ઑનલાઇન ભણતરથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યની ઇમારત કાચી બની રહી છે

18 June, 2021 01:25 PM IST  |  Mumbai | Bhavini Lodaya

ચાર કલાક જાણે જબરદસ્તી બેસવું પડે છે. ભણવામાં થોડુંક સમજ આવે, બાકી બધું ઉપરથી જાય છે

મહેક મેહુલ મોતા

કોરોના મહામારીમાં ઘેરબેઠા ભણવા માટે કામ આવેલા ડિજિટલ એજ્યુકેશનથી હવે અમે કંટાળી ગયા છીએ. હવે બહુ થયું, જે મજા ક્લાસમાં પ્રોફેસરો અને ટીચરો સાથે ભણવામાં આવે એ ઑનલાઈનમાં જરા પણ નથી આવતી. ક્યારેક વાઇફાઇ ના હોય, મોબાઈલ નેટ ન ચાલે, ક્યારેક ટીચરનું નેટ સ્લો હોય તો ક્યારેક વીડિયો કનેક્ટ ના થાય, ઘણા સ્ટુડન્ટ ઑન કરે તો ઘણા ના કરે. ઘણાના મોઢા દેખાય, ઘણાંના ના દેખાય. આ બધાં કારણોથી હવે તો ખૂબ ચીડ આવે છે.  ચાર કલાક જાણે જબરદસ્તી બેસવું પડે છે. ભણવામાં થોડુંક સમજ આવે, બાકી બધું ઉપરથી જાય છે. ખાસ કરીને ગણિતના વિષયમાં તો ટીચરની સ્પીડથી અમારી સ્પીડ મૅચ કરવી ખૂબ અઘરી હોય છે. કંઈ પૂછવું હોય તો ક્લાસમાં કમસે કમ બધાના ગયા પછી પણ ટીચર સાથે વાત કરી શકાય. પરંતુ ઑનલાઈનમાં આવું કંઈ શક્ય નથી. ક્લાસમાં આપસમાં વાતચીત કરીને, હસી-મજાક કરીને શૅર કરવાનો જે સમય મળે છે એનાથી ભણવાનો માહોલ બને છે અને મજા આવે છે, જ્યારે ઘરે એ જ ભણવાનું બોરિંગ લાગે છે.

કેટલીક વાર ટેક્નિકલ પ્રોબ્લેમ્સ પણ બાજી બગાડી દે છે. એકવાર તો મેં ટેસ્ટ આપી દીધી અને તરત જ સિગ્નલ જતું રહ્યું જેનાથી મારી ટેસ્ટ ઑટો સબમિટ થઈ ગઈ અને મને ભૂલો સુધારવાનો ટાઇમ જ ન મળ્યો, આવું ઘણાબધા સ્ટુડન્ટ્સ સાથે થાય છે. ક્લાસમાં ટીચર અને અમારી વચ્ચેના ઇન્ટરેક્શનને લીધે તેઓ અમારા મોઢાના હાવ-ભાવથી સમજી શકે કે અમારું ધ્યાન ભણવામાં છે કે નહીં? પરંતુ ઑનલાઇનમાં આવું કંઈ થતું નથી. પરીક્ષામાં તો ૮૦ ટકા ચીટિંગ થાય છે. ભણતરનો પાયો ખૂબ કાચો થઈ રહ્યો છે. નાનાં બાળકોની સાથે એની મમ્મીઅે પાસે બેસવું પડે, તો વર્કિંગ વુમનને તો ઑફિસમાં કામ સાથે ખૂબ અઘરું થઈ જાય છે.

મારું એવું ચોક્કસપણે માનવું છે કે બોર્ડ એક્ઝામ જેવાં મહત્ત્વનાં વર્ષોના ભણતર તો ક્લાસરૂમમાં જ થવા જોઈએ જે ક્યારના શરૂ થવા જોઈતા હતા. મોટા સ્ટુડન્ટસ કોરોનાના પ્રિકોશન જાણે છે એક બેંચ પર એક એમ ક્લાસરૂમ લઈ શકાય છે તો શા માટે હજી ઑનલાઇન ચાલુ છે? હવે કમસે કમ મોટા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અને કૉલેજો શરૂ થવાં જ જોઈએ, નહીંતર આ ટાઇમપાસવાળો વેડફેલો સમય ઘણા બધાના ભવિષ્યની ઇમારત કાચી બનાવી રહ્યો છે, હવે હદ થાય છે. ઑનલાઈન એજ્યુકેશન એક વિકલ્પ બની શકે પરંતુ કાયમી નહીં, માટે સ્કૂલ-કૉલેજો ચાલુ કરો અને અમારું ભવિષ્ય ઊજળું કરો.

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

બિન્દાસ બોલ

મહેક મેહુલ મોતા - ૧૭ વર્ષ, ડોમ્બિવલી

columnists