શબ્દ જ નહીં, ઉચ્ચારણમાં પણ સહેજે કચાશ ન ચલાવે

15 March, 2022 04:05 PM IST  |  Mumbai | Gaurang Vyas

લતા મંગેશકર જેવા સિંગર કદાચ આપણને બીજા કોઈ મળી શકે પણ તેમના જેવું વ્યક્તિત્વ અને સ્વભાવ ક્યારેય આપણને બીજો નહીં મળે એ નક્કી છે

શબ્દ જ નહીં, ઉચ્ચારણમાં પણ સહેજે કચાશ ન ચલાવે

મારા પિતાશ્રી અવિનાશ વ્યાસને લતાજી સાથે ખૂબ જ સારા સંબંધો. તેમણે મારા પિતાજી સાથે ખૂબ કામ કર્યું અને કામ પૂરતા સંબંધો હતા એવું પણ નહીં. ઘર જેવા સંબંધો અને બધી રીતે વ્યવહારો રાખવામાં આવતા હોય એવા સંબંધો. મને આજે પણ પાક્કું યાદ છે કે પિતાશ્રી અવિનાશ વ્યાસે ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’નું મ્યુઝિક આપ્યું હતું એ સમયે મેં પહેલી વાર લતાજીને રૂબરૂ જોયાં હતાં. 
૧૯૬૦માં આવેલી એ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો લતાજીએ ગાયાં હતાં. એ ગીતો એવાં તે પૉપ્યુલર થયાં કે જાણે લોકગીતો. ‘મહેંદી રંગ લાગ્યો’નાં ગીતો આજે પણ એટલાં જ સંભળાય છે. આ ગીતોના રેકૉર્ડિંગ સમયે મારી ઉંમર વીસેક વર્ષની અને રેકૉર્ડિંગ દરમ્યાન લતાદીદીને અવારનવાર મળવાનું બન્યું. પિતાશ્રીના મ્યુઝિક રેકૉર્ડિંગમાં ગયો હોઉં ત્યારે તેમને મળવાનું બને. તેમની કોઈ વાત સૌથી વધારે અટ્રૅક્ટ કરી ગઈ હોય તો એ કે તે ગુજરાતી ગીત ગાવા માટે આવ્યાં હોય ત્યારે પોતાની સક્સેસનો કોઈ ભાર સાથે લઈને આવતાં નહીં.
પોતે હિન્દી ફિલ્મોનાં બહુ સફળ સિંગર છે એ તેમની વાતો કે પછી વર્તનમાં ક્યાંય ઝળકે નહીં. અરે તે સુધ્ધાં પણ એવી બધી વાતો અવૉઇડ કરે અને પ્રયાસ કરે કે એ જ સમયની વાતો થાય અને ગુજરાતી ગીતો કે પછી મ્યુઝિકને જ તે પ્રાધાન્ય આપે. ત્યાં બેસીને તેમને જે રીતે સાંભળ્યાં છે એ પણ બધું મને અત્યારે યાદ આવે છે. ગુજરાતી આપણા ઘણા સિંગરો તેમને બહુ ગમતા. હેમુ ગઢવીનું નામ મારે એમાં લેવું પડે. હેમુભાઈનું નવું આલબમ આવે તો તેમણે એ સાંભળી જ લીધું હોય. મને નવાઈ લાગે કે બહેન આટલી વ્યસ્તતા વચ્ચે પણ કેવી રીતે આ બધું સાંભળી લેતાં હશે. એ સમયે તો મોબાઇલ કે વૉકમૅન કે એવું કશું પણ નહીં કે તમે ટ્રાવેલિંગ દરમ્યાન પણ આ બધું સાંભળી શકો. લતાજી સતત જાતને અપડેટેડ રાખતાં અને જેમ સ્વર માટે રિયાઝ કરતાં એમ સારા સંગીતથી કર્ણનો પણ રિયાઝ આપતાં રહેતાં.
વર્ષ ૧૯૭૯-’૮૦માં સંગીતકાર તરીકે મેં ફિલ્મ કરી ‘પારકી થાપણ’. ફિલ્મના ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ. ફિલ્મના ટાઇટલ સૉન્ગ માટે અરુણભાઈની ઇચ્છા હતી કે એ લતાજી પાસે ગવડાવીએ અને તેઓ એ દિવસોમાં બહુ એટલે બહુ બિઝી. તમને અગાઉ અહીં જ કહેવાયું હતું એવી રીતે ખય્યામસાહેબનું રેકૉર્ડિંગ કૅન્સલ કરીને તેમણે એ ગીત રેકૉર્ડ કર્યું.
હું ખરેખર મારી જાતને ભાગ્યશાળી માનું કે મારે કારણે તેમણે ખય્યામસાહેબ જેવા દિગ્ગજ, ધુરંધર એવા સંગીતકારનું રેકૉર્ડિંગ કૅન્સલ કર્યું અને એ સમય મને આપ્યો. લતાજી સાથે આ બાબતમાં પણ જ્યારે ફરી વખત વાત કરી ત્યારે તેમણે દરેક વખતે એ વાત ઉડાવી દીધી છે. કોઈના માટે તે ભોગ આપે તો એ જરા પણ વર્તાવા ન દે અને સામેની વ્યક્તિ જો એ વાતને અહોભાવથી લે તો પણ તે એવી જ રીતે દેખાડે જાણે કે તેમણે કોઈ એવું મોટું કામ નથી કર્યું. ‘પારકી થાપણ’ પછી તો અમે ફરી વખત કામ કર્યું ફિલ્મ ‘નસીબદાર’ના એક ગીત માટે. મારા વહાલાને વઢીને કે’જો...
આ ગીતની સર્જનયાત્રા તો તમને ખબર જ છે એટલે એમાં જવાને બદલે હું લતાજીની બીજી વાત કહું તમને. ગુજરાતી ખૂબ સારી રીતે તે સમજી શકતાં પણ ભાષાની વાત છે આ અને વાત જ્યારે ગુજરાતી ગીતની વાત આવે ત્યારે તે શબ્દો અને ઉચ્ચાર માટે ખૂબ પર્ટિક્યુલર રહેતાં. એ સ્તર પર પર્ટિક્યુલર કે જેની તમે કલ્પના પણ ન કરી હોય. ક્યારેય શબ્દોના ઉચ્ચારણ માટે તેમને શંકા જાય કે તરત તે એ શબ્દનો મીનિંગ પૂછે, ઉચ્ચાર પૂછે અને એવું લાગે તો ત્યાં સુધી મૂળમાં જાય કે આ જે ઉચ્ચાર છે એ અલગ-અલગ પ્રાંતમાં ચેન્જ થતો હોય તો આપણે કયા પ્રાંતની વાત કરીએ છીએ, એનો ઉચ્ચાર મને સંભળાવો. 
લતાજી સાથે કામ કરવાની તક મળવી એ પણ બહુ મોટી વાત કહેવાય. હું તો કહીશ કે તમારાં સદ્નસીબ હોય તો તમને એવો લહાવો મળે. મારા પિતાશ્રીએ તો તેમની સાથે ઘણું કામ કર્યું અને એ કામ લતાજીને પણ ખૂબ ગમ્યું. પિતાશ્રીને લીધે મને પણ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો પણ એ જે મોકો મળ્યો એણે મને ઘણું, ઘણું, ઘણું શીખવ્યું અને સમજાવ્યું. તેમની પાસેથી શીખવા મળ્યું કે માણસ ગમે એટલો ટૅલન્ટેડ હોય પણ જો એ માણસ તરીકે શ્રેષ્ઠ નહીં હોય તો એની ટૅલન્ટની કોઈ કિંમત થવાની નથી. લતાજીના જવાથી સંગીતની દુનિયામાં શૂન્યાવકાશ સર્જાયો છે અને કદાચ એવું પણ બને કે તેમના જેવો અવાજ આપણને ભવિષ્યમાં મળી પણ જાય, પણ એક વાત નક્કી છે લતાજી તો આપણને નહીં જ મળે; કારણ કે તે વ્યક્તિ તરીકે પણ સર્વોચ્ચ હતાં. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તે જરા પણ કોઈના પર હાવી ન થાય. લતાજી હતાં સૂર્ય જેવાં. સૂર્ય સામે તમે જુઓ તો એની આજુબાજુનું કશું તમને દેખાય નહીં. પણ લતાજી સામે તમે જુઓ તો તમને એ પણ દેખાય અને તેમની આસપાસના પણ સૌકોઈ દેખાય. આ ભાવ અંદરથી જ આવે, આ ભાવ હૈયામાંથી જ જન્મે. લતાજીની ગેરહાજરીને હું વૈશ્વિક ખોટ કહું તો પણ ઓછું નહીં કહેવાય અને મારી વાત સાથે સૌકોઈ સહમત થશે એનો મને વિશ્વાસ છે.

શબ્દાંકનઃ રશ્મિન શાહ

columnists