ગાઇડ ટુ મેન્સ્ટ્રુઅલ હાઇજીન

27 May, 2022 01:45 PM IST  |  Mumbai | Jigisha Jain

પિરિયડ્સને લગતી બીજી પણ ઘણી પ્રોડક્ટ્સ છે જે બિલકુલ સેફ નથી ત્યારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે શું સારું છે અને શું ખરાબ એની પૂરી વિગતો જાણી લો

ગાઇડ ટુ મેન્સ્ટ્રુઅલ હાઇજીન

આવતીકાલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસ છે. નૅશનલ હેલ્થ સર્વેનો આંકડો કહે છે કે હજીય ૧૫થી ૨૪ વર્ષની ૫૦ ટકા યુવતીઓ કપડું જ વાપરે છે જે બતાવે છે કે આપણે ત્યાં હજી પણ આ બાબતે જોઈએ એટલી જાગૃતિ નથી આવી. પિરિયડ્સને લગતી બીજી પણ ઘણી પ્રોડક્ટ્સ છે જે બિલકુલ સેફ નથી ત્યારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે શું સારું છે અને શું ખરાબ એની પૂરી વિગતો જાણી લો

ભારતમાં ૭૦ ટકા મમ્મીઓ માને છે કે માસિક કોઈ અપવિત્ર કે ગંદી વસ્તુ છે અને લગભગ ૪૫ ટકા છોકરીઓ માને છે કે માસિક ઍબ્નૉર્મલ એટલે કે અસામાન્ય છે. આ આંકડાઓ દર્શાવે છે કે ૨૧મી સદીમાં પણ આપણે હજી કેટલા પછાત રહી ગયા છીએ. છોકરીઓનો માસિક ધર્મ એક એવી બાબત છે જે વિષય પર ભલભલા લોકો મોઢા પર તાળાં મારી દે છે. પરંતુ દુનિયામાં આ બાબતે વાત થાય, ચર્ચા થાય અને લોકોના રૂઢિચુસ્ત વિચારોમાં પરિવર્તન આવે એ માટે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ઊજવવામાં આવે છે. આવતી કાલે આ દિવસની ઉજવણી નિમિત્તે જાણીએ કે માસિક દરમિયાન હાઇજીન બાબતે શું-શું કાળજી લેવી અત્યંત જરૂરી છે. 
કપડું કે કૉટન પૅડ્સ? 
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ વિશ્વના કુલ સર્વાઇકલ કૅન્સરના કેસના ૨૭ ટકા કેસ ફક્ત ભારતમાં જોવા મળે છે જેનું એક મહત્ત્વનું કારણ માસિક દરમિયાન કપડાનો ઉપયોગ પણ ગણી શકાય. કપડાને લીધે ઇન્ફેક્શનની શક્યતાઓ ખૂબ વધી જાય છે. સુતરાઉ કાપડ સ્કિન-ફ્રેન્ડ્લી હોવાથી પહેલાંની સ્ત્રીઓ એ વાપરતી પરંતુ એ સેફ નથી. એ વિશે વાત કરતાં નાણાવટી હૉસ્પિટલનાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘બીજું એ કે આજકાલ કૉટન પૅડ્સ માર્કેટમાં આવ્યાં છે જે ઇકો-ફ્રેન્ડ્લીના નામે વેચાય છે. આ પૅડ્સ રીયુઝેબલ હોય છે પણ એને વ્યવસ્થિત ધોવાં જરૂરી છે. જો એવું ન થાય તો ઇન્ફેક્શનની શક્યતા તો રહે જ છે. કપડું તો બિલકુલ જ નહીં અને કૉટન પૅડ્સ વાપરતી વખતે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું.’
સૅનિટરી પૅડ્સ 
જે પૅડ્સમાં લોહી અંદર જઈને જેલ બની જાય એ પૅડ્સ ઇન્ફેક્શનની શક્યતા વધારે છે. વળી એમાં કેમિકલ્સ યુઝ થાય છે જે વજાઇના માટે સેફ ન ગણી શકાય. જે પૅડ્સ બહારથી એકદમ સિન્થેટિક મટીરિયલનાં હોય એવાં પૅડ્સ વાપરવાં નહીં, કારણ કે એ સ્કિનમાં રૅશ ઉત્પન્ન કરે છે. બ્રીધેબલ મટીરિયલવાળાં પૅડ્સ વાપરવાં જોઈએ. પણ સૌથી મહત્ત્વની વાત સમજાવતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘પૅડ્સ વાપરતી વખતે એને ૪ કલાકથી વધુ યુઝ ન કરવાં. ઘણી વખત છોકરીઓને એવું લાગતું હોય છે કે બ્લડ ફલો વધુ નથી તો તેઓ ઘણાબધા સમય સુધી એક જ પૅડ પહેરી રાખે છે. આ આદત એમને પાડવી જ નહીં. સૂતી વખતે ભલે એ ૬-૮ કલાક એક પૅડ વાપરે, 
પણ દિવસ દરમિયાન દર ૪ કલાકે એ બદલવું અનિવાર્ય છે જેથી ઇન્ફેક્શનનો ડર ન રહે.’
ટૅમ્પન અને મેન્સ્ટ્રુઅલ કપ 
૧૦-૧૮ વર્ષની નાની વયે છોકરીઓને ટૅમ્પનનો પ્રયોગ થોડો અઘરો લાગી શકે છે, જેની સ્પષ્ટતા કરતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘જો ટૅમ્પનને વજાઇનાની અંદર દાખલ કરવામાં આવે છે એટલે જો એ હાઇજીનિક ન હોય તો ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. એવું જ મેન્સ્ટ્રુઅલ કપનું સમજવું. એને એકદમ ક્લીન રાખવા જરૂરી છે. પરંતુ જો નાની છોકરીઓની વાત કરીએ તો જો એમણે ટૅમ્પન વાપર્યું હોય અને એમને એ ફાવતું હોય તો જ આ ઉંમરે મેન્સ્ટ્રુઅલ કપ એમને વાપરવા દેવાય. આ પ્રોડક્ટ ખરેખર ખૂબ સારી છે, કારણ કે પર્યાવરણ સેફ છે, એનો ઉપયોગ એકદમ સરળ છે અને સ્ત્રીઓની કમ્ફર્ટ માટે પણ જોઈએ તો એ ખૂબ સારું છે. પરંતુ નાની છોકરીઓને એ પહેરવું કઈ રીતે અને કાઢવું કઈ રીતે એ ન ફાવે તો એ વજાઇનામાં ફસાઈ જાય અને એને જોરથી કાઢવામાં આવે ત્યારે ઇન્જરી પણ થઈ જાય. એટલે નાની વયની છોકરીઓને જો તમે કપ્સ આપો તો એને કઈ રીતે વાપરવાનું છે એની સમજણ આપીને એને પહેલાં તૈયાર કરો.’
વજાઇનલ વૉશ 
આજકાલ અઢળક વજાઇનલ વૉશની જાહેરાતો આવે છે જેમાં વજાઇનાને સાબુ ન લગાડીને એ પ્રોડક્ટથી વૉશ કરવાની માહિતી આપવામાં આવે છે. આ વૉશ કેટલી હદે સેફ છે અને એને વાપરવા જોઈએ કે નહીં એની માહિતી આપતાં વર્લ્ડ ઑફ વિમેન, વાશીનાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘વજાઇના કુદરતી રીતે જ પ્રોટેક્ટેડ છે. એનું પીએચ લેવલ એ ખુદ બૅલૅન્સ કરે છે અને ખુદને ઇન્ફેક્શનથી બચાવે છે જ્યારે તમે આવા પ્રોડક્ટ વાપરો છો તો સૌથી પહેલાં તો એ કે એ કેમિકલ બેઝ્ડ હોય છે એટલે દરરોજ વાપરવા ન જોઈએ. એનો ઉપયોગ અમે ત્યારે કહીએ છીએ જ્યારે સ્ત્રીને કોઈ ઇન્ફેક્શન થયું હોય અને એ દરમિયાન વજાઇનાનું બૅલૅન્સ ખોરવાયું હોય તો એ ત્યારે મદદરૂપ થાય છે. પરંતુ એ પણ ખૂબ લિમિટેડ યુઝ હોવો જરૂરી છે. વજાઇનલ વૉશ એક પ્રકારની ટ્રીટમેન્ટનો ભાગ હોઈ શકે છે. એને દરરોજ વાપરવું ન જોઈએ. વજાઇના સાફ કરવા માટે ફક્ત પાણી જ પૂરતું છે જે નહાતી વખતે કોઈ પણ સ્ત્રી વાપરે છે. ત્યાં સાબુ કે બીજી કોઈ પ્રોડક્ટ વાપરવી જ ન જોઈએ.’ 
ડ્રાય રાખો 
જોકે એને પાણીથી ધોવાનું પણ પૂરતું નથી. એ વિશે વાત કરતાં આરુષ આઇવીએફ સેન્ટર, મલાડના ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘જ્યારે પણ માસિક ધર્મ ચાલુ હોય ત્યારે કે એ પછી નિયમિત રીતે સ્ત્રીઓ પાણીથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરે એટલું પૂરતું નથી. એ ભાગને એ પછી ડ્રાય કરવો અત્યંત જરૂરી છે. કપડાથી કે ટિશ્યુથી એ પાણીને લૂછવું અત્યંત જરૂરી છે, કારણ કે જ્યાં સુધી એ એરિયા ભીનો રહેશે ત્યાં સુધી ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધી જશે. પરસેવો હોય કે પાણી, લૂછતાં રહો અને એ ભાગને જેટલો કોરો રાખી શકાય એટલો રાખો.’ 
ઇન્ફેક્શનની શક્યતા 
મેન્સ્ટ્રુઅલ હાઇજીન જ્યારે જળવાતું નથી ત્યારે શું થાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, માસિક વખતે જે લોહી પડે છે એ લોહી અનેક બૅક્ટેરિયાનું ઘર બની શકે છે. આ સમયે સ્વચ્છતા અત્યંત જરૂરી છે જે શીખવવી જ રહી નહીંતર છોકરીઓને વજાઇનલ બૅક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. આ ઇન્ફેક્શન આગળ વધીને ફેલોપિયન ટ્યુબ કે ગર્ભાશય સુધી પહોંચી શકે છે. જો આ ઇન્ફેક્શનનો ઇલાજ સમયસર ન કરાવ્યો તો ક્યારેક આ છોકરીઓમાં ઇન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓ પણ ભવિષ્યમાં આવી શકે એટલી હદે તકલીફ વધી શકે છે. એટલે હાઇજીનનું મહત્ત્વ ઘણું છે.’

 મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હો તો એનું હાઇજીન પણ જાળવવું જરૂરી છે. નાની છોકરીઓને એ પહેરતાં કે કાઢતાં શીખવવું જરૂરી છે. જો બરાબર ન આવડે અને કાઢવામાં જોર કરવામાં આવે તો કદાચ ઇન્જરી પણ થઈ શકે છે
ડૉ. સુરુચિ દેસાઈ

માસિક આવશે ત્યારે આપમેળે સમજુ થઈ જશે...

આંકડાઓ મુજબ ભારતમાં ૭૧ ટકા છોકરીઓને પહેલી વાર માસિક આવે નહીં ત્યાં સુધી આ વિશેની જાણકારી નથી હોતી. જ્યારે માસિક ધર્મ શું છે એ વિશે જ ખબર નથી તો એમાં કયા પ્રકારની સ્વચ્છતા મહત્ત્વની છે એ બાબતે વાત કઈ રીતે થઈ શકે? મોટા ભાગના પેરન્ટ્સ એવું માનતા હોય છે કે છોકરીને માસિક ન આવે એ પહેલાં જ એને માહિતી આપીને મોટી શું કામ બનાવી દેવી? માસિક આવશે ત્યારે એ આપોઆપ મોટી અને સમજુ થઈ જ જશે. ત્યાં સુધી એનું બાળપણ આપણે કેમ છીનવી લઈએ? આ તર્ક આજના સમયમાં બંધ બેસતો નથી એમ સમજાવતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આજકાલ ૧૦-૧૧ વર્ષે છોકરીઓનું માસિક આવવાનું શરૂ થઈ જાય છે. જો એને ખબર ન હોય તો એ બિચારી હેબતાઈ જાય છે. એને લાગે છે કે આટલું બધું લોહી નીકળે છે એટલે એ જલદી મરી જ જશે. એનો આ ગભરાટ અને લાગતા આંચકાથી બચાવવું અત્યંત જરૂરી છે કે દીકરી ૧૦ વર્ષની થાય ત્યારે એને આ બાબતની મૂળભૂત માહિતી આપી દેવી જેથી એ બહાર હોય, તમે એની પાસે ન હોય ત્યારે આવું થાય તો એ ડરી ન જાય. આજકાલ તો છોકરાઓને આ બાબતે જાગૃત કરવાની વાત ચાલે છે ત્યારે ઍટ લીસ્ટ આપણે છોકરીઓને તો એજ્યુકેટ કરવી જ જોઈએ.’

columnists Jigisha Jain