કલ્પતરુથી અધિક દાતા, જગત ત્રાતા જય કરો...!

15 December, 2019 06:08 PM IST  |  Mumbai Desk | chimanlal kaladhar

કલ્પતરુથી અધિક દાતા, જગત ત્રાતા જય કરો...!

માગસર વદ-૧૦ને શનિવાર, તા. ૨૧ ડિસેમ્બર-૨૦૧૯ના પોષ દસમીનું મહાન પર્વ આવી રહ્યું છે. આ દિવસ આપણા ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણકનો પવિત્ર દિવસ છે. સમગ્ર ભારતના જૈનો આ દિવસે પ્રભુ પાર્શ્વનાથની આરાધના કરશે. યથાશક્ય તપ-જપ કરશે. ઘણા બધા ભાવિકો આ પર્વ પ્રસંગે અઠ્ઠમ તપની આરાધના પણ કરશે. પ્રભુશ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક પ્રસંગે પ્રભુના મહિમા વિશે અહીં થોડી વાતો પ્રસ્તુત કરી રહ્યો છું. 

આજથી ૬૦ વર્ષ પહેલાંની આ વાત છે. મારા મોટાભાઈ સ્વ. જયંતીભાઈ શાહની સરકારી નોકરીના કારણે એ વખતે અમારા કુટુંબનો વસવાટ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર શહેરમાં હતો. મારી ઉંમર એ વખતે બાર વર્ષની હતી. એ સમયે હું સુરેન્દ્રનગરની શેઠ એન. ટી. એમ. હાઈ સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મારા પૂજ્ય માતુશ્રી અંબાબહેનને શંખેશ્વર તીર્થ ઉપર ભારે આસ્થા હતી. તેથી તેમની સાથે મારે સુરેન્દ્રનગરથી શંખેશ્વર તીર્થની યાત્રાએ જવાનું ઘણીવાર બન્યું છે. પ્રથમવાર મેં જ્યારે મારા માતુશ્રી સાથે શંખેશ્વરની પવિત્ર ભૂમિ પર પગ મૂક્યો. ત્યારે મારી ઉંમર ખૂબ જ નાની, પરંતુ મારા માતુશ્રીની શંખેશ્વર તીર્થ પ્રત્યેની અપ્રતિમ ભક્તિના કારણે હું પણ શંખેશ્વર તીર્થ તરફ આકર્ષાયો અને મારું એ આકર્ષણ મોટા થવાની સાથે શ્રદ્ધાના રૂપમાં પલટાયું. આજ સુધીમાં મેં શંખેશ્વર તીર્થની કંઈ કેટલીયવાર યાત્રા કરી છે. શંખેશ્વર પાર્શ્વ પ્રભુની અત્યંત મનોહર અને મહિમાશીલ મૂર્તિએ મારા હૃદયમાં નિત્ય સ્થાન જમાવ્યું છે. પ્રભુની એ અલૌકિક પ્રતિમાના દર્શન કરતા મારા હૃદયમાં પ્રભુભક્તિના અનેરા ભાવ ઉભરાય છે. તેનું વર્ણન કરવું ખરેખર અશક્ય જણાય છે.
શ્રી શંખેશ્વર તીર્થ અતિ પ્રાચીન તીર્થ છે. આ પાવન તીર્થ સાથે લાખો ભાવિકોની શ્રદ્ધા અને ભક્તિ જોડાયેલી છે. પ્રતિવર્ષ લાખો લોકો આ તીર્થની યાત્રા કરી પોતાનું જીવન સાર્થક કરી રહ્યા છે. શંખેશ્વર તીર્થ વિશે આપણા અનેક પૂર્વાચાર્યોએ, મુનિ ભગવંતોએ, સમર્થ વિદ્વાનોએ, કવિઓએ અસંખ્ય કૃતિઓનું સર્જન કરીને આ
તીર્થના મહિમાને જગપ્રસિદ્ધ કર્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગત ચોવીશીમાં થયેલ નવમા તીર્થંકર શ્રી દામોદર સ્વામીના સમયમાં તેમના અષાઢી નામના વ્રતધારી શ્રાવકે નિર્માણ કરાવી છે. આ ચમત્કારિક પ્રતિમા દીર્ઘકાળ સુધી દેવલોકમાં તથા જ્યોતિષ્કના વિમાનોમાં વ્યંતરોના ભવનોમાં પૂજાઈ છે. આમ લાખો વર્ષ સુધી દૈવીઅર્ચના પામેલ આ અત્યંત મહિમાશીલ પ્રતિમા છેલ્લે નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી સહ અનેક દેવ-દેવીઓએ ચિર:કાળ સુધી ભક્તિભાવથી પૂજી છે. મહાભારતના સમયે જ્યારે કૃષ્ણ અને જરાસંધ વચ્ચે મહાયુદ્ધ થયું ત્યારે કૃષ્ણના સૈન્યને જરાસંધે ‘જરા’ વિદ્યા વાપરીને બેભાન બનાવી દીધું હતું. એ સમયે ભાવિ તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુની સહાયથી કૃષ્ણે અઠ્ઠમ તપ કરી પદ્માવતી દેવીને પ્રસન્ન કરી દેવલોકમાં રહેલી એ
પ્રતિમા માગી લીધી. આ પ્રતિમા મેળવી, તેનું ભાવપૂર્વક પૂજન, પ્રક્ષાલન કરી તેનું ન્હવણ જળ બેભાન સૈન્ય પર છાંટવાથી કૃષ્ણનું અચેતન સૈન્ય જાગૃત થયું હતું અને એ રીતે કૃષ્ણે જરાસંધ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જે જગ્યા પર કૃષ્ણે જીત મેળવી તે જગ્યા પર તેમણે શંખપુર નગર વસાવ્યું અને પાર્શ્વ પ્રભુની આ પ્રતિમા માટે વિશાળ, મનોહર જિનમંદિર બનાવી તેમાં આ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી. કાળક્રમે શંખપુર ગામ શંખેશ્વર તરીકે અને આ પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગી.
શ્રી શંખેશ્વર તીર્થના સજ્જન મંત્રીએ, મહાઅમાત્ય વસ્તુપાલ તેજપાલે, દુર્જનશલ્ય રાજાએ વગેરેએ ઉદ્ધારો કરાવ્યા છે. એ પછી મુસ્લિમોના આક્રમણનાં કારણે આ જિનાલય નષ્ટ થયું, પરંતુ પાર્શ્વ પ્રભુની પ્રતિમા બચી જવા પામી. એ સમયે વિજયસેનસૂરિ મહારાજે શંખેશ્વર ગામમાં બાવન જિનાલયવાળું ભવ્ય, કલાત્મક નૂતન જિનમંદિરનું નિર્માણ કરાવ્યું. આ નૂતન જિનમંદિરના નિર્માણને માંડ થોડાં જ વર્ષો થયાં હશે ત્યારે મોગલ બાદશાહ ઔરગંઝેબના સુબાએ નજીકના મુંજપર ગામે ચડાઈ કરી. મુંજપરમાં વિજય મેળવી પાછા ફરતા આ મુસ્લિમ સૈન્યે પાર્શ્વપ્રભુનું મંદિર પુન: તોડી પાડ્યું. સદ્નસીબે આ ગામના સંઘે અગમચેતી વાપરીને મૂળનાયક શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમા જમીનમાં ભંડારી દીધી, તેથી આ પ્રતિમા બચી જવા પામી. આ પ્રતિમાને એ પછી શંખેશ્વરના ઠાકોરે કબજામાં રાખી અને તેના દર્શન માટે જૈનો પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું. એ સમયે ઉપાધ્યાય ઉદયરત્ન વિજયજીના પ્રભાવથી અને તેમણે રચેલ ‘પાસ શંખેશ્વરા...’ સ્તુતિના ચમત્કારથી આ પ્રતિમા સૌને દર્શન માટે સુલભ બની. એ પછી પુન: નૂતન જિનમંદિર બનાવી આ પ્રતિમા અહીં પધરાવી હશે. છેલ્લાં બે-ત્રણ સૈકાથી આ વિશાળ જિનમંદિર અહીં અડીખમ ઊભું છે.
કૃષ્ણ મહારાજાએ જરાસંધ પર વિજય મેળવવા અઠ્ઠમ તપ કરી આ પ્રભુ પ્રતિમા પદ્માવતી દેવી પાસેથી પ્રાપ્ત કરી. તેથી આ ચમત્કારી પ્રભુ પ્રતિમાની આરાધના માટે અઠ્ઠમ તપનો પ્રારંભ થયો હોય તેવું જણાય છે. પોતાના જીવનમાં ક્યારેય ઉપવાસ ન કર્યો હોય તેવા ભાવિકો પણ અહીં શ્રદ્ધાપૂર્વક, નિર્વિધ્ને અઠ્ઠમ તપ કરતા જોવા મળે છે. પોષ દસમીના પ્રભુ પાર્શ્વના જન્મકલ્યાણક દિને તો આ તીર્થમાં હજારો ભક્તો અઠ્ઠમ તપની આરાધના કરવા પધારે છે. આ સંસારમાં લોકોને ઘણા બાહ્ય-અભ્યંતર પ્રશ્નો અને સમસ્યાઓ સતાવતાં હોય છે. પોતાની આ સમસ્યાનાં નિવારણ માટે પણ લોકો આ તીર્થમાં પાર્શ્વ પ્રભુને ભેટવા આવે છે. તેઓ અહીં પાર્શ્વપ્રભુની ભાવથી ભક્તિ-અર્ચના કરે છે અને પોતાના વિઘ્નો, મુશ્કેલીઓને પાર કરે છે. એવા અસંખ્ય ઉદાહરણો જૈન ઇતિહાસના પૃષ્ઠો પર નોંધાયા છે.
શ્રી શંખેશ્વર તીર્થમાં પ્રતિવર્ષ હજારો લોકો અઠ્ઠમ તપ કરવા આવે છે. માત્ર શંખેશ્વર તીર્થમાં જ નહીં સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પાર્શ્વ પ્રભુનાં તીર્થો છે, જિનમંદિરો છે ત્યાં આપણાં પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં પાર્શ્વ પ્રભુના અઠ્ઠમ કરાવવાનું સુંદર આયોજન થાય છે. શંખેશ્વર તીર્થની પાર્શ્વ પ્રભુની પ્રતિમા વિશે કહેવાય છે કે આ પ્રતિમા
પ્રતિદિન ત્રણ સ્વરૂપે જોવા મળે છે. પ્રભાતે કુમાર અવસ્થામાં, મધ્યાહને યુવાવસ્થામાં અને સલૂણી સાંજે વૃદ્ધાવસ્થાનું રૂપ ધારણ કરે છે. ‘વસ્તુપાલ ચરિત્ર’માં જિનહર્ષગણિ જણાવે છે કે આ તીર્થ અતિ પ્રાચીન છે. પ્રભુ પ્રતિમા શાશ્વતી છે. તેની સેવા કરવાથી અનેક મુનિઓ મોક્ષે ગયા છે. આ તીર્થમાં પ્રત્યેક પર્વોમાં ધરણેન્દ્ર-પદ્માવતી અહીં આવીને આ મહિમાશીલ પ્રભુ પ્રતિમાનું પૂજન કરે છે. શ્રી નેમિનાથ પ્રભુ સહ અનેક મુનિષૂંગવો અહીં સમોસર્યા છે. આ તીર્થની છ માસ નિરંતર, એકાગ્ર ચિત્તે ભક્તિ કરવાથી અભિષ્ટ ફળ મળે છે. છેલ્લે પંડિત રૂપવિજયજી મહારાજની ચમત્કૃત પંક્તિઓ દ્વારા આ લેખનું સમાપન કરું છું.
ક્રમે પામી કેવલ જ્ઞાન કમલા, સંઘ ચઉવિહ સ્થાપિને,
પ્રભુ ગયા મોક્ષે સમ્મેત શિખરે, માસ અણસણ પાળીને,
કલ્પતરુથી અધિક દાતા, જગત ત્રાતા જય કરો,
નિત્ય જાપ જપીએ, પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરો.

columnists weekend guide