ગર્લ્સ, બ્યુટી-પાર્લર વિનાના દિવસો કેવા રહ્યા?

26 May, 2020 10:11 PM IST  |  Mumbai | Bhakti D Desai

ગર્લ્સ, બ્યુટી-પાર્લર વિનાના દિવસો કેવા રહ્યા?

થોડા સમય પહેલાં આલિયા ભટ્ટે જાતે જ પોતાના વાળ ટ્રિમ કરેલા, ઍક્ટર-ઍન્કર મનીષ પૉલે વાઇફને જાતે આઇબ્રો કરી આપ્યાની તસવીર શૅર કરી હતી. આ માત્ર સેલિબ્રિટીઓની જ વાત નથી, ઘેર-ઘેર સ્ત્રીઓને પાર્લર વિના પોતાના સૌંદર્યનું જતન કરવામાં મુશ્કેલી પડી રહી છે પણ સૌએ પોતપોતાની રીતે કંઈક જુગાડ શોધી લીધો છે. ચાલો કેટલીક એવી યુવતીઓને મળીએ જેમને ઍટ લીસ્ટ મહિનામાં એક વાર પાર્લરમાં ન જાય તો ચેન નહોતું પડતું, પણ લૉકડાઉન દરમ્યાન તેમણે પાર્લર વિના કેવી રીતે ચલાવ્યું એ જાણીએ

‘મી ટાઇમ’ને યાદ કરું છું

ઑપેરા હાઉસ, ગામદેવીમાં રહેતાં વકીલ મનીષા કાપડિયા બ્યુટી-પાર્લરને મિસ કરતાં કહે છે, ‘હું વકીલ છું અને મારે હંમેશાં વ્યવસ્થિત જ રહેવાનું હોય છે. હાલમાં લૉકડાઉનને કારણે કોર્ટમાં કે ક્લાયન્ટને મળવા જવાનું થતું નથી, પણ છતાંય હું ઘરમાં પણ સારી રીતે જ રહું છું. હું મહિનામાં એક કે બે વાર બ્યુટી સૅલોંમાં જાઉં છું. ત્યાં જઈને વિવિધ બ્યુટી-ટ્રીટમેન્ટ કરાવું છું. આ એક રીતે હાઇજિનિક રહેવાનો માર્ગ પણ છે. અમારા કૉલેજના સમયે એવું માનવામાં આવતું કે પાર્લરમાં જવું એટલે અઢળક પૈસા હોય તો જ જવાય. એ સમયે સૅલોંમાં જવાની આવી દરેકને જરૂર ન પડતી, પણ હવેના આધુનિક સમયમાં આ એક જરૂરત બની ગઈ છે. જોકે હું  બેઝિક મેકઅપ તો પોતે કરવા સક્ષમ છું પણ વાળની ટ્રીટમેન્ટ, બ્લીચ, ફેશ્યલ આ બધું કરાવવા તો સૅલોંમાં જ જવું પડે છે. મારી બ્યુટિશ્યનની સ્લાહ અને સોશ્યલ મીડિયા પર મળતી વિવિધ સૌંદર્યની ટિપ્સને હું અનુસરું છું. પાર્લર આમ પણ બહુ યાદ આવે છે, કારણ કે એ સમય મારો પોતાનો એટલે કે ‘મી ટાઇમ’ છે. એ બહાને અલગ-અલગ સ્ત્રીઓને મળીને વિચારોની આપ-લે પણ અહીં થતી હોય છે અને મૂળમાં એકદમ નિરાંત અનુભવાય છે.’

કોરોનાનું બંધન તોડીને સૅલોંમાં જવાનું મન થાય

ચીરા બજારમાં રહેતાં ચિયરફુલ માઇન્ડ ઍકૅડેમીનાં પ્રિન્સિપાલ માધવી મોરજરિયા કહે છે, ‘હાલમાં જ મેં મારી બ્યુટી ઍડ્વાઇઝરને પૂછ્યું હતું કે જે સ્ત્રીઓ નિયમિત રીતે બ્યુટી સૅલોંમાં ટ્રીટમેન્ટ કરાવતી હતી તેમને હવે કેવી રીતે ચાલતું હશે? કારણ કે ક્યાંક મને જ એની જરૂર લાગી રહી છે. લૉકડાઉનને હજી દોઢ-બે મહિનો થયો છે તેથી હમણાં તો ચાલી જશે. મારી સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ હતો તેથી મેં લૉકડાઉન પહેલાં જ બધી બ્યુટી-સર્વિસ લીધી હતી, પણ આગળ શું કરીશું એ નથી સમજાતું. ફેસ બ્લીચ, હેરકલર તો ઘરે થઈ શકે, પણ હાઇલાઇટ્સ અને અન્ય ઘણી જરૂરી બ્યુટી-સર્વિસ સૅલોં સિવાય ક્યાં મળી શકે? હાલમાં હું બાળકોના ઑનલાઇન ક્લાસ લઉં છું તેથી લૉકડાઉન દરમ્યાન પણ મારે તૈયાર થઈને લોકો સામે આવવાનું હોય છે. એક ફાયદો એ છે કે બહાર ન જવાને કારણે ત્વચા ખૂબ ખરાબ નથી થતી અને વિવિધ વિડિયોઝને અનુસરી પ્રાકૃતિક વસ્તુથી ત્વચાનું ધ્યાન કઈ રીતે રાખવું એનું જ્ઞાન મળી રહે છે. આ બધું ઘરે જ કરી શકાય છે. જો આપણે વ્યવસ્થિત તૈયાર થયેલા હોઈએ તો આત્મવિશ્વાસ પણ ખૂબ વધે છે. વ્યક્તિત્વ અને મૂડ પર એની સકારાત્મક અસર થાય જ છે એવું હું માનું છું. કોરોનાના બંધનને તોડીને બ્યુટી સૅલોંમાં જવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક જ છે.’

અમને તો પહેલાં પણ પાર્લરની જરૂર નહોતી

બૅન્કમાં સિનિયર ઑડિટર તરીકે કામ કરતી અને અંધેરીમાં રહેતી હેતલ પીપળિયા કહે છે, ‘મારું ક્ષેત્ર અને કામ એ પ્રકારનું છે કે ક્યારે પણ મારે મીટિંગ માટે તૈયાર રહેવું પડે છે. હું મારો મેકઅપ પોતે કરી શકું છું. અમને આદત  છે અને સમયના દૃષ્ટિકોણથી પહેલેથી જ બ્યુટી સૅલોં પર નિર્ભર રહેવાની આદત નથી. પોતાને લોકોની સામે મીટિંગ માટે લઈ જતાં પહેલાં પોતાની ઇમેજને માટે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. પર્સનલ ગ્રૂમિંગ આનો એક મહત્ત્વનો હિસ્સો જ છે.’

મલાડમાં રહેતાં ગૃહિણી સરિતા જીકાદરા કહે છે, ‘સૌંદર્યના ક્ષેત્રમાં મારું જ્ઞાન ઘણું ઊંડું છે, કારણ કે ઘણાં વર્ષોથી હું વિવિધ મોટી કંપનીઓની બ્યુટી ઇવેન્ટ્સમાં ભાગ લઉં છું અને વિવિધ પ્રોડક્ટ્સના રિવ્યુ વિષે પણ જાણકારી મળતી રહે છે. હું બહુ ઓછી વાર બ્યુટી-પાર્લરમાં ગઈ હોઈશ. મને વિવિધ જેલનો કે પછી બીજી ક્રીમ અને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ત્વચા અને વાળની ઘરે જ સારસંભાળ રાખવાની આદત છે.’

વર્ષો પહેલાં કરેલો કોર્સ કામ આવ્યો

પાર્લરને કેટલું મિસ કરો છો એના જવાબમાં ચારકોપમાં રહેતાં ગીતા પંચાલ કહે છે, ‘મેં ૧૯૯૫માં ગુજરાતમાં બ્યુટી-પાર્લરનો કોર્સ કર્યો હતો. લગ્ન કર્યા પછી  હું મુંબઈ આવી ત્યારથી આજ સુધીમાં આ ક્ષેત્રમાં ઘણો ફરક આવી ગયો છે, પણ હું પાર્લરનું મૂળ જ્ઞાન ધરાવું છું તેથી મારે લૉકડાઉનમાં કોઈ ખાસ ફિકર કરવી નથી પડતી. કહેવાય છે કે કોઈ જ્ઞાન જીવનમાં એળે નથી જતું. લૉકડાઉન દરમ્યાન મારી બાબતમાં આ જ વાત સાચી સાબિત થઈ ગઈ. વર્ષો પહેલાં શીખેલી આ કળાનો ઉપયોગ કરી હવે હું મારી દરેક બ્યુટી-ટ્રીટમેન્ટ ઘરે જ કરી શકું છું. વધારે જ્ઞાન મેળવવા હું સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરું છું.’

સોશ્યલ મીડિયા પર બ્યુટી-ટિપ્સ આપે છે આ બહેન

છેલ્લાં ત્રીસ વર્ષોથી ગિરગામમાં વર્ષા બ્યુટી સૅલોં ચલાવનારાં અનુભવી વ્યવસાયી વર્ષા સેજપાલ કોરોનાને કારણે થયેલા લૉકડાઉનમાં બ્યુટી સૅલોં બંધ રાખવું પડે છે તેથી કહે છે, ‘આ સમય ધીરજ રાખીને ઘરમાં બેસવાનો છે. હું આ ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવું છું અને એક વાત જરૂર ધ્યાનમાં આવે છે કે ગૃહિણી હોય કે પછી વ્યાવસાયી, સ્ત્રીઓએ વ્યસ્તતામાંથી અમય ફાળવી મહિનામાં ઓછામાં ઓછું એક વાર તો સૅલોંમાં આવવું જ પડે છે. સૅલોંની સર્વિસ વગર રહેવાનો સમય આવશે એવું મેં કે મારી ક્લાયન્ટ્સે ક્યારેય કદાચ વિચાર્યું પણ નહોતું. જોકે આ સમયમાં હવે કઈ રીતે ઘરમાં જ તેઓ પોતાનું ગ્રૂમિંગ કરી શકે એ વિચારવું જરૂરી છે. લૉકડાઉન પછી મને થયું કે મારે મારા તરફથી સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ બ્યુટી-ટિપ્સના વિડિયો બનાવી પોસ્ટ કરવા જોઈએ. મારી બન્ને દીકરીઓ હિરલ અને અનેરી પણ બ્યુટી પ્રોફેશનલ્સ જ છે. હિરલ વાળ વિષે

જ્ઞાનધરાવે છે તો અનેરી ત્વચાના વિષયમાં માહિર છે. હિરલ અને અનેરીનું જ્ઞાન અને મારા અનુભવ અને અભ્યાસના સુમેળથી એકબીજા સાથે ચર્ચા કરી અમે વિડિયો પોસ્ટ કરીએ છીએ. વૅક્સિંગ, આઇબ્રોઝ આ બધું પોતાના હાથે કરવું અઘરું છે અને એ અભ્યાસના વિષય છે તેથી હું એના પર કોઈ ટિપ નથી આપી શકતી, પણ ઘરે બેસીને સ્ત્રીઓ પોતાના વાળ અને ત્વચાની સંભાળ લેવા શું કરી શકે છે એ આ વિડિઓ જોઈ શીખી શકાય છે.’

life and style columnists bhakti desai