આગળ વધો એ દિશામાં જ્યાં મન કહેતું, એ દિશામાં જ્યાં હૈયું કહેતું હોય

28 December, 2019 02:50 PM IST  |  Mumbai | Manoj Joshi

આગળ વધો એ દિશામાં જ્યાં મન કહેતું, એ દિશામાં જ્યાં હૈયું કહેતું હોય

ભલે ૨૦૧૯ કોઈ પણ પ્રકારની કફોડી પરિસ્થિતિ લાવનારું રહ્યું હોય. ગમે એવું રહ્યું હોય કે પછી ન ગમે એવું રહ્યું હોય, પણ ૨૦૨૦ને એવી અવદશા પર નથી રાખવાનું, એનું પ્લાનિંગ અત્યારથી જ કરવાનું છે અને એ પ્લાનિંગ મુજબ આ જ ક્ષણથી આગળ વધવાનું છે. જેટલું વહેલું આયોજન કરશો એટલી ઓછી કચાશ એ આયોજનમાં રહેશે. ૨૦૨૦ શરૂ થવાને હજી ત્રણ દિવસની વાર છે. ત્રણ દિવસ પછી તમે નવા વર્ષમાં પગ મૂકશો ત્યારે એ વર્ષને કઈ દિશામાં લઈ જવું એ તમારે નક્કી કરવાનું છે અને જાતે જ નક્કી કરવાનું છે.

આવી રહેલા નવા વર્ષમાં કેવી રીતે નકારાત્મકતાથી દૂર રહેવું એ તમારે જોવાનું છે અને કેવી રીતે એવા લોકોને તમારાથી દૂર રાખવા એ પણ તમારે જોવાનું છે. હા, દૂર રાખવાના છે, એવી પરિસ્થિતિને અને એવા લોકોને એ નક્કી છે. નકારાત્મક લોકોની આસપાસ રહીને તમે કશું સર્જનાત્મક કરી નથી શકવાના. નકારાત્મક પરિસ્થ‌િત‌િ તમને કશું સકારાત્મક વિચારવા નહીં દે એ હકીકત છે. નકારાત્મકતા જો તમારી અંદર હોય તો એને કેવી રીતે દૂર કરવી એના રસ્તા પણ તમારે જ વિચારવાના છે. આર્ટિફિશ્યલ કહેવાય એવા રસ્તા અપનાવીને પણ તમે આગળ વધી શકો છો, કારણ કે સકારાત્મકતાનું એક સારું પરિણામ એ છે કે એની સાથે ખોટી રીતે પણ જોડાયેલા રહો તો એ કાયમ તમારી સાથે રહેવાનું શરૂ કરી દે.

જો એક વખત સકારાત્મકતા કે હકારાત્મકતાની સાથે રહેશો તો અનુભવ થશે કે ઘણું કરવા જેવું છે અને ઘણું કરવાની ક્ષમતા તમારામાં છે. જો તમે ઇચ્છશો તો તમને સમજાશે કે જીવનમાં નાની-નાની વાતોને પકડી રાખવાથી મોટી ઇચ્છાઓ અને મોટાં સપનાંઓ અધૂરાં રહી જાય છે. જો તમે સમજવાની કો‌શિશ કરશો તો તમને દેખાશે કે હાથમાં જે ક્ષમતા છે એના કરતાં તમારા મનમાં અનેકગણી વધારે કૅપેસિટી છે, જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા. કચરો સાથે રાખશો તો કીમતી પથ્થર એકઠા કરવાની તક નહીં મળે અને જો કીમતી પથ્થર એકત્રિત કરવા હશે તો કચરાને છોડવાની તૈયારી રાખવી પડશે. ભલે એ કચરો તમારો હોય, ભલે તમે એના પ્રેમમાં હો અને ભલે તમે એને સતત સાથે રાખવાની ભાવના સાથે આગળ વધતા હો, પણ છોડવું એ તમારા જીવનનો સિદ્ધાંત છે. હાથ છોડવો પડે તો છોડો અને સાથ છોડવો પડે તો છોડો, જો એ ગેરવાજબી વ્યક્ત‌િ કે વ્યક્ત‌િત્વ હોય. છોડ્યાની પીડા થોડી ક્ષણો સુધી રહેશે, પણ એનો આનંદ લાંબો સમય રહેશે, ખાસ કરીને ત્યારે સમજાશે કે વાજબી રીતે તમે છોડવાની પ્રક્રિયા કરી છે.

૨૦૨૦ પામવાનું નહીં, ૨૦૨૦ છોડવાનું વર્ષ બનાવજો. નકારાત્મકતા છોડજો. અહમ્ છોડજો. ગેરવાજબી અને બિનજરૂરી ખોટું બોલવાનું છોડજો અને જેના વિના ન ચાલી શકે એવું હોય એ પણ છોડજો. છોડશો તો જ નવું અપનાવી શકશો. વ્યસન સિવાય આ વાત બધી બાબતમાં લાગુ પડે છે. ૨૦૨૦માં એક નિયમ લેજો કે વાતમાં ઓછામાં ઓછી ‘ના’ કહેવી છે. એક વખત પ્રયાસ કરશો તો તમને પણ સમજાશે કે ‘ના’ નહીં બોલવાના ફાયદા અને લાભ કેટલા અને કેવા તગડા છે. જીવનમાં ‘હા’ કહેવી જરૂરી નથી એટલું જરૂરી ‘ના’ બોલવાનું છોડવું છે. ૨૦૨૦ ‘ના’ વિનાનું વર્ષ બની રહે એવી શુભકામના અને અઢળક શુભેચ્છા, ઍડ્વાન્સમાં.

manoj joshi columnists