‘મારે શું?’ અને ‘મારું શું?’ની માનસિકતા છોડીને હવે બહાર આવો, પ્લીઝ

18 March, 2023 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે કલ્પના ન કરી હોય એનાથી વધુ વિકૃત અને ક્રૂર આ વિશ્વ છે અને હ્યુમન ટ્રાફિકિંગમાં નાનાં-નાનાં બાળકો સેક્સ માટે ડાર્ક-વેબ પર વેચાય છે

પ્રતીકાત્મક તસવીર

અન્યાયનો વિરોધ કરો અને જેમની સાથે અન્યાય થયો છે તેમને ફરી ઊભા થવા માટે મદદ કરો. જીવનમાં આનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી

એ વર્ષ હતું ૨૦૦૭, જ્યારે ‘નો મોર ટિયર્સ’નો જન્મ થયો. 
ફ્લૉરિડાના માયામીમાં મેં એની શરૂઆત કરી હતી. હ્યુમન ટ્રાફિકિંગ અને ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનેલા લોકોને એમ્પાવર કરવાનો અમારો હેતુ હતો. એ જ રીતે એલજીબીટીક્યુ કમ્યુનિટી સાથે પણ ખૂબ અન્યાય થતો હતો અને તેમની તકલીફોમાં પણ ભાગીદાર બનીને તેમને સપોર્ટ કરવો હતો. એ સમય અને આજનો સમય. હવે કોઈ આંસુ નહીં એવા ધ્યેયથી અમે શરૂ કર્યું અને ખરેખર ઘણાનાં આંસુ દૂર કરવાની દિશામાં પણ કામ કર્યું, પરંતુ એ પણ હકીકત છે કે છેલ્લાં પંદરેક વર્ષમાં અન્યાય અને અત્યાચાર સહેનારાઓની સંખ્યા સતત વધતી જ રહી છે. અત્યારે પણ મને દરરોજ પંદરથી વીસ રેફરલ કૉલ્સ જુદાં-જુદાં પોલીસ સ્ટેશન અને વિક્ટિમના ઍડ્વોકેટ તરફથી આવતા રહે છે. એવા-એવા કિસ્સા બને છે કે એ સાંભળતાં તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય, શરીરમાં ધ્રુજારી છૂટી જાય એવી ક્રૂરતા લોકો કરતા હોય છે.

વિશ્વભરમાં હ્યુમન ટ્રાફિકિંગ સૌથી વધુ મોટું થઈ રહેલું ક્રાઇમ છે. ડ્રગ ઇન્ડસ્ટ્રી પણ તમને એની સામે નાની લાગશે, કારણ કે વ્યક્તિ ડ્રગ્સ તો એક વાર લે અને એ લઈને પોતાની જાતને ડૅમેજ પહોંચાડે, પણ સેક્સ ટ્રાફિકિંગમાં તો એક વ્યક્તિ વારંવાર‍ વેચાશે અને જ્યાં સુધી તેનામાં જીવ હશે અથવા તો તે જ્યાં સુધી ભોગવવાને લાયક રહેશે ત્યાં સુધી તેનું શોષણ થતું રહેશે. થોડા સમય પહેલાં અમે ૯ વર્ષની એક છોકરીને રેસ્ક્યુ કરેલી. મૅરેજ વેબસાઇટ દ્વારા લગ્ન કરવાના બહાને માયામી લાવવામાં આવી હતી અને પછી તેને તેના પોતાના જ પાર્ટનરે ટ્રાફિકર્સને વેચી દીધી. તેનાં નસીબ સારાં કે પોલીસને એની જાણ થઈ અને તેને એમાંથી બહાર કાઢીને ‘નો મોર ટિયર્સ’ને સોંપવામાં આવી અને પછી અમે તેને સેફલી ભારત પાછી પહોંચાડી દીધી. આવા લોકોને તેમના ઘરે પાછા પહોંચાડવા માટે તેમનાં ટિકિટ-ભાડાંથી લઈને તેમને ટ્રૉમામાંથી બહાર કાઢીને નૉર્મલ લાઇફ જીવતા કરવામાં અમારા ડોનર્સનો ખૂબ સપોર્ટ મળતો હોય છે. આ પ્રકારના કામમાં સતત પૈસાની જરૂર પડે છે અને સમાજના હિસ્સા તરીકે જો તમે સમય ન આપી શકતા હો, સેવા ન કરી શકતા હો તો તમારી આર્થિક સ્થિતિ મુજબ ફાઇનૅન્શિયલ હેલ્પ કરશો તો પણ આ પ્રકારનું કામ કરનારાઓને ઘણું પ્રોત્સાહન મળશે અને તેમનું કામ સરળ બની જશે. મારી જ વાત કરું કે જો મને ડોનરનો સપોર્ટ ન મળ્યો હોત તો ઑર્ગેનાઇઝેશન શરૂ થયા પછી અમે જે ૪૦,૦૦૦ જેટલી મહિલા, બાળકો કે પુરુષોને બચાવી ન જ શક્યાં હોત.

એ કેસને હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. હજી પણ એ હકીકત હું ડાયજેસ્ટ નથી કરી શકી કે પેરન્ટ્સ પોતાની જ દીકરીને કેવી રીતે વેચી શકે. બે વર્ષની નાની દીકરી હતી તે, જેને તેના પેરન્ટ્સે જ ડાર્ક વેબ પર સેક્સ માટે વેચી દીધી. આટલી નાની નાદાન બાળકીની પીડાને હું જોઈ નહોતી શકતી. તેને આ ટ્રૉમામાંથી બહાર કાઢવાનું પણ અમારા માટે અઘરું હતું, કારણ કે તે થેરપીને સમજી શકે એ માટે પણ ખૂબ યંગ હતી. અફકોર્સ ઇવેન્ચ્યુલી તે એમાંથી બહાર આવી અને અત્યારે નૉર્મલ લાઇફ જીવે છે, પરંતુ એમ છતાં હજીયે ઘણી વાર અડધી રાતે આઘાતમાં, ઝાટકા સાથે જાગી જાય છે. તેના જીવનમાંથી કદાચ એ અનુભવને તે ક્યારેય સંપૂર્ણપણે તો નહીં જ ભૂંસી શકે.

ઘણાને ખબર નથી, પણ ડાર્ક વેબનો કારોબાર ખરેખર ખૂબ ગંધાતો હોય છે. આ એવી જગ્યા છે જ્યાં લોકો બાળકો, સ્ત્રીઓ, પુરુષો, હથિયાર, ડ્રગ્સ અને એના જેવું ઘણું વેચી-ખરીદી શકે છે. બહુ જ હાઇલી સ્કિલ્ડ ઇન્ડિવિજ્યુઅલ દ્વારા આ આખું મેકૅનિઝમ વર્ક કરે છે. એવા પાસવર્ડ સાથે એનું ડીલિંગ થાય જેને હૅક કરવું કે બ્રેકડાઉન કરવું અઘરું છે. કોઈ તપાસ-એજન્સી માટે એને કૅપ્ચર કરવું કે એનું પગેરું શોધવું ખૂબ અઘરું હોવાને લીધે આ કાળો ધંધો બેરોકટોક ચાલે છે.

હું જ્યારથી આ રેસ્ક્યુ અને રીહૅબિલિટેશનના કામમાં જોડાઈ છું ત્યારથી મને સમજાયું છે કે આ દુનિયા આપણી કલ્પના કરતાં વધુ ભયાનક છે. નાનપણમાં પોતાનાં બાળકોને સાવચેત રહેવા માટે પેરન્ટ્સ જે ડર દેખાડતા એના કરતાં પણ આ દુનિયા વધારે ડરામણી છે. એવાં ઘાતકી અને ક્રૂરતાની ચરમસીમા ધરાવતાં ક્રાઇમ થાય છે કે માનવજાત પરથી વિશ્વાસ ઊઠી જાય. એક સામાન્ય વ્યક્તિએ અહીં શાંતિથી જીવવું અઘરું છે.

અલબત્ત, આશાનું કિરણ ત્યારે દેખાય જ્યારે કોઈ પીડિતને બચાવવાની અને તેમને ફરીથી હીલ થવાની ક્ષણમાં આપણે ભાગીદાર બનીએ. એનો સંતોષ પણ સાવ અલગ જ હોય છે. જેમ કે દરરોજ સવારે હું જ્યારે જાગું ત્યારે મને એ સંતોષ હોય છે કે આજે પણ હું કોઈકને મદદ કરી શકીશ. મારી ઇચ્છા છે કે આ એનજીઓ થકી દુનિયાના દરેક દેશોમાં અમે કામ કરતા હોઈએ અને જ્યાં મહિલા કે બાળકો પર વધુ અત્યાચાર થતા હોય તેમની મદદે અમે આવી શકીએ. તમે એનજીઓનું નામ પણ જુઓ, ‘નો મોર ટિયર્સ’, જેનો પર્પઝ પણ એ જ છે કે હું જ્યારે આ દુનિયામાંથી વિદાય લઉં ત્યારે લોકો તકલીફમાં ન હોય, ઘણાની આંખનાં આંસુ દૂર કરવાનું કામ અમે સહિયારા લેવલ પર કરી શક્યાં હોઈએ. હું હંમેશાં લોકોને ઍન્કરેજ કરતી હોઉં છું કે ક્યાંય પણ અન્યાય થતો જુઓ તો એનો વિરોધ કરો. ‘આપણે શું’વાળા ઍટિટ્યુડમાંથી હવે બહાર આવીને બીજા માટે શું કરી શકાય એ દિશામાં વિચારતા થાઓ. ઘણી વાર સ્ત્રીઓ અને બાળકો પર અન્યાય કરનાર મોટી વ્યક્તિ હોય, પાવરમાં હોય તો પણ તેના વિશે નીડરતાથી વાત થવી જોઈએ. મોટા માણસના ખોટા કૃત્યને જ્યારે તમે રોકતા નથી ત્યારે તેને બહુ મોટું પ્રોત્સાહન મળી જાય છે અને પછી તે બીજા કોઈ સ્તરે પણ આગળ વધતાં ખચકાતા નથી. ‘મારે શું’, ‘આમાં મારે પડવું નથી’ કે ‘બીજાના પ્રૉબ્લેમમાં હું શું કામ મારી લાઇફમાં તોફાન લાવું’ એવું વિચારનારાઓ સમાજને સૌથી મોટી હાનિ પહોંચાડે છે. જો ગાંધીજીએ આવું વિચાર્યું હોત તો આપણો દેશ ક્યારેય આઝાદ ન થયો હોત. મધર ટેરેસાથી લઈને મન્ડેલા, મલાલા જેવા દરેક લોકોએ પોતાના આદર્શ અને સમાજનાં હિતને મહત્ત્વ આપ્યું અને એટલે જ સમાજ આજે પણ ટકી રહ્યો છે.

પર્પઝ ઑફ લાઇફ

કોઈ તમને પૂછે કે જીવન શું છે તો શું જવાબ આપશો? 
તમારા જીવનનું ધ્યેય શું છે? પર્પઝ ઑફ લાઇફ ક્યારેય વિચાર્યું છે? 
પૈસા કમાવા, કરીઅર બનાવવી, આગળ વધવા માટે કામ કરવું એ બધું જીવનયાત્રાનો એક ભાગ હોઈ શકે, પણ પર્પઝ ઑફ લાઇફ તો ક્યારેય નહીં. હું દરેક વ્યક્તિને કહીશ કે તમારા જીવનમાં ધ્યેય શું છે એના વિશે વિચારો. તમારો પર્પઝ ઑફ લાઇફ શોધો. જીવનમાં આવતાં દુઃખ અને તકલીફો જ આપણને પર્પઝ ઑફ લાઇફ શોધવા માટે પ્રેરતો હોય છે. કોઈકને દોજખમાંથી બહાર કાઢીને તેમને નૉર્મલ લાઇફ જીવવામાં મદદ કરવી એ પર્પઝ ઑફ માય લાઇફ મને મારી જ જર્નીમાંથી મળ્યો છે. હું દરેકને કહીશ કે વિક્ટિમ કાર્ડ રમવાનું બંધ કરો. તમારી તકલીફમાંથી બહાર આવવાના રસ્તા તમારે જાતે જ શોધવાના છે અને તમારે જાતે જ તમારી મદદ કરવાની છે એ દિશામાં વિચારવાનું શરૂ કરો. ધારો કે તમે તમારી સ્ટોરી લોકો સાથે શૅર કરતા હો તો તે બીજાને અવેર કરવા માટે અને તમે જે ટ્રૅપમાં ફસાયા એવું બીજા સાથે ન બને એ ધ્યેય સાથે કરો.

ક્યારેય ભૂલતા નહીં આ વાત

ધરતી પર સુખ-સગવડો મળ્યાં એ આપણું સદ્નસીબ છે, કારણ કે દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ તમારી કલ્પના બહારની પીડા સહન કરીને પોતાના પાયાના માનવ-અધિકાર માટે ટળવળી રહ્યા છે. આપણા સૌની એ નૈતિક ફરજ છે કે આપણે આ લોકો માટે કંઈક કરીએ. સૌ મળીને જો સક્રિય થઈ ગયા તો ઘણા લોકોના જીવનમાં આશાનો સૂર્ય ઉગાડી શકીએ એમ છીએ. નસીબથી અમારી એનજીઓને લોકોનો ખૂબ સપોર્ટ છે. હું તો કહીશ કે સમય, પૈસા, સાચવણી, સેવા એમ જે પણ તમે આપી શકતા હો એ આપો, પણ તમારી આસપાસના સમાજમાં કોઈક દીનદુખી અથવા તો જેના પર ખૂબ અન્યાય થઈ રહ્યા છે તેમને બચાવવાની દિશામાં આગળ વધો.

- સોમી અલી

‘નો મોર ટિયર્સ’ સંસ્થા ચલાવતી પાકિસ્તાની-અમેરિકી ઍક્ટ્રેસ, રાઇટર, ફિલ્મમેકર, ઑન્ટ્રપ્રનર અને ઍક્ટિવિસ્ટ સોમી અલી મહિલાઓના અધિકાર માટે લડે છે. એ કામગીરી બદલ જ્યૉર્જ બુશ અને બરાક ઓબામા જેવા મહાનુભાવોએ અવૉર્ડ આપ્યા છે. ડિસ્કવરીની ‘ફાઇટ ઑર ફ્લાઇટ’ નામની ડૉક્યુ-સિરીઝમાં પણ સોમીની કામગીરી ફીચર્ડ થઈ છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists