શૉપિંગ સ્ટોરમાં મોબાઇલ-નંબર આપવો કે નહીં?

10 May, 2022 11:30 AM IST  |  Mumbai | Jigisha Jain

આજે તમારો ફોન-નંબર અને ઈ-મેઇલ આઇડી જેવી બેઝિક ઇન્ફર્મેશન અજાણ્યા એવા અઢળક લોકો પાસે પણ હોય જ છે ત્યારે શૉપિંગ વખતે રીટેલ સ્ટોર્સમાં મંગાતા ફોન-નંબર ન આપવાનો આગ્રહ છાશ લેવા જાય ત્યારે દોણી સંતાડવા જેવો છે

શૉપિંગ સ્ટોરમાં મોબાઇલ-નંબર આપવો કે નહીં?

કાયદો કહે છે કે એ સંપૂર્ણ રીતે ગ્રાહકની જ ચૉઇસ હોવી જોઈએ, એના માટે કોઈ ફોર્સ ન કરી શકે. આજે તમારો ફોન-નંબર અને ઈ-મેઇલ આઇડી જેવી બેઝિક ઇન્ફર્મેશન અજાણ્યા એવા અઢળક લોકો પાસે પણ હોય જ છે ત્યારે શૉપિંગ વખતે રીટેલ સ્ટોર્સમાં મંગાતા ફોન-નંબર ન આપવાનો આગ્રહ છાશ લેવા જાય ત્યારે દોણી સંતાડવા જેવો છે કે પછી ખરેખર એ પ્રાઇવસીનું હનન છે? સમજવાનો કરીએ પ્રયત્ન

હાલમાં તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટી લીડર અને સંસદસભ્ય મહુઆ મોઇત્રાના એક ટ્વીટે સોશ્યલ મીડિયા પર એક ચર્ચાને જન્મ આપ્યો હતો. મહુઆ ફ્રેન્ચ સ્પોર્ટિંગ ગુડ્સ રીટેલર ડીકૅથલોનમાં પોતાના પિતા માટે એક ટ્રાઉઝર લેવા ગયેલાં. એ ટ્રાઉઝરનું પેમેન્ટ કૅશમાં કરવાનું હતું. ડીકૅથલોનવાળાએ મહુઆનો નંબર અને ઈ-મેઇલ આઇડી માગ્યાં. તેમણે આપવાની ના પાડી તો તેમણે કહ્યું કે એ તો જરૂરી છે, આપવાં જ પડશે. તો જ બિલિંગ શક્ય છે, કારણ કે ડીકૅથલોનમાં બીજી અનેક રીટેલ ચેઇન્સની જેમ એક સિસ્ટમ છે જે ફોન-નંબર સાથે જ ઑપરેટ થાય છે. મહુઆએ આ વાત ત્યારે ને ત્યારે ટ્વીટ કરી લખ્યું કે આ રીતે ડીકૅથલોન લોકોના પ્રાઇવસી અને કન્ઝ્યુમર હકોનો ભંગ કરી રહ્યું છે.  ઘણા એની સાથે સહમત થયા કે આવું ન જ થવું જોઈએ. ઘણાને લાગ્યું કે આ એમપી નાહકનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે. 
મહુઆએ કહેલું કે ડીકૅથલોનની યુકેવાળી બ્રાન્ચમાં ફોન-નંબર આપવો અનિવાર્ય નથી તો ઇન્ડિયામાં કંપનીએ આવા રૂલ કેમ બનાવ્યા છે. જોકે અચાનક સિસ્ટમ તો બદલી શકવી શક્ય જ નથી. કમ્પ્યુટરાઇઝ્ડ ફૉર્મેટમાં નંબર નાખવો અનિવાર્ય જ હતો એટલે છેલ્લે ડીકૅથલોનના સેલ્સમૅને પોતાનો નંબર નાખીને તેમને ટ્રાઉઝર આપ્યું. 
બધે જ નંબર જરૂરી 
આજની તારીખે મોટા ભાગના નહીં, બધા જ રીટેલ સ્ટોર્સ બિલિંગ વખતે તમારો નંબર અને ઈ-મેઇલ આઇડી માગતા હોય છે જેમાંથી અમુક એવા સ્ટોર છે જેમાં તમે કહો કે મારે મારો નંબર નથી આપવો તો એ તમને કન્વિન્સ કરવાની પૂરી કોશિશ કરશે, પણ જો તમે નંબર ન આપવા અડગ રહો તો ચલાવી લે. બાકી તો એમની સિસ્ટમ જ એવી છે કે નંબર વગર ઑપરેટ થાય જ નહીં. ફક્ત આપણી રીટેલ શૉપ જે કોઈ બ્રૅન્ડ સાથે અટૅચ્ડ નથી એ લોકો જ પૈસા લઈને વસ્તુ વેચે છે. તેમણે ગ્રાહકની ઓળખ સાથે કંઈ જ લેવાદેવા નથી. શૉપિંગ તો છોડો એક મામૂલી કુરિયર રિસીવ કરતી વખતે સાઇન કર્યા બાદ પણ એ લોકો તમારો નંબર લખજો એવી ટકોર કરતા હોય છે. 
સવાલ ચૉઇસનો છે
શાંતિથી બેસીને વિચારીએ તો તમારો મોબાઇલ-નંબર તમારા ઓળખીતા ન હોય એવા પણ અઢળક લોકો પાસે હશે જ, કારણ કે હવે મોબાઇલ-નંબર ફક્ત વ્યક્તિને સંપર્ક પૉઇન્ટ તો છે જ, પણ સાથે એ તમારી ઓળખ અને દુનિયાને તમારા સુધી પહોંચાડતો એક રસ્તો પણ. આજથી ૧૦-૧૨ વર્ષ પહેલાંની વાત કરીએ તો સ્ત્રીઓ પોતાનો નંબર કોઈને આપતી જ નહીં. કદાચ કોઈક એનો મિસયુઝ કરશે તો? પણ હવે  સ્ત્રીઓએ હજારો જગ્યાએ પોતાનો નંબર શૅર કરવો જ પડે છે. આ વાતથી અકળાતાં વડાલાનાં ૪૩ વર્ષનાં હાઉસવાઇફ શ્વેતા બંકિમ માલદે કહે છે, ‘મને બધી જગ્યાએ નંબર આપવા પસંદ જ નથી. શું કામ આપું હું તમને નંબર? એ લોકો કહે છે કે ઑફર, ડિસ્કાઉન્ટ, સેલ આવશે તો અમે તમને જણાવીશું. મારે જાણવું જ નથી. મને જ્યારે જે ખરીદવું હોય ત્યારે હું આવી જઈશ. મને જે ગમે એ લઈ લઈશ. પરંતુ નંબર ન આપો એ ન જ ચાલે એવી સિસ્ટમ બનાવી દીધી છે આ લોકોએ. હવે હું એના સોલ્યુશન રૂપે જે બે-ત્રણ જગ્યાએ નંબર આપવો જ પડેલો એવા સ્ટોરમાંથી જ ખરીદું છું. બીજે કશું ગમે તો પણ જતી જ નથી. ઍટ લીસ્ટ નંબર એક જગ્યાએ જ રહે. જોકે આ સોલ્યુશન પણ યોગ્ય નથી જ એ સમજું છું પણ બીજું આપણા હાથમાં છે શું?’ 
આટલી જગ્યાએ નંબર આપ્યા પછી કોઈ હેરાનગતિ થઈ? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્વેતા કહે છે, ‘ના, એવું નથી થયું કશું. છતાં મને એ ગમતું નથી. એ આપણી ચૉઇસ હોવી જોઈએ કે આપણે કોઈને નંબર આપવો કે નહીં. બાકી કશું થાય તો બ્લૉક કરવાના ઑપ્શન આપણી પાસે છે જ. એટલે સેફટી તો છે પણ મુદ્દો ચૉઇસનો છે.’ 
કસ્ટમર ઇક્વિઝિશન 
આ બધી જ કંપનીઓ કેમ નંબર માગે છે અને એ નંબરનું શું કરે છે એ સમજાવતાં અંધેરીમાં રહેતાં સૉફ્ટવેર એન્જિનિયર મેઘા દોશી કહે છે, ‘આ જે કસ્ટમરની પર્સનલ ઇન્ફર્મેશન તેઓ માગે છે એનું કારણ કસ્ટમર ઇક્વિઝિશન, જેનો અર્થ થાય કસ્ટમરનો ડેટા. એના પરથી સેલનો આંકડો ખબર પડે. જેમ કે એક સ્ટોરમાં એક વસ્તુ કેટલા ટકા વેચાય છે, શેની ખપત વધુ અને શેની ઓછી છે વગેરે. કેવા પ્રકારના ગ્રાહકો એમની પ્રોડક્ટમાં રસ ધરાવે છે, એમની ઉંમર શું છે, એ વરસમાં કેટલી વાર શૉપિંગ કરે છે જેનાથી ખબર પડે કે ગ્રાહકની સ્પેન્ડ કરવાની કૅપેસિટી કેટલી છે. આ બધું એમના બિઝનેસને એક્સપાન્ડ કરવામાં ઘણું મદદરૂપ છે. જો તમે એક નાનકડી દુકાન ચલાવતા હો તો તમે તમારા ગ્રાહકોને મોટા ભાગે પર્સનલી ઓળખતા હશો. પરંતુ મોટા બિઝનેસમાં ગ્રાહકને સમજવામાં આ ટેક્નૉલૉજી મદદ કરે છે. સામે ગ્રાહકોને પણ મદદ થાય છે. જેમ કે એમણે બિલ સાચવવાની જરૂર રહેતી નથી. સેલ આવે કે એમની જોઈતી પ્રોડક્ટ્સ આવે ત્યારે એમને મેસેજ કે મેઇલ દ્વારા જાણકારી મળે છે.’ 
કેટલું સેફ છે? 
હવે સ્ત્રીઓ શાકવાળા કે કરિયાણાવાળાને પણ પોતાનો નંબર આપે જ છે અને ફોન પર જ બધું ઘરે મગાવે છે. જ્યારે દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયા પર છે ત્યારે ઈ-મેઇલ આઇડી અને ફોન-નંબર જેવી બેઝિક ઇન્ફર્મેશન આપવામાં આટલો બધો છોછ કે સિક્યૉરીટીની ચિંતા કરવી એટલે છાશ લેવા જાય ત્યારે દોણી સંતાડવી એવું ન થયું? છતાં આ રીતે મોબાઇલ-નંબર આપવો કે ઈ-મેઇલ આઇડી આપવું સેફ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં મેઘા દોશી કહે છે, ‘દરેક ઈ-કૉમર્સ અને રીટેલ સેલર પાસે પોતાના ડેટાની પ્રાઇવસી પૉલિસી હોય જ છે જેમાં એ લોકો યુઝરના ડેટાની સિક્યૉરિટીની જવાબદારી લે છે. જે વ્યક્તિ પાસે ઍડમિન લેવલનું ઍક્સેસ હોય એ વ્યક્તિ સિવાય કોઈ બીજું એ ડેટાને મેળવી શકતું નથી. તેમ છતાં જો કોઈને તમારો નંબર મળી ગયો એમ તમને લાગે તો મોબાઇલ-નંબર કોઈને આપવાથી એમને આપણી બૅન્કિંગ ડીટેલ્સ મળી જાય એવું હોતું નથી. હા, ઘણી વખત હૅકર્સ આવા ડેટાનો ઉપયોગ કરતા હોય છે. ફિશિંગ જેવી ટેક્નિકમાં ઈ-મેઇલ આઇડીનો ઉપયોગ તેઓ કરી શકે છે અથવા તો સિમ-કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં મોબાઇલ-નંબરનો ઉપયોગ કરી શકે છે. પણ જ્યારે આવું થાય તો સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી શકાય છે. બાકી જરૂરી ન લાગતા કૉલ-એસએમએસને બ્લૉક કરી શકાય. ઈ-મેઇલને અનસબસ્ક્રાઇબ કરી શકાય.’ 

કાયદો શું કહે છે? : ઍડ્વોકેટ આદિત્ય પ્રતાપ

આ બધી બાબતો ઇન્ડિયન કૉન્ટ્રૅક્ટ ઍક્ટ અને સેલ ઑફ ગુડ્સ ઍક્ટની નીચે આવે છે. કાયદો એમ કહે છે કે આ રીતે કોઈ પણ રીટેલ સ્ટોર તમારી ઇચ્છા વિરુદ્ધ તમારી પાસેથી તમારી પર્સનલ ઇન્ફર્મેશન ન જ લઈ શકે. જો તમે ફોન-નંબર ન આપો અને એ કોઈ પણ વસ્તુને વેચવાની ના પડે તો એ ગુનો છે. આપણી પાસે શૉપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ છે જે મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં લાગુ પડે છે. આ બાબતે જો ફરિયાદ થાય તો એ રીટેલ સ્ટોરનું લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. જો તમારી સાથે આવું થાય તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ ૨૦૧૯ અનુસાર કન્ઝ્યુમર ફોરમ, કનઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી પાસે જઈ શકો. બીએમસીના લાઇસન્સિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જઈ શકાય અને પોલીસ પાસે પણ જઈ શકાય. એકસાથે ઘણાંબધાં પ્લૅટફૉર્મ પર તમે તમારી ફરિયાદ લઈ જઈ શકો છો.

 દરેક ઈ-કૉમર્સ અને રીટેલર યુઝરના ડેટાની સિક્યૉરિટીની જવાબદારી લે છે. જે વ્યક્તિ પાસે ઍડમિન લેવલનું ઍક્સેસ હોય એ વ્યક્તિ સિવાય કોઈ બીજું એ ડેટાને મેળવી શકતું નથી. 
મેઘા દોશી, સૉફ્ટવેર એન્જિનિયર

columnists Jigisha Jain