ઊઠો, ભાગો, દોડો... ઘર અને ટૅરેસ બની ગયા છે રનિંગ-ટ્રૅક

16 May, 2020 01:36 PM IST  |  Mumbai Desk | Varsha Chitaliya

ઊઠો, ભાગો, દોડો... ઘર અને ટૅરેસ બની ગયા છે રનિંગ-ટ્રૅક

ઘર અને ટૅરેસ બની ગયા છે રનિંગ-ટ્રૅક

આખું શહેર લૉકડાઉનમાં છે ત્યારે મૉર્નિંગ વૉક અને રનિંગનું પૅશન ધરાવતા લોકોને ઘરમાં ગોંધાઈ રહેવાનું ખૂબ આકરું પડે છે. જોકે ફિટનેસ અને રનિંગ માટેનું પૅશન હોય તો કોઈ મુશ્કેલી મોટી નથી હોતી. રનિંગની ચાહ ધરાવતા લોકો હવે ઇન્ડોર રનિંગ તરફ આકર્ષાયા છે અને ઘર, બાલ્કની કે અગાસી જેવી જગ્યાઓએ ચાલવા-દોડવાના પૅશનને જીવંત રાખે છે

થોડા દિવસ પહેલાં ચંડીગઢની એક રનર્સ ક્લબના ૧૧૧ મેમ્બરોએ એકસાથે પોતપોતાના ઘરમાં વર્ચ્યુઅલ રન કર્યું હતું. આ રન દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમને કોરોના યોદ્ધાઓ માટે દાનમાં આપવામાં આવી હતી. આ પહેલાં એક જ વર્ષમાં વિશ્વના ૬૬ દેશોની રનિંગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલા વોટજેક માચનિકે ક્વૉરન્ટીનમાં રહીને ૪૨ કિલોમીટર દોડ લગાવી હતી.
વર્તમાન માહોલમાં ફિટનેસ પ્રત્યે લોકોની રુચિ વધે એ માટે આખું વર્ષ જુદી-જુદી રનિંગ ઇવેન્ટ્સનું આયોજન કરતી અનેક સ્પોર્ટ્સ કંપનીઓએ ઇન્ડોર રનિંગ માટે લોકોને પ્રોત્સાહિત કર્યા છે. હાલના તબક્કે દરેક વ્યક્તિ માટે ઇમ્યુનિટી વધારવી અને ઓવરઑલ હેલ્થની કાળજી લેવી ખૂબ જરૂરી છે. નૉવેલ કોરોના વાઇરસથી બચવા રાષ્ટ્રીય લૉકડાઉન કરવામાં આવ્યા બાદ લોકોને ફરજિયાતપણે ઘરમાં કેદ થવું પડ્યું છે ત્યારે રનર્સ જ નહીં, મૉર્નિંગ વૉક કરતા સામાન્ય લોકો પણ ઇન્ડોર રનિંગ ઍક્ટિવિટી તરફ આકર્ષાયા છે. મુંબઈનાં કેટલાંક ગ્રુપ અને ફૅમિલી વચ્ચે આ પ્રકારના ટાસ્ક આપવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘરમાં જ દોડવાની સ્પર્ધામાં ભાગ લીધો
ગોરેગામમાં રહેતાં સરકારી સ્કૂલનાં નિવૃત્ત
શિક્ષિકા વર્ષા વૈદ્યને યુવાન વયથી જ ચાલવાની ટેવ છે. ઘરેથી સ્કૂલ તેઓ ચાલતાં જ જતાં. રિટાયરમેન્ટ બાદ આ ટેવને તેમણે પોતાની દિનચર્યામાં સામેલ કરી દીધી. જવાહરનગરની આસપાસની ખુલ્લી જગ્યા અને ગાર્ડનમાં તેઓ વૉક કરવા જતાં હોય છે. લૉકડાઉનમાં બહાર જવાની મનાઈ હોવાથી તેમની આ પ્રવૃત્તિ અટકી ગઈ. જોકે વર્ષાબહેન એમ હાર માનીને બેસી રહે એવાં નથી. ઘેરબેઠાં ઇન્ડોર રનિંગ વિશે ખણખોદ કરી તો ઘણા વિકલ્પો મળી ગયા એટલું જ નહીં, દોડવાની સ્પર્ધામાં ભાગ લઈ તેમણે ઘેરબેઠાં ઈ-સર્ટિફિકેટ મેળવ્યું છે.
ઉપરોક્ત સ્પર્ધા સંદર્ભે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મુંબઈની એક ક્લબ દ્વારા મધર્સ ડે સેલિબ્રેશન નિમિત્તે મમ્મીઓ માટે દોડવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. એ માટે ત્રણ-ચાર દિવસ પહેલાંથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું. સ્પર્ધાની ટર્મ્સ ઍન્ડ કન્ડિશન મુજબ દરેક મમ્મીએ રાતના બાર વાગ્યાથી બીજા દિવસે સવારે બાર વાગ્યા સુધીમાં પોતાની અનુકૂળતા પ્રમાણે ઓછામાં ઓછું બે કિલોમીટર અને વધુમાં વધુ ત્રણ કિલોમીટર ઘરની અંદર દોડવાનું હતું. ટાર્ગેટ પૂરો કર્યા બાદ ટાઇમિંગ સાથેનો વિડિયો મોકલવાનો હતો. આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી મમ્મીઓને રનિંગ માટે પ્રોત્સાહિત કરવાની આ રીત મને ખૂબ ગમી ગઈ. ૨.૯૫ કિલોમીટરની દોડ લગાવતાં ચાળીસ મિનિટ થઈ હતી. ઘરની અંદર દોડવામાં ફર્નિચર આડે આવે. એ રીતે ઇન્ડોર રનિંગ સરળ ન કહેવાય. તમારો ટેરેસ ફ્લૅટ હોય કે સોસાયટીએ કમ્પાઉન્ડમાં દોડવાની પરવાનગી આપી હોય તો ઇન્ડોર રનિંગ બેસ્ટ છે. મારા કેસમાં આ બન્ને બાબત મિસિંગ હોવાથી રોજ બેથી ત્રણ કિલોમીટર માંડ દોડી શકાય છે. જોકે વર્તમાન માહોલમાં સ્વાસ્થ્યની કાળજી લેવાઈ રહી છે એ મહત્ત્વનું છે.’
ચા વિના સુસ્તી ન ઊડે એમ જૉગિંગ વિના સ્ફૂર્તિ ન આવે
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર રનિંગ અને વૉકિંગ કરવાથી ઇમ્યુનિટી વધે છે. ફિટનેસ એવો શબ્દ છે જેને સમજી લો તો તમામ રોગો સામે લડવાની શક્તિ મળે છે. આ બાબતે ખાસ્સી જાગરુકતા આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઈના માર્ગો અને બગીચાઓમાં વહેલી સવારે ભીડ દેખાય છે. મૉર્નિંગ વૉક તમારી લાઇફસ્ટાઇલનો હિસ્સો બની જાય પછી તમને એના વગર ચાલે નહીં. છેલ્લાં ત્રીસેક વર્ષથી હૅન્ગિંગ ગાર્ડનમાં રનિંગ કરતાં હિના અને યશમુખ શાહ પંદર હજાર સ્ટેપ્સનો તેમનો રોજનો ટાર્ગેટ પૂરો કરવા ઘરની અંદર જ ધીમી ગતિએ દોડે છે. તેમનું માનવું છે કે જેમ સવારે ચા પીધા વગર સુસ્તી ન ઊડે એવી જ રીતે વૉક કે જૉગિંગ વિના શરીરમાં સ્ફૂર્તિનો સંચાર ન થાય. ઘરમાં કેદ થવાનો અર્થ એ કદાપિ નથી કે તમે રૂટીન ચેન્જ કરો.
નક્કી કરેલા લક્ષ્યને પૂરું કર્યા વગર રાતે ઊંઘ ન આવે એવો જવાબ આપતાં હિનાબહેન કહે છે, ‘વર્ષોથી જે ટેવ પડી હોય એ આમ અચાનક અટકી જાય તો લાઇફમાંથી કંઈક મિસિંગ થઈ ગયું હોય એવું લાગે. અમે બન્ને સિનિયર સિટિઝન્સ છીએ. જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખીએ તો શરીરમાં બીજા રોગો ઘર કરી જાય. ફિટ રહેવા ઘરની અંદર જ ગોળ-ગોળ ફરીને દોડ પૂરી કરીએ છીએ. અઠવાડિયે બે-ત્રણ વાર અગાસી પર ચાલ્યાં જઈએ. અમારા બિલ્ડિંગમાં ફ્લૅટ ઓછા છે અને એમાંય ઘણા એનઆરઆઇ છે. વસ્તી ઓછી છે તેથી અગાસીમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે દોડી શકો. કોઈ પણ હાલતમાં એક્સરસાઇઝ કરવી છે એ માટે તમારું માઇન્ડ સેટલ હોવું જોઈએ. ઇન્ડોર રનિંગ વિશે અમારા વૉકિંગ ગ્રુપમાં વાતો થતી હોય છે. બધા આજુબાજુમાં જ રહીએ છીએ. અગાસી કે બાલ્કનીમાં દોડતી વખતે એકબીજાને હાથ ઊંચો કરી મોટિવેટ કરતાં રહીએ જેથી એકલાં હો એવું ન લાગે. કોણ કેટલી મિનિટ દોડ્યું એ જણાવવાથી બીજા દિવસે વધુ ટાર્ગેટ અચીવ કરવાનું જોશ આવે છે. જોકે ખુલ્લી હવામાં દોડો એવી મજા ન આવે. ગાર્ડનની તાજી હવા શ્વાસમાં ભરીને દોડવાની વાત જુદી છે. બહાર દોડવા જાઓ છો એમાં સોશ્યલાઇઝ્ડ પણ થાઓ છો. લોકોને મળો, બોલો એમાં રોગ છૂમંતર થઈ જાય. ઇન્ડોર રનિંગ ટેમ્પરરી ઠીક છે બાકી એને પ્રમોટ કરવાનો કોઈ મતલબ નથી.’

દેરાણી-જેઠાણીની રનિંગ કૉમ્પિટિશન
રનિંગ માટે પૅશન ધરાવતા અને કાયમ દોડતા મોટા ભાગના દોડવીરો અત્યારે ઘરની અંદર ટ્રેડમીલ અથવા ટેરેસ પર દોડે છે. પોતાની મસ્તીમાં દોડતા આ દોડવીરો કોઈની કંપની વગર પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહે છે, પરંતુ પહેલાં ક્યારેય દોડવા ન ગઈ હોય એવી વ્યક્તિને હાલના વાતાવરણમાં ઇન્ડોર રનિંગથી શરૂઆત કરવાનું કહો તો અઘરું છે. અંધેરી તેમ જ દહિસરમાં રહેતી કઝિન દેરાણી-જેઠાણી અલ્પા શાહ અને અલ્પા સત્રા (જોગાનુજોગ બન્નેનાં નામ અલ્પા છે)એ લૉકડાઉનમાં દોડવાનું શરૂ કર્યું છે. હાલમાં બન્ને વચ્ચે ઇન્ડોર રનિંગ કૉમ્પિટિશન ચાલે છે.
દેરાણી સાથે દોડવાની સ્પર્ધામાં ઊતરેલાં અંધેરીનાં અલ્પા શાહ ઉત્સાહભેર કહે છે, ‘વાસ્તવમાં અમારા બન્નેના હસબન્ડ કાયમ દોડવા જાય છે. તેઓ ઘણી વાર કહેતા હોય છે કે રનિંગ કરો, ચાલવા જાઓ પરંતુ અમને આ ઍક્ટિવિટીમાં ખાસ રસ નહોતો. હમણાં બધાં ઘરમાં હોવાથી જુદી-જુદી ગેમ્સ રમતાં હોઈએ છીએ. એમાંથી એક દિવસ અમારી વચ્ચે દોડવાની કૉમ્પિટિશન રાખવામાં આવી. તેમણે અમને બન્નેને દોડવા માટે પ્રોત્સાહિત કર્યા. પહેલાં તો થયું કે ફ્રી ટાઇમમાં મોબાઇલ અને ટીવી સિવાય કોઈ પ્રવૃત્તિ નથી તો દોડીએ. બૉડી શેપમાં રહેશે અને સમય પણ પસાર થઈ જશે. હવે દરરોજ એક કલાક અમારી વચ્ચે દોડવાની સ્પર્ધા ચાલે છે. સાંજના સૂર્યાસ્ત સમયે વાતાવરણમાં ઠંડક હોય ત્યારે હું સોસાયટીની ટેરેસમાં દોડવા જાઉં છું. ઢળતા સૂર્યના સાંનિધ્યમાં દોડવાથી મન પ્રસન્ન થાય છે. શરૂઆતમાં સ્પીડ ઓછી હતી. હવે તો રોજના વીસેક હજાર સ્ટેપ્સ આરામથી દોડી શકું છું. કૉમ્પિટિશન શબ્દ મોટિવેશનનું કામ કરે છે. કોરોના વાઇરસ આપણા સૌની લાઇફમાં વૉર્નિંગ અલાર્મ બનીને આવ્યો છે. હવે હેલ્થકૅર માટે સભાન થવું જ પડશે.’
ઇન્ડોર રનિંગમાં અમને તો બહુ મજા પડે છે. ક્યારેક જેઠાણી જીતે તો ક્યારેક દેરાણી જીતે. અલ્પા સત્રા કહે છે, ‘દોડવાનો સમય અમારા બન્નેનો જુદો હોય છે. મને વહેલી સવારના દોડવાની મજા આવે છે. વિટામિન ડી માટે સવારનો સમય બેસ્ટ છે. વીસેક હજાર સ્ટેપ્સ થઈ જાય. દોડતાં પહેલાં વૉર્મઅપ એક્સરસાઇઝ અને પછી પ્રાણાયમ પણ કરું છું. મેડિટેશનથી જુદી જ અનુભૂતિ થાય છે. જોકે મારા સવારે દોડવાના કારણે જેઠાણીને ટાસ્ક અચીવ કરવાની તક મળે છે. હું આજ સવારે કેટલાં સ્ટેપ્સ દોડી ચૂકી છું એની તેમને પહેલેથી જાણ હોય છે. જીત-હાર તો માત્ર પ્રોત્સાહનનું કામ કરે છે. ફોકસ છે ફિટનેસ. કોરોનાએ આપણને બધાને ફિટ રહેતાં શીખવાડી દીધું છે. પોસ્ટ-લૉકડાઉન બધું થાળે પડે પછી ખુલ્લા આકાશ નીચે, વૃક્ષોની વચ્ચે દોડવું છે. આ ઉપરાંત ઝુમ્બા ક્લાસમાં જવાની ઇચ્છા છે.’
વર્ચ્યુઅલ રનિંગમાં બાગ-બગીચામાં દોડવા જેવી મજા ભલે ન આવે, પરંતુ વર્તમાન સમયમાં ફિટનેસનું મહત્ત્વ સમજી સૌકોઈએ પોતાની ક્ષમતા પ્રમાણે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. આ સાથે હેલ્ધી ડાયટ પણ લો. જીવનશૈલી બદલવાથી આવનારા સમયમાં અનેક પ્રકારના રોગોથી લડી શકાશે.

Varsha Chitaliya columnists weekend guide