અલવિદા કેશુભાઈઃ સિદ્ધિ પછી પણ પગ જમીન પર રાખવાનો સ્વભાવ કાયમ યાદ રહેશે

31 October, 2020 06:26 PM IST  |  Mumbai | Manoj Joshi

અલવિદા કેશુભાઈઃ સિદ્ધિ પછી પણ પગ જમીન પર રાખવાનો સ્વભાવ કાયમ યાદ રહેશે

ફાઈલ તસવીર

ગઈકાલે કેશુભાઈ પટેલનું અવસાન થયું. બબ્બે દિવસના અંતરે એકેક ગુજરાતી મહાનુભાવોની વિદાય આપણે જોવી પડી છે. પહેલાં મહેશ કનોડિયા, પછી નાના ભાઈ અને સુપરસ્ટાર નરેશ કનોડિયા અને એ પછી ગુજરાતના મુખ્યપ્રધાન અને સમગ્ર ગુજરાતના સર્વ સ્વીકાર્ય ખેડુત નેતા એવા કેશુભાઈ પટેલ. સિદ્ધિ હાંસિલ કર્યા પછી પણ પગ જમીન પર રાખવાનો સ્વભાવ એમનો કાયમ યાદ રહેશે. મુખ્યપ્રધાન પદ મેળવ્યા પછી પણ તેમણે પોતાની ખેડૂત લાક્ષણિકતા ક્યાંય છોડી નહોતી અને એ સ્વભાવ પણ ક્યાંય જવા નહોતો દીધો. કપમાં ચા પીવાની તેમને ફાવટ નહોતી અને તેમને એનો સંકોચ પણ નહોતો. જાહેરમાં એ રકાબીમાં ચા ઠારે અને પછી ઊંડા સબડકાં લઈને ચા પીએ. ચાને એ કાઠીયાવાડી બોલીમાં અડારી કહેતાં અને અડારીમાં ચા પીવાની તેમની આદત તેમણે છેલ્લા સમય સુધી અકબંધ રાખી.

જો તમે ભૂતકાળ જોશો તો તમને દેખાશે કે ગુજરાતમાં બીજેપીએ સકસેસ મેળવ્યા પછી દેશભરમાં બીજેપીનો વ્યાપ વધ્યો. આ આખી ઘટનાના બીજમાં કેશુભાઈ પટેલનું નામ છે. ગુજરાતમાં બીજેપીને સ્ટ્રોન્ગ બનાવવાનું કામ કેશુભાઈએ કર્યું એ વાત તેમના દુશ્મન પણ સ્વીકાર્યા વિના રહી શકે નહીં. નેવુંના દશકના પ્રારંભમાં કેશુભાઈ પટેલે બીજેપીને ગુજરાતના એકેક ગામડાં સુધી લઈ જવાનું કામ કર્યુ અને એનો સીધો લાભ ૧૯૯પમાં કેશુભાઈએ બીજેપીને કરાવ્યો. કેશુભાઈ માનતાં કે મૂળ સુધી જે પાર્ટી પહોંચે છે એ જ પાર્ટી પોતાનો વ્યાપ મોટો કરી શકે છે. કેશુભાઈએ બીજેપીને વેલમાંથી ખજૂરીનું વૃક્ષ બનાવ્યું અને આજે એ પાર્ટી વડલો બનીને દેશના કેન્દ્રમાં બેઠો છે.

અફસોસ થાય એવો આ સમય છે. કેશુભાઈ પટેલના નિધન પછી તેમની જો અંતિમ યાત્રા નીકળી હોત તો એ અંત‌િમયાત્રા જોજનો લાંબી હોત. કેશુભાઈના નિધન પર જો અંતિમ દર્શન ગોઠવાયા હોત તો ત્યાં આવનારાઓની આંખોમાં આંસુ ઉભરાતાં હોત પણ કોવિડ-કાળમાં એ શક્ય નથી. એવું જ મહેશ-નરેશના કિસ્સામાં પણ બન્યું છે. જો તેમની પણ અંતિમ યાત્રા નીકળી હોત તો અચૂકપણે એમાં હજારોની માનવમેદની હોત અને એ મહેશ-નરેશની કમાણી હોત. અત્યારે વાત કેશુભાઈની કરીએ.

કેશુભાઈના શાસનકાળમાં અનેક કામો એવા થયા જેની નોંધ લેવી જ પડે. વિકાસના કામો કે પછી યોજનાની વાતો કરવાને બદલે આપણે વાત કરીએ કેશુભાઈના શાષનમાં ખતમ થયેલા પોરબંદરના ગેંગવોરની. કેશુભાઈના શાષનમાં પહેલીવાર એવું બન્યું હતું કે ગોડમધરના નામે ઓળખાતાં સંતોકબહેન જાડેજાની એરેસ્ટ થઈ હતી. પહેલીવાર. અગાઉ કોઈની હિંમત નહોતી ચાલતી કે મુંજા પરિવારની એરેસ્ટ કરવા જાય પણ કેશુભાઈ પહેલાં એવા મુખ્યપ્રધાન હતાં જેમણે કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના, કાયદો જે કરવાનું કહેતો હોય એ કરવાનો આદેશ આપ્યો. એક શાષકમાં મક્કમતા હોવી જોઈએ. એક શાષકમાં નિર્ભયતા હોવી જોઈએ. કેશુભાઈમાં એ બન્ને હતાં અને એનો લાભ બીજેપીને પારાવાર થયો છે એવું કહેવામાં કશું ખોટું નથી.

columnists manoj joshi