સુખને એક અવસર આપોઃ સુખ શાશ્વત છે અને એટલે જ એને તક આપવી પડે છે

07 September, 2020 03:04 PM IST  |  Mumbai | Manoj Joshi

સુખને એક અવસર આપોઃ સુખ શાશ્વત છે અને એટલે જ એને તક આપવી પડે છે

પ્રતીકાત્મક તસવીર

સુખને એક અવસર આપો. આમ તો આ એક કાવ્યની પંક્તિ છે. સુખને અવસર આપવાની આ પંક્તિ જ્યારે પહેલી વખત વાંચી ત્યારે મનમાં પ્રશ્ન જન્મ્યો હતો કે સુખ એટલે શું? તમે રાજી થાઓ એ સુખ કહેવાય કે તમે કોઈને ખુશી આપો એ સુખ કહેવાય? આજે, આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. તમારા ચહેરા પર આનંદ હોય અને સામેની વ્યક્તિના ચહેરા પર ખુશી હોય એ સુખ. આ સુખ ત્યારે જ આવે જ્યારે તમે જવાબદારી સાથે સુખને ફેલાવવાનું નક્કી કરો. અહીં પણ મનમાં એક પ્રશ્ન જન્મી જાય કે જવાબદાર છીએ તો પછી હવે શાની જવાબદારી નિભાવવાની વાત આવે છે.
પ્રશ્ન ખોટો પણ નથી. જવાબદાર છીએ એટલે જ તો આજે આપણે સૌ, આ સ્થાને પહોંચ્યા છીએ. જો જવાબદાર ન હોત તો આ કૉલમ લખાતી ન હોત અને જો આ આખી કાર્યપદ્ધતિમાં જવાબદાર વ્યક્તિઓ ન હોત તો આ કૉલમ તમારા સુધી પહોંચી ન હોત. વાત અહીં જ પૂરી નથી થતી. તમે પણ જવાબદાર છો અને એ જવાબદારીના ભાગરૂપે જ તમે આ કૉલમ અત્યારે વાંચી રહ્યા છો. જો જવાબદાર છીએ તો પછી બીજી કઈ જવાબદારીની વાત આવે છે. સમયસર બિલ ભરીએ છીએ, સમયસર ટૅક્સ ભરીએ છીએ, સરકારી પ્રૉપર્ટીનું ધ્યાન રાખીએ છીએ અને રાષ્ટ્રીય સંપત્તિની થઈ શકે એટલી કરકસર કરીએ છીએ. કોરોનાના આ સમયમાં કોવિડ-19ના તમામ નિયમોનું પણ પાલન કરીએ છીએ અને પીએમ કૅર્સ ફન્ડમાં યથાશક્તિ ફાળો આપીને પણ જવાબદારી નિભાવી લીધી છે. ક્યાંય બેજવાબદારી દાખવી નથી અને ક્યાંય બેજવાબદારી દેખાડી નથી તો પછી મુદ્દો એ જન્મે કે હવે કઈ જવાબદારી બાકી રહે છે?
સાહેબ, એક જવાબદારી, એક જવાબદારી બાકી રહે છે.
માણસ તરીકે જન્મ લીધો છે એ વાતની જવાબદારી નિભાવવાનું આપણે ભૂલી ગયા છીએ, હવે એ નિભાવવાનું શરૂ કરવાનું છે. કોઈ પણ એક જવાબદારી જો આપણે ઉપાડી લઈએ તો સમાજ ખરેખર ઉપકારી થશે. કઈ જવાબદારી અને કેવી જવાબદારી એ તમારે નક્કી કરવાનું છે. ઘરેથી નીકળીને દુકાન કે સ્ટેશન સુધી ચાલીને જતી વખતે રસ્તામાં પડ્યો હોય એ કચરો એકત્રિત કરતા જવું એ પણ એક જવાબદારીનું કામ છે અને આ રસ્તા પરથી પસાર થતી વખતે સામે મળતાં ભૂખ્યાં બાળકોને બિસ્કિટનું એક નાનકડું પૅકેટ આપીને તેની ભૂખ ભાંગવી એ પણ જવાબદારીનું કામ છે. નવરાશનો એક કલાક કોરોનાના સંક્રમણથી બચીને ઘરે કામ કરવા આવતી બાઈનાં બાળકોને આજના સમયમાં સરખી રીતે ભણી શકે એની જવાબદારી લેવી એ પણ સુખને અવસર આપ્યા સમાન છે અને િસક્યૉરિટી ગાર્ડ માટે ઘરમાંથી કોરોના સામે લડત આપી શકે એવો ઉકાળો બનાવી, તેને મોકલવો એ પણ સુખને અવસર આપ્યા બરાબર છે. જવાબદારી તમારે નક્કી કરવાની છે, કારણ કે એ તમારે નિભાવવાની છે. હું તો એટલું જ કહી શકું, સુખને એક અવસર આપો. એવા સુખને જેમાં તમારા ચહેરા પર આનંદ આવે અને સામેની વ્યક્તિના ચહેરા પર ખુશી પથરાય.

manoj joshi columnists