ગર્લ્સ, બેટર શું? પૅડ કે કપ?

25 January, 2022 04:24 PM IST  |  Mumbai | Jigisha Jain

‘પૅડમૅન’ ફિલ્મની રિલીઝ પછી સૅનિટરી પૅડ્સને ગામેગામ સુધી પહોંચાડવાની પહેલ શરૂ થઈ ત્યાં કેરલાના ગામે કરેલી આ પહેલ સહજ રીતે એ પ્રશ્ન જગાડે છે કે શું સૅનિટરી પૅડ્સની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ ફક્ત એક નવો ઑપ્શન છે કે એક બેટર ઑપ્શન?

ગર્લ્સ, બેટર શું? પૅડ કે કપ?

હાલમાં કેરલામાં કુંભલંભી ગ્રામ પંચાયતે પોતાના ગામને પૅડ-ફ્રી જાહેર કર્યું છે. ‘પૅડમૅન’ ફિલ્મની રિલીઝ પછી સૅનિટરી પૅડ્સને ગામેગામ સુધી પહોંચાડવાની પહેલ શરૂ થઈ ત્યાં કેરલાના ગામે કરેલી આ પહેલ સહજ રીતે એ પ્રશ્ન જગાડે છે કે શું સૅનિટરી પૅડ્સની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ ફક્ત એક નવો ઑપ્શન છે કે એક બેટર ઑપ્શન? આ પ્રશ્નનો જવાબ જાણવાની કોશિશ કરીએ

૨૦૨૦ના નવેમ્બર મહિનામાં અલાપુઝા જિલ્લાના મુહામ્મા ગામે પહેલું સિન્થેટિક સૅનિટરી પૅડ ફ્રી ગામ બન્યું હતું. મેન્સ્ટ્રુઅલ વેસ્ટને ઘટાડવા માટે આ ગામે આ પગલું લીધું હતું જેની સાથે કાપડમાંથી બનેલાં પૅડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાની પેરવી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં કેરલાના જ એર્નાકુલમ જિલ્લાના કુંભલંભી ગામે પણ પોતાને પૅડ-ફ્રી જાહેર કર્યું છે. ત્યાંના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને ૧૩ જાન્યુઆરીના દિવસે આ જાહેરાત કરી હતી. આ ગામમાં હવેથી સૅનિટરી પૅડ્સ મળશે નહીં અને કોઈ વાપરશે પણ નહીં, કારણ કે આ ગામની સ્ત્રીઓ અને છોકરીઓને પંચાયત તરફથી મેન્સ્ટ્રુઅલ કપ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા છે. આ પહેલાં દરેક સ્ત્રીને એ કેમ વાપરવું એની સમજણ અને માહિતી પૂરી પાડવામાં આવી હતી એટલું જ નહીં, દરેક સ્ત્રીને આ બાબતે સુવિધાજનક લાગે એ પછી જ આ ગામમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક રીતે પંચાયત માટે મેન્સ્ટ્રુઅલ કપમાં ઇન્વેસ્ટ કરવાનું સસ્તું પણ હતું, કારણ કે પૅડ્સનો ખર્ચો લાંબા ગાળે વધુ હોય અને મેન્સ્ટ્રુઅલ કપમાં ખર્ચો એક વારનો જ હોય. પછી તો ૧૦ વર્ષ સુધી સ્ત્રી એ જ કપ વાપરી શકે છે. આમ ઓછા ખર્ચે કામ થઈ શકે. બીજું એ કે પર્યાવરણની ખાસ્સી મદદ થઈ શકે, કારણ કે પૅડ્સ વાપરીને જે વેસ્ટ ઊભો થાય છે એને ડિસ્પોઝ કરવો અઘરું છે. 
પર્યાવરણ માટે જરૂરી 
આપણા દેશમાં કોઈ પણ મૂળભૂત અને ક્રાન્તિકારી કે મૉડર્ન કહી શકાય એવાં પગલાંઓ કેરલામાં જ સૌપ્રથમ લેવાય છે. પૅડ બંધ કરીને કપ વાપરવાનું પગલું પણ બીજા કોઈ માટે હોય ન હોય, પર્યાવરણ માટે એ એક ક્રાન્તિકારી ઘટના છે. ૨૦૨૧ના આંકડાઓ મુજબ ભારતમાં દર વર્ષે ૧૨.૩ બિલ્યન સૅનિટરી નૅપ્કિન વપરાય છે જે કુલ ૧,૧૩,૦૦૦ ટન કચરો ઊભો કરે છે. સામાન્ય રીતે જે સૅનિટરી પૅડ્સ મળે છે એમાં ૯૦ ટકા ભાગ પ્લાસ્ટિકનો હોય છે. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો ૨૦૧૮-૧૯નો રિપોર્ટ કહે છે કે ભારતમાં કુલ પ્લાસ્ટિક વેસ્ટમાં ૩.૩ મિલ્યન ટન પ્લાસ્ટિક વેસ્ટ ફક્ત સૅનિટરી પૅડ્સને કારણે થાય છે. પર્યાવરણ બચાવવા માટે પૅડ્સ કરતાં મેન્સ્ટ્રુઅલ કપ વધુ 
ઉપયોગી છે, કારણ કે મેન્સ્ટ્રુઅલ કપ સિલિકોનના બનેલા હોય છે જે એક જ કપ તમે ૧૦ વર્ષ સુધી વાપરી શકો છો. આ કપને સ્ત્રીએ પિરિયડ્સ દરમિયાન થોડો ફોલ્ડ કરીને સીધો વજાઇનાની 
અંદર સરકાવીને દાખલ કરવાનો હોય છે. અંદર જઈને એ કપ એની મેળે ખૂલી જાય છે. એનો પૂંછડી જેવો ભાગ બહારની બાજુએ રહે છે જે ફરીથી જ્યારે એને બહાર કાઢવો હોય ત્યારે મદદરૂપ થાય છે. આ કપમાં વજાઇનામાંથી અંદર જ પિરિયડ બ્લડ ભેગું થાય છે જે ભરાઈ જાય એટલે એને બહાર ખેંચી બ્લડને ટૉઇલેટમાં ફેંકી, એને સાફ કરીને ફરીથી અંદર કરી શકાય છે જે અતિ સરળ પ્રોસેસ છે. શરૂઆતમાં કદાચ એ શીખવી પડે પરંતુ એક વખત ફાવટ આવી ગયા પછી વાંધો આવતો નથી. 
કોણ વાપરી શકે? 
આ કપ્સ અલગ-અલગ કૅપેસિટીમાં સ્મૉલ, મિડિયમ અને લાર્જ સાઇઝના મળે છે જેની કિંમત આશરે ૩૦૦ રૂપિયા આસપાસ હોય છે. આ કપ સામાન્ય ફ્લો દરમિયાન ૮ કલાક સુધીની કૅપેસિટી ધરાવે છે. બાકી દરેક સ્ત્રી મુજબ એ સમયગાળો અલગ હોઈ શકે છે. આ મેન્સ્ટ્રુઅલ કપ કોણ વાપરી શકે એ પ્રશ્નનો જવાબ આપતાં વર્લ્ડ ઑફ વુમન ક્લિનિક, નવી મુંબઈનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘મોટા ભાગે આ કપ્સ વાપરવાની શરૂઆત સ્ત્રીઓએ કરી છે, કારણ કે આપણે ત્યાં છોકરીઓને શરીર રચનાની સમજ હોતી નથી. કઈ જગ્યાએ કપ નાખવો એ સમજ નથી પડતી. બીજું એ કે એ કુંવારી હોય અને એમનું હાઇમન અકબંધ હોય તો કપ અંદર જઈ શકે નહીં. જે ઍથ્લીટ છોકરીઓ હોય એમનું હાઇમન તો પહેલેથી જ તૂટી જતું હોય છે. એટલે જેને મન એ મોટો પ્રૉબ્લેમ ન હોય. એ છોકરીઓ આ વાપરી શકે છે. બીજું એ કે એનાથી ફ્રીડમ ઘણી મળે છે. મેન્સ્ટ્રુઅલ કપ પહેરીને તમે સ્વિમિંગ પણ કરી શકો છો, કારણ કે લોહી એમાંથી બહાર આવતું જ નથી. કપ એને રોકી લે છે. બાકી દરેક સ્ત્રી મેન્સ્ટ્રુઅલ કપ વાપરી શકે છે જેમાં કોઈ તકલીફ ન હોઈ શકે.’
ઇન્ફેક્શન થાય? 
મેન્સ્ટ્રુઅલ કપને વજાઇનામાં અંદર દાખલ કરવાનો હોય છે તો શું એનાથી વજાઇનલ ઇન્ફેક્શન થઈ શકે ખરા? આ પ્રશ્નનો જવાબ આપતાં મધરહુડ હૉસ્પિટલ, ખારઘરનાં ગાઇનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થ કહે છે, ‘વજાઇનામાં એને અંદર દાખલ કરવામાં આવે છે એ વાત સાચી, પરંતુ એને કારણે ઇન્ફેક્શન થઈ જાય એવું નથી. પહેલી વાત તો એ કે જ્યારે મેન્સ્ટ્રુએશનની વાત આવે ત્યારે પૅડ હોય કે કપ, બન્નેમાં હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. પૅડ પણ લાંબો સમય સુધી જો પહેરવામાં આવે તો ઇન્ફેક્શન થઈ જાય છે. એ જ રીતે સ્ટરાઇલ કર્યા વગર કપ અંદર નાખવામાં આવે તો ઇન્ફેક્શન થઈ શકે છે. આ માટે તમારા મેન્સ્ટ્રુઅલ કપને ગરમ પાણીમાં થોડા મિનિટ મૂકી રાખવો. જો તમને ઠીક લાગતું હોય તો એમાં ડિસઇન્ફેક્ટન્ટ પણ નાખી શકાય. બાકી આમ એમાં કોઈ વાંધો આવતો નથી. ઘણી સ્ત્રીઓને એમ પણ લાગે છે કે વજાઇનામાં લગભગ ત્રણથી પાંચ દિવસ કપ અંદર રહે તો એની સ્થિતિસ્થાપકતામાં કોઈ ફરક આવે કે નહીં. પરંતુ એવું નથી. આ કપ ખૂબ સૉફ્ટ હોય છે. શરૂઆતમાં તમને અટપટું લાગશે પરંતુ એક વખત આદત પડ્યા પછી વાંધો નહીં આવે.’ 

બન્નેના ફાયદા-ગેરફાયદા શું?

છેલ્લાં ૪-૫ વર્ષથી ભારતમાં સૅનિટરી પૅડ્સની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાની હિમાયતે જોર પકડ્યું છે. વિદેશોમાં તો એ ઘણા સમયથી વપરાતા આવ્યા છે પરંતુ ભારતમાં હજી પણ એ નવા છે. પર્યાવરણનો અને કમ્ફર્ટનો વિચાર કરીને ઘણી આધુનિક સ્ત્રીઓએ મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાની શરૂઆત કરી છે. આખરે મેન્સ્ટ્રુઅલ કપ એક ચૉઇસ છે. પર્યાવરણની દિશામાં કરેલી લૉજિકલ ચૉઇસ. પણ જેટલી વધુ સ્ત્રીઓ એ વાપરવા લાગશે પછી સાચો અંદાજ આવશે. આ બાબતે કોઈ રિસર્ચ થયાં નથી કે મેન્સ્ટ્રુઅલ કપ હાઇજીનની દૃષ્ટિએ પણ પૅડ્સ કરતાં વધુ સારા છે. અત્યારે તો એવું જ કહી શકાય કે હાઇજીનની દૃષ્ટિએ બન્નેમાં રિસ્ક સમાન છે. જેની સેન્સિટિવ સ્કિન હોય એના માટે એ વરદાન છે. આ કપ્સ પૅડ કરતાં કિફાયતી અને ટકાઉ છે. એમાં કમ્ફર્ટ વધુ છે. પ્લાસ્ટિક ન હોવાને લીધે ઇકો-ફ્રેન્ડ્લી છે. આમ કહી શકાય કે એ એક બેટર ઑપ્શન સાબિત થઈ શકે છે.

 પૅડ હોય કે કપ, બન્નેમાં હાઇજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. પૅડ પણ લાંબો સમય સુધી જો પહેરવામાં આવે તો ઇન્ફેક્શન થઈ જાય છે. એ જ રીતે સ્ટરાઇલ કર્યા વગર કપ અંદર નાખવામાં આવે તો ઇન્ફેક્શન થઈ શકે છે. આ માટે તમારા મેન્સ્ટ્રુઅલ કપને ગરમ પાણીમાં થોડા મિનિટ મૂકી રાખવો. - ડૉ. સુરભિ સિદ્ધાર્થ
columnists Jigisha Jain