ભુલાઈ ગયેલી ભવાઈ એને બચાવવા આજેય પ્રયાસરત છે આ મહાનુભાવો

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ભુલાઈ ગયેલી ભવાઈ એને બચાવવા આજેય પ્રયાસરત છે આ મહાનુભાવો

ભવાઈ

ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈ નાટ્યકળા લુપ્ત થવાને આરે છે ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત નાટ્યવિદો ડૉ. મહેશ ચંપકલાલ અને ૯૦ વર્ષના જનક દવે આ લોકનાટકને જીવંત રાખવા માટે બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. ગઈ કાલે જ કાંદિવલીની જાણીતી સંસ્થા સંવિત્તિ અને કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી ‘લોકનાટ્ય ભવાઈ ઃ પરંપરાથી પ્રયોગ સુધી’ વિષય પર પ્રાયોગિક નિદર્શન થયું હતું, જેમાં આ બન્ને મહાનુભાવોએ વીસરાઈ રહેલી આ કળા વિશે જાણી-અજાણી વાતોનો ખજાનો લૂંટાવ્યો હતો. ભવાઈના ભવ્ય ઇતિહાસ અને લોકપ્રિય વેશોની વાતો સાથે ભવાઈ નાટકોમાં કામ કરી ચૂકેલા આ કલાકારો પાસેથી જાણીએ.

એક જમાનામાં કઠપૂતળી, ડાયરો, ભવાઈ, રામલીલાનાં નાટકો જેવા બહુરૂપી કાર્યક્રમો ભારતભરનાં ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત હતાં. રાસ-ગરબાની જેમ ભવાઈ પણ ગુજરાતની આગવી ઓળખ ગણાય છે. ગુજરાતની ભાતીગળ નાટ્યકળા એટલે ભવાઈ. એ સમયે ભવાઈ સ્વરૂપે ભજવાતાં નાટકો પ્રજાના મનોરંજન અને લોકઘડતરનું અસરકારક માધ્યમ મનાતું હતું. ભવાઈ વેશોમાં સામાજિક, પૌરાણિક અને ધાર્મિક વેશોને આવરી લેવામાં આવતા. વેશ ભજવવા આવતા ભવૈયાઓની શેરીમાં કે ચોકમાં આતુરતાથી રાહ જોવાતી હતી. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકોની ઉપમા આપી છે. જોકે ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો મનાતી આ નાટ્યકળા આધુનિક યુગમાં વીસરાતી જાય છે ત્યારે ભુલાઈ ગયેલી ભવાઈના ભવ્ય ઇતિહાસ, લોકપ્રિય વેશો અને વર્તમાન સ્થિતિ પર એક નજર નાખીએ.

ઇતિહાસ

ભવાઈમાં દરેક પ્રકારની અભિનયકળાનું સંયોજન જોવા મળે છે. આ નાટ્યકળાની ઉત્પત્તિ વિશે ચોક્કસ સમયગાળો પ્રાપ્ત નથી. કહે છે કે ભવાઈ એ ગુજરાતની આશરે ૭૦૦ વર્ષ જૂની નાટ્યકળા છે. ભવાઈ શબ્દમાં ભવ એટલે વિશ્વ અને આઇ એટલે જગતજનની મા જગદંબા. ભવાઈમાં મા જગદંબાની સ્તુતિને કેન્દ્રમાં રાખીને નાટકો ભજવવાની સદીઓ જૂની પરંપરા છે. ભવાઈ ભજવતા નટ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે. ખુલ્લા મેદાનમાં અથવા કોઈ પણ જાહેર સ્થળે ભજવાતાં ભવાઈ નાટકોની શરૂઆત સિદ્ધપુરના ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસાઇત ઠાકરેએ કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતમાં ભજવાતાં પ્રચલિત નાટકોમાંથી પ્રેરણા લઈને અસાઇત ઠાકરેએ ભવાઈ નાટ્યકળાનું સર્જન કર્યું હતું. તેમણે આશરે ૩૬૦ જેટલા ભવાઈ-વેશ લખ્યા હોવાની લોકવાયકા છે.

ભવાઈ નાટક મંડળીના પ્રમુખ નાયક તરીકે ઓળખાય છે. સિનેમા, રેડિયો જેવાં સાધનો નહોતાં એ જમાનામાં લોકશિક્ષણ અને મનોરંજન પીરસતી આ નાટ્યકળાને સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું. આ નાટકોની મુખ્ય વિશિષ્ટતા છે એનાં પાત્રો, વેશભૂષા અને ભાતીગળ ભાષાશૈલી. ભવાઈ નાટકોના દરેક પાત્ર પુરુષો દ્વારા ભજવવામાં આવે છે. નાટકની અંદર સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવે છે. સંગીત માટે મુખ્યત્વે ભૂંગળ, તબલાં, મંજીરા, ઝાંઝ, ઢોલક, સારંગી જેવાં વાજિંત્રો વપરાય છે. એમાં પદ્ય અને ગદ્ય બન્નેનો સુમેળ જોવા મળે છે.

વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમ જ વર્તમાનમાં વડોદરાની જાણીતી કલા સંસ્થા ‘ત્રિવેણી’ના પ્રમુખ ડૉ. મહેશ ચંપકલાલ જૂની નાટ્યકલા ભવાઈનું સ્વરૂપ અને લાક્ષણિકતા વિષય પર અભ્યાસ કરી રહ્યા છે. ભવાઈના ઇતિહાસ વિશે વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘ગુજરાતનું લોકનાટ્ય ભવાઈ અર્થાત્ ‘ભવ’ની ‘વહી.’ ભવાઈના મૂળ સર્જક અસાઈત ઠાકરે તત્કાલીન સમયના ક્રાન્તિકારી સુધારક હતા. પોતાનાં યજમાન હેમા પટેલની પુત્રી ગંગાના શિયળની રક્ષા કાજે મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખીલજીના સૂબા સરદાર જણનરોજની સભામાં ભોજન લેતાં તેમને નાત બહાર કરવામાં આવ્યા હતા. જ્ઞાતિમાંથી બહાર મૂકવામાં આવ્યા બાદ તેમણે પોતાનો રોષ સર્જનાત્મક દિશા તરફ વાળ્યો અને એમાંથી આ ભવાઈનું સર્જન થયું. અસાઈત ઠાકરેએ લખેલા ૩૬૦ વેશોને તેમણે પોતાના ત્રણ પુત્રો સાથે ભજવ્યા હોવાની લોકવાયકા છે. આ વેશોમાંથી ૨૦થી ૨૫ જેટલા વેશ કેટલાક ફેરફાર સાથે મુદ્રિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે.’

કઈ રીતે ભજવાય?

ભારતના જુદા-જુદા પ્રદેશોમાં શાસ્ત્રીય નૃત્યો વિકસ્યાં છે, પરંતુ ગુજરાત પાસે પોતાનું કોઈ આગવું શાસ્ત્રીય નૃત્ય નથી. આપણી પાસે જાતજાતનાં લોકનૃત્ય છે. રાસ-ગરબા અને ભવાઈ આ શ્રેણીમાં આવે છે. ભવાઈ વેશોમાં લોકનૃત્યનો સુમેળ જોવા મળે છે. તત્કાલીન યુગમાં ગીત-સંગીત અને અભિનય વડે જે-તે સમયની સામાજિક રૂઢિઓ પર ચાબખા મારીને લોકોને ખડખડાટ હસાવવાનું કામ નાયક કોમના લોકો ભવાઈના માધ્યમથી કરતા. ભવાઈ વેશ એ જ ભજવી શકે જેમનામાં અભિનયકળાની સૂઝબૂઝ, સંગીતનું જ્ઞાન અને પ્રેક્ષકો સાથે સંવાદ સાધવાની કળા હોય.

૬૦ના દાયકામાં રાજકોટની સંગીત ભારતી સંસ્થા અને ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીના નાટ્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા તેમ જ એ વખતે અનેક ગુજરાતી નાટકોના નિર્માણ અને પ્રસ્તુતીકરણમાં મહત્ત્વની કામગીરી બજાવનારા ૯૦ વર્ષના જનક દવેએ નિવૃત્તિ બાદ ભવાઈ નાટ્યકળાના ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. હાલમાં તેઓ ભવાઈની ભજવણી કઈ રીતે થાય એની તાલીમ અને પ્રશિક્ષણ આપે છે. અત્યાર સુધીમાં આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેઓ તાલીમ આપી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત અને મુંબઈ સહિત દેશનાં વિવિધ શહેરોમાં નાટ્યશિબિરોનું આયોજન કરે છે. યુવાનોને પણ શરમાવે એવા બુલંદ અવાજ અને અપ્રતિમ ઉત્સાહ સાથે આજે પણ મંચ પર તેમને નિહાળવા એ એક લહાવો છે. તેમને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગઈ કાલે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)ના સહકારમાં લોકનાટ્ય ભવાઈ : પરંપરાથી પ્રયોગ સુધી નામનો કાર્યક્રમ યોજાઈ ગયો. સંવિત્તિ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમમાં જનકભાઈ અને મહેશભાઈએ પોતાનાં વ્યક્તવ્ય આપ્યાં હતાં.

ભવાઈની ભજવણી વિશે માહિતી આપતાં જનકભાઈ કહે છે, ‘ભવાઈ નાટ્યકલાના મુખ્ય ત્રણ એલિમેન્ટ્સ છે; ગાયન, વાદન અને નર્તન. આ ત્રણ વગર ભવાઈ વેશો ભજવી શકાય નહીં. ચક્ષુચાળો અને બૉડી-લૅન્ગ્વેજ તાલીમનો મહત્ત્વનો ભાગ છે. દૂરદર્શન અને આકાશવાણીમાં ‘તા થૈયા થૈયા થૈ’ બોલાય એને કંઈ ભવાઈ ન કહેવાય. એમાં લય-તાલ અને ઠેકા લેવાના હોય. મને ઘણી વાર નર્તનના રમનારાઓ કહે કે અમારે નાચવાનાં સાડાત્રણ પગલાં છે. હું તેમને કહું, સાડાત્રણ નહીં, તેર છે. શાસ્ત્રીય ગાયનોના દરેક તાલ પર તાલીમ આપી શકાય. તબલાં અને ભૂંગળ તો ભવાઈનો આત્મા છે. ભૂંગળ બે પ્રકારના હોય છે, નર અને માદા. ભવાઈમાં ગાયન ભાગની શરૂઆતમાં નીચેનો સૂર વાગે ત્યારે નર ભૂંગળનો ઉપયોગ થાય અને પંચમ અને સાજિંદાઓ જ્યારે ઊંચા સ્વરે ગાતાં-ગાતાં નર્તન કરતા હોય ત્યારે માદા ભૂંગળનો ઉપયોગ થાય. હવે તો આવા વેશો અને આ પ્રકારની ભવાઈની ભજવણી થતી જ નથી. અરે, ભજવણી વખતે સારાં તબલાં વગાડી શકે એવા તબલચી મળવા પણ મુશ્કેલ છે.’

લોકપ્રિય વેશો

અસાઈત ઠાકરેએ લખેલા ભવાઈના જુદા-જુદા વેશમાં રામદેવનો વેશ સૌથી જૂનો હોવાનો ઉલ્લેખ છે. સામાજિક કુરિવાજો પર પ્રહાર કરતાં તેમ જ કજોડાંનો વેશ જેમાં નાની વયનો વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર દર્શાવતા વેશો તેમણે આપ્યા છે; જસમા ઓડણ, સાધુનો વેશ, ઝંડા ઝૂલણ વગેરે ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. કેટલાક વેશમાં મુસ્લિમ શાસનની અસર પણ દેખાય છે. ઉત્તર ગુજરાતના વતની અમૃત નાયક, પ્રાણસુખ નાયક, જયશંકર સુંદરી, બાપુલાલ નાયક વગેરે કલાકારોએ ભવાઈના વેશ ભજવવામાં સીમાચિહ્‍નો સ્થાપીને ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પોતાનાં નામ સુવર્ણ અક્ષરે અંકાવી દીધાં છે.

જનકભાઈએ ભવાઈ વિષયને કેન્દ્રમાં રાખીને પાંચ પુસ્તકો લખ્યાં છે અને દરેક પુસ્તકમાં પાંચ-પાંચ વેશો છે. ભવાઈ લોકનાટ્યની શૈલી અને સ્વરૂપ વિશેના તેમનાં લખેલાં પુસ્તકો આધારભૂત ગણાય છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘મારાં પુસ્તકોમાં બહેનોને લગતી સમસ્યાઓ, શિક્ષણ, બાળકોની સમસ્યાઓ વગેરે વિષયને આવરી લેતા વેશો લખ્યા છે. જૂના સમયમાં જૂઠણનો અને ઝંડા ઝૂલણનો વેશ ખૂબ જ લોકપ્રિય હતો. ઝૂલણનો વેશ ભજવનાર પાત્ર ઝૂલતો-ઝૂલતો અને નાચતો-નાચતો આવે. એ વખતે ભાવનગરમાં એવાં ગ્રુપ હતાં જે દરેક પ્રકારના વેશ ભજવી શકતા. નાયક, ભોજક અને વ્યાસ એમાં મુખ્ય હતા. નાયકોને તો અસાઈત ઠાકરેએ લખેલા વેશો મૌખિક યાદ હતા. અસાઈત ઠાકરેએ આપેલા વેશોને આપણે સાચવ્યા કે જાળવ્યા નથી. રંગભૂમિના આધુનિકીકરણ બાદ આ વેશ ભજવાતા બંધ થઈ ગયા છે. અત્યારે ઊંઝાના વિનાયક રાવલ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે ગામેગામ ફરીને આ નાટ્યકલાનું કૅમ્પેન કરી આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.’

રંગલો ને રંગલી

હું રંગલો ને આ રંગલી, તા થૈયા થૈયા થૈ... ભવાઈની વાત ચાલતી હોય અને રંગલો-રંગલી ન આવે એવું તો બને જ નહીં. પ્રાચીન ભવાઈથી માંડીને અર્વાચીન ભવાઈ નાટકો સુધી બે પાત્રો વચ્ચેના સંવાદને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો રંગલો નાના-મોટા સૌકોઈનો સૌથી વધુ ગમતો વેશ રહ્યો છે. જોકે મૂળ ભવાઈમાં રંગલીનું પાત્ર નહોતું. પ્રખર નાટ્યવિદ અને અભિનેત્રી સ્વ. દીના પાઠક (એ વખતે દીના ગાંધી)એ ભવાઈનો ઊંડો અભ્યાસ કરીને સામાજિક પ્રશ્નોને નવા વેશમાં વણી લીધા. ભવાઈ વેશોના નવીનીકરણમાં રંગલીના પાત્રની એન્ટ્રી થઈ જે આજ સુધી જોવા મળે છે.

ગુજરાતી નાટ્યભૂમિનાં બે જાણીતાં નામ ઘનશ્યામ નાયક (તારક મહેતાના નટુકાકા) અને લીલી પટેલને આપણે રંગલો-રંગલી તરીકે પણ ઓળખીએ છીએ. આ બન્ને કલાકારોએ આપણને ભવાઈના વેશ ભજવી ખૂબ હસાવ્યા છે. રંગલાના પાત્ર અને અભિનય વિશે વાત કરતાં ઘનશ્યામભાઈ કહે છે, ‘ભવાઈમાં રંગલાનું કૅરૅક્ટર બહુ પછીથી આવ્યું. વર્ષો પહેલાં ‘અખંડ આનંદ’ નામનું માસિક આવતું હતું, એમાં જયંતી પટેલ ‘રંગલો’ નામનો લેખ લખતા હતા. એ વખતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં જે ભવાઈ ભજવાતી એમાં તેઓ રંગલો, લીલી પટેલ રંગલી અને હું કાકાનું પાત્ર ભજવતો. એ અરસામાં જયંતીભાઈ અમેરિકા ચાલ્યા ગયા અને રંગલાનું પાત્ર મારા ભાગે આવ્યું. ત્યાર બાદ ૧૯૭૨માં દૂરદર્શનની શરૂઆત થઈ એમાં પહેલો કાર્યક્રમ હતો ‘આવો મારી સાથે.’ આ કાર્યક્રમ બાદ હું રંગલા તરીકે ઘરે-ઘરે ફેમસ થઈ ગયો. લગભગ ૫૦ વર્ષ સુધી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં મેં અને લીલીએ રંગલા-રંગલીનું કૅરૅક્ટર ભજવ્યું છે. અમારી જોડી આ જ નામથી ઓળખાય છે. મૂળ ભવાઈમાં જૂઠણ અને રામલીલામાં વિદૂષક એ જ નવી રંગભૂમિનો રંગલો છે.’

હું સ્ટેજ-આર્ટિસ્ટ છું અને રંગલો મારા દિલની નજીક છે. અમે નાયક જ્ઞાતિના. અમારો બાપ-દાદાનો મૂળ વ્યવસાય ભવાઈ જ છે એમ જણાવતાં ઘનશ્યામભાઈ આગળ કહે છે, ‘મારી પાસે રંગલાની ટોપી અને કપડાં છે. લીલી પણ રંગલીનાં કપડાં પહેરી લે તો અમે લોકોને હસાવી શકવા માટે સક્ષમ છીએ. જોકે ભવાઈમાં વપરાતા ભૂંગળ વગાડવાવાળા આજે ક્યાંય નથી. છાતીના પાવરથી વગાડવામાં આવતું આ સુરીલું વાદ્ય શીખવી ન શકાય. એના કોઈ ક્લાસ ન હોય. ફિલ્મ અને નાટક ઇન્ડસ્ટ્રીમાં કોઈને આવડતું નથી. અત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભવાઈ થાય છે, પણ એમાં જે ચેનચાળા અને ચેષ્ટા જોવા મળે છે એ બીભત્સ અને વિચિત્ર છે એટલે જોવાની મજા નથી આવતી. ડિજિટલ યુગમાં આ બધી વાતો સંભારણું બની ગઈ છે. ‘તારક મહેતા’માં કોઈક વાર રંગલાની સ્ટાઇલમાં ઍક્ટિંગ કરીને કે તેનું કૅરૅક્ટર ભજવીને મારા-તમારા આપણા સૌના રંગલાને જીવંત રાખવાનો પ્રયાસ કરું છું.’

ભવાઈનું આધુનિકીકરણ

મૂળ નાટ્યકળામાં સમયની સાથે ઘણાં પરિવર્તન આવ્યાં છે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. મહેશ ચંપકલાલ કહે છે, ‘ભવાઈની કેટલીક લાક્ષણિકતાઓ જેવી કે પૂર્વરંગ, આવણું (જેમાં દરેક પાત્ર નાચતું-ગાતું પ્રવેશે અને પાતાનો પરિચય જાતે આપે), પ્રેક્ષકો સાથે સીધો સંવાદ અને હાસ્યરસનો સર્જનાત્મક વિનિયોગ કરી આધુનિક નાટ્યકારોએ કેટલાંક ઉત્તમ નાટકોનું સર્જન કર્યું છે, જેમાં રસિકલાલ પરીખ કૃત ‘મેના ગુર્જરી’, ચંદ્રવદન મહેતા લિખિત ‘હોહોલિકા’, ‘મેના પોપટ’, ચીનુ મોદી રચિત ‘જાલકા’, હસમુખ બારાડી સર્જિત ‘રાઇનો દર્પણ રામ’, બકુલ ત્રિપાઠી કૃત ‘લીલા’ અને પ્રવીણ પંડ્યા લિખિત ‘હાથીરાજા’ મુખ્ય છે. પ્રસિદ્ધ દિગ્દર્શક પ્રવીણ જોષીએ વર્ષો પહેલાં આઇએનટી સંસ્થાના નેજા હેઠળ રામજી વાણિયા લિખિત ભવાઈ શૈલીનું આધુનિક નાટક ‘મોતી વેરાણા ચોકમાં’ ભજવેલું. આ નાટકમાં આજનાં ખ્યાતનામ અભિનેત્રી પદ્‍મશ્રી સરિતા જોષીએ અભિનય કર્યો હતો. બદલાતા સમયની સાથે આધુનિક નાટ્યકારોએ ગુજરાતની આ વિશિષ્ટ નાટ્યકળાને નવા સ્વરૂપે પ્રસ્તુત કરી એને જીવંત રાખવાનો જે પ્રયાસ કર્યો છે એ મારા અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો છે.’

શું કરી શકાય?  

આજના આધુનિક અને ટેક્નૉલૉજીના યુગમાં આ નાટ્યકળા અને સંસ્કૃતિને જીવંત રાખવી અઘરું છે. આ સંદર્ભે જનકભાઈ કહે છે, ‘ભવાઈ નાટ્યકળાને ખરેખર જીવંત રાખવી પણ હોય તો કઈ રીતે એ મુખ્ય મુદ્દો છે. ટેલિવિઝન ધારાવાહિક, ફિલ્મો અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના યુગમાં ભવાઈ જોવા કોણ આવે? બીજું, સરકારી સહાય મળતી નથી. આ બાબતે અમે ઘણા પ્રયાસ કર્યા છે, પરંતુ ભજવણી માટેની જગ્યા ઉપલબ્ધ નથી તેમ જ કોઈ નાણાં રોકવા તૈયાર નથી. નાછૂટકે ભવાયાઓએ નાની-મોટી નોકરી અને બીજા કામધંધા શોધી લેવાં પડ્યાં છે. ધંધાદારી ભવાયાઓ હજી પણ ઘણું કરી શકે એમ છે. જો સરકાર ધ્યાન આપે તો તાલીમ આપીને આ પરંપરાને સાચવીને આગળ વધારી શકાય એમ છે.’

મૂળ નાટ્યકળામાં સમયની સાથે ઘણાં પરિવર્તન આવ્યાં છે. ભવાઈની કેટલીક લાક્ષણિકતાઓ જેવી કે પૂર્વરંગ, આવણું જેમાં દરેક પાત્ર નાચતું-ગાતું પ્રવેશે અને પોતાનો પરિચય જાતે આપે, પ્રેક્ષકો સાથે સીધો સંવાદ અને હાસ્યરસનો સર્જનાત્મક વિનિયોગ કરીને આધુનિક નાટ્યકારોએ કેટલાંક ઉત્તમ નાટકોનું સર્જન કર્યું છે. બદલાતા સમય સાથે આધુનિક નાટ્યકારોએ ગુજરાતની આ વિશિષ્ટ નાટ્યકળાને નવા સ્વરૂપે પ્રસ્તુત કરી એને જીવંત રાખવાનો જે પ્રયાસ કર્યો છે એ મારા અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો છે.

- ડૉ. મહેશ ચંપકલાલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ

ગાયન, વાદન અને નર્તન વગર ભવાઈ વેશો ભજવી શકાય નહીં. ચક્ષુચાળો અને બૉડી-લૅન્ગ્વેજ મહત્ત્વનો ભાગ છે. માત્ર ‘તા થૈયા થૈયા થૈ’ બોલાય એને ભવાઈ ન કહેવાય. એમાં લય-તાલ અને ઠેકા લેવાના હોય. તબલાં અને ભૂંગળ તો ભવાઈનો આત્મા છે. ગાયન ભાગની શરૂઆતમાં નીચેનો સૂર વાગે ત્યારે નર ભૂંગળનો ઉપયોગ થાય અને પંચમ અને સાજિંદાઓ જ્યારે ઊંચા સ્વરે ગાતાં-ગાતાં નર્તન કરતા હોય ત્યારે માદા ભૂંગળનો ઉપયોગ થાય. જોકે હવે આ પ્રકારની ભજવણી વખતે સારાં તબલાં વગાડી શકે એવા તબલચી મળવા પણ મુશ્કેલ છે.

-જનક દવે, ગુજરાત યુનિવર્સિટીના નાટ્ય વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ

ઑલ ઇન્ડિયા રેડિયોમાં જે ભવાઈ ભજવાતી એમાં જયંતી પટેલ રંગલો, લીલી પટેલ રંગલી અને હું કાકાનું પાત્ર ભજવતો. એ અરસામાં જયંતીભાઈ અમેરિકા ચાલ્યા ગયા અને રંગલાનું પાત્ર મારા ભાગે આવ્યું. દૂરદર્શનના કાર્યક્રમ ‘આવો મારી સાથે’ બાદ હું રંગલા તરીકે ઘરે-ઘરે ફેમસ થઈ ગયો. લગભગ ૫૦ વર્ષ સુધી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં મેં અને લીલીએ રંગલા-રંગલીનું કૅરૅક્ટર ભજવ્યું છે. ડિજિટલ યુગમાં આ બધી વાતો સંભારણું બની ગઈ છે. ‘તારક મહેતા’માં કોઈક વાર રંગલાની સ્ટાઇલમાં ઍક્ટિંગ કરીને મારા-તમારા આપણા સૌના રંગલાને જીવંત રાખવાનો પ્રયાસ કરું છું.

- ઘનશ્યામ નાયક, અભિનેતા

Varsha Chitaliya columnists weekend guide