ગોકુલધામ સોસાયટી જેવો છે ગિરગામના એક બિલ્ડિંગનો ત્રીજો માળ

07 April, 2026 02:35 PM IST  |  Mumbai | Heena Patel

મહાજનવાડી અને વલ્લભ ભુવન બન્ને નામથી ઓળખાતા ૧૦૦ વર્ષ જૂના ચાર માળના બિલ્ડિંગમાં ત્રીજા માળ પર રહેતા ૮ પરિવારો પાડોશીઓની જેમ નહીં પણ એક પરિવારની જેમ રહે છે અને હળીમળીને બધા જ તહેવારોની ઉજવણી કરે છે

૮ પરિવારો

આજના સ્માર્ટ યુગમાં આપણી પાસે હજારો સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સ છે પણ બાજુના ફ્લૅટમાં કોણ રહે છે એની જાણકારી રાખવાની આપણી પાસે ફુરસદ નથી. હાઇરાઇઝ બિલ્ડિંગોની લિફ્ટમાં સાથે મુસાફરી કરતી વખતે પણ લોકો એકબીજા સામે સ્મિત આપવાને બદલે મોબાઇલમાં જોવાનું વધુ પસંદ કરે છે. દીવાલો જેટલી પાકી થતી ગઈ, માણસો વચ્ચેનાં અંતર એટલાં જ વધતાં ગયાં છે. જોકે મુંબઈના ગિરગામની ૧૦૦ વર્ષથી વધુ જૂની મહાજનવાડી અને વલ્લભ ભુવન નામે ઓળખાતી ચાર માળની ઇમારતમાં આધુનિકતાના આ પ્રવાહથી તદ્દન વિપરીત માનવતા અને પાડોશીધર્મ જોવા મળે છે. આ બિલ્ડિંગના ત્રીજા માળ પર રહેતા આઠેય પરિવારના અંદાજે ૪૦ જેટલા સભ્યો સુખ-દુઃખમાં એક પરિવારની જેમ એકબીજાનો આધાર બનીને રહે છે અને વાર-તહેવારની ઉજવણી હળીમળીને કરે છે.

પાડોશીઓ વગર તહેવાર અધૂરો

છેલ્લાં ૮૨ વર્ષથી આ બિલ્ડિંગમાં રહેતાં ૬૦ વર્ષનાં કેતકી આશર કહે છે, ‘મારાં મમ્મી દોઢ-બે વર્ષનાં હતાં ત્યારે આ ઘરમાં રહેવા માટે આવ્યાં હતાં. મારો જન્મ પણ આ જ ઘરમાં થયો છે. અત્યારે હું અને મારા હસબન્ડ યોગેશ અહીં રહીએ છીએ. અમારા પાડોશીઓ અમારા માટે અમારો પરિવાર છે. વર્ષ દરમિયાન તેમની સાથે તહેવારોની ઉજવણી કરીએ છીએ એટલે ઉત્સાહ બમણો થઈ જાય છે. મરકસંક્રાન્તિ હોય ત્યારે અમે બધા ટેરેસ પર પતંગ ચગાવીએ. કોઈ પણ એક ઘરે બધા માટે ઊંધિયું બને અને સાંજે બધા ભેગા બેસીને ઊંધિયું-પૂરીની મજા માણીએ. હોળી હોય ત્યારે અમે ચાલીમાં ગુલાલ અને ફૂલોથી હોળી રમીએ. અમે પાણીનો વેડફાટ કરવામાં નથી માનતાં. શીતળા સાતમે ઠંડું ખાવાનું હોય તો એ દિવસે ભેળ, પાણીપૂરી, સૅન્ડવિચનો પ્રોગ્રામ હોય. કોઈ ઘરેથી રગડો આવે, કોઈ ઘરેથી પાણી લાવે એમ બધા કંઈ ને કંઈ બનાવીને લઈ આવે. એ પછી સાથે મળીને જમવાનો પ્રોગ્રામ ગોઠવીએ. જન્માષ્ટમી હોય ત્યારે રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણજન્મની ઉજવણી મારા ઘરે થાય. બધા સાથે મળીને ભજન-કીર્તન કરીએ. ગણેશોત્સવમાં ૧૦ દિવસ માટે મારા ઘરે ગણપતિબાપ્પા હોય. એમ છતાં અમારા પાડોશીઓએ કોઈ દિવસ એમ નથી લાગવા દીધું કે બાપ્પા એકલા મારા ઘરના છે. મંડપના ડેકોરેશનથી લઈને, દરરોજની પૂજા અને વિસર્જન સુધીની તૈયારીઓમાં તેમનો સાથ મને મળે. ગણેશોત્સવના પહેલા દિવસે હું બધા માટે જમણવાર રાખું છું. એ દિવસે પણ મહિલાઓ જમ્યા બાદ ઝાડુપોતાં મારવાનાં હોય, વાસણ ધોવાનાં હોય એ બધાં કામમાં મદદ કરે. દિવાળી હોય ત્યારે બધાના ઘરે નાસ્તા બનતા હોય તો ઘર પૂરતું જ બનાવવાનું એવું નહીં, આજુબાજુવાળાનો વિચાર કરીને થોડો વધારે જ બનાવે. બધા પોતાના ઘરનો નાસ્તો પાડોશીઓમાં વહેંચે. થર્ટી ફર્સ્ટ હોય તો એ દિવસે પણ બધા સાથે મળીને રાત્રે ગેમ્સ રમીએ, બહારથી નાસ્તો મગાવીએ. બધા જ તહેવારમાં અમે મજા માણીએ. ખાઈ-પીને એશ કરીએ. હા, અમે કોઈ દિવસ પૈસાનો વેડફાટ ન કરીએ. બજેટમાં બધાને પરવડે એ રીતે જ ચાલીએ.’

હરવા-ફરવાનું પણ સાથે જ હોય

આજથી ૨૦ વર્ષ પહેલાં લગ્ન કરીને સાસરે આ બિલ્ડિંગમાં રહેવા માટે આવેલાં ૪૨ વર્ષનાં નેહલ ચૌહાણ કહે છે, ‘અમારા જે પાડોશીઓ છે તે સગાંસંબંધીઓ કરતાં પણ વિશેષ છે. અમારી વચ્ચે વાટકી-વહેવાર ચાલુ જ હોય. રાત્રે કામ પતાવીને દરરોજ નવ-સાડાનવ વાગ્યે એક કલાક મળીએ. અમે સાથે બહાર ફરવા પણ જઈએ. મન થયું હોય તો રાત્રે ગિરગામ ચોપાટી પર આંટો મારી આવીએ, તેજપાલમાં નાટક જોવા જઈએ કે પછી મફતલાલ ક્લબમાં જઈને ખાણીપીણીની મોજ માણીએ અથવા તો બહુ ગરમી લાગતી હોય ત્યારે રાત્રે ગોલા-પાર્ટી કરીએ. અમને બધાને એકબીજાની એટલી લાગણી છે કે હવે બીજે ક્યાંક રહેવા જવું હોય તો અઘરું લાગે. બિલ્ડિંગના રીડેવલપમેન્ટની વાતો ચાલુ છે એટલે અમે બધા થોડા નર્વસ પણ છીએ. અમે વિચારી રહ્યા છીએ કે જો ભાડે રહેવા જવું પડે તો પણ એ રીતે જગ્યા શોધીશું કે બધા બાજુ-બાજુમાં રહે. અમે બધા એકબીજાના સુખમાં અને દુખમાં સહભાગી થઈએ. હજી ગયા વર્ષની વાત છે. કેતકીબહેનનો જન્મદિવસ હતો. તે પાર્ટી પ્લાન કરવાનાં હતાં પણ કોઈ કારણથી તેમના માટે પૉસિબલ ન થયું. એટલે અમે બધાએ મળીને તેમને સરપ્રાઇઝ આપી. અમે બધાએ ડબ્બા-પાર્ટી કરી. કોઈ વડાપાંઉ લઈને આવ્યું, કોઈ રસમ-વડાં લઈને આવ્યું, કોઈ પાંઉભાજી લઈને આવ્યું. સાથે અમે તેમને યાદગીરી માટે ગિફ્ટ પણ આપી. આ બધું જોઈને તે બહુ રાજી થઈ ગયેલાં. ઘણી વાર એવું હોય કે ઘરમાં કોઈ બહેન માંદાં પડ્યાં હોય તો તેમના પરિવારને જમવાની ચિંતા કરવાની ન હોય. વારાફરતી અમે બધી બહેનો મળીને તેમના ઘરે જમવાનું પહોંચાડી દઈએ.’

દુઃખમાં પણ સાથે

આ બિલ્ડિંગમાં જ જન્મેલા અને ઊછરેલા ૫૩ વર્ષના નીલેશ સોલંકી કહે છે, ‘સોસાયટીની મહિલાઓ મારા માટે બહેન જેવી છે. મહિલાઓનું દરરોજનું હળવામળવાનું હોય જ. અમે પુરુષો પણ તહેવારોમાં કે ફ્રી સમયે મળતા હોઈએ. અમે બધા અલગ-અલગ પ્રોફેશનમાં છીએ. જેમ કે મારો જ્વેલરીનો બિઝનેસ છે, એક ભાઈ ડાયમન્ડમાં છે, એક સ્ટૉક માર્કેટમાં છે. તો બધા તેમના ફીલ્ડની વાતો કરતા હોય. વાર-તહેવાર, પ્રસંગે બધા સાથે જમવા બેસીએ. આનંદ કરીએ. જરૂર પડે ત્યારે એકબીજાના પડખે પણ ઊભા રહીએ. મારા ઘરની જ વાત કરું તો મારા મોટા ભાઈ રજનીશને ૨૦૧૪માં પૅરૅલિસિસનો અટૅક આવેલો. સવારે સાત વાગ્યાનો એ સમય હતો. જનરલી એવા સમયે લોકો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હોય. બાળકોનો શાળાનો સમય હોય, પુરુષોએ કામકાજ પર જવાનું હોય, ટિફિન બનાવવાનાં હોય. એવા સમયે પણ પોતપોતાનાં કામકાજ છોડીને બધા પાડોશીઓ મારા ઘરે દોડતા આવ્યા. ઘરના જ સભ્યની હાલત ખરાબ થઈ હોય એ સમયે શું કરવું એ ખબર ન પડે. એવા સમયે બધા પાડોશીએ મળીને તેમને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યા અને પરિસ્થિતિ સંભાળી લીધી. મારી વાઇફને પથરીનો દુખાવો ઊપડેલો. હું ઘરે હતો નહીં. અડધી રાત્રે પાડોશીએ તેમને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરેલી. રાત્રે લેડીઝ વૉર્ડમાં જેન્ટ્સને રોકાવાનું અલાઉડ ન હોય. એ સમયે કેતકીબહેન રાત્રે હૉસ્પિટલમાં રોકાતાં. ઇન શૉર્ટ, આવું અમારું રિલેશન છે. સુખમાં તો સાથે હોઈએ જ પણ દુઃખમાં પણ તેઓ સાચવી લે છે. આનાથી વિશેષ પાડોશી કેવા હોય?’ 

વલ્લભ ભુવનના આ પરિવારો આજે એ તમામ લોકો માટે એક ઉદાહરણ છે જેઓ હાઇરાઇઝ બિલ્ડિંગોના એકાંતમાં જીવે છે. છેલ્લે માણસને માણસની જ જરૂર પડે છે. ગમે તેટલી મોંઘી ગાડી કે સ્માર્ટફોન હોય, પણ અડધી રાત્રે જ્યારે તકલીફ આવે ત્યારે દોડી આવનાર તો પાડોશી જ હોય છે. આજના સ્માર્ટ જમાનામાં આપણે કદાચ થોડા ઓછા સ્માર્ટ બનીને પાછા એ વાટકી-વ્યવહારવાળા જમાનામાં જવાની જરૂર છે, જ્યાં સુખ વહેંચવાથી વધતું હતું અને દુખ વહેંચવાથી અડધું થઈ જતું હતું. સાચું નેટવર્કિંગ લિંક્ડઇન કે ઇન્સ્ટાગ્રામ પર નહીં પણ બાજુની દીવાલની પેલે પાર રહેતા પાડોશીના દિલમાં હોય છે. જો આપણે પણ આપણા પાડોશી સાથે માત્ર એક સ્મિતની આપ-લે કરી શકીએ તો કદાચ આપણી આસપાસ પણ એક નાનકડું ગોકુલધામ રચાઈ શકે છે.

girgaon gujaratis of mumbai mumbai columnists exclusive gujarati mid day