જૂની સાડીને નવી રીતે ડ્રેપ કરીને મેળવો દિવાળીનો ન્યુ લુક

10 November, 2020 03:57 PM IST  |  Mumbai | Bhakti D Desai

જૂની સાડીને નવી રીતે ડ્રેપ કરીને મેળવો દિવાળીનો ન્યુ લુક

જૂની સાડીને નવી રીતે ડ્રેપ કરીને મેળવો દિવાળીનો ન્યુ લુક

અંગ્રેજીમાં કહેવત છે ‘ઈટ ટુ પ્લીઝ ધાય સેલ્ફ, ડ્રેસ ટુ પ્લીઝ અધર્સ’. આપણે જમીએ છીએ આપણા સંતોષ માટે, પણ કપડાં તો અન્યને પ્રભાવિત કરવા જ પહેરીએ છીએ. તેથી જ દિવાળી અને બેસતું વર્ષ આવવાનું હોય ત્યારે દર વર્ષે બહુચર્ચિત વિષય હોય છે નવાં કપડાંની ખરીદીનો. જોકે આ વર્ષે

દરેક સ્ત્રી ઓછા-વત્તા અંશે પોતાંના કપડાંને ડિઝાઇન કરવાનું કૌશલ્ય જરૂર ધરાવતી હોય છે અને કોઈ પણ સ્ત્રી હોય, તેની પાસે પોતાનાં એટલાં કપડાં તો હોય જ છે કે જો કોઈ પ્રસંગમાં નવી ખરીદી કરવાનો સમય ન મળે તો એ પ્રસંગમાં પણ મનમોહક કપડાં પોતાના કબાટમાંથી મળી જ રહે અને એ પ્રસંગમાં નવાં કપડાં પહેર્યાં હોય એવો આભાસ સંભવ છે. આ દિવાળીમાં આપણે એક કદમ આગળ વધીએ અને પોતાના જ કબાટમાં જૂનાં અને નવાં વસ્ત્રોને મિક્સ-મૅચ કરીને આ વર્ષની દિવાળી અને બેસતા વર્ષ માટે નવું શું કરી શકાય એ વિશે જાણીએ ફૅશનના નિષ્ણાત પાસેથી.

એક નજર ફેરવો પોતાનાં બાજુએ મૂકેલાં કપડાં પર

ઘાટકોપરમાં રહેતાં યુવાન ફૅશન ડિઝાઇનર રિચા શાહ ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્રમાં આગવી સૂઝ-સમજ અને સર્જનશીલતા ધરાવે છે. તેઓ કહે છે, ‘આ વર્ષે દિવાળીમાં નવાં કપડાં ડિઝાઇન કરાવવા અથવા ખરીદવાનો મોકો મહિલાઓને મળ્યો નથી તો સૌથી પહેલું કામ તો દરેકે પોતાના કબાટમાં એ કપડાં પર નજર ફેરવવાનું કરવું જોઈએ જેને તેઓ આઉટ ઑફ ફેશન અથવા સાવ સાદાં અથવા જૂનાં કહીને બાજુએ મૂકી દેતા હોય છે. આ આખા વિષયમાં બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે પોતાનાં કપડાંને પહેરવાની રીતમાં નવીનતા લાવવી. ભારતીય પરિધાનોમાં આજકાલ સૌથી વધુ ટ્રેન્ડમાં સાડી છે અને એમાં નવીનતા લાવવા કોઈ સિલાઈ કે કંઈ કામ કરવાની જરૂર નથી. કોઈ પણ સ્ત્રી એક વાતનું ધ્યાન રાખતી હોય છે કે તેઓ જ્યારે પણ ખરીદી માટે જાય છે તો રંગ, ડિઝાઇન, પૅટર્ન અને ફૅબ્રિકની વિવિધતાથી જ પોતાનું કલેક્શન બનાવે છે અને આવા સમયે આ વિવિધતાનો આપણે બખૂબી ઉપયોગ કરીને તેમાંથી કંઈ નવું સર્જી શકીએ છીએ.’

સાડી પહેરવાની સ્ટાઇલમાં બદલાવ

રિચા સાડીને પહેરવાની અવનવી પદ્ધતિઓ વિશે કહે છે, ‘આપણે ત્યાં સ્ત્રીઓ ઘરમાં ઊજવાતા પ્રસંગથી લઈને લગ્નપ્રસંગ સુધી માત્ર બે જ રીતે સાડી પહેરે છે; ગુજરાતી અને બેન્ગોલી. આ સિવાય કોઈ પણ સાડીને ખૂબ જ સરળતાથી મરમેઇડ સ્ટાઇલમાં પહેરી શકાય છે જેમાં કોઈ પણ ગોલ્ડન બ્લાઉઝ સાથે જ્યૉર્જેટ અથવા પાતળા ફૅબ્રિકની સાડીને ગુજરાતી પદ્ધતિથી પહેરી પલ્લુ ગોઠણથી પણ નીચે સુધી લાંબો લેવો અને વચ્ચે બૉક્સ પાટલી લેવી. છેલ્લે પલ્લુનો એક છેડો ગુજરાતી સ્ટાઇલમાં લઈએ તેમ જ, પણ પલ્લુના ડાબા છેડાને કમરની ડાબી બાજુએથી જમણી તરફ આગળ સુધી લાવવો અને કમર ન દેખાય તેમ ટાઇટ ખોસી સેફટી પિન મારી લેવી. આની પર કોઈ પણ ગોલ્ડન બેલ્ટ પણ પહેરી શકાય છે. આવી સાડી વાઇન ગ્લાસના આકારનું ફિગર ધરાવનારા પર સરસ દેખાય છે. બીજી રીત એવી છે કે જેમાં તમે કોઈ પણ ઘેરા રંગના દુપટ્ટાને આછા રંગની સાડી સાથે અથવા પ્લેન, પ્રિન્ટેડ સાડી-દુપટ્ટામાં જે રીતે બેન્ગોલી પદ્ધતિથી સાડી પહેરે એમ પહેરીને ડાબી બાજુના ખભા પર દુપટ્ટાને ચાર ઘડીમાં સાડીની પાટલી વાળે તેમ બેસાડી ખભે સેફટી પિન મારી લેવી. પછી પાછળ દુપટ્ટાનો પાછળનો લટકતો પલ્લુ જમણી તરફથી આગળ પાટલી સુધી લાવવો. દિવાળી જેવા પ્રસંગમાં ઘેરા રંગનું અથવા ગોલ્ડન બ્લાઉઝ સાડીની અને દાગીનાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આવામાં રાણી અને કેસરી રંગ, ગુલાબી અને ગ્રે, લાલ અને લીલો આ બધા રંગ પણ ખૂબ સુંદર અને એક તાજો દેખાવ આપે છે. દુપટ્ટા સાથે સાડી પહેરવાથી એવું લાગશે જાણે કોઈ નવી જ સાડી પહેરી હોય.’

ડબલ ડ્રેપિંગમાં શું કરી શકાય?

તેઓ આગળ ડબલ ડ્રેપિંગ વિશે કહે છે, ‘બે સાડીને લઈને પણ ખૂબ સુંદર કૉમ્બિનેશન બનાવી શકાય છે. જો તમારી પાસે એક એકદમ હલકી શિફોન સાડી હોય અને બીજી ભારી બ્રૉકેડ સાડી હોય તો બ્લાઉઝ શિફોનની સાડીનું પહેરી શકાય અથવા એમાં કોઈ પ્લેન પણ કલરવાળું બ્લાઉઝ પણ લઈ શકાય અને બ્રૉકેડ સાડીને બેન્ગોલી પદ્ધતિથી પાટલી લઈએ ત્યાં સુધી પહેરવી, પછી બીજી શિફોન સાડીમાં અડધી સાડીની પાટલી કરી એને પણ પાટલીમાં, પણ ડાબી તરફથી ખોસવી અને પછી બ્રૉકેડનો પલ્લુ ડાબા ખભે અને શિફોન સાડીનો પલ્લુ પાછળથી લઈ જમણા ખભે  ગુજરાતી સ્ટાઇલની જેમ લેવો. આનાથી આગળ અને પાછળ રંગોની, ફૅબ્રિકની અને પ્રિન્ટની વિવિધતાથી કોઈ જુદી જ સાડી પહેરી હોય એવો દેખાવ મળે છે. સાથે જ સાડીની નજાકત વધી જાય છે. આને ડબલ ડ્રેપિંગ પણ કહી શકાય. બીજી એક લેહંગા ચોલી તરીકે પહેરવાની રીત એવી છે કે ઉદાહરણ માટે એક સાડી લાલ રંગમાં ઝીણી બ્લુ રંગની પ્રિન્ટ જેવી હોય અને બીજી બ્લુ રંગની હોય તો ગોલ્ડન બ્લાઉઝ પર લાલ રંગની બ્લુ ઝીણી પ્રિન્ટવાળી સાડીને ફક્ત લેહંગામાં સ્કર્ટની જેમ ખોસવી અને બીજી બ્લુ સાડીને ખભા પર પાટલી કરીને લાંબો પલ્લુ લેવો, જેમાં બે મીટર વપરાઈ જશે અને બાકી બચેલી સાડીને પાછળથી રાઉન્ડ લઈ લેહંગા ચોલીમાં પહેરે તેમ કમર પર ખોસી દેવી. આ રીતે સાડી પહેરવાથી ખૂબ સુંદર લાગે છે.’

સી-થ્રૂ સાડીને કઈ રીતે નવો ઉઠાવ આપી શકાય?

તમારી પાસે નેટવાળી અથવા પારદર્શક સાડી હોય તો એને તમારા ફલોરલ અથવા બીજી ડિઝાઇનના લૉન્ગ સ્કર્ટ પર પહેરી શકાય, કારણ કે આમાં સ્કર્ટની પ્રિન્ટ સાડીમાંથી દેખાશે અને એક જુદો જ ઉઠાવ આપશે

કેન-કેન એટલે કે નેટ જેવું મટીરિયલ બજારમાંથી લાવી કોઈ પણ પેટિકોટ પર દરજી પાસે એને લગાવડાવી, ઘેર આપી લેહંગા જેવું બનાવવા કહેવું. આના પર કોઈ પણ સી-થ્રૂ સાડી પહેરવાથી ખૂબ જ સુંદર દેખાવ મળશે

પારદર્શક સાડીને લેહંગા ચોલી પર પણ સાડીની જેમ પહેરી શકાય

આવી સાડીઓને ઇન્ડો-વેસ્ટર્ન લુક આપવા ક્રૉપ ટૉપ અથવા અન્ય કોઈ પણ વેસ્ટર્ન ટૉપ પર પહેરી શકાય

સાડીમાંથી શું બનાવી શકાય?

જૂની ભારી સાડીમાંથી લેહંગા અને ચોલી બનાવી લો

લૉન્ગ ટૉપ બનાવી શકાય

કુરતી માટે લૉન્ગ શ્રગ અથવા બટન ડાઉન કુરતી અથવા જૅકેટ બનાવી શકાય

લોંગ ગાઉન પણ ખૂબ સરસ બની શકે

અનારકલી જેવા ઘેરવાળી કુરતી બનાવી શકાય

પ્લેન પ્રિન્ટેડ આમ બે સાડી લઈને બન્નેમાંથી એવી કુરતી બનાવી શકાય કે અંદર પ્લેન દેખાય અને બહાર પ્રિન્ટેડ અથવા એનાથી વિરુદ્ધ. આ સાડીમાંથી વચ્ચે સિલાઈ કરી અઢી મીટરનો હાફ ઍન્ડ હાફ દુપટ્ટો પણ બનાવી શકાય, જે સાડી અથવા કુરતી સાથે વાપરી શકાય

ટ્રેડિશનલ દેખાતું ક્રૉપ ટૉપ પણ બનાવી શકાય, જેને ડેનિમ સાથે પહેરી ઇન્ડો-વેસ્ટર્ન લુક મળી શકે

સાડી ન પહેરવી હોય તો આમ પણ કરી શકો

કોઈ પણ પ્લેન સાદી કુરતી હોય તો ભારી સાડીમાંથી જૅકેટ અથવા લૉન્ગ શ્રગ બનાવડાવી તેને કોઈ પણ ડેનિમ અથવા લેગિંગ સાથે પહેરી શકાય

બટન ડાઉન લૉન્ગ કુરતીનો પણ એક ઉપયોગ થઈ શકે. અંદર એક ગોઠણ સુધીનું સ્લીવલેસ ટૉપ કે કુરતી પહેરી બટનવાળી લાંબી અને થોડી ઘેરવાળી કુરતી ઉપર પહેરી એનાં બટન ખોલી નાખવાં. આનાથી ખૂબ જ સુંદર ડબલ કુરતીનો દેખાવ આવશે અને જો કોઈને પગ ન ખુલ્લા રાખવા હોય તો નીચે પલાઝો પહેરી શકાય.

મોનોક્રોમ એટલે કે એકજ  રંગમાં કોઈ પણ સાદી એક રંગની કુરતી અને એ જ રંગનો ભારી અથવા સાદો દુપટ્ટો લેવો. કુરતી પહેરી દુપટ્ટાને સાડીના પલ્લુની જેમ ઘડી કરી ખભા પર કુર્તી સાથે સેફટી પિનથી અટકાવવો. કમર પર કોઈ પણ મેટાલિક બેલ્ટ પહેરી  દેખાવને એક કમ્પ્લીટ લુક આપવો. નીચે ડેનિમ અથવા લેગિંગ પહેરી શકાય. આ સ્ટાઇલ વીસ વર્ષથી ત્રીસ વર્ષની છોકરીઓને ખૂબ સરસ લાગશે.

જે છોકરીઓ ક્રૉપ ટૉપ સાથે સામાન્ય રીતે જીન્સ સાથે પહેરે છે તે હાઈ-વેસ્ટનું લૉન્ગ સ્કર્ટ પહેરી શકે.

columnists bhakti desai fashion diwali