નાનાનો ખેલ

05 January, 2020 06:09 PM IST  |  Mumbai Desk | vivek agarwal

નાનાનો ખેલ

પોતાની ગૅન્ગના બે સાગરીતો પોલીસના હાથે ઝડપાઈ જાય છે.

બન્ને સાગરીતોને વિદેશોના અત્યંત સુરક્ષિત જાપ્તામાં ઝબ્બે કરવામાં
આવે છે.
એટલે કે સંતોષ શેટ્ટી અને બન્ટી પાંડે પકડાઈ જાય છે.
મુંબઈ માફિયામાં તેમની ધરપકડ પાછળ એક વાર્તા પ્રવર્તે છે. કહેવાય છે કે સંતોષ શેટ્ટી અને બન્ટી પાંડેને દાઉદ સાથે ઘરોબો થવા માંડ્યો હતો. આ માહિતી કોઈકે છોટા રાજન સુધી પહોંચાડી દીધી હતી.
પોતાનું સ્થાન જોખમાવાના ભયથી રાજને એ બન્નેનાં ઠેકાણાંની જાણ મુંબઈ પોલીસની ગુના શાખામાં બેઠેલા પોતાના કેટલાક ભેદીઓને કરી દીધી હતી.
ત્યાર પછી ગુના શાખાના અધિકારીઓએ એક બાતમીદાર વિજય પાલાંડેને સંતોષ શેટ્ટીની ગૅન્ગમાં ઘુસાડી દીધો. વિજય પાલાંડે બૅન્ગકૉક ગયો અને તેણે સંતોષનો વિશ્વાસ જીતી લીધો.
જોકે સંતોષના ચાણક્ય ગણાતા વિજય શેટ્ટી ઉર્ફે વિજુને પહેલેથી વિજય પર શંકા હતી. તેણે વિજયને સાથે ન રાખવા માટે સંતોષને ઘણો સમજાવ્યો, પણ સંતોષે તેની વાત કાને ન ધરી.
વિજયે સંતોષની તમામ વિગતો પોલીસ અધિકારીઓને આપી. એક દિવસ સંતોષ બૅન્ગકૉકની એક હોટેલમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને ઝબ્બે કર્યો.
આ તરફ વિયેટનામમાં બેફિકર બન્ટી પર તો પોલીસે સીધી જ તરાપ મારી. એક સસલાની માફક તે શિકારીઓની જાળમાં ફસાઈ ગયો. બન્ને ભારત આવી ગયા.
સંતોષ ઘણો ચબરાક નીકળ્યો. તેણે ઘણી જ હોશિયારીથી અદાલત પાસેથી જામીન મેળવી લીધા. હવે તે તેના સલામત અડ્ડામાંથી ફક્ત ત્યારે જ બહાર નીકળે છે જ્યારે તેણે અદાલતના આદેશ પ્રમાણે ગુના શાખામાં હાજરી નોંધાવવા જવાનું હોય છે.
બન્ટી હજી પણ જેલમાં છે. તે ક્યારેક મહારાષ્ટ્ર, ક્યારેક ઉત્તરાખંડ, ક્યારેક ઉત્તર પ્રદેશ તો ક્યારેક દિલ્હીની અદાલતમાં જેલનાં ચક્કર કાપતો જોવા મળે છે.
તેણે એક ઉક્તિ સાચી ઠેરવીઃ
સાવધાની હટી, દુર્ઘટના ઘટી.

columnists weekend guide