આત્મવિશ્વાસ

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સૉરી, આ વખતે મારાથી નહીં થાય...’ પ્રિન્સિપાલે ચશ્માં કાઢીને ટેબલ પર મૂક્યાં અને સનીના પપ્પાને કહ્યું, ‘જુઓ, લાસ્ટ યર પણ આપણે એને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. આ વર્ષે પણ આપ્યા, પણ એ પછીયે સની પાસ નથી થતો’

આત્મવિશ્વાસ

‘આગળની સ્ટોરી હવે તારા રૂમમાં... સૂતાં-સૂતાં...’
ઢબ્બુને લઈને પપ્પા એના રૂમમાં આવ્યા અને ત્યાં મમ્મી દૂધનો ગ્લાસ લઈને રૂમમાં આવી. પહેલાંની જેમ હવે ઢબ્બુ દૂધ માટે બહુ નૌટંકી કરતો નહોતો અને એમાં પણ અત્યારે તો પપ્પા સામે હતા એટલે આમ પણ ડાહ્યા થઈને રહેવાનું હતું.
ઢબ્બુએ દૂધનો ગ્લાસ પૂરો કરી નાખ્યો એટલે મમ્મીએ કહ્યું પણ ખરું,
‘કેમ, આજે દૂધમાં કોઈ પ્રૉબ્લેમ આવ્યો નહીં?’
‘મસ્ત હતું એટલે...’ તોબરો ચડાવીને ઢબ્બુએ મમ્મીની સામે જોયું, ‘અંદર નટ્સ હતા.’
‘એમ?! બૉર્નવિટા મિલ્કમાં નટ્સ ક્યાંથી આવ્યા?’ મમ્મીએ ઢબ્બુના ગાલ પર ટપલી મારી, ‘ખબર જ નથી પડતી સાવ. ઠોઠડો...’
ઢબ્બુનો નીચેનો હોઠ બહાર આવી ગયો અને આંખમાં પાણી આવવાની તૈયારીઓ થઈ ગઈ. જોકે પપ્પા તરત જ સમજી ગયા.
‘તું છો ઠોઠડો? નથીને...’ ઢબ્બુએ ના પાડી એટલે પપ્પાએ કહ્યું, ‘તો પછી ભલેને જેને જે કહેવું હોય એ કહે. તને શું ફરક પડે છે. નાઓ, ફાસ્ટ... હવે સ્ટોરી સૂતાં-સૂતાં સાંભળવાની છે. ફાસ્ટ...’
‘સ્ટોરીમાં લાયન આવશે?’
‘ના, એમ ગમે ત્યારે લાયન ન આવે હોં...’ પપ્પાએ ઢબ્બુને ઓઢાડ્યું, ‘ક્યાં હતા આપણે સ્ટોરીમાં?’
‘સનીની સ્કૂલે પપ્પા ગયા...’
‘રાઇટ...’ પપ્પાએ સ્ટોરીનું અનુસંધાન જોડ્યું, ‘સ્કૂલે જઈને પપ્પા પ્રિન્સિપાલને મળ્યા...’
‘પ્રિન્સિપાલ પાસ કરી દેશે?’
lll
‘સૉરી, આ વખતે મારાથી નહીં થાય...’ પ્રિન્સિપાલે ચશ્માં કાઢીને ટેબલ પર મૂક્યાં અને સનીના પપ્પાને કહ્યું, ‘જુઓ, લાસ્ટ યર પણ આપણે એને ગ્રેસ માર્કસ આપ્યા હતા. આ વર્ષે પણ આપ્યા પણ એ પછી પણ સની પાસ નથી થતો.’
‘તો થોડા વધારે માર્ક્સ આપી દોને, કોણ છે જોવાવાળું!’ પપ્પાએ સહેજ દબાયેલા અવાજે કહ્યું, ‘ડોનેશનની જરૂર હોય તો કહી દો...’
‘ડોનેશન જોઈએ છે જાદવભાઈ. લૉકડાઉનમાં સ્કૂલ બંધ થઈ અને અમે ટીચર્સની સૅલેરી ચાલુ રાખી એટલે અત્યારે તંગી તો બહુ છે પૈસામાં... ડોનેશનની તો જરૂર છે જ.’ પ્રિન્સિપાલે ખચકાટ વિના જ કહી દીધું પણ સાથોસાથ તરત જ ચોખવટ પણ કરી દીધી, ‘પણ એક વાત નક્કી છે, માર્ક્સના હિસાબથી કે પાસ કરી દેવાની વાતે નહીં... જો તમે ઇચ્છતા હો તો સ્કૂલને એમ જ ડોનેશન આપો, અમે ખુશી-ખુશી લેશું અને તમને એની રિસીપ્ટ પણ આપીશું પણ માર્ક્સની સામે ડોનેશન...’
પ્રિન્સિપાલે ઊંડો શ્વાસ લીધો.
‘જાદવભાઈ, આવું ફરી ક્યારેય બોલતા નહીં, તમારા દીકરા માટે પણ માન નહીં રહે...’ પ્રિન્સિપાલે ઍડ્વાઇઝ આપી, ‘હું તમને એક ઍડ્વાઇઝ આપું છું. તમે તમારા દીકરાને કોઈ સારી બોર્ડિંગ સ્કૂલમાં મૂકો. ફરક પડશે.’
lll
‘પછી? 
‘સનીને બોર્ડિંગમાં મોકલી દીધો?’ ઢબ્બુએ આંખો ખોલીને સવાલ પૂછ્યો પણ પપ્પાની આંખો પરથી એ સમજી ગયો એટલે તેણે તરત જ આંખો સજ્જડ બંધ કરી દીધી.
પપ્પાને હસવું આવ્યું પણ એ સિરિયસ રહ્યા અને સ્ટોરીને તેમણે આગળ વધારી.
‘હા, સનીને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો.’
lll
સનીને જરા પણ બોર્ડિંગમાં જવાની ઇચ્છા નહોતી. તેણે બહુ સમજાવ્યા, રડ્યો પણ બહુ એ પણ મમ્મી-પપ્પા માન્યાં નહીં. એક જ વાત કે તારે બોર્ડિંગમાં જઈને ભણવું પડશે.
બોર્ડિંગની શરૂઆતના દિવસો તો સની માટે બહુ અઘરા હતા.
ક્લાસમાં એને કંઈ આવડે નહીં અને બધાની મજાકનું કારણ બને. સિમ્પલ સવાલનો જવાબ પણ સની આપી શકે નહીં. ટીચરને પણ નવાઈ લાગતી કે સની આવું કેમ કરે છે પણ કહી શું શકે?
સ્ટડીમાં જ નહીં, પ્લે ગ્રાઉન્ડમાં પણ સની ખાસ કંઈ કરી શકતો નહીં. બધા રિસેસમાં અને ફ્રી પિરિયડમાં ફુટબૉલ રમવા ભેગા થાય પણ સની બેસી રહે. ક્લાસરૂમમાં ટીચરની મજાકનો ભોગ સની બને તો ગ્રાઉન્ડમાં સ્ટુડન્ટ્સ એની મસ્તી કરે. સનીને બહુ રડવું આવતું. એક વખત એ રડતો હતો તો બીજા છોકરાઓ એને રડતો જોઈને મસ્તી વધારે કરવા માંડ્યા.
‘સો સૅડ, ન કરાય એવું...’
‘હંમ...’ પપ્પાએ ઢબ્બુ સામે જોયું, ‘તારે પણ ન કરાય આવું. આપણે સૂવાની વાત...’
ઢબ્બુની આંખો ફટાક દઈને બંધ થઈ ગઈ અને પપ્પાએ સ્ટોરી આગળ વધારી.
lll
મસ્તીનું પ્રમાણ બહુ વધી ગયું એટલે સની વધારે અપસેટ રહેવા માંડ્યો. ઘરેથી ફોન આવે તો પણ એ કંઈ વાત કરે નહીં. મમ્મી અને પપ્પા એવું માને કે સનીને બોર્ડિંગમાં નહોતું જવું એટલે તે હજી પણ રિસાયેલો છે પણ વાત જુદી હતી. 
પંદર દિવસ, એક મહિનો, દોઢ મહિનો.
સની હવે બરાબરનો થાકી ગયો હતો.
હવે તો ટીચરે પણ તેને સવાલ કરવાના છોડી દીધા હતા. બધાને ખબર હતી કે સનીને કશું આવડશે નહીં એટલે કોઈ તેની સાથે વાત સુધ્ધાં ન કરતું. એકલો પડી જવાને કારણે સનીને પણ હવે ક્યાંય ગમતું નહોતું. આખો દિવસ એ સાવ ચૂપ રહે અને જેવો એકલો પડે કે એ રડવા માંડે. તેના કોઈ ફ્રેન્ડ નહોતા.
lll
‘...અને લાઇફમાં ફ્રેન્ડ્સ જરૂરી છે. રમવા માટે જ નહીં, વાત કરવા માટે અને મનની વાત સમજાવવા માટે પણ ફ્રેન્ડ્સ હોવા જોઈએ.’ પપ્પાએ ઢબ્બુના માથે હાથ ફેરવ્યો, ‘ફ્રેન્ડ્સને શું આવડે છે અને તેની પાસે શું છે એ ક્યારેય નહીં જોવાનું. જોવાનું બસ એટલું જ કે એ સાચો અને સારો હોય. એ સેલ્ફિશ ન હોય...’
‘મારા બધા ફ્રેન્ડ્સ એવા જ છે...’ ઢબ્બુ અચાનક પપ્પા તરફ ફર્યો, ‘એ સનીને કોઈ ફ્રેન્ડ્સ નથીને?’
પપ્પાએ ના પાડી એટલે ઢબ્બુએ તરત જ કહ્યું, ‘એને કહી દો, હું એનો ફ્રેન્ડ...’
ઢબ્બુના ઇનોસન્સે પપ્પાના ચહેરા પર સ્માઇલ લાવી દીધું. જોકે એ સ્માઇલ મમ્મીના અવાજે ઓલવી પણ નાખ્યું.
‘હજી વાતો ચાલુ છેને તમારે?’
ઢબ્બુ માથા પર ઓઢીને પડખું ફરી ગયો અને દબાયેલા અવાજે બોલ્યો,
‘પછી...’
‘સનીએ નક્કી કરી લીધું કે હવે તે અહીં નહીં રહે...’
lll
એક દિવસ ફ્રી પિરિયડમાં સની બોર્ડિંગના બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયો. વૉચમૅન ત્યાં હતો નહીં એટલે તેને કોઈએ રોક્યો પણ નહીં. ચાલતો-ચાલતો સની દૂર જંગલ જેવા એરિયામાં આવ્યો. સાવ સૂમસામ જગ્યા હતી. દૂર-દૂર સુધી કોઈ દેખાય નહીં. સની એક નદી પાસે આવ્યો અને નદીની સામે તે બેસી ગયો. થોડીવાર તે પાણી સામે જોતો રહ્યો. ખળખળ વહેતું પાણી તેની આંખોને ઠંડક આપતું હતું. સનીને ખબર પણ ન પડી કે ક્યારે તેની આંખમાંથી પાણી આવવા માંડ્યું.
થોડી વાર રડ્યા પછી સનીને સારું લાગ્યું. થયું કે એ હળવો થઈ ગયો. જોકે એ પછી પણ તેને પાછા જવાનું મન નહોતું. બોર્ડિંગમાં કોઈ તેનું નહોતું એ વાત તો હકીકત હતી જ પણ સાથોસાથ એ પણ હકીકત હતી કે બધા માટે એ મજાકનું કારણ હતો. 
સની એમ જ ત્યાં બેસી રહ્યો. થોડી વાર એ બેઠો હશે ત્યાં પાછળથી અવાજ આવ્યો,
‘ક્યું બૈઠે હો અકેલે તુમ?’
lll
‘એન્જલ આવી?’ 
ઢબ્બુ એકદમ એક્સાઇટ થઈ ગયો હતો.
‘હા, એન્જલ આવી...’
‘આપણાવાળી?’ પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુ બેઠો થઈ ગયો, ‘હા, હવે મજા આવશે...’
lll
‘કોઈ બડી બાત નહીં હૈ ઇસમેં...’ એન્જલે સનીને કહ્યું, ‘તને જરૂર છે કૉન્ફિડન્સની... ને આ કૉન્ફિડન્સ તને હું આપીશ.’
એન્જલે જમીન પરથી વાઇટ કલરનો એક પથ્થર લઈને સનીને આપ્યો,
‘આ સ્ટોન હવે તારી સાથે રાખજે. પૉકેટમાં... તને બધા જવાબ આવડશે.’
‘ખરેખર?’
‘એકદમ, જોજે તું...’ એન્જલે સનીને ઊભો કર્યો, ‘હવે બધા તને બ્રાઇટ અને બ્રિલિયન્ટ માનશે.’
lll
થયું પણ એવું જ... સનીને બધું આવડવા માંડ્યું અને જ્યારે તેને આવડે નહીં ત્યારે એ પૉકેટમાં હાથ નાખીને પેલા વાઇટ સ્ટોનને ટચ કરી લે... એ જેવો સ્ટોન ટચ કરે કે તરત તેને બધું યાદ આવી જાય.
એક વીક પસાર થયું હશે પણ આ એક વીકમાં સનીએ સ્કૂલમાં સૌકોઈને આશ્ચર્યચકિત કરી દીધા. જે સનીને બોલવામાં પણ ડર લાગતો હતો એ જ સની હવે ક્લાસરૂમમાં સૌથી પહેલો હાથ ઊંચો કરે અને ફટાફટ જવાબ આપે.
ગ્રાઉન્ડ પર પણ સનીની એનર્જી દેખાવાનું શરૂ થઈ ગયું. ફુટબૉલ અને ક્રિકેટ ટીમમાં પાર્ટ લેવા માટે જે કૅમ્પ હતો એ કૅમ્પમાં સનીનો પર્ફોર્મન્સ સૌથી સરસ હતો એટલે એ બન્ને ટીમના કોચ વચ્ચે ફાઇટ ચાલુ થઈ.
ફુટબૉલનો કોચ કહે સની અમને જોઈએ છે ને ક્રિકેટ ટીમનો કોચ કહે કે સની ક્રિકેટ રમશે.
lll
‘બાપ રે, પછી...’
‘સનીએ જ રસ્તો કાઢ્યો. તેણે બન્ને મૅચની ડેટ્સ પૂછી લીધી. બન્ને મૅચ વચ્ચે એક વીકનો ગૅપ હતો એટલે સનીએ બન્નેમાંથી રમવાની હા પાડી દીધી અને પ્રૅક્ટિસ કરવા પણ એ બન્ને ટીમ પાસે જાય.’
‘ગ્રેટ પપ્પા...’ ઢબ્બુ ખુશ થઈ ગયો, ‘પેલા સ્ટોનને કારણેને?’
‘ના, સ્ટોન તરીકે મળેલા કૉન્ફિડન્સના કારણે.’
‘એટલે...’
‘સનીએ પણ એન્જલને આ જ પૂછ્યું.’
lll
‘એટલે એમ કે કૉન્ફિડન્સ નહોતો તારામાં પણ એ સ્ટોન તારી પાસે આવ્યો એટલે તને થયું કે તારામાં કોઈ મૅજિક આવી ગયું છે, એ મૅજિક હવે તને હેલ્પ કરશે અને મનમાં રહેલા મૅજિકને લીધે તેં તને જ હેલ્પ કરી...’
એન્જલે સનીને સમજાવ્યું.
સની ક્લાસમાં ફર્સ્ટ આવ્યો એટલે તે ફરીથી પેલી જગ્યાએ ગયો હતો જ્યાં તેને એન્જલ મળી હતી. બહુ રાહ જોયા પછી એન્જલ આવી એટલે સનીએ તરત જ તેને કહ્યું કે તારા પેલા વાઇટ મૅજિક સ્ટોનમાં બહુ પાવર છે.
‘એ પાવર તારો છે, સ્ટોનનો નહીં.’ એન્જલે તેને સમજાવ્યું, ‘મેં તો તને નદી કિનારે ઓછો જોવા મળે એવો એક સ્ટોન આપ્યો. જે સ્ટોનથી તને થયું કે તારી પાસે મૅજિક આવી ગયું પણ મૅજિક બહાર ન હોય, મૅજિક માણસની અંદર હોય. બસ, વિશ્વાસ રાખીને એને બહાર કાઢવાનું હોય...’
lll
‘એટલે મારા ફ્રેન્ડ સનીને એન્જલ મળી જાય અને એવો સ્ટોન આપી દે તો એ પણ એકદમ મસ્ત થઈ જશે.’
‘એકદમ... એને કોઈ ઠોઠડો નહીં કહે પછી...’
‘પણ સ્ટોન મળવો જોઈએને... સ્ટોન નહીં, એન્જલ. એન્જલ મળે તો સ્ટોન મળેને...’
‘એન્જલ સ્ટોન આપી ગઈ છે.’ ઢબ્બુની આંખો મોટી થઈ ગઈ, ‘આપીશ તું સનીને?’
ઢબુએ હા પાડી એટલે પપ્પાએ ઊભા થઈને પોતાના પૉકેટમાંથી વાઇટ સ્ટોન કાઢીને ઢબ્બુને આપ્યો.
‘આ છે એ સ્ટોન... આપી દેજે.’
ઢબ્બુએ સ્ટોન હાથમાં લઈ પપ્પા સામે જોયું.
‘તમારી પાસે આ સ્ટોન.’ ઢબ્બુની આંખો પહોળી થઈ, ‘એટલે સ્ટોરીમાં જે સની હતો એ... ત...મે?’
‘હા, પણ મમ્મીને નહીં કહેતો...’
‘હા, નહીં તો તમને પણ કહેશે, ઠોઠડો...’ ઢબ્બુએ સ્ટોન તકિયા નીચે મૂક્યો અને સુધારો કર્યો, ‘ના, એક્સ-ઠોઠડો...’

સંપૂર્ણ

columnists Rashmin Shah