ગર્લ્સ, નવરાશમાં તમારી અંદરના ફૅશન ડિઝાઇનરને જગાડો

14 April, 2020 02:36 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ગર્લ્સ, નવરાશમાં તમારી અંદરના ફૅશન ડિઝાઇનરને જગાડો

ટ્રેન્ડ્સ

લગ્નપ્રસંગ હોય કે કિટી પાર્ટી, મહિલાઓને રિપીટ ડ્રેસ પહેરવા ક્યારેય ગમતાં નથી. દરેક ફંક્શનમાં તેમને હટકે અને સ્ટાઇલિશ લુક જોઈએ છે. જોકે ડિઝાઇનર વસ્ત્રો માટે હજારો રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડે જે બધી મહિલાઓ માટે પ્રૅક્ટિકલી શક્ય નથી. હાલમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન છે અને ઘરમાં પુરુષો તેમ જ બાળકો કામમાં સહાય કરવા લાગ્યાં છે ત્યારે અનેક મહિલાઓ પાસે નવરાશ જ નવરાશ હશે. આ સમયનો ઉપયોગ કરી તમારી અંદર છુપાયેલી ફૅશન-ડિઝાઇનરને જગાડો. વૉર્ડરોબમાંથી જૂનાં વસ્ત્રો કાઢી પોતાના આઇડિયાઝ અને ક્રીએટિવિટી પ્રમાણે એને રીસ્ટાઇલ કરો. તમારી સહુલિયત માટે જૂનાં વસ્ત્રોને રીઇન્વેન્ટ કરવાના એક્સપર્ટ્સના આઇડિયા અહીં શૅર કર્યા છે.

વસ્ત્રોને રીસ્ટાઇલ કરતાં પહેલાં પ્રોજેક્ટ ઑર્ગેનાઇઝેશન પર ફોકસ કરવું પડે એમ જણાવતાં કાંદિવલીનાં વૉર્ડરોબ કન્સલ્ટન્ટ ઍન્ડ પર્સનલ શૉપર પાયલ બારભાયા કહે છે, ‘રીસ્ટાઇલનો બેઝિક રૂલ છે ૮૦:૨૦નો રેશિયો. સામાન્ય રીતે બધી જ મહિલાઓ પાસે એંસી ટકા વસ્ત્રો એવાં હોય છે જે તેઓ પહેરતી નથી અથવા ભાગ્યે જ પહેરે છે તેમ છતાં એક્સપેન્સિવ હોવાના લીધે એને સાચવી રાખે છે. સૌથી પહેલાં તમારાં તમામ વસ્ત્રોને વિઝિબલ થાય એ રીતે જુદા-જુદા ગોઠવો જેથી કામ સરળ થઈ જાય. હાઇએસ્ટ યુઝ વસ્ત્રોની એક થપ્પી ગોઠવો. બીજા ભાગમાં એવાં વસ્ત્રો હોવાં જોઈએ જે તમને ખરીદતી વખતે ગમ્યાં હતાં પણ પછી ન ગમતાં મૂકી રાખ્યાં હોય. ત્રીજી થપ્પી એવાં વસ્ત્રોની બનાવો જેને તમે મિક્સ ઍન્ડ મૅચ કરીને પહેરતા હો. આ ઉપરાંત એક થપ્પી બ્લૅક, ગ્રે અને વાઇટ વસ્ત્રોની બનાવી લો. અહીં એક વાત યાદ રાખો, જે નથી જ વાપરવાં એને રવાના જરૂર કરો, પણ બેઝિક કલર્સને કાઢવા નહીં. રીસ્ટાઇલ કરતી વખતે એ જ સૌથી વધુ કામમાં આવશે.’

રીસ્ટાઇલિંગ કરતી વખતે દરેક મહિલાએ સિમ્પલ અને એલિગન્ટ લુકને ધ્યાનમાં રાખવો. પાયલ કહે છે, ‘સાડી અને પલાઝો એવાં વસ્ત્રો છે જે લગભગ દરેક એજની મહિલાના વૉર્ડરોબમાં મળી રહેશે. આ બે ડ્રેસને તમારે ડિફરન્ટ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાના છે. સાડી નીચે પેટિકોટની જગ્યાએ પલાઝો મૅચ કરો. બ્લાઉઝના બદલે ક્રૉપ ટૉપ મૂકી દો. વન સાઇડ પલાઝો દેખાય એવી રીતે સાડી પહેરવી. બની ગઈને નવી સ્ટાઇલ. લેટેસ્ટમાં પેપ્લમ ટૉપ પણ બહુ ચાલ્યાં છે. હમણાં સુધી પલાઝો સાથે કુરતી પહેરતાં હતાં તો હવે કેડિયા જેવા દેખાતા પેપ્લમ ટૉપ પહેરી જુઓ. તમારો લુક ચેન્જ થઈ જશે. પ્રિન્ટેડ અને પ્લેનનું મિક્સ મૅચ ટ્રાય કરી જુઓ. જૂની સાડીમાંથી બે ડ્રેસ તૈયાર કરો, જૅકેટ અને સ્કર્ટ. પ્લેન ટી-શર્ટની ઉપર આ જૅકેટ મૅચ થઈ જશે. સાડી ડ્રેપિંગનું નૉલેજ હોય તો ત્રણથી ચાર સ્ટાઇલ મેળવી શકાય છે. એક સાડીમાંથી સ્કર્ટ સીવી લો. એના પર ક્રૉપ ટૉપ પહેરી સ્કર્ટ દેખાય એ રીતે બીજી સાડીને ડ્રેપ કરી ક્લાસિક લુક મેળવી શકાય. અત્યારે બનારસી સાડીના દુપટ્ટા તો ખૂબ ટ્રેન્ડમાં છે. સાડી ઘણી લાંબી હોય છે તેથી પાલવમાંથી દુપટ્ટો અને બાકીના ભાગમાંથી સ્કર્ટ અને જૅકેટ બની જશે. પૅન્ટની ઉપર પણ સાડીને ડ્રેપ કરી શકાય. આપણે એવું માનીએ છીએ કે સાડીનો જમાનો ગયો. હકીકત એ છે કે જૂની સાડીમાંથી તમારી ક્રીએટિવિટી વડે ઘણુંબધું ઇનોવેટિવ કરી શકો છો. ક્લાયન્ટ્સના પર્સનલ શૉપિંગમાં સાડીની ખરીદી ટૉપ પર હોય છે.’

ફૅશન ટ્રેન્ડ સતત બદલાતા રહે છે તેથી તમે એક ડ્રેસને દસ રીતે રીસ્ટાઇલ કરી પહેરી શકો છો. કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર રિદ્ધિ ગાંધી કહે છે, ‘છેલ્લા થોડા સમયથી ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. કોઈ પણ ફંક્શનમાં હવે ઓન્લી વેસ્ટર્ન કે ટોટલી ટ્રેડિશનલ લુક કોઈને ગમતો નથી. વર્કિંગ વિમેન, યંગ મધર, ટીનેજર કે મધ્મમ વયની મહિલાઓ માટે રીસ્ટાઇલ કરવાનું છે એ જોવું પડે. ધારો કે તમારી યંગ ડૉટર છે તો રીસ્ટાઇલ કરવાની સાડીના બે ભાગ પાડી લો. એક તમારા માટે અને બીજો દીકરી માટે. લેટેસ્ટમાં બ્લેઝરની ફૅશન ચાલે છે. બ્રૉકેડ કે શિફોન ફૅબ્રિકની સાડીમાંથી તમે બ્લેઝર બનાવી સ્કર્ટ અથવા પૅન્ટ સાથે પહેરશો તો ક્લાસિક લાગશે. બ્લેઝરની અંદર કોઈ પણ ટી-શર્ટ પહેરી શકો. આજકાલ યંગ ગર્લ્સ વેડિંગમાં આવાં બ્લેઝર પહેરી પોતાની બ્યુટીને એન્હાન્સ કરે છે. બૉલીવુડ એભિનેત્રી સોનમ કપૂર સાડી પર બ્લેઝર પહેરે છે. પાલવમાંથી બ્લેઝર અને બાકીની સાડીમાંથી સ્કર્ટ કે ઘાઘરો સીવી શકાય.’

બે સાડીમાંથી એક ડિઝાઇનર પીસ તૈયાર કરતી વખતે ડ્રેપ કરવાની સાડીની લંબાઈ ઘટાડીને ચાર મીટર જેટલી કરી નાખવી. રિદ્ધિ કહે છે, ‘ડ્રેપિંગમાં સાડીને આખી વીંટાળવાની હોતી નથી, માત્ર પ્લીટ્સ હોય છે. તેથી લાંબી સાડી કામ ન લાગે. એમાં કાપકૂપ કરવી પડે. સાડીમાંથી તમે ધારો એટલી નવી સ્ટાઇલ અપનાવી શકો છો. જીન્સ પર સાડી પહેરવાની ફૅશન પણ ટ્રેન્ડમાં છે. સાડી ઉપરાંત અનારકલીને પણ રીસ્ટાઇલ કરી શકાય. અનારકલી એવો ડ્રેસ છે જેની લેન્ગ્થ નીચે સુધી હોય છે અને ઉપરના કોઠામાં વર્ક હોય છે. બે-ત્રણ વાર પહેરીને કંટાળી ગયા હો તો એમાંથી ઘાઘરા-ચોલી બનાવી લો. ઉપરના કોઠાને છૂટો પાડી દો એટલે બ્લાઉઝ બની જશે અને નીચેના ઘેરવાળા ભાગમાંથી તમારો લેહંગા બની જશે. બનારસી સાડીમાંથી દુપટ્ટો મૅચ કરો. ચાહો તો એમાંથી સ્કર્ટ અને ક્રૉપ ટૉપનું મૅચિંગ પણ કરી શકો. સાડી અને અનારકલી ડ્રેસમાંથી નવા ડિઝાઇનર ડ્રેસિસ બનાવી શકાય. જૂનાં વસ્ત્રોને રીસ્ટાઇલ કરતી વખતે દરેક મહિલાના પોતાના આઇડિયાઝ જ કામ લાગે છે. જો ક્રીએટિવિટીનાં લિમિટેશન્સ હોય તો મારી સલાહ છે કે જાતે પ્રયોગ કરવા કરતાં અત્યારે નવરાશની પળોમાં વસ્ત્રોને જુદાં તારવવાનું કામ કરી લો. ત્યાર બાદ ફૅશન-ડિઝાઇનરને કન્સલ્ટ કરી વસ્ત્રોને રીસ્ટાઇલ કરાવી નવો ફૅશન ટ્રેન્ડ અપનાવો.’

મલ્ટિપર્પઝ યુઝ

ન ગમતાં કે પહેરીને કંટાળી ગયા હોઈએ એવાં બધાં જ વસ્ત્રોને રીસ્ટાઇલ ન કરી શકાય. ખાસ કરીને કૉટનનાં વસ્ત્રો. કેટલાંક જૂનાં વસ્ત્રો પડ્યાં-પડ્યાં ઝાંખાં થઈ જાય છે અથવા ઝળી જાય છે. રિદ્ધિ ગાંધી કહે છે, ‘આવાં વસ્ત્રોને કિચનમાં વાપરી શકાય. તમારી ક્રીએટિવિટી પ્રમાણે એમાંથી એપ્રન કે કિચન મૅટ કે પગલુછણિયાં પણ બનાવી શકાય. દાખલા તરીકે જૂના ટી-શર્ટને સ્ચ્રીપ્સમાં કટ કરી ચોટલો ગૂંથતા હો એ રીતે ટાઇ કરી લો. થઈ ગઈ મૅટ્સ તૈયાર. બસ, તમારી પાસે આઇડિયાઝ હોવા જોઈએ.’

રેન્ટ પર આપો

ડિઝાઇનર વસ્ત્રો ન જ પહેરતા હો તો એને સંઘરી રાખવામાં જરાય સમજદારી નથી. જો એને રીઇન્વેન્ટ ન કરવાં હોય તો રીઇન્વેસ્ટ કરો. પાયલ બારભયા કહે છે, ‘આજકાલ એવી ઘણી ઍપ છે જેના પર વસ્ત્રોને સારી રીતે પ્રેઝન્ટ કરી તમે વેચાણ અર્થે અથવા રેન્ટ પર આપવા અપલોડ કરી શકો છો. આ પ્રકારની ઍપ મહિલાઓમાં ખાસી પૉપ્યુલર પણ છે. મોંઘા ભાવનાં વસ્ત્રોને રીસ્ટાઇલ કરવાના બદલે એને રેન્ટ પર આપી એમાંથી આવકનું સાધન ઊભું કરો. જૂનાં ડિઝાઇનર વસ્ત્રો કાઢવાનું મન ન થતું હોય તો આ બેસ્ટ અને પ્રૅક્ટિકલ ઑપ્શન છે.

જૂનાં વસ્ત્રોને રીસ્ટાઇલ કરતાં પહેલાં પ્રોજેક્ટ ઑર્ગેનાઇઝેશન પર ધ્યાન આપવું. બ્લૅક, ગ્રે અને વાઇટ જેવા બેઝિક કલર્સને મિક્સ મૅચ કરવા તમારી ક્રીએટિવિટીને કામે લગાવો. જુદી-જુદી સાડીમાંથી બનાવેલાં સ્કર્ટ અને જૅકેટ્સ સાથે ક્રૉપ ટૉ સ્ટાઇલિશ લાગે છે

- પાયલ બારભાયા, વૉર્ડરોબ કન્સલ્ટન્ટ ઍન્ડ પર્સનલ શૉપર

લેટેસ્ટમાં સાડીમાંથી બનાવેલાં બ્લેઝર ટ્રેન્ડમાં છે. ખાસ કરીને યંગ ગર્લ્સ સાડી અને સ્કર્ટ પર બ્લેઝર પહેરે છે. જૂની સાડીમાંથી તમે ઇચ્છો એટલા લુક મેળવી શકો છો. સાડી ઉપરાંત અનારકલીને પણ રીસ્ટાઇલ કરી શકાય. એમાંથી કોઠાના ભાગને છૂટો પાડી ઘાઘરા-ચોલી બનાવી શકાય

- રિદ્ધિ ગાંધી, ફૅશન-ડિઝાઇનર

Varsha Chitaliya fashion news fashion columnists