ભાનુ અથૈયાના ગાંધી

24 October, 2020 06:36 PM IST  |  Mumbai | Raj Goswami

ભાનુ અથૈયાના ગાંધી

ભાનુ અથૈયાના ગાંધી

ગઈ ૧૫ ઑક્ટોબરે જેમનું ૯૧ વર્ષની વયે અવસાન થયું તે ભાનુ અથૈયાએ રિચર્ડ એટિનબરોની ‘ગાંધી’ ફિલ્મ (૧૯૮૨)માં શ્રેષ્ઠ વેશભૂષા માટે ભારતને પહેલો ઑસ્કર પુરસ્કાર અપાવ્યો પછી તેમનું નામ છાપાળવી ભાષામાં કહી તો ઘેર-ઘેર જાણીતું થઈ ગયું હતું. બાકી કૉસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે તેમનું યોગદાન અમુક શાનદાર ફિલ્મોમાં હતું. જેમ કે ગુરુ દત્તની સીઆઇડી, પ્યાસા, કાગઝ કે ફૂલ અને સાહિબ બીબી ઔર ગુલામ, ગંગાજમુના, વક્ત, તીસરી મંઝિલ, મિલન, જૉની મેરા નામ,

સત્યમ શિવમ સુન્દરમ, કર્ઝ, પ્રેમરોગ, એક દુજે કે લિએ, ચાંદની, આશિકી, ૧૯૪૨-અ લવ સ્ટોરી અને લગાન.

રિચર્ડ એટિનબરોએ ‘ગાંધી’ ફિલ્મ માટે કૉસ્ચ્યુમ ડિઝાઇનરની શોધ શરૂ કરી તો પહેલું જ નામ ભાનુ અથૈયાનું આવ્યું. અથૈયાને જ્યારે ઑસ્કર પુરસ્કાર મળ્યો ત્યારે ઍકૅડેમીને એક પત્રમાં એટિનબરોએ કહ્યું હતું, ‘ગાંધી મારા સ્વપ્નની ફિલ્મ હતી. એને સાકાર કરતાં મને ૧૭ વર્ષ લાગ્યાં હતાં, પણ પડદા પર ભારતીય પોશાક લાવવાની વાત આવી તો ભાનુ અથૈયાની પસંદગી કરતાં મને ૧૫ મિનિટ જ લાગી હતી. મને તરત જ થયું કે આ જ વ્યક્તિ શ્રેષ્ઠ છે.’

‘ગાંધી’ અગાઉ થોડાં વર્ષો પહેલાં અથૈયાએ હરમાન હેસની પ્રસિદ્ધ નવલકથા પરથી બનેલી અંગ્રેજી ફિલ્મ ‘સિદ્ધાર્થ’માં કામ કર્યું હતું, જેની નાયિકા સિમી ગરેવાલ તેમની દોસ્ત બની ગઈ હતી. રિચર્ડ એટિનબરોએ ‘ગાંધી’ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે મુંબઈમાં થિયેટર અભિનેત્રી ડૉલી ઠાકોરની નિમણૂક કરી હતી. ડૉલી ઠાકોરે સિમી મારફતે અથૈયાને સંદેશો મોકલાવ્યો કે એક વિદેશી નિર્દેશક ગાંધી પર ફિલ્મ બનાવે છે, કામ કરવું છે?

અથૈયાને એમાં બહુ રસ પડ્યો નહોતો. ક્યાં હિન્દી સિનેમાની ઝાકમઝોળ અને ક્યાં ગાંધીની ધોતી? સિમીએ અથૈયાને કહ્યું, ‘જોરદાર કામ છે અને તને તારી ટૅલન્ટ બતાવવાનો અવસર મળશે. હું ડિરેક્ટર સાથે તારી મીટિંગ ફિક્સ કરું છું. બાયોડેટા લઈને અને સારી રીતે તૈયાર-બૈયાર થઈને આવજે.’

અથૈયાએ મન બનાવ્યું.

મુંબઈના બાંદરામાં હોટેલ સી રૉકમાં રિચર્ડ એટિનબરોની ઑફિસ બનાવવામાં આવી હતી. અથૈયાએ નિર્ધારિત સમયે જઈને બાયોડેટા આપ્યો. ધ આર્ટ ઑફ કૉસ્ચ્ચ્યુમ ડિઝાઇન નામના પુસ્તકમાં અથૈયા લખે છે, ‘તેમણે બાયોડેટા જોયો અને ૧૫ મિનિટ મારી સાથે વાતો કરી, પછી તેમના સ્ટાફને સમાચાર આપ્યા કે કૉસ્ચ્યુમ ડિઝાઇનર મળી ગયા છે. પછી મને તેમણે ગાંધીની પટકથા આપી અને કહ્યું કે વાંચીને કાલે મને મળજો. શું પટકથા હતી! મારી આંખમાં પાણી આવી ગયાં. બીજા દિવસે તેમણે મને કહ્યું કે દિલ્હીમાં અશોકા હોટેલમાં ટીમની સાથે જોડાજો.’

એટિનબરો પછી લંડન જતા રહ્યા અને શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે જ ભારત આવ્યા. ત્યાં સુધી ફિલ્મમાં કોના કેવા પહેરવેશની જરૂર પડશે એ જોવાની સંપૂર્ણ જવાબદારી ભાનુ અથૈયાની હતી. ‘બહુ અઘરું કામ હતું,’ અથૈયા લખે છે, ‘કારણ કે મારે દાંડી સહિતનાં અલગ-અલગ લોકેશન્સ પર મહાત્માનાં ૫૦ વર્ષ બતાવવાનાં હતાં. દક્ષિણ આફ્રિકામાં ગાંધી યુવાન હતા અને પછીનાં વર્ષોમાં તે બદલાતા ગયા. એ દેખાવને પકડવો મુશ્કેલ હતો. એક દૃશ્યમાં તો સેંકડો લોકોને એ વખતના પહેરવેશમાં બતવવાના હતા. એના માટે કેટલો અભ્યાસ કરવો પડે તેમ હતો! અને પાછું મારે એકલા હાથે જ કામ કરવાનું હતું. મારી સાથે ઇન્ટરનૅશનલ ટીમ હતી. તેમની ગુણવત્તાને મારે પહોંચી વળવાનું હતું, પણ મેં કામ બખૂબી કર્યું.’

ગાંધી તોતિંગ ફિલ્મ હતી. અગાઉ બે વાર પ્રયાસ થઈ ચૂક્યા હતા. ૧૯૫૨માં ગેબ્રિયલ પાસ્કલ નામના નિર્માતાએ ગાંધી પર ફિલ્મ બનાવવા માટે પંડિત નેહરુની સહમતી મેળવી હતી, પણ ૧૯૫૪માં પાસ્કલનું અવસાન થઈ ગયું. ૧૯૬૨માં લંડનમાં ભારતીય રાજદૂતાલયમાં કામ કરતા મીતીલાલ કોઠારી નામના સનદી અધિકારીએ એટિનબરોનો સંપર્ક કરીને ગાંધી ફિલ્મ બનાવવાની વાત કરી. તે નેહરુને પણ મળ્યા અને ગાડી પાટા પર ચડે ત્યાં ૧૯૬૪માં પંડિતજીનું અવસાન થઈ ગયું. એ પછી એટિનબરો લૉરેન્સ ઑફ અરેબિયામાં વ્યસ્ત થઈ ગયા.

૧૯૭૬માં વૉર્નર બ્રધર્સ સ્ટુડિયોના ટેકામાં એટિનબરોએ ફિલ્મને ફરી ઉપાડી, પણ એમાં ઇન્દિરા ગાંધીની ઇમર્જન્સી નડી ગઈ. છેવટે ૧૯૮૦માં સરકારની મંજૂરીઓ અને જરૂરી બજેટ મળ્યું એટલે ગાંધી પર કામ ચાલુ થયું. ૧૮ કરોડના ખર્ચે ૨૦૦ લોકોની કાયમી ટીમના ૨૧ દિવસના નૉનસ્ટૉપ શૂટિંગ પછી ગાંધી તૈયાર થઈ (ગાંધીની અંતિમયાત્રામાં ૩ લાખ લોકોને ભેગા કરવામાં આવ્યા હતા). ફિલ્મને આઠ ઑસ્કર મળ્યા હતા અને એ આંતરરાષ્ટ્રીય હિટ ફિલ્મ હતી.

ફિલ્મની વેશભૂષા એક મોટો પડકાર હતો. અથૈયા કહે છે, ‘૫૦૦૦ લોકોને ખાદી પહેરાવવી ખાવાના ખેલ નહોતા. ખાદીની બનાવટ, ધોતી પહેવાની રીત અને ઉપર શાલ દરેક ઇલાકામાં અલગ-અલગ હોય. એમાં પાછો ૧૮૮૫થી ૧૯૪૮નો સમયગાળો. એમાં બહુ અભ્યાસની જરૂર પડી. ખાટલે મોટી ખોડ એ કે ભારતમાં તો પાછું વ્યવસાયિક કૉસ્ચ્યુમર્સ, સંગ્રહકર્તા, મ્યુઝિયમ કે જૂનાં કપડાંનાં ગોદામો પણ ન હોય.’

તેમણે અશોકા હોટેલના ભોંયતળિયે એક હૉલમાં દરજીઓ બેસાડ્યા. ત્યાં વસ્ત્રો અને કપડાના ઢગ ખડકાઈ ગયેલા. એમાં પછી ઇંગ્લિશ સ્ત્રીઓની વેશભૂષા માટે અલગ ડિઝાઇનર. અથૈયા કહે છે, ‘મારે અડધી સદીની અનેક ઘટનાઓ અને શૈલીઓ માટે ત્રણ જ મહિનમાં વેશભૂષા તૈયાર કરવાની હતી. વાર્તા આગળ વધતી જાય તેમ મુખ્ય પાત્રોની ઉંમર પણ બદલાતી જાય. મને જાણે ભૂત વળગ્યું હોય તેમ દિવસ-રાત કામ કરીને બધું સમયસર તૈયાર કર્યું હતું. હું દિલ્હીનાં તમામ મ્યુઝિયમ અને પુસ્તકાલયોમાં ફરી વળી હતી જેથી બને તેટલા સંદર્ભો ભેગા થાય.’

ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા બ્રિટિશ ઍક્ટર બેન કિંગ્સલેએ કરી હતી. આ ભૂમિકા માટે નસીરુદ્દીન શાહ અને (કસ્તુરબા માટે) સ્મિતા પાટીલની સ્ક્રીન ટેસ્ટ પણ લેવાઈ હતી, પરંતુ કિંગ્સલેએ ગાંધીજીની ભૂમિકામાં કમાલ કરી હતી. બહુ ઓછા લોકોને ખબર હશે કે કિંગ્સલે અડધા ગુજરાતી છે. તેમના દાદા મૂળ કચ્છના હતા અને કિંગ્સલેના પિતા ડૉ. રહીમતુલ્લા હરજી ભાણજીનો જન્મ થયો હતો. તે અન્ના લીના મેરી નામની ઍક્ટ્રેસ-મૉડલને પરણ્યા હતા, જેણે બેન કિંગ્સલેને જન્મ આપ્યો હતો. કિંગ્સલેનું બાળપણનું નામ કૃષ્ણ પંડિત ભાણજી હતું.

આમ તો ગાંધીજીની ભૂમિકા માટે ઍન્થની હોપકિન્સ અને ડસ્ટિન હોફમેનને પણ રસ હતો, પરંતુ એટિનબરોના પુત્રએ બેન કિંગ્સલેને તપાસી લેવાનું સૂચન કર્યું ત્યારે કિંગ્સલે અડધા ગુજરાતી છે એ તથ્ય એટિનબરોને ગમી ગયું હતું. કિંગ્સલેએ ગાંધીજીની ભૂમિકા માટે કેટલી મહેનત કરી હતી એ તો તેમના અભિનય પરથી જ સાબિત થાય છે. ભાનુ અથૈયા લખે છે, ‘ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાં કિંગ્સલે દિલ્હી આવી ગયા હતા. તે રોજ ધ્યાન ધરતા હતા, ગાંધીનાં ભાષણોનો અભ્યાસ કરતા હતા અને ખાદી કાંતવાનું શીખતા હતા. મને તેમણે કસ્તુરબાની ભૂમિકા કરનાર રોહિણી હટંગડી સાથે દિલ્હીનાં મ્યુઝિયમોમાં લઈ જવાનું કહ્યું હતું જેથી ગાંધીના જીવનનો પરિચય થાય. બેનને એવું કહેવામાં આવ્યું હતું કે મારી પાસે ગાંધીના બહુ સંદર્ભો છે. મને તેમણે દીવાલ પર ગાંધીનાં ચિત્રો લટકાવવાનું કહેલું. મારી પાસેથી જ તે શીખ્યા હતા કે ધોતી અને શાલ પાછળ ગાંધીનું ચિંતન શું હતું.’

ભાનુ અથૈયા રોજ સવારે પાંચ વાગ્યે અશોકા હોટેલથી નીકળીને સેટ પર જતાં. ત્યાં બસોમાં સેંકડોની સંખ્યામાં એક્સ્ટ્રા કલાકારો આવતા. બધા નાસ્તા માટે ટેબલ પાસે કતારમાં ઊભા રહેતા. અથૈયા એ લોકોને જોઈને કોને આગળ રાખવા અને કોને પાછળ રાખવા એ નક્કી કરતાં અને તે અને તેમના નવ સહાયકો ટોળાને વસ્ત્રો પહેરાવીને નવ વાગ્યાના શૂટિંગ માટે તૈયાર કરી રાખતા.

‘ગાંધી’ ફિલ્મ ઑસ્કરમાં છવાઈ ગઈ હતી. ૧૧ કૅટેગરીમાં એનાં નૉમિનેશન્સ હતાં અને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશન અને શ્રેષ્ઠ અભિનય સહિતના આઠ પુરસ્કાર જીતી ગઈ. ઑસ્કર સમારોહ માટે અથૈયા અને ફિલ્મના પટકથા લેખક જૉન બ્રેલી કારમાં જતાં હતાં ત્યારે બ્રેલીએ અથૈયાને કહ્યું હતું, ‘મને લાગે છે કે બેસ્ટ કૉસ્ચ્યુમનો અવૉર્ડ તમારા નામે જ છે.’

‘ઑડિટોરિયમમાં,’ અથૈયા લખે છે, ‘હું લા ત્રાવેટા, વિક્ટર/ વિક્ટોરિયા, સૉફી’સ ચૉઇસ અને ટ્રોન ફિલ્મના ઉમેદવારો સાથે બેઠી હતી. એ ચારે જણે કહ્યું કે તેમનો કોઈ ચાન્સ નથી. મેં પૂછ્યું કે એવું કેમ લાગે છે તો તેમણે કહ્યું, કારણ કે તમારું કૅન્વસ બહુ વિશાળ છે.’

એમ જ થયું. ભાનુ અથૈયાને શ્રેષ્ઠ વેશભૂષાનો ઑસ્કર અવૉર્ડ જાહેર થયો. ભારત માટે એ પહેલો અવૉર્ડ હતો અને ગાંધીજી એમાંય નિમિત્ત બન્યા હતા. ૨૦૧૨માં અથૈયાએ એ ટ્રૉફીને પાછી ઑસ્કરની ઑફિસમાં મોકલી આપી હતી. તેમને ચિંતા હતી કે તેમના અવસાન પછી તે ઘરમાં નહીં સચવાય. એ વખતે તેમણે કહ્યું હતું, ‘એ ટ્રૉફી એક બોજ હતી. મારી ઇચ્છા હતી કે ભવિષ્યમાં એ યોગ્ય હાથોમાં સલામત રહે.’

ભારત સરકારે આ ટ્રૉફી પાછી લાવીને ગાંધી મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.

columnists raj goswami