મુઠ્ઠી વળેલી મળી છે

11 September, 2022 02:18 PM IST  |  Mumbai | Hiten Anandpara

ભેટ નાની છે કે મોટી એની સરખામણી કર્યા વગર ભેટ મળી છે એનો ઉપકાર માનવો જોઈએ

પ્રતીકાત્મક તસવીર

આપણને જે જિંદગી મળી છે એ પરમકૃપાળુ ઈશ્વરની ભેટ છે. ભેટ નાની છે કે મોટી એની સરખામણી કર્યા વગર ભેટ મળી છે એનો ઉપકાર માનવો જોઈએ. હયાતીનાં ખાનાં આપણે પાડ્યાં છે. અવસ્થા કે આસ્થાની વાત હોય ત્યાં સુધી ઠીક છે. વાત કટ્ટરતા અને ધર્માંધતા પર પહોંચે ત્યારે મૂળ ગુમાવતી જાય. આશ્લેષ ત્રિવેદી પરમને પામવાનો પ્રયાસ કરે છે...

કોઈ ગહન છે મર્મ એના સંવિધાનમાં
રાખે જમીન પર ને રહે આસમાનમાં
શ્રદ્ધા મળી છે જેને ભીતરના અવાજની
એને શું હોય ભેદ ગીતા કે કુરાનમાં

ધર્મના આધારે હૃદયનો આકાર નથી બદલાતો. સ્ટેથોસ્કોપમાં ધબકારા સાંભળી શકાય, સ્તુતિ કે અઝાન નહીં. મૂળ વાત સુધી પહોંચવા આપણે એટલો પથારો કરી દઈએ છીએ કે ચાદર તળે ઢંકાયેલું સત્ય નજરમાં જ ન આવે. ચિંતકોને જે સતત મંથનરત રાખે છે એવી વાત બેફામસાહેબ છેડે છે...

એ આખી રાત સુધી ઊંઘવા નથી દેતી
બહુ ખૂંચે છે કોઈ પણ વિચારની ચાદર
હું એની ગોદમાં ઓગળતો જાઉં છું બેફામ
બહુ હૂંફાળી મળી છે મઝારની ચાદર

માણસ ઘન ગણાય કે પ્રવાહી? શરીર ઘન છે અને આપણી અંદર જે રક્ત છે એ પ્રવાહી છે. જિંદગી સંયોજનના આધારે ચાલે છે. આંગળીઓનું વિભાજન ઉપયોગિતાના આધારે હોય છે, મતભેદને કારણે નહીં. વિકાસના માપદંડો પ્રમાણે વૈશ્વિક સ્તરે ભારત બ્રિટનથી આગળ નીકળીને પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ૨૦૧૪માં દસમા સ્થાનથી ૨૦૨૨માં પાંચમા સ્થાનની પ્રાપ્તિ નાનીસૂની વાત નથી. આ ઉપલબ્ધિ હોવા છતાં રાજકારણી અખાડાઓમાં ખેલાતી કુત્સિત કુસ્તી, ધાર્મિક ષડયંત્રો, મજબૂત તિજોરીઓ ફાટી પડે એવા તોતિંગ ભ્રષ્ટાચારની નાગચૂડ જટિલ બની રહી છે. સમવાયતંત્ર અને ન્યાયતંત્ર સી. એ. દત્તાત્રય ભટ્ટ જેવું કશુંક બારીક વિચારે એ જરૂરી છે...  

ખરી ધૂળ ભેગાં મળી જે ગયાં છે
ફરી આંસુઓ પાપણે ટાંગવાં છે
બનાવીને દોરો સૂરજના કિરણનો
એ ઝાકળ હવાના પગે બાંધવાં છે

સૂર્યકિરણો આગામી દાયકાની ઊર્જા માટે ટર્નિંગ પૉઇન્ટ બની રહ્યાં છે. પર્યાવરણનું મહત્ત્વ હવે આયોજનમાં રાખવું જ પડે, કારણ કે કુદરત સતત તમાચા મારી રહી છે. નદીઓમાં આવતું પૂર હવે સુરતથી મુંબઈ આવ-જા કરતા વેપારીની જેમ અપ-ડાઉન કરતું રહે છે. વિવાદ છેડવામાં મશગૂલ પાકિસ્તાન પૂરને કારણે બરબાદ થઈ રહ્યું છે. કાણા ખિસ્સામાં ખૈરાત પણ સમાઈ-સમાઈને કેટલી સમાય. જવાહર બક્ષીની પંક્તિઓ બે વ્યક્તિથી લઈને બે દેશના સંબંધો સુધી વિસ્તરે છે...

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે
જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે મોટી રૅલી કરી. જો લોટને લિટરમાં આંકી શકે એવી વ્યક્તિ સત્તાધીશ બને તો દેશના પાયા વિકલાંગ કરી નાખે. જે મફતની હાટ માંડે તે આખરે દુકાનનું કાયમી શટર પાડવાની સ્થિતિએ પહોંચી જાય. જે વારંવાર પક્ષપલટો કરે એવા અનેક નટબજાણિયાઓ ૨૦૨૪ની ચૂંટણીમાં વડા પ્રધાનના પદ માટે ગાજતા અને ગૂંજતા જોવા મળશે. નવા ચહેરાઓ સામે વાંધો નથી, વાંધો જૂની મથરાવટી સામે છે. રાઝ નવસારવીની વાતમાં છુપાયેલો રાઝ સમજવા જેવો છે...

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવા નવા
મંજિલ મળી શકે છે સરળતાથી એમ તો
રસ્તાથી છું અજાણ ને રાહબર નવા નવા

આપણા દેશને નવી ઊર્જા, પરિવર્તનક્ષમ આવિષ્કારો, નૅનોથી લઈને મેગા સ્કેલ સુધી વિસ્તરી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. મેટ્રો ટ્રેનનો વ્યાપ અને બુલેટ ટ્રેનનું ખ્વાબ નજરમાં નોંધાયાં છે. સિક્કાની એક બાજુ અસમાનતા અને વિષમતા છે તો બીજી બાજુ પ્રયાસ અને વિકાસની પગંદડી છે. રઈશ મનીઆર ભાવ-અભાવને સાંકળી લે છે...

દુલ્હન મળે અપ્રિય પતિને, હા, જે રીતે
આ જિંદગી મનેય સમર્પણ વગર મળી
સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી

લાસ્ટ લાઇન
મને આગઝરતી હથેળી મળી છે
વળી ભાગ્યરેખા બળેલી મળી છે
ભરી વેદના રોજ ખિસ્સે ફરું છું
મને એ જનમથી સહેલી મળી છે
જખમને બધાં ખોતરે લોક ટોળાં
નખે આંગળીઓ મઢેલી મળી છે
હટો દેવદૂતો, મને ના સતાવો
અહીં આજ પ્યાલી ભરેલી મળી છે
ફકીરી જ આપી શક્યો એ સપનને
ખુદાનીયે મુઠ્ઠી વળેલી મળી છે

ગઝલસંગ્રહ : સૂરજના સરનામે

columnists hiten anandpara