં સૂઈ ગયાં ત્યારે બાની સાથે પથારીમાં સૂતેલી માધવી ધીરેથી ઊભી થઈ અને રસોડામાં ગઈ. નાનકડી બત્તીના અજવાસમાં તેણે પાપડ-વડીનું પૅકિંગ શરૂ કર્યું. ઊંઘ તો આજે રિસાઈને ઘરની છત માથે બેઠી હતી. બા પણ ધીરેથી ઊભી થઈ અને બીજા બધા જાગે નહીં એ રીતે ધીમા પગલે રસોડામાં આવી અને માધવીની બાજુમાં બેસી ગઈ. માધવી નીચું મોં રાખી ફટાફટ પ્લાસ્ટિકના કવરમાં પાપડ મૂકી સ્ટેપલર પિન મારતી રહી. તે ધડાધડ કામ કરતી રહી. તેની અનુભવી આંગળીઓ પ્લાસ્ટિકની થેલીના ખુલ્લા મોંને ચોક્કસ ખૂણે વાળીને સ્ટેપલર પિનો મારતી હતી. 
મા કે દીકરી બન્નેમાંથી કોઈ ખાસ્સો સમય સુધી કશું બોલ્યાં નહીં પણ પછી બાને લાગ્યું કે આ ચુપકીદી તોળાઈને બટકી જાય એ પહેલાં કશું તો બોલવું જોઈએ એટલે પોતાનું કપાળ દબાવતાં તે બોલી, ‘તારે હવે સૂઈ નથી જવું માધવી?’’
‘કાલે સમૂહલગ્નનો બહુ મોટો ઑર્ડર છે બા, આજે કંઈ કામ જ નથી થયું. કાલે સવારે તો આ પાપડની  ડિલિવરી કરવી જ પડે એમ છે. મોટો ઑર્ડર છે. સોએક પૅકેટ બનાવવાનાં છે. અત્યાર સુધી જાગતી આવી જ છું, થોડું વધારે જાગી નાખીશ. વડીનાં મારે દોઢસો પૅકેટ કરવાનાં છે, એ લોકો માટે લસણના ફ્લેવરવાળી અને લસણ વિનાની એમ બે અલગ-અલગ બનાવી છે. લોકોને અડદના પાપડ હવે દાઢે વળગ્યા છે. મમરીમાં મારે મસાલો બદલવો પડશે. મસાલો તેલની મજા મારી નાખે છે. બા, જો તો પ્લૅટફૉર્મ પર તપેલું કદાચ ખુલ્લું મૂકી દીધું છે, મમરી હવાઈ જશે.’ એકી શ્વાસે આટલુંબધું બોલી ગયા પછી માધવી હાંફવા લાગી. બા તેની એકદમ નજીક બેસી ગઈ. તેમણે માધવીના માથે હાથ મૂક્યો.
‘લાઇટ કરને માધવી. આમ અંધારામાં તને કેમનું ફાવશે?’
‘મને ટેવ છે બા.’ 
‘ના, હું લાઇટ કરું છું. તું આમ અંધારામાં આંખોના ડોળા ફોડ એ મને નહીં ગમે.’  બા લાઇટ કરવા ઊભી થવા ગઈ કે માધવીએ બાનો હાથ પકડી લીધો.
‘બા, રહેવા દો.’ અંધારામાં ફટાફટ કામ કરતી માધવી સામે બા જોવા લાગી. માધવી સિફતથી પડીકાં વાળતી હતી અને ચીવટથી સ્ટેપલર પિન મારતી હતી. બાએ બત્તીના અજવાસમાં માધવીના શરીર પર નજર કરી. એક હળવો નિસાસો નાખીને બા ભોંય પર આડી પડી. અચાનક બાને માધવીના રડવાનો અવાજ સંભળાયો. બા તરત બેઠી થઈ ગઈ. 
‘માધવી, શું થયું બેટા? કેમ રડે છે?’
માધવીએ તરત આંસુ લૂછી લીધાં પણ તે દુપટ્ટાના છેડાથી જેટલાં પણ આંસુ લૂંછતી હતી એનાથી બે ગણાં આંખોમાંથી વરસી પડતાં હતાં.
‘કાંઈ નહીં બા, સ્ટેપલરની પિન આંગળીમાં વાગી ગઈ છે.’
‘હાય હાય, ધ્યાન ક્યાં હતું તારું? એટલે જ કહેતી હતી કે લાઇટ કર.’ માધવી બાને અટકાવે એ પહેલાં બાએ લાઇટ ચાલુ કરી દીધી. ફટાફટ બધાં ભાઈ-ભાભીઓ અને બહેન-બનેવીઓ લાઇટ થતાં જ માધવી અને બા હતાં ત્યાં રસોડામાં આવી ગયાં.
‘શું થયું બા, લાઇટ કેમ કરી?’
‘કોણ રડવા બેઠું?’
‘શું થયું મોટી બહેન તમને?’
‘માધવીદીદી, ખરાબ સપનું આવ્યું છે કંઈ?’
‘આ બધો પાપડ, વડીનો સામાન અહીં કેમ પથરાયેલો છે?’
બા માધવીની આંગળી તપાસતી રહી, ‘અરે, કંઈ નહીં આ માધવીને સ્ટેપલરની પિન વાગી છે.’ બા માધવીની જે પણ આંગળી પોતાના હાથમાં આવે એ આંગળીએ ફૂંક મારવા લાગી.
ભાભીઓ અને નાની બહેન માધવીની પાસે આવ્યાં. 
‘ક્યાં વાગી છે પિન? કઈ આંગળીએ વાગી છે?’
બા પણ જ્યાં પિન વાગી હોય એ આંગળી શોધતી રહી. માધવી રડતી રહી.
‘બેટા, હવે કંઈ કામ નથી કરવું. સૂઈ જા તું.’ 
નાનો ભાઈ આંગળીએ ડ્રેસિંગ કરવા ફર્સ્ટ એઇડ કિટ બૉક્સ લઈ આવ્યો. બાએ માધવીની બધી આંગળીઓ તપાસી એટલે સહેજ સમસમી ગઈ. તેના હાથમાંથી માધવીની બધી આંગળીઓ છૂટી ગઈ. માધવી રડતી રહી અને તે કેટલાય દિવસનું એકસામટું હાંફવા લાગી. ભાભીઓ માધવીની કઈ  આંગળીમાંથી લોહી નીકળે છે એ આંગળી શોધતી રહી. 
બાએ એક વાર બારી બહાર જોયું. તેને લાગ્યું કે અંધારું બહાર લટકતા લૅમ્પના અજવાસમાં પણ માધવી પર ભરડાતું જતું હતું. એ અંધારાને દળતી માધવી હાંફી રહી છે. 
ફરી કોઈક વર્ષો પછી એ જ અંધારામાં ક્યાંક ચાલ્યું જાય છે અને આ વખતે તેની પાછળ દોડીને હાંફનાર કોઈ નથી!

columnists Raam Mori gujarati mid day sunday mid day exclusive