...તો ગુજરાતી ફિલ્મ ઑસ્કર પણ લઈ આવશે

10 April, 2021 03:39 PM IST  |  Mumbai | Krishnadev Yagnik

વાત કન્ટેન્ટની છે ત્યારે મારે કહેવું છે કે આપણી પાસે જે કન્ટેન્ટ છે, જે લિટરેચર છે એવું અદ્ભુત સાહિત્ય કદાચ ભાગ્યે જ કોઈ કલ્ચર પાસે હશે

ગુજરાતી ફિલ્મને જોવાનું લોકોનું વિઝન બદલાયું છે. જોકે હજી એવું નથી બનતું કે તમે ગુજરાતીમાં ‘બાહુબલી’ બનાવી શકો. એવું બનશે ત્યારે ચોક્કસ આપણી ફિલ્મો પણ બીજી લૅન્ગ્વેજમાં ડબ થઈને રિલીઝ થશે, પણ એ અશક્ય નથી અને દૂર પણ નથી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે પણ કન્ટેન્ટ-ડ્રિવન છે અને એ જ દેખાડે છે કે સ્ટાર નહીં, આ ઇન્ડસ્ટ્રીમાં કન્ટેન્ટ ચાલે છે. વાત કન્ટેન્ટની છે ત્યારે મારે કહેવું છે કે આપણી પાસે જે કન્ટેન્ટ છે, જે લિટરેચર છે એવું અદ્ભુત સાહિત્ય કદાચ ભાગ્યે જ કોઈ કલ્ચર પાસે હશે

હું નહીં કહું કે આ આપણો રિવૉલ્યુશનનો સમય છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આ ઇવૉલ્યુશનનો, ઇવૉલ્વ થવાનો સમય છે. આ સમયની શરૂઆત થઈ અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ ફિલ્મથી. 
આપણે ફિલ્મો બનાવીએ છીએ દસકાઓથી, પણ એ આખી એક પ્રોસેસ છે. જેમ માણસ ક્યારેય સીધો ભાગતાં નથી શીખતો એવી જ રીતે આપણે પણ કોઈ પાસે એવી અપેક્ષા ન રાખી શકીએ. પહેલાં ઊભા રહેવાનું, પછી ડગ માંડવાનાં, પછી ચાલતા શીખવાનું અને એ પછી દોડતાં શીખવાનું હોય. આપણી ઇન્ડસ્ટ્રી સાથે પણ એ જ થયું છે. આપણે અત્યારે ઊભા થઈને ડગ માંડવાનું શરૂ કર્યું છે. મેં કહ્યું એમ, આપણે ત્યાં વર્ષોથી ગુજરાતી ફિલ્મો બનતી અને સરસ કહેવાય એવી ફિલ્મો બનતી, પણ આપણે વાત કરીએ છીએ નવી જનરેશનની ફિલ્મોની. એનો આરંભ છેલ્લા બે દસકાથી થયો છે. પહેલાં આપણી ફિલ્મોમાં ગામડાની, ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની વાત હતી. એ સમયની એ આવશ્યકતા હતી. માણસ નાનો હતો, તેનાં સપનાં નાનાં હતાં અને એ મુજબની વાર્તા લખાતી કે લોકો એની સાથે રિલેટ થાય, કનેક્ટ થાય. બીજું એ કે જે ફિલ્મો બનતી એની મેકિંગની ટેક્નૉલૉજીથી લઈને ઍક્ટિંગ, ડિરેક્શન બધું અલગ હતું. ૯૦ના દસકાના અંત ભાગમાં તો ગુજરાતમાં જિલ્લા મુજબ ફિલ્મો બનતી અને એ જિલ્લાઓ પૂરતી જ એ ફિલ્મો ચાલતી. ગુજરાતની ગુજરાતીમાં અઢળક શૈલી છે. એ શૈલી મુજબ ફિલ્મો બનતી અને એ એરિયા મુજબ જ વાર્તાઓ ડેવલપ થતી. લોકો એ જોવા પણ જતા. મેં એક વાત ઑબ્ઝર્વ કરી છે કે આપણે ત્યાં બે વાતનું ઑબ્સેશન સૌથી વધારે છે, ફિલ્મ અને ક્રિકેટ. સામાન્ય સંજોગોમાં ત્યાં તમને ચાહનારા લોકો મળી જ જાય છતાં જે યુનિવર્સલ અપીલ હોય એ અપીલ આપણી ફિલ્મોમાં નહોતી અને એટલે જ આપણે ત્યાં બનતી ગુજરાતી ફિલ્મો જેમ કહેવાય એમ, સીમાડાઓ ક્રૉસ કરીને આગળ નહોતી જતી, પણ એ કામ કરી ગઈ બે ફિલ્મો, ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’.
આ બન્ને ફિલ્મોએ ગુજરાતી ફિલ્મોને જોવાનો નવો દૃષ્ટિકોણ આપ્યો એમ કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. સરસ વાર્તા, સારા કલાકાર, સારી ટીમ અને સારું બજેટ. એમ બધું સારું હતું એનું જ એ રિઝલ્ટ હતું. ‘કેવી રીતે જઈશ’ની સક્સેસને શરૂઆતમાં ફ્લુક માનવામાં આવી હતી, પણ એ પછી આવી, ‘બે યાર’, જેણે લોકોને કૉન્ફિડન્સ આપવાનું કામ કર્યું કે હા, હવે નવી જનરેશનને ગુજરાતી ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ છે. ‘બે યાર’ ફિલ્મે ટ્રેન્ડ તોડ્યો અને નવી જનરેશનને જ ફોકસમાં રાખી હોય એ રીતે ફિલ્મ બનાવવામાં આવી, જેનો મોટો ફાયદો એ થયો કે જે યુથ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોની જ વાતો કરતી હતી એ ગુજરાતી ફિલ્મોની વાતો કરતી થઈ. મહેણું ભાંગ્યું આ ફિલ્મે કે નવી જનરેશનને ગુજરાતી ફિલ્મમાં ઇન્ટરેસ્ટ નથી. મને આજે પણ યાદ છે કે મારી પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ માટે હું પ્રોડ્યુસરો સાથે મીટિંગ કરતો ત્યારે તેમને હું આ બે ફિલ્મના રેફરન્સ આપતો અને કહેતો કે આપણે આવી અર્બન ફિલ્મ બનાવવી છે. હા, એ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે એક રેખા ઊભી કરી અને ઇન્ડસ્ટ્રીને બે હિસ્સામાં સ્પષ્ટતા સાથે વહેંચી દીધી.
આજની ગુજરાતી ફિલ્મ હવે ગામડામાં કે અમુક વર્ગ પૂરતી નથી બનતી. હવે સાચા અર્થમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ઇન્ડસ્ટ્રી બની છે. ઑડિયન્સ જેન્યુઇન રીતે ઊભું થયું છે અને જેન્યુઇન લેવલ પર ફિલ્મને પ્રમોટ કરવામાં આવે છે. એક આખો નવો યુગ આવ્યો છે અને આ નવા યુગને પણ હું તો એવું જ કહેવાનો કે એ હજી ચાલતાં શીખ્યો છે. 
હવે ગુજરાતી ફિલ્મને જોવાનું લોકોનું વિઝન બદલાયું છે. બજેટ હવે ફાળવવામાં આવે છે, પણ હજી એવું નથી બનતું કે તમે ગુજરાતીમાં ‘બાહુબલી’ બનાવી શકો. ના, એવું શક્ય નથી. એવું બનશે ત્યારે ચોક્કસ આપણી ફિલ્મો પણ બીજી લૅન્ગ્વેજમાં ડબ થઈને રિલીઝ થશે, પણ એ અશક્ય નથી અને દૂર પણ નથી. આપણે ત્યાં આવું બનવાનું છે અને બહુ ઝડપથી બનવાનું છે, પણ એને માટે થોડી રાહ જોવી પડશે અને આપણે થોડી સુપરહિટ ફિલ્મો આપવી પડશે. મારે કહેવું જ પડે કે જેમ મોટાં બજેટ નથી હોતાં એમ સાવ નાનાં બજેટ પણ હવે નથી હોતાં. સારામાં સારી ટીમ અને ક્રૂ સાથે ફિલ્મ બને છે અને એને માટે જે બજેટ આપવું પડે એ લોકો ફાળવે છે.
બીજી એક અગત્યની વાત. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ટાર-ડ્રિવન ઇન્ડસ્ટ્રી નથી, પણ આપણે ત્યાં આજે પણ કોન્ટેન્ટની ડિમાન્ડ રહે છે. તમે નવા છોકરાઓ સાથે ફિલ્મ બનાવો, કન્ટેન્ટ સારું હશે તો લોકો ફિલ્મ જોવા આવશે જ આવશે. આ મારો અનુભવ છે, જાતઅનુભવ છે. મેં જેટલી પણ ફિલ્મો કરી એ ફિલ્મોમાં એક પણ સ્ટાર નહોતા અને એ પછી પણ એ ફિલ્મો લોકોએ ખૂબ પસંદ કરી. કારણ, કન્ટેન્ટ. જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ટાર-ડ્રિવન હોત તો એને આટલું સારું એક્સપોઝર ન મળ્યું હોત એવું મારું પર્સનલી માનવું છે. આપણે જોયું કે મોટા સ્ટાર લઈને ગુજરાતી ફિલ્મ બની તો એ ફિલ્મ બે જ દિવસમાં ઊતરી ગઈ. અરે, ગુજરાતી ફિલ્મ છોડો, દિવાળીના દિવસોમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કૅટરિના કૈફ સ્ટારર અને યશરાજ જેવા દિગ્ગજના બૅનરમાં બનેલી ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ પિટાઈ જતી હોય તો પછી એટલું તો સમજી જ શકાય કે સ્ટાર નહીં, કન્ટેન્ટ મહત્ત્વનું છે. આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ નવી દિશા આપવાનું કામ કન્ટેન્ટે કર્યું છે અને એટલે જ આપણે કન્ટેન્ટ સાથે બાંધછોડ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ઑડિયન્સને સારું કન્ટેન્ટ જોવાની જે આદત પડી છે એ આદતને કન્ટિન્યુ કરવાની જવાબદારી સૌથી પહેલી પ્રોડ્યુસરની અને એ પછી ડિરેક્ટર-ઍક્ટરની છે. પ્રોડ્યુસર દેખાદેખીમાં ન આવે એ મહત્ત્વનું છે. તમારે હિંમત કરવી પડશે. નવું આપવાની તૈયારી દર્શાવવી પડશે. જો તમે નવું કરવાની તૈયારી દેખાડશો તો જ ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ બનશે અને તો જ ‘છેલ્લો દિવસ’ આવશે. બીજી ‘છેલ્લો દિવસ’ જોવા માટે દુનિયા તૈયાર નહીં થાય, ખાસ કરીને ત્યારે જ્યારે ‘છેલ્લો દિવસ’ તમારી પાસે હશે. કલ્ક્યુલેટિવ રિસ્ક જરૂરી છે. 
તમે જુઓ કે આજે આપણી ગુજરાતી ફિલ્મ નૅશનલ અવૉર્ડ જીતી લાવી અને હું કહીશ કે બધાં કૅલ્ક્યુલેશન પ્રૉપર રીતે કામ કરતાં ગયાં અને સારું કન્ટેન્ટ આવતું રહ્યું તો આપણી ગુજરાતી ફિલ્મ એક દિવસ ઑસ્કર પણ જીતી લાવશે. આપણી પાસે અઢળક વાર્તાઓ છે, આપણી પાસે આપણી પોતાની સંસ્કૃતિ છે અને આપણું પોતાનું સાહિત્ય પણ છે. એવું સાહિત્ય છે જે આપણને નૅશનલ લેવલ પર જ નહીં, ઇન્ટરનૅશનલ લેવલ પર લઈ જઈ શકે છે. તમે ગુજરાતનાં લોકેશન્સ જુઓ. હિન્દી ફિલ્મો આપણે ત્યાં શૂટ થવા આવે છે. કેટલીક અંગ્રેજી ફિલ્મો પણ આપણે ત્યાં શૂટ થઈ છે. કહેવાનો મતલબ એ જ કે આપણે માત્ર નજર દોડાવવાની છે અને જે ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ-ડ્રિવન છે એને કન્ટેન્ટ પર જ આધારિત રાખવાની છે. 
મારે ઑડિયન્સ માટે પણ કહેવું છે કે ઑડિયન્સ પણ નવાં કન્ટેન્ટ માટે તૈયાર રહે. જો નવું કન્ટેન્ટ સ્વીકારવાનું ચાલુ રાખીશું તો જ આપણી ઇન્ડસ્ટ્રીને એનો ફાયદો થશે. નવું કશું જોવાની તૈયારી રાખીશું તો જ નવું સાહસ કરનારાઓ સામે આવશે અને જો નવું કરનારાઓ સામે આવશે તો જ આપણી સફર લાંબી થશે. આપણે નૅશનલ અવૉર્ડથી ખુશ થઈને બેસી રહેવાને બદલે ફોકસ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કરવાનું છે. આજે જુઓ તમે, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે બૉલીવુડ પણ જઈને ઊભું રહે છે અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હૉલીવુડના ટેક્નિશ્યનને પણ લાવી શકે છે. આ ટૅલન્ટની ક્ષમતા છે અને આપણી પાસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે જબરદસ્ત ટૅલન્ટ છે. આપણે એ ટૅલન્ટને હવે જગ્યા આપવાની છે. સાચું કે આપણી ઇન્ડસ્ટ્રીના સારા દિવસો શરૂ થયા ત્યાં કોવિડ જેવી સમસ્યા આવી, પણ એ માત્ર ગુજરાતી ફિલ્મોને જ નહીં, બધાને નડી રહી છે. કોવિડ વાઇરસ આવ્યો ત્યારથી નવી ફિલ્મો રિલીઝ નથી થઈ, જે ફિલ્મો અપ્રૂવ થઈ એ ફિલ્મો પણ ફ્લોર પર ગઈ નહીં અને અચાનક એક હોલ્ટ આવી ગયો છે, પણ આ હોલ્ટ પછી નવેસરથી જે દિશાઓ ખૂલશે એ અદ્ભુત હશે એનો મને પૂરો વિશ્વાસ છે.

columnists