18 August, 2024 02:10 PM IST | Mumbai | Shailesh Nayak
આચાર્ય દેવવ્રત
‘રાજ્યપાલસાહેબ આચાર્ય દેવવ્રતજી મારા માટે ગુરુ છે. માત્ર મારી જ વાત નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી વિશે સાચી સમજ આપીને અમારા જેવા લાખ્ખો ખેડૂતોના તેઓ ગુરુ બન્યા છે. મને તો પ્રશ્ન ઊઠે છે કે રાજ્યપાલસાહેબ ખેતરોમાં જાય? ખેડૂતો સાથે બેસે? આપણને એમ થાય કે આવું કામ રાજ્યપાલસાહેબ ના કરે, પણ તેમણે એ કામ કરી બતાવ્યું છે. મારા મતે રાજ્યપાલસાહેબને આવું કામ કરવાની જરૂર ન પડે, બીજાને તેઓ કહી શકે, પણ તેમણે ખુદ નક્કી કર્યું કે મારે પોતે જ અભિયાન ચલાવવું છે. આજે તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે ત્યારે અમારા માટે તો રાજ્યપાલસાહેબ પ્રાકૃતિક ખેતીના ગુરુ જ છે.’
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામના ખેડૂત મહેશ સોજિત્રાએ આ વાત ‘મિડ-ડે’ સાથે કરી ત્યારે તેમના શબ્દોમાંથી આદરભાવ છલકાઈ રહ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે અભિયાન છેડ્યું છે. પહેલાં હિમાચલ પ્રદેશ અને હવે ગુજરાતના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના ગુરુ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં ચલાવેલા અભિયાનનું પરિણામ એ આવ્યું કે અઢી વર્ષમાં જ ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુક્ત કરી નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. લાખ્ખો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવનાર અને ગુજરાતના ખેડૂતો જેમને ગુરુ અને કૃષિના બલરામ માને છે એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીના અભિયાન વિશે વિગતવાર જાણીએ...
પ્રાકૃતિક ખેતીની સફર
કુરુક્ષેત્રમાં પોતાના ખેતરમાં રાસાયણિક દવાનો છંટકાવ કરી રહેલો એક કર્મચારી બેભાન થયો અને ત્યાંથી શરૂ થયેલી પ્રાકૃતિક ખેતીની સફર વિશે વાત કરતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ‘મિડ-ડે’ને કહે છે, ‘હું મૂળ હરિયાણાના કુરુક્ષેત્રનો રહેનાર છું. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે અમારે ત્યાં જમીનની અંદર ૧૦થી ૧૫ ફુટ ઊંડા જાઓ એટલે પાણી મળતું હતું. હવે અમારે ત્યાં ૩૦૦ ફુટથી વધુ અંદર પાણી જતું રહ્યું છે. લોકો પાણી ખેંચી રહ્યા છે, પણ પાણી જમીનમાંથી મળતું નથી. કુરુક્ષેત્રમાં અમારું ગુરુકુળ ચાલે છે ત્યાં ૧૮૦ એકરનું ફાર્મ છે જેમાં હું રાસાયણિક ખેતી કરતો હતો. એક ઘટના એવી બની કે એક કૃષિ કર્મચારી ખેતરમાં પેસ્ટિસાઇડની દવાનો છંટકાવ કરતો હતો તે બહોશ થઈને પડી ગયો. તેને દવાખાને લઈ ગયા અને તે બચી ગયો, પણ આ ઘટના બનતાં મારા મનમાં વિચાર આવ્યો કે મારી પાસે બાળકો અભ્યાસ કરે છે તેમને અમારા ખેતરમાં ઊગતું ઘઉં-ચોખા સહિતનું અનાજ ખવડાવું છું, દવાવાળા અનાજનું ભોજન ખવડાવું છું એ પાપ છે, અપરાધ છે. મેં નિર્ણય કર્યો કે બાળકોને આ રાસાયણિક અનાજ નથી ખવડાવવું એટલે રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી શરૂ કરી. ત્રણ વર્ષ મહેનત કરી પણ પણ કંઈ લાભ થયો નહીં. એ દરમ્યાન થોડાં સંશોધનો કરતાં મારો પરિચય પ્રાકૃતિક ખેતીથી થયો. પહેલાં પાંચ એકરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી, પછી ૧૦ એકરમાં કરી અને સફળતા મળતાં ૧૮૦ એકર જમીન પર આજે પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીથી પહેલા જ વર્ષથી ઉત્પાદન વધ્યું. હવે મારું ખેતઉત્પાદન રાસાયણિક ખેતીથી થતા ઉત્પાદનથી વધી ગયું છે. મારે ત્યાં ઍવરેજ ૩૨ ક્વિન્ટલ ધાન પેદા થાય છે. આ ઉપરાંત શેરડી, શાકભાજીના પાક પણ લઈએ છીએ. દુનિયાનો કોઈ ઍગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ અહીં સિદ્ધ કરી દે કે રાસાયણિક ખાતર અને જંતુનાશકથી ધરતીનાં પોષક તત્ત્વો વધે છે તો અમે તેમની વાતને સ્વીકારવા તૈયાર છીએ, પણ હું દાવા સાથે કહું છું કે પોષક તત્ત્વો વધતાં નથી, ઘટે છે. પ્રાકૃતિક ખેતીથી પહેલા જ વર્ષથી ખેતઉત્પાદન વધી જાય છે.’
લોકોની વચ્ચે પ્રાકૃતિક ખેતી
પહેલાં પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો જાતઅનુભવ કર્યો અને ખેતઉત્પાદનમાં સફળતા મળતાં હવે ખેડૂતોની વચ્ચે જઈને તેમને તાલીમ આપીને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરી રહ્યા છે એની વાત કરતાં આચાર્ય દેવવ્રત કહે છે, ‘મને થયું કે પ્રાકૃતિક ખેતીથી મારા ખેતરમાં સારું ઉત્પાદન થયું અને સારું કામ થયું તો એને લોકો સુધી કેમ ન લઈ જાઉં? આ બાબત લોકોની વચ્ચે કેમ ન વહેંચું? કેમ કે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ બચ્યું, ધરતીમાતા ઉજ્જડ થતી બચી, લોકોને શુદ્ધ અને સાત્ત્વિક અનાજ મળે એટલે લોકોનું સ્વાસ્થ્ય બચ્યું, ખેડૂતો માટે સમૃદ્ધિનો રસ્તો બન્યો, ભારતનું ધન બચે. ગૌમાતા બચે છે, કેમ કે દેશી ગાય આધારિત આ ખેતી છે અને એમાં ગુણવત્તા છે એટલે જ્યારે હું હિમાચલ પ્રદેશમાં ૨૦૧૫થી જુલાઈ ૨૦૧૯ સુધી ગવર્નર રહ્યો હતો એ સમયે થયું કે બેસીને હું શું કરું એટલે ગામનાં ખેતરોમાં જઈને ખેડૂતોને મળતો. ખેડૂતોને ખેતરમાં બેસાડીને ટ્રેઇનિંગ આપી. આજે હિમાચલ પ્રદેશમાં એક પણ પંચાયત એવી નથી જેમાં પ્રાકૃતિક ખેતી ન થતી હોય. એટલું કામ કર્યું. એ પછી હું ગુજરાત આવ્યો અને વિચારતો હતો કે અહીં પણ એ કામ શરૂ કરું, પરંતુ બે વર્ષ કોરોનામાં જતાં રહ્યાં. એ પછી મને લગભગ અઢી વર્ષ પ્રાકૃતિક ખેતીનું કામ કરવા મળ્યું, જેમાં અમે ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા. હવે જો આગળના વર્ષે આ રીતે કામ કરીશું તો અમે લક્ષ્ય રાખ્યું છે કે એક વર્ષમાં બીજા ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડીશું, કેમ કે હવે સિસ્ટમ બની ગઈ છે.’
પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટની ખેતી
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટની ખેતી છે અને એ કઈ રીતે થાય એની વાત કરતાં આચાર્ય દેવવ્રત કહે છે, ‘૧૦થી ૨૦ કિલો દેશી ગાયનું ગોબર, ૮થી ૧૦ લીટર ગૌમૂત્ર, દોઢ કિલો ગોળ, દોઢ કિલો બેસન, ખેતરમાં વૃક્ષ નીચેથી એક મુઠ્ઠી માટી લઈને ૧૮૦ લીટર પાણીમાં એને મિક્સ કરી દેવાની. ગાય તો ખેડૂતને ત્યાં હોય એટલે ગૌમૂત્ર અને ગોબર ખેડૂતને મળી રહે. ઘરમાં બેસન અને ગોળ પણ હોય અને માટી તો ખેતરની હોય એટલે બજારમાંથી કંઈ લાવવું પડતું નથી. બજાર પર ખેડૂતને નિર્ભર રહેવું પડતું નથી. આ બધી વસ્તુઓ મિક્સ કરો એટલે જીવામૃત તૈયાર થાય છે અને એનો ખેતરમાં છંટકાવ કરવાનો હોય છે. દેશી ગાયનું ગૌમૂત્ર ખનિજનો ભંડાર છે તો ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. આ જીવાણુઓને ખાવા માટે બેસન અને ગોળ મળે એટલે મલ્ટિપ્લાય બની જાય છે. માટીમાં જીવાણુ હોય એનાથી એક પ્રકારનું કલ્ચર બને છે. માટીના સૂક્ષ્મ જીવાણુ સાથે મળીને એક મોટો પરિવાર બને છે. આ જેટલા સૂક્ષ્મ જીવાણુ ધરતીમાં હશે એટલો ધરતીનો કાર્બન વધશે. એની ઉત્પાદનક્ષમતા વધતી જશે. આમાં અળસિયાં છે એ પરિવાર વધારે છે, કેમ કે એને વાતાવરણ મળે છે, ભોજન મળે છે અને આ અળસિયાં ખેડૂતોનાં સૌથી મોટાં મિત્રો છે. એક એકર જમીનમાં ૧૦ લાખ અળસિયાં હોય છે. અળસિયાં ખેતરમાં જમીનની ઉપર-નીચે થાય છે એટલે ખેતરમાં અસંખ્ય છિદ્રો થાય છે જેથી ધરતીને ઑક્સિજન મળે છે. માટી ઉપર-નીચે થાય છે એટલે મુલાયમ બને છે અને એનાથી ખેતીનું ઉત્પાદન વધુ થાય છે અને ગુણવત્તાવાળું બને છે. બાકી રાસાયણિક ખેતીએ સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખ્યા અને બીમારીઓ થવા માંડી એની પાછળ ઝેરવાળું ભોજન જવાબદાર છે. રાસાયણિક ખેતીને કારણે વિનાશ થયો છે, ધરતી બંજર થઈ ગઈ, પણ પ્રાકૃતિક ખેતીએ ધરતીને અને જીવોને બચાવ્યાં છે.’
પ્રાકૃતિક ખેતીના પાઠ
પ્રાકૃતિક ખેતીને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્યપાલ ખુદ ગામડાંઓ ખૂંદવા માંડ્યા અને ખેડૂતોની વચ્ચે જઈને સંવાદ સાંધ્યો એ વિશે વાત કરતાં આચાર્ય દેવવ્રત કહે છે, ‘ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે તેમ જ ગામડાંઓમાં મારો પ્રવાસ સતત થાય છે. ખેડૂતો એકઠા થાય છે અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવામાં આવે, એના ફાયદા શું છે એના સહિતની માહિતીની સમજ આપવા માટે અંદાજે દોઢ કલાક લેક્ચર આપું છું, ટ્રેઇનિંગ આપું છું. આ ઉપરાંત ટ્રેઇનિંગ સેન્ટર પણ ચલાવીએ છીએ. પાંચ-પાંચ ગામનું એક ક્લસ્ટર બનાવ્યું છે જેમાં એક ખેડૂત ટ્રેઇનર હોય, એક કૃષિ વિભાગના અધિકારી ટ્રેઇનર હોય છે. એ ઉપરાંત હવે મહિલાઓને પણ ટ્રેઇનર બનાવી છે. દરેક પાંચ ગામે ત્રણ વ્યક્તિ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે છે અને એ રીતે આખા ગુજરાતને જોડી દીધું છે. ગુજરાતનાં ગામડાંઓમાં દરરોજ અંદાજે ૫૪,૦૦૦ લોકો કામ કરે છે. પ્રાકૃતિક ખેતીને હવે અમે મિશન મોડ પર લઈ ગયા છીએ.’
પ્રાકૃતિક ખેતી ઈશ્વરની પૂજા
પ્રાકૃતિક ખેતીનો ખુદ અનુભવ કરીને સારાં પરિણામ મેળવ્યા બાદ ખેડૂતો વચ્ચે જઈને તેમને પણ સ્વસ્થ ખેતી અને સ્વસ્થ જીવન થકી સમાજને સ્વસ્થ બનાવતી પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં પણ લાખ્ખો ખેડૂતો કરતા થયા એનાં સુખદ પરિણામ મળતાં આચાર્ય દેવવ્રતના હૃદયને ઠંડક પહોંચી છે. તેઓ કહે છે, ‘આ કાર્યથી મને ખૂબ જ આત્મસંતોષ થયો છે. એટલો આત્મસંતોષ થયો છે કે આને હું ઈશ્વરની પૂજા માનું છું. ઈશ્વરની પૂજા મારે માટે આ પ્રાકૃતિક ખેતી છે. રાજભવનમાં બે ગાયો રાખી છે. હું અને મારી પત્ની દરરોજ સવારે ઘરમાં હવન કરીએ છીએ. જેવી રીતે ભોજન જરૂરી છે એવી રીતે ભજન પણ જરૂરી છે. શાંતિનો એક રસ્તો હવન પણ છે અને એનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. પૂર્ણ રૂપે હું પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત છું અને લોકોને કહું છું કે ફૅમિલી ડૉક્ટર નહીં, ફૅમિલી પ્રાકૃતિક ફાર્મર શોધો તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ ખેડૂતોની સમૃદ્ધિ માટે, પર્યાવરણ માટે, પાણી બચાવવા માટે, સ્વાસ્થ્ય બચાવવા માટે કાર્યરત છે અને સમાજ સાથે મળીને આપણે લોકોનાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, પાણી, જમીન બચાવી શકીશું.’
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ચાલી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિયાનમાં ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમ જ આ વિભાગ નીચે જિલ્લાકક્ષાએ કાર્યરત ઍગ્રિકલ્ચર ટેક્નૉલૉજી મૅનેજમેન્ટ એજન્સી જે ટૂંકમાં આત્મા (Agriculture Technology Management Agency -ATMA) તરીકે ઓળખાય છે એ સંસ્થાનો પણ સાથ-સહકાર છે.
ગુજરાતના ખેડૂતોએ શું કહ્યું પ્રાકૃતિક ખેતી વિશે?
અમદાવાદ હોય કે અમરેલી, કચ્છ હોય કે કલોલ, પાટણ હોય કે પોરબંદર, મોરબી હોય કે મહેસાણા કે પછી ડાંગ, તાપી, નર્મદા, અરવલ્લી, ભાવનગર કે જૂનાગઢ જિલ્લો કેમ ન હોય; આજે ગુજરાતના ગામેગામ સુધી પ્રાકૃતિક ખેતીનું ચલણ વધતું જઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરી રહેલા કેટલાક ખેડૂતો સાથે ‘મિડ-ડે’એ વાત કરીને જાણ્યું કે ખેડૂતોને કેવા ફાયદા થઈ રહ્યા છે
૭૦થી વધુ ગીર ગાયો સાથે ૨૨ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા મહેશ સોજિત્રાની ખુશીનો પાર નથી
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા સુખપુર ગામમાં મહેશ સોજિત્રા તેમના પિતા હરિભાઈ સાથે મળીને બાવીસ વીઘા જમીન પર ૭૦થી વધુ ગીર ગાયો સાથે પ્રાકૃતિક ખેતી અપનાવીને ચિંતામુક્ત બની ગયા છે. મહેશ સોજિત્રા ‘મિડ-ડે’ને કહે છે, ‘ગાંધીનગરમાં ગયા વર્ષે પ્રાકૃતિક ખેતીની શિબિર હતી એમાં હું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળ્યો હતો. આ શિબિરમાં ૨૦૦થી વધુ ખેડૂતો એકઠા થયા હતા અને રાજ્યપાલે ગૌશાળા વિશે માહિતી આપી હતી. એ ઉપરાંત જીવામૃત બનાવવાની રીત તેમ જ ખેતીમાં પેસ્ટિસાઇડ, દવાઓ તેમ જ રાસાયણિક ખાતર બંધ કેમ કરવું એની સમજ આપી હતી અને કહ્યું હતું કે તમારી પાસે બે ગાય હોય તો પણ પાંચ-દસ વીઘામાં આરામથી ઝીરો બજેટ સાથે પ્રાકૃતિક ખેતી કરી શકો છો. મારે ત્યાં હું પપૈયાં, કેરી, તુરિયાં, ગલકાં, ભીંડા, મગફળી સહિતના પાકોનું વાવેતર કરું છું. મેં જોયું છે કે ગોબર અને ગૌમૂત્ર, ગોળ, બેસન, માટીમાંથી બનાવેલા જીવામૃતથી મારા ખેતરમાં પાકની ઊપજ વધી છે અને નફો પણ મળી રહ્યો છે.’
મેં અનુભવ્યું કે રાસાયણિક ખેતીથી જમીન ફળદ્રુપતા ગુમાવે છે: ગજેન્દ્રસિંહ વાઘેલા
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં પ્રાકૃતિક ખેતી કરીને નામના મેળવનાર પ્રગતિશીલ ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલાને તો પ્રાકૃતિક ખેતીમાં અમદાવાદ જિલ્લાના સંયોજક તરીકે જવાબદારી સોંપી છે. તેઓ કહે છે, ‘રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એટલે અત્યારની કૃષિના બલરામ કહેવાય. રાજ્યપાલને અંદરથી ઉમળકો છે અને ખેડૂતો માટે કંઈક કરવામાં તેમને રસ છે. મને યાદ છે કે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ૮ દિવસ તેમના ઉપવાસ હતા અને પાણી સિવાય તેઓ કંઈ લેતા નહોતા છતાં આણંદમાં કૃષિ યુનિવર્સિટીમાં તેમણે ખેડૂતો માટે શિબિર કરી હતી. એ સમયે હું ત્યાં હતો. પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો. પણ હવે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. મેં અનુભવ્યું કે રાસાયણિક ખેતીથી જમીન ફળદ્રુપતા ગુમાવે છે. રાસાયણિક ખેતીમાં ખેડૂતોએ ખિસ્સામાંથી પૈસા કાઢીને ખેતી કરવી પડે છે અને મનુષ્ય તેમ જ પશુ-પંખીઓનાં સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર પડે છે. આજે મારી પાસે ૭૦ ગાયો છે અને ૩૦ વીઘા જમીન પર હું પ્રાકૃતિક ખેતી કરીને ત્રણ પ્રકારની ડાંગર વાવું છું. એક તો કૃષ્ણ કમોદ, બીજી ગુજરાત સત્તર અને ત્રીજી કાલા નમક. આ કાલા નમક એ જૂની વરાઇટી છે. મારે ત્યાં ગુજરાત સત્તરનો પાક એક વીઘે ૭૦થી ૭૨ મણ ઊતરે છે, કૃષ્ણ કમોદનો પાક વીઘે ૪૦ મણ જેટલો અને કાલા નમકનો પાક વીઘે ૫૦ મણ જેટલો ઊતરે છે. આ ઉપરાંત હું બાજરી, ઘઉં, જુવાર, કઠોળ, કેરી, જામફળ સહિતનાં ફ્રૂટ્સનું પણ વાવેતર કરું છું.’
મુંબઈના ગોરેગામમાં ડાયમન્ડનું કામ કરતા કાંતિ પટેલ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે
એક સમયે મુંબઈના ગોરેગામમાં ડાયમન્ડનું કામ કરતા મૂળ ઉત્તર ગુજરાતના કાંતિ પટેલ હવે પાટણ પાસે ચાણસ્મા રોડ પર આવેલા મહેમદપુરા ગામે પ્રાકૃતિક ખેતી કરીને ખુશહાલ જીવન જીવી રહ્યા છે. ૬૩ વર્ષના કાંતિ પટેલ કહે છે, ‘પહેલાં હું મુંબઈમાં ગોરેગામ-વેસ્ટમાં આવેલા કિરણ બિલ્ડિંગમાં ડાયમન્ડનું કામ કરતો હતો. મલાડમાં રહેતો હતો, પરંતુ ઉંમર થાય એટલે આંખે ઓછું દેખાય એથી મારા ગામ મહેમદપુરા આવી ગયો. ગામમાં આવીને બાપદાદાની જમીન હતી એમાં ખેતીકામ શરૂ કર્યું. કોઈ માહિતી મારી પાસે નહોતી એટલે રાસાયણિક ખેતી કરતો હતો. દવાના પૈસા જેટલા કહે એ આપી દેતો, પણ રિઝલ્ટ ન મળે. પરંતુ પ્રાકૃતિક ખેતી શરૂ કરી એ પછી મારે પાછું વળીને જોવું નથી પડ્યું. મારે ત્યાં સાડાત્રણ વીઘા જમીન પર હું કેરી, જામફળ, કેળાં, દ્રાક્ષ, દાડમ વાવું છું. એ ઉપરાંત રીંગણાં, મરચાં, ટમેટાં, ફૂલાવર, વટાણા સહિતની શાકભાજી અને ઘઉં સહિતનાં અનાજનું પણ વાવેતર કરું છું. પ્રાકૃતિક ખેતીને કારણે મારા માટે એ વાત સારી બની કે આ બધા પાકથી મને નફો થઈ રહ્યો છે. મારે પાક વેચવા માટે ક્યાંય જવું નથી પડતું. મારા ખેતરમાં આવીને લોકો માલ લઈ જાય છે. આ વખતે ૧,૪૦,૦૦૦ રૂપિયાની ૩૫ મણ કેરી વેચી છે. પ્રાકૃતિક ખેતીને કારણે મારે ઝીરો મેઇન્ટેનન્સ આવે છે અને આ ઝેરમુક્ત ખેતી છે એનાથી ફાયદો થઈ રહ્યો છે.’
પ્રાકૃતિક ખેતી થકી હું હળદર, તુવેર, મગફળી, ઘઉં, બાજરી અને મગના પાક લઉં છું: ગણેશ કણઝરિયા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈસનપુર ગામના ખેડૂત ગણેશ કણઝરિયા પ્રાકૃતિક ખેતી કરીને જાણે ધન્ય થઈ ગયા હોય એમ ઉત્સાહ સાથે તેઓ બીજા ખેડૂતોને સંદેશો આપતાં કહે છે, ‘પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, કેમ કે એના દ્વારા નફો મળે છે. મારે ૧૦ વીઘા જમીન છે એમાં હું પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો, પણ મારી જમીન બિનઉપજાઉ જેવી બની ગઈ અને પાક ઉત્પાદન ઘટવા લાગ્યું એને કારણે નફો ઓછો થયો. જોકે ગાંધીનગર પાસે અડાલજ ખાતે યોજાયેલી એક શિબિરમાં હું ગયો હતો ત્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મારા સહિતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યજી અમારા માટે ગુરુ સમાન છે. પ્રાકૃતિક ખેતી થકી હું હળદર, તુવેર, મગફળી, ધાણાજીરું, ઘઉં, બાજરી, મગ સહિતના પાક લઉં છું જેમાં મને ફાયદો થઈ રહ્યો છે અને પૈસા વધુ મળે છે. અમે હળવદના ખેડૂતો દ્વારા અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક સ્ટૉલ શરૂ કર્યા હતા જેમાં ગ્રાહકને સીધું જ જે-તે પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. અમને ઑર્ડર પણ મળે છે.’