આવું અન્ય ભાષામાં ફક્ત હિન્દીને લાગુ પડે છે, બાકી કોઈને નહીં

24 January, 2020 03:12 PM IST  |  Mumbai | Manoj Joshi

આવું અન્ય ભાષામાં ફક્ત હિન્દીને લાગુ પડે છે, બાકી કોઈને નહીં

ગુજરાતી ભાષા એક છે અને એ એક જ ભાષાને એ રીતે લખવાની હોય છે, પણ વાત જ્યારે બોલચાલની આવે ત્યારે ગુજરાતીને ચાર દૃષ્ટિએ જોવી પડે. હા, આ સાચું છે. ચાર પ્રકારની બોલચાલની ગુજરાતી આજે હયાત છે અને પાંચમી ગુજરાતી મુંબઈકરની છે. પહેલાં વાત કરીએ ચાર ગુજરાતીની. ગુજરાતમાં બોલાઈ રહેલી ગુજરાતી એક નથી. સૌરાષ્ટ્રની બોલચાલની ગુજરાતી જુદી છે તો મધ્ય ગુજરાતની બોલચાલની ભાષા જુદી છે. દક્ષિણ ગુજરાતને સાંભળો તો તમને એ ગુજરાતીમાં પણ ફરક જોવા મળે અને ઉત્તર ગુજરાતમાં જઈને સાંભળો તો તમને એ ગુજરાતી પણ જુદા પ્રકારની સાંભળવા મળે. આ ચાર ગુજરાતી વચ્ચે વાત કરીએ પાંચમી ગુજરાતીની, મુંબઈકરની ગુજરાતી. આ એક ગુજરાતી મૂળભૂત ગુજરાતી સાથે જોડાયેલી છે. કહો કે મહદંશે સાચી ગુજરાતી છે, પણ વાત જ્યારે બોલચાલમાં આવે, રીતરસમમાં આવે, એની સંવાદિતામાં આવે ત્યારે એ ગુજરાતી ગુજરાતીઓને પરગ્રહવાસી લાગે એવું બની શકે.

આ જ વાત લાગુ પડે છે હિન્દીને. હિન્દી સિવાય બીજી કોઈ ભાષાનાં આટલાં રૂપ હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ હિન્દીમાં એવું છે ખરું. હિન્દી ઉત્તર પ્રદેશમાં જુદી છે તો મધ્ય પ્રદેશમાં પણ જુદી છે. બમ્બૈયા હિન્દી પણ બધાથી જુદી છે અને ગુજરાતમાં બોલાતી, મહદંશે સંભળાતી હિન્દી પણ જુદી છે, પણ એ બધા પછી તમે જુઓ, હિન્દી ન્યુઝ-ચૅનલોની એક છે અને એ એક જ હોવી જોઈએ. ન્યુઝ-ચૅનલ પૂરતી આ વાત લાગુ પડે છે. અહીં વાત જો એન્ટરટેઇનમેન્ટ ચૅનલની આવતી હોય તો મારે કહેવું પડશે કે એમાં કૅરૅક્ટર આધારિત ભાષા વાપરવામાં આવે છે અને એ પણ એકદમ ઉચિત છે. રાજસ્થાનનું કૅરૅક્ટર બમ્બૈયા હિન્દી બોલે તો એ કોઈ કાળે તમને ગળે ન ઊતરે. વાત કરીએ ફરીથી ન્યુઝ-ચૅનલની અને હિન્દી ન્યુઝ-ચૅનલની. એની સ્ક્રીન પર જેકંઈ આવે છે એ વાજબી રીતે આવે છે અને વાજબી પ્રકારે આવે છે. એમાં ખોટી હિન્દી કે બાવા હિન્દી નથી આવતી.

વાતચીતમાં, ટીવી પર સાંભળવામાં ગુજરાતની ગુજરાતી વધારે સાચી એવું માનવું જ પડે. કારણ કે કર્ણને એ ગુજરાતીની આદત છે. જો તમે સાંભળવામાં મુંબઈની ગુજરાતીને આવકારતા હો તો એ જ ગુજરાતી ટીવીની સ્ક્રીન પર જવી જોઈએ. એ ગુજરાતી સાચી ગુજરાતી છે અને એ જ સારી ગુજરાતી છે. એક વખત મને યાદ દેવડાવવી છે કે ભૂલથી પણ એવું ન ધારી બેસતા કે અહીં ચિંતા ગુજરાતીની છે, ના, જરાય નહીં. મા સરસ્વતીની ચિંતા કરવાની લાયકાત આપણા કોઈમાં છે નહીં અને એવી ક્ષમતા પણ નથી. મા એની રીતે ભાષાનું ધ્યાન રાખશે, પણ આપણે એમાં સહયોગ તો આપવો જ પડે.

જો સાચું લખશો નહીં તો સાચું કોઈ વાંચશે નહીં અને ખોટું લખવાનો વ્યાપ વધારી દેશો તો પરિસ્થિતિ એવી આવશે કે એ ખોટાને સાચું માનવાની રીત પ્રસરી જશે. બહેતર છે કે જાતને સુધારો. બધા સાથે મળીને સુધરે એના કરતાં તમે એક સુધારો કરો તો કશું ખોટું નથી એમાં. જગત બદલાય એના કરતાં તમે જ સુધારો કરો તો શું ખોટું છે એમાં?

સુધરો, સાચું ગુજરાતી લખો, ઍટ લીસ્ટ જાહેરમાં તો સાચું ગુજરાતી જ લખો.

columnists manoj joshi