આવો જાણીએ...

17 January, 2021 02:37 PM IST  |  Mumbai | Jigisha Jain

આવો જાણીએ...

હાલમાં કચ્છી ગુજરાતી મૂળની છોકરી રીમા શાહની નિમણૂક અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા વાઇટહાઉસ કાઉન્સિલની ઑફિસમાં ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ તરીકે કરવામાં આવી છે. મિડ-ડેને મોકો મળ્યો કે એ તેમનાં મમ્મી પ્રીતિ શાહ સાથે રીમા વિશેની વાતચીત કરી શકે. આજે જાણીએ એક મા પાસેથી તેમનું ગૌરવ જે આજે સમગ્ર દેશનું ગૌરવ બની ચૂકી છે એવી તેમની દીકરી રીમા શાહ વિશે...

જિગીષા જૈન

‘એક પરિવારપ્રેમી, હંમેશાં દેશી ખાવાનું પસંદ કરતી, ખૂબ ધારદાર કચ્છી ભાષા બોલતી, ગુજરાતી પૂરી રીતે સમજતી, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખેલી અને સ્વેચ્છાએ શુદ્ધ શાકાહારી બની રહેલી મારી દીકરી ભલે જન્મી અને ઊછરી અમેરિકામાં, પરંતુ મનથી તે ૧૦૦ ટકા દેશી છે. દેશ તેના મનમાં વસે છે. એનાં રૂટ્સ એટલે કે સંસ્કારોનાં મૂળિયાં અતિ સ્ટ્રૉન્ગ છે કદાચ એટલે જ તેની ઉપલબ્ધિઓની ઇમારત બુલંદ બની

શકી છે.’

આ શબ્દો છે હાલમાં અમેરિકાની નવી જો બાઇડન સરકાર દ્વારા વાઇટહાઉસ કાઉન્સિલમાં ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ તરીકે નિમાયેલી ભારતીય કચ્છી મૂળની રીમા શાહનાં મમ્મી પ્રીતિ ભારત શાહના.

અમેરિકામાં જ્યારે પણ કોઈ મોટી પદવી પર કોઈ ભારતીય બિરાજમાન થાય છે ત્યારે આપણા દેશના લોકો ખૂબ ગર્વ અનુભવે એ સહજ છે. આ વખતની અમેરિકાની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડન્ટ બનેલાં કમલા હૅરિસે આપણને ભારોભાર ગર્વનો અનુભવ કરાવ્યો છે. હજી તો ભારતીય મૂળની મહિલારૂપે કમલા હૅરિસના આ પદ સુધી પહોંચવાનો આનંદ પૂરી રીતે મનાવીએ એ પહેલાં બીજી બે ભારતીય મૂળની સ્ત્રીઓએ આપણા ગર્વને ત્રણગણો કરી દીધો છે. એ સ્ત્રીઓ એટલે નેહા ગુપ્તા જેની નિમણૂક અસોસિયેટ કાઉન્સિલ ઑફ ધ ઑફિસ તરીકે અને રીમા શાહની નિમણૂક ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ તરીકે થઈ છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા તેમની નિમણૂક વાઇટહાઉસ કાઉન્સિલની ઑફિસમાં કરવામાં આવી છે. બન્ને સ્ત્રીઓમાં રીમા શાહ કચ્છી ગુજરાતી મૂળનાં છે જેને કારણે આપણા માટે એ ગૌરવ વધુ પોતીકું બની જાય છે.

રીમા શાહ ૩૧ વર્ષનાં છે જે અમરિકામાં જ જન્મ્યાં અને ઊછર્યાં છે. તેમનાં માતા-પિતા પ્રીતિબહેન અને ભરતભાઈ આજથી ૪૦ વર્ષ પહેલાં કચ્છના નવાવાસથી ન્યુ જર્સી શિફ્ટ થયાં હતાં. ત્યાં જ તેમનાં બન્ને બાળકો - મોટો દીકરો અને નાની દીકરી રીમાનો જન્મ થયો. બન્ને બાળકો ત્યાં જ ભણ્યાં અને સેટલ થયાં. પોતાના નાનપણને યાદ કરતાં પ્રીતિબહેન કહે છે, ‘રીમા મારી ડાહી દીકરી છે. નાનપણથી જ તે ખૂબ સમજુ અને સાથે-સાથે ખૂબ હોશિયાર. ભણવામાં તે મહેનત પણ ખૂબ કરતી. હંમેશાં અવ્વલ આવતી. ૧૭ વર્ષની હતી ત્યારે તે પ્રેસિડેન્શિયલ સ્કૉલર બની હતી. અમારે ત્યાં ૫૦ જુદા-જુદા સ્ટેટના હાઈ સ્કૂલમાં ભણતા છોકરાઓમાંથી એકદમ હોશિયાર અને સ્કૉલર હોય એવા ૫૦ છોકરાઓ અને ૫૦ છોકરીઓને આ પદ મળે છે, રીમા એમાંની એક હતી. પ્રેસિડેન્શિયલ સ્કૉલર બની એટલે તેને વાઇટહાઉસની મુલાકાત લેવાની તક મળી હતી. તે તેની મહેનત અને લાયકાતથી આપબળે ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર વાઇટહાઉસમાં ગઈ હતી અને આજે પણ જ્યારે તે ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ તરીકે નિમાઈ છે એ પણ તેની મહેનત અને લાયકાતથી, આપબળે.’

રીમા શાહ હાલમાં વૉશિંગ્ટન ડીસીમાં રહે છે. તેઓ ગ્રૅજ્યુએશન કરવા માટે હાર્વર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટી ગયાં હતાં. ત્યાંથી સ્કૉલરશિપ મેળવીને તે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયાં અને ત્યાંની પ્રતિષ્ઠિત યેલ લૉ કૉલેજમાં જઈને વકીલ બન્યાં. વકીલ બન્યા પછી યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફૉર ધ ડીસી સર્કિટના જજ શ્રી શ્રીનિવાસનના હાથ નીચે કામ કર્યું જેને ત્યાંની ભાષામાં ક્લર્કશિપ કહેવામાં આવે છે. એ પછી તેમણે યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલિના કિગન હેઠળ પણ કામ કર્યું. જજ એલિના કિગનની જ ભલામણથી રીમા શાહ ચૂંટણી પહેલાં શરૂ થયેલા બાઇડન-હૅરિસ કૅમ્પેન સમયે બાઇડનની ડિબેટ પ્રિપરેશન ટીમમાં હતાં. સમજી શકાય છે કે આ કૅમ્પેનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જેને કારણે બાઇડન હાલના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા. તેમના ચૂંટાયા બાદ રીમાને આટલી માનનીય પોઝિશન સુપરત કરવામાં આવી.

નાનપણથી દર ૩-૪ વર્ષે ભારત આવતી રીમા ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ સાથે ખાસ્સી જોડાયેલી છે. આજથી દોઢ વર્ષ પહેલાં તેની સાથે જ યુનિવર્સિટીમાં ભણનાર રિચર્ડ ચ્યુ સાથે લગ્ન કરેલાં છે જે મૂળ લંડનના વતની છે. એ વિશે માહિતી આપતાં તેમનાં મમ્મી પ્રીતિબહેન કહે છે, ‘તે એક દેશી ભારતીય છોકરી છે. એકદમ બબલી, ખૂબ વાતોડી અને પરિવાર માટે અત્યંત પ્રેમ ધરાવનારી છે. કચ્છી-ગુજરાતી ખોરાક તેને સૌથી વધુ પસંદ છે. તેના પતિ રિચર્ડ ચ્યુ શાકાહારી નથી છતાં રીમા ૧૦૦ ટકા શુદ્ધ શાકાહારી છે. તેણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ઓડિશી ડાન્સમાં ૧૨ વર્ષ સુધી તાલીમ હાંસલ કરી છે. રીમાને ડાન્સનો ખૂબ શોખ છે, એટલું જ નહીં, તેને પાર્ટીઓ કરવાનું ખૂબ ગમે છે. નાની હતી ત્યારે ઍથ્લેટિકમાં પણ ઘણી આગળ પડતી રહેતી હતી. ગર્લ્સ સ્કાઉટની તે ગોલ્ડ મેડલ રિસિપિયન્ટ છે. લૉકડાઉનમાં રીમાને અમારી સાથે રહેવાનો સારો મોકો મળ્યો. સામાન્ય રીતે પણ અમે મહિનામાં એક વાર એકબીજાને ચોક્કસ મળીએ છીએ.’

પ્રીતિબહેન પોતે પણ વકીલ બન્યાં હતાં અને આજે પોતાની દીકરીને આટલી સફળ વકીલ બનીને આટલા ઊંચા હોદ્દા પર કામ કરતી નિહાળીને ગર્વ અનુભવતાં પ્રીતિબહેન કહે છે, ‘જ્યારે બાળક પોતાનાં સપનાં પૂરાં કરે છે ત્યારે માને ખુશી થાય જ છે, પરંતુ જ્યારે એ માતાનાં સપનાંઓ પૂરાં કરે ત્યારે ખુશી સાથે ભારોભાર ગર્વ પણ થાય છે. જાતમહેનતથી, પોતાની આવડત સાથે, સૂઝબૂઝથી અને આટલું ભણીગણીને જે રીતે મારી દીકરી આગળ વધી છે એના પર મને ખૂબ ગર્વ છે.’

columnists Jigisha Jain white house joe biden