આ ગુજરાતીઓની કલા જોવાનું ચૂકવા જેવું નથી

13 May, 2023 05:43 PM IST  |  Mumbai | Jigisha Jain

મેટલથી લઈને માટી સુધીનાં સાધનોથી બનાવેલી કન્ટેમ્પરરી આર્ટનાં જુદા-જુદા રૂપ માણવાની ઇચ્છા હોય, ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટથી લઈને અઘરું કહી શકાય એવું સ્ટ્રિપલિંગ ડ્રોઇંગ જોવું, જાણવું કે ખરીદવું હોય તો ગુજરાતના કલાકારોના પ્રદર્શનની મુલાકાત લઈ શકો છો.

મહેશ વટાલિયા, સિરૅમિક

કન્ટેમ્પરરી અને મૉડર્ન આર્ટને જન-જન સુધી પહોંચાડવાના આશય સાથે શરૂ થયેલી મુખોટે ક્રીએટિવ આર્ટ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થાના નેજા હેઠળ હાલમાં મુંબઈમાં ગુજરાતના કેટલાક ખાસ કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાયું છે. આ ફાઉન્ડેશનનાં પ્રણેતા અને ખુદ પોતે પણ કલાકાર એવાં નીલુ પટેલ ભારતભરમાં જ નહીં, વિદેશોમાં પણ આર્ટનું પ્રદર્શન કરતા હોય છે જેમનો સઘન પ્રયાસ એ છે કે ભારતીય કલા અને કલાકારોને એક પ્લૅટફૉર્મ આપવું અને જાહેર લોકોમાં ફાઇન આર્ટ્સ વિશેની સમજને પુખ્ત કરવી. મળીએ આ પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોને.

ક્યાં છે? : નેહરુ સેન્ટર આર્ટ ગૅલરી, વરલી
ક્યાં સુધી? : ૧૫ મે સુધી 
સમય : સવારે ૧૧થી સાંજે ૭ સુધી

દિલીપ પરમાર, ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટિસ્ટ, સિરૅમિક્સ
મોરબીના દિલીપભાઈ પરમાર સુંદરતા માટેના પ્રેમનું શ્રેય પોતાના વતન વલસાડને આપે છે. પેઇન્ટિંગમાં પણ તેમનો પ્રેમ ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ છે જે તેમની કૃતિઓમાં છલકાય છે. આ કળાને તેમણે આત્મસાત કરી લીધી હોવાથી ભારતમાં જાણીતું નામ બની ચૂક્યા છે. તેમણે ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમાની ડિગ્રી લીધી છે અને સમગ્ર ભારતમાં જુદી-જુદી જગ્યાએ એક્ઝિબિશનમાં તેમની કૃતિઓને સ્થાન પ્રાપ્ત થયું છે. ‘લીનોપ્રિન્ટ’ નામની તેમની કૃતિને નાગપુરમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનનમાં સ્થાન મળ્યું હતું. ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ સિવાય તેઓ સિરૅમિક્સ ડિઝાઇન મેકિંગના પણ એક્સપર્ટ છે. પ્રદર્શનમાં તેમનાં ‘ઘર’ થીમ પર તૈયાર કરેલાં પેઇન્ટિંગ જોવા મળશે. ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ સમજાતું નથી એવી ફરિયાદ બાબતે વાત કર‌તાં દિલીપ પરમાર કહે છે, ‘ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ હંમેશાં ન સમજાય એવું નથી હોતું. તમે મારાં પેઇન્ટિંગ જોશો તો ખબર પડશે કે એ સમજાય કે નહીં એ આર્ટની કૉમ્પ્લેક્સિટી પર નહીં, આર્ટિસ્ટની કૉમ્પ્લેક્સિટી પર નિર્ભર કરે છે.’

બંસુ શાહ સોમપુરા, શિલ્પકાર
બંસુ એક જાણીતી શિલ્પકાર છે જે પોતાનો કુદરત માટેનો પ્રેમ પોતાની કળાના માધ્યમથી તાદૃશ કરે છે. બંસુના પિતા સ્વ. નિમિષભાઈ શાહે પોતાના સમયમાં ઘણાં લૅન્ડમાર્ક બિલ્ડિંગ્સ બનાવ્યાં છે અને ક્રીએટિવિટીના જીન્સ તેમની પાસેથી જ લઈને મોટી થયેલી બંસુએ સ્ક્લ્પ્ચરમાં ભણતર પૂરું કર્યું. બંસુ પોતાના ધાતુમાંથી બનાવેલાં અમુક શિલ્પો આ પ્રદર્શનીમાં લઈને આવી છે, જેની પ્રેરણા માતૃત્વ અને મધર નેચર છે. ૨૦૦૭માં બંસુને બૉમ્બે આર્ટ સોસાયટી તરફથી નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. આ સિવાય પણ તેને ઘણા નેશન અને રાજ્ય કક્ષાના અવૉર્ડ્સ મળી ચૂક્યા છે. પોતાના ફીલ્ડ વિશે વાત કરતાં બંસુ કહે છે, ‘શિલ્પકળા ભારતની અતિ પ્રાચીન કળા છે. ધીમે-ધીમે હવે આ કળા અને એના પ્રત્યેનું વળગણ ઓછું થતું જાય છે. ફાઇન આર્ટ્સને એક વિષય તરીકે લઈને આગળ વધનારા લોકો ઘણા છે, પણ એમાં સ્ક્લ્પ્ચર વિષયને પસંદ કરનારાની સંખ્યા ઘટતી જાય છે. હું એવા પ્રયાસો કરવા માગું છું કે પથ્થર કે ધાતુમાંથી બનાવવામાં આવતાં શિલ્પોની કળા આગલી પેઢી સુધી પહોંચે. એમને પણ આમાં રસ જાગે.’

નીલુ પટેલ, પૅપ્યેમૅશે
મુખોટે ક્રી‌એટિવ આર્ટ ફાઉન્ડેશન, અમદાવાદનાં પ્રણેતા નીલુ પટેલે ફાઇન આર્ટ્સનો ફાઉન્ડેશન કોર્સ અને ટેક્સટાઇલમાં ડિઝાઇનિંગ કોર્સ કરેલો છે. કલાકાર તરીકે છેલ્લાં ૩૦ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવતાં નીલુ પટેલે પૅપ્યેમૅશે બૅગ્સનું જે કલાત્મક કામ કર્યું છે એને ઘણા અવૉર્ડ્સ પ્રાપ્ત થયા છે. પૅપ્યેમૅશેના કામમાં તેમણે ડૉક્ટરેટની પદવી હાંસલ કરી છે. તેમના ઉત્કૃષ્ટ કામ બદલ ગુજરાત સરકાર તરફથી તેમને સન્માન પણ પ્રાપ્ત થયું છે. પૅપ્યેમૅશે કળા પર તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યાં છે; જેમ કે ટેક્નો ઇકૉનૉમિક લેટર, પૅપ્યેમૅશે-ધ ગ્રીન ક્રાફ્ટ, પેપર ફ્લુટ્સ વગેરે. તેઓ પોતાનું આર્ટ ફૉર્મ બીજાને શીખવી શકે એ માટે ઘણી વર્કશૉપ્સ પણ કરે છે. એમનું આ પૅપ્યેમૅશે ક્રાફ્ટ ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ પ્રદર્શનની શોભા બન્યું છે. પરંતુ આ પ્રદર્શનમાં નીલુબહેન તેમના પૅપ્યેમૅશેના આર્ટિકલ્સ લાવ્યા નથી. તેમનો બીજો પ્રેમ સ્ટ્રિપલિંગ ડ્રોઇંગ લાવ્યાં છે. આ ડ્રોઇંગ તેમણે તેમના પાલતુ કૂતરાની યાદમાં બનાવ્યાં છે. પોતાના આર્ટ ફૉર્મ વિશે વાત કરતાં નીલુબહેન કહે છે, ‘સ્ટ્રિપલિંગ ડ્રોઇંગ અતિ મુશ્કેલ છે. જો દરરોજ ૭-૮ કલાક એના પર કામ કરો તો આખું પેઇન્ટિંગ એક અઠવાડિયામાં પતે. મારી પાસે એક કૂતરો હતો, જે આજે હયાત નથી. એની યાદમાં મેં આ ચિત્રો બનાવેલાં છે.’

મહેશ વટાલિયા, સિરૅમિક, શિલ્પકલા
માટીને એક નવું કલાત્મક રૂપ આપવા માટે પ્રેરાયેલા કલાકાર મહેશ વટાલિયાને માટીકામ, સિરૅમિક કામ અને શિલ્પકલામાં દસ વર્ષનો અનુભવ છે. અમદાવાદની પ્રખ્યાત સેપ્ટ યુનિવર્સિટીમાં ટેક્નિશ્યન તરીકેનો અનુભવ ધરાવતા મહેશભાઈએ પ્રોફેશનલી સિરૅમિક ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું છે. મહેશભાઈ મૂળ પ્રજાપતિ છે અને નાનપણથી જ તેમણે માટી સાથે કામ કર્યું છે. એના પછી તેમણે ફાઇન આર્ટ્સ કર્યું. મહેશભાઈને ચકલીઓ માટે અદ્ભુત પ્રેમ છે. પોતાની કળા વડે એ ચકલીઓની ઘટતી જતી સંખ્યા માટે અવેરનેસ લાવવા માગે છે. અમદાવાદમાં ‘હૂંફાળી ઉડાન’ નામે તેમણે એક શો કર્યો હતો જેમાં ૪૦-૫૦ માટીની ચકલીઓ પર બનેલા આર્ટિકલ્સનું પ્રદર્શન હતું. એમાંથી કેટલાંક આ‌ર્ટિકલ્સ આ પ્રદર્શનમાં જોવા મળશે. પોતાની કળા વિશે વાત કરતાં મહેશભાઈ કહે છે, ‘પ્રજાપતિનો દીકરો છું એટલે માટી સાથે મારું જોડાણ તો હોવાનું જ. ચકલીઓ મારો નાનપણનો પ્રેમ છે. મને થયું કે આ બંનેને જોડીને કંઈ એવું બનાવું જે સુંદર તો હોય જ પણ એની સાથે લોકોમાં ચકલીઓ માટે એક જાગૃતિ પણ આવે. મેં માટીનાં શિલ્પ બનાવ્યાં છે જે દીવાલ પર ચોંટાડી શકાય અથવા તો ટાંગી શકાય.’

શ્રુતિ સોની, પેઇન્ટિંગ
મૂળ અમદાવાદનાં શ્રુતિ સોની હાલમાં અમેરિકામાં છે જેમના માટે પેઇન્ટિંગ તેમના જીવનનું અભિન્ન અંગ છે. એ વૉટર કલર પેઇન્ટિંગના માધ્યમથી પોતાના જીવનના અનુભવોને કૅન્વસ પર ઢાળવાની કોશિશ કરે છે. પોતાના આ આર્ટ ફૉર્મ વિશે વાત કરતાં શ્રુતિ સોની કહે છે, ‘મારું આર્ટ ફૉર્મ મારી પર્સનાલિટીનું રિફ્લેક્શન છે. મારા માટે આર્ટની પ્રૅક્ટિસ ધ્યાન કરવા બરાબર છે. એ તમારી અંદરથી નીકળે છે અને અંદર સુધી પહોંચે છે. આમ તો મેં કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું પરંતુ મારું મન મને હંમેશાં આર્ટ તરફ આગળ લઈ ગયું.’

ડિમ્પલ ટેલર, પેઇન્ટર, સ્કેચ આર્ટિસ્ટ
વલસાડમાં જન્મેલાં ડિમ્પલે ઑઇલ પેઇન્ટિંગ, વૉટર કલર પેઇન્ટિંગ, વારલી આર્ટ, પેન્સિલ સ્કેચિંગમાં મહારત હાંસલ કરેલી છે. ગવર્નમેન્ટ પોલિટેક્નિક, સુરતમાંથી ડિપ્લોમા ઇન આર્ટ્સ પૂરું કર્યા પછી પબ્લિકેશન્સ અને આર્ટ બ્લૉગ માટે તેણે કામ કર્યું. પોતાની આર્ટ પોતાના સુધી રહી ન જાય એવું ચોક્કસપણે માનતી ડિમ્પલ એક ઉત્સાહી શિક્ષક પણ છે. વારલી આર્ટ, ઑઇલ અને વૉટર કલર પેઇન્ટિંગ, સ્કેચિંગ જેવાં આર્ટ ફૉર્મ શીખવવાના ક્લાસિસ અને વર્કશૉપ્સ લે છે. ડિમ્પલના પેઇન્ટિંગમાં એક ગણેશનું પેઇન્ટિંગ છે જે તેણે કોલસાથી કરેલું છે. એના વિશે વાત કરતાં તે કહે છે, ‘એક દિવસ સાબરમતીના કિનારે મને ગણપતીની એક પથ્થરની મૂર્તિ પડેલી દેખાય. એ મૂર્તિનો આદર રાખવા મને થયું કે એને હું ઘરે લઈ જાઉં, પણ એ એટલી ભારે હતી કે મારાથી ઊંચકાઈ નહીં. મેં એનો ફોટો પાડ્યો અને પછી એનું પેઇન્ટિંગ બનાવ્યું, કારણ કે હું એને રીક્રીએટ કરવા માગતી હતી.’ પોતાના આર્ટ વિશે વાત કરતાં ડિમ્પલ કહે છે, ‘મને આર્ટમાં ટ્રેડિશનલ અને આજની કન્ટેમ્પરરી બંને સ્ટાઇલ ગમે છે. હું બંનેમાંથી અમુક મનગમતી બાબતોને ઉઠાવીને એ બંનેને જોડવાનું કામ કરી રહ્યું છે. મારા ક્રીએશનમાં જૂનું અને નવું એ બંને આર્ટ ફૉર્મનું મિલન જોવા મળશે.’

columnists Jigisha Jain