યજ્ઞ શું કામ?

05 April, 2020 07:42 PM IST  |  Mumbai | Ruchita Shah

યજ્ઞ શું કામ?

યજ્ઞ

નૅશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચરોએ પોતાના અભ્યાસમાં તારવેલું કે હવન દરમ્યાન થતો ધુમાડો વાતાવરણનું શુદ્ધિકરણ કરે છે અને હવામાં રહેલા બૅક્ટેરિયાનો નાશ કરીને ચેપી રોગોની સંભાવના ઘટાડે છે. પાંચેક વર્ષ પહેલાં યજ્ઞનો ધુમાડો ઍપિલેપ્સી નામની મગજની બીમારીમાં કઈ રીતે ઉપયોગી છે એના પર પણ સર્વેક્ષણ થયું હતું અને સંશોધકોને હકારાત્મક પરિણામ મળ્યું હતું. ફ્રાન્સ અને રશિયન રિસર્ચરો હવનમાં વપરાતા આંબાના ઝાડના લાકડાના દહન પછી વાતાવરણમાં આવેલા ફેરફારથી દંગ રહી ગયા હતા. તેમને જાણવા મળ્યું કે જ્યારે આંબાના ઝાડનું લાકડું બળે ત્યારે તેમાંથી ફોર્મિક એલ્ડિહાઇડ નામનો વાયુ બહાર નીકળે છે જે વાતાવરણના હાનિકારક બૅક્ટેરિયાનો નાશ કરે છે. કેરળમાં ૨૦૧૧માં અથિરાથરમ નામના મોટા પાયે થતા અનુષ્ઠાનમાં યજ્ઞ પણ થાય છે. અહીં કેટલાક રિસર્ચરોની ટીમે ઑબ્ઝર્વ કર્યું કે યજ્ઞસ્થળની નજીકનાં ખેતરોના પાક પર એનો જોરદાર પ્રભાવ જોવા મળ્યો હતો. હવામાંથી જ નહીં પણ વનસ્પતિ પર લાગતી જીવાતોનું સંક્રમણ અહીં ઘટ્યું હતું. બીજનું અંકુરણ ઝડપી બન્યું હતું. આવું જ એક રિસર્ચ બૅન્ગલોરનાં વસંતી ગોપાલ લિમયે કરી ચૂક્યાં છે.

નિષ્ણાતો અગ્નિહોત્ર (એટલે કે અગ્નિને અર્પણ કરવું) યજ્ઞને હીલિંગ પ્રોસેસ તરીકે ઓળખે છે. અહીં તમે એન્વાયર્નમેન્ટને હીલ કરો એટલે વાતાવરણ તમને હીલ કરશે એ મૉડસ ઑપરેન્ડી પર કામ થાય છે. ફ્રાન્સનાં વૈજ્ઞાનિક ડૉ. હાફકિને પોતાના નિરીક્ષણમાં જોયું કે ઘીને જો સાકર સાથે મિક્સ કરીને દહન કરવામાં આવે તો ઉત્પન્ન થતો ધુમાડો રોગદાયી જીવાણુંઓનો નાશ કરે છે અને કેટલાંક ફીલ ગુડ કરાવતાં હૉર્મોન્સનો સ્રાવ વધારે છે. અન્ય કેટલાક રિસર્ચરોએ કહ્યું છે કે ગાયના ઘી અને દૂધમાં રેડિયેશનથી પ્રોટેક્શન આપવાનું સામર્થ્ય છે. કેટલાંક રિસર્ચો થયાં છે અને હજીયે ઘણાં સંશોધનોને આ દિશામાં સ્કોપ છે. માનસિક બીમારીઓથી લઈને બાયોલૉજિકલ પ્રૉબ્લેમ્સ માટે યજ્ઞનો થેરપી તરીકે ભારતમાં ઘણે ઠેકાણે ઉપયોગ શરૂ થયો છે. ઘણા લોકોને ઉપયુક્ત પરિણામ પણ મળ્યાં છે. ભારતીય પરંપરામાં સેંકડો નહીં પણ હજારો વર્ષથી યજ્ઞો કરવાની પરંપરા રહી છે અને હવે ફરીથી એક વાર મોટા પાયે થેરપી તરીકે રિવાઇવ થઈ રહેલી યજ્ઞ થેરપી શું છે? યજ્ઞથી વાતાવરણની શુદ્ધિ થાય, હાનિકારક બૅક્ટેરિયા અને ઝેરી તત્ત્વો ઘટે કેવી રીતે? યજ્ઞની પાછળ પૌરાણિક માન્યતાઓ અને શાસ્ત્રીય આધારો શું છે? યજ્ઞ થેરપી પાછળ વૈજ્ઞાનિક તર્કો શું છે? લોકોના યજ્ઞ થેરપીના કેવા અનુભવો રહ્યા છે? અત્યારે કોરોનાએ જનજીવનને થંભાવી દીધું છે ત્યારે યજ્ઞ થેરપી કોઈરીતે કારગત નીવડી શકે કે નહીં એમ તમામ સવાલોના જવાબો પર નિષ્ણાતો સાથે વિગતવાર ચર્ચા કરીએ.

ક્યાં લખ્યું છે યજ્ઞ કરો એવું?

ક્યાં નથી લખ્યું એ પૂછો? છેલ્લાં ત્રણ વર્ષથી ઘર-ઘરમાં યજ્ઞની પરંપરાને ફરીથી સ્થાપિત કરવા માટે મથી રહેલા પતંજલિ યોગપીઠના સ્વામી યજ્ઞદેવ સામો સવાલ કરીને આગળ કહે છે, ‘ચારેય વેદોમાં, પુરાણોમાં, મીમાંસામાં, ઉપનિષદોમાં, ભાગવત ગીતા, રામાયણ, મહાભારત એમ વેદિક સંસ્કૃતિનાં તમામે તમામ શાસ્ત્રોમાં યજ્ઞનું મહત્ત્વ લખ્યું છે. નીતિ શાસ્ત્રમાં યજ્ઞ છે. આયુર્વેદમાં યજ્ઞનો થેરપ્યુટિક મહિમા ગવાયો છે. યજ્ઞ આપણી પરંપરાનો હિસ્સો હતો. જો તમે પ્રાચીન વાર્તાઓ સાંભળશો તો પણ જાણવા મળશે કે સુખમાં, દુઃખમાં, સફળતા મળે ત્યારે, નિષ્ફળતા મળે ત્યારે, બાળકનો જન્મ થાય, પાક સારો થાય, ખરાબ થાય, અતિકાળ, દુષ્કાળ એમ દરેકે દરેક ઘટના માટે યજ્ઞની વ્યવસ્થા હતી. શાસ્ત્રોમાં એક પણ એવો ગ્રંથ નથી જેમાં યજ્ઞનો ઉલ્લેખ ન આવતો હોય. યજ્ઞની પરિભાષા દેવપૂજા, ઈશ્વર તત્ત્વ સાથે જોડવા માટે થતી હતી. વિશ્વ કલ્યાણના ભાવો સાથે દેવને સમર્પણ યજ્ઞ દ્વારા થતું. અથર્વવેદમાં યજ્ઞ વિશે વિશેષ વાતો કરવામાં આવી છે. રાજામહારાજા યજ્ઞ કરતા તો અરણ્યવાસીઓ પણ યજ્ઞ કરતા. મૂળતઃ યજ્ઞ પંચમહાભૂતમાં સંતુલન લાવવાનું કામ કરતા. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશને શુદ્ધ કરીને એમાં સંતુલન લાવવાનું કાર્ય યજ્ઞ દ્વારા થતું અને હજીયે થઈ શકે છે.’

હવાને કેવી રીતે શુદ્ધ કરે?

ઋગ્વેદમાં કહ્યું છે કે અગ્નિથી ઉત્પન્ન થનારો ધુમાડો બધી જ દિશાઓમાં પ્રસરીને શુદ્ધિકરણ કરે છે. આયુર્વેદમાં વિવિધ રોગોના શમન માટે વિવિધ જડીબુટ્ટીઓનો ઉપયોગ હવનમાં કરવાનો ઉલ્લેખ આવે છે. સુશ્રુતા કલ્પસ્થાનમાં લખ્યું છે કે જ્યારે હવામાં વિષનું પ્રમાણ વધી જાય ત્યારે પ્રતિવિષ માટે લાક્ષા, હરિતકરી, તજ, લવિંગ, એલચી, હરિદ્રા, તગર જેવા પદાર્થો અગ્નિમાં હોમીને એમાંથી તૈયાર થતો ધુમાડો હવાને શુદ્ધ કરે છે. સ્વામી યજ્ઞદેવજી કહે છે, ‘યજ્ઞ નૅનો ટેક્નૉલૉજી છે. ધરતી પર નૅનો ટેક્નૉલૉજીની જેટલી પણ પદ્ધતિઓ જોવા મળે છે એમાં સૌથી સરળતમ પદ્ધતિ યજ્ઞ છે. સૂક્ષ્મ પદાર્થ વધુ સક્ષમ હોય છે અને અત્યારે ધરતી પર સૌથી સૂક્ષ્મ પદાર્થ છે અગ્નિ. પથ્થરમાં પાણી કે હવા નહીં નાખી શકશો તમે? પણ એ જ પથ્થરને અગ્નિ પર રાખો તો અગ્નિ પથ્થરના અણુપરમાણુની અંદર અગ્નિ વ્યાપી જશે. અગ્નિનો સ્વભાવ છે, જે પણ પદાર્થ એના સંપર્કમાં આવે તો એને એ પોતાની જેવા બનાવી દેશે. જ્યારે તમે અગ્નિહોત્ર યજ્ઞમાં ઘી, જડીબુટ્ટી, સમિધા જેવા પદાર્થો નાખો છો ત્યારે અગ્નિ એને સૂક્ષ્મથી સૂક્ષ્મ કરીને હજારો ગણી કરી નાખે છે. જો તમે એક ગ્રામ ઘી અગ્નિમાં નાખો તો સત્તરસો ઘણો થઈ જાય, પાણી સો ગણું વધી જાય છે. મૉલેક્યુલર ટેક્નૉલૉજીના નિષ્ણાતો કહે છે કે મૉલેક્યુલ જેટલો નૅનો હોય એટલી શક્તિ વધી જાય. આખી દુનિયા નૅનો ટેક્નૉલૉજી તરફ જઈ રહી છે. હાઇડ્રોજનનું સ્મૉલેસ્ટ વર્ઝન એટલે યુરેનિયમ, જેના બળે અંતરિક્ષયાન ચાલે છે. જે કામ હાઇડ્રોજનથી નથી થતું પણ એનું જ સ્મૉલેસ્ટ રૂપ ગણાતા યુરેનિયમમાં એટલી ઊર્જા હોય છે કે એ અંતરિક્ષયાનને ઉડાવી શકે છે. એવી જ રીતે દસ મિલિગ્રામની દવા તમારા ૭૦ કિલોના શરીરને સાજું કરી શકે છે એ પણ નૅનો ટેક્નૉલૉજીનો જ પ્રભાવ છે. આ જ બને છે યજ્ઞમાં. યજ્ઞ એક સરળતમ નૅનો ટેક્નૉલૉજી છે જેમાં આહુતિરૂપે અપાયેલી સામગ્રી અગ્નિના માધ્યમે સૂક્ષ્મ થઈ અનેકગણી બનીને વાયુમંડળમાં પહોંચે છે અને શુદ્ધિકરણનું કામ કરે છે. યજ્ઞમાં કઈ ઋતુ હોય ત્યારે કેવાં તત્ત્વો વાપરવાં, સામગ્રીમાં કયા સમયે કયા પદાર્થોનો પ્રયોગ કરવો એના પણ ઉલ્લેખો શાસ્ત્રોમાં છે. આ શું વૈજ્ઞાનિક નથી? સીઝન પ્રમાણે હવામાનમાં આવતા બદલાવો, વાતાવરણમાં બદલાતા જીવાણુઓના પ્રકારો પ્રમાણે યજ્ઞમાં હોમવામાં આવતા પદાર્થો નિશ્ચિત કરાયા છે. આજે વર્ષે લાખો લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે, કરોડો લોકો ગંભીર રોગોને આમંત્રણ આપી બેસે છે ત્યારે યજ્ઞ માઇક્રો બાયોલૉજિકલ પ્રદૂષણ ઘટાડવામાં, વાતાવરણમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયા, વાયરસ, ફંગસ, ઝેરી વાયુ અને ઈવન રેડિયેશનથી રક્ષણ આપી શકે છે.’

કાર્બનરૂપી ધુમાડો નીકળે એનું શું?

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક સર્વેક્ષણ થયું હતું, જેમાં યજ્ઞમાં ભાગ લેનારા અને યજ્ઞમાં ભાગ નહીં લેનારાઓની એક મહિના પહેલાં અને એક મહિના પછીની લંગ્સ કૅપેસિટીની ટેસ્ટ કરવામાં આવી હતી. સ્વામી યજ્ઞદેવ એના ઉલ્લેખ સાથે કહે છે, ‘બધી રીતે સ્વસ્થ એવાં આ બન્ને ગ્રુપમાં યજ્ઞમાં ભાગ નહીં લેનારા કરતાં યજ્ઞમાં એક મહિના સુધી ભાગ લેનારાઓની ફેફસાંની ક્ષમતા ૧૦થી ૧૫ ટકા જેટલી બહેતર બની હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારનો સર્વે અમે ત્રણ વખત કરી ચૂક્યા છીએ જેના પરિણામના દસ્તાવેજો અમારી પાસે છે. જો યજ્ઞથી પ્રદૂષણ થતું હોત, કાર્બનનું એમિશન વધારે થતું હોત તો આ સર્વેનાં પરિણામ વિપરીત આવવા જોઈતાં હતાંને? એવું નથી થયું. એની પાછળનો તર્ક એટલો જ છે કે બેશક, જ્યારે પણ કોઈ પદાર્થનું દહન થાય ત્યારે કાર્બન બને છે, પરંતુ કાર્બનની માત્રા જુદી-જુદી હોય છે. દરેક વસ્તુમાં સમાન માત્રામાં કાર્બન હોતો નથી. કોલસો બાળો તો એમાં ૯૦ ટકા કરતાં વધારે કાર્બનનું પ્રમાણ હોય છે જ્યારે આંબાના ઝાડનું લાકડું કે પીપળાનું લાકડું (યજ્ઞમાં જેને સમિધા કહેવાય)

બાળો તો એમાં કોલસા કરતાં અનેકગણું ઓછો કાર્બન હોય છે. બીજું, કાર્બન પણ હવામાનમાં અનિવાર્ય છે. જો કાર્બન ન હોત તો આ વૃક્ષ, વનસ્પતિ કે જીવસૃષ્ટિ પણ ન હોત. જોકે કાર્બનનું પ્રમાણ ઇન્ડસ્ટ્રયિલ વેસ્ટમાં એટલા મબલક પ્રમાણમાં થાય છે કે વાતાવરણની માત્રામાં અસંતુલન ઊભું થાય છે. યજ્ઞમાં ઉત્પન્ન થતા કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ત્રીજી વાત, યજ્ઞમાં ઉત્પન્ન થતો કાર્બન એમાં વપરાયેલા ઘીને કારણે સ્નિગ્ધ હોય છે અને એમાં અન્ય જડીબુટ્ટીયુક્ત તત્ત્વોના કણો પણ હોય છે જે નુકસાન નથી કરતા. ઇન્ડસ્ટ્રયિલ વેસ્ટ તરીકે નિર્મિત થતું કે તમારી ગાડીના ધુમાડામાંથી નીકળતા કાર્બન સાથે એની કોઈ તુલના જ ન થઈ શકે.’

આ જ દિશામા પોતાનો વધુ એક અનુભવ શૅર કરતાં યજ્ઞનો પ્રચાર-પ્રસાર કરતા મેં જ્યારે યજ્ઞની શરૂઆત કરી ત્યારે મારા મનમાં ઘણા સવાલો હતા. ખરેખર વાતાવરણને શુદ્ધ કરવાને બદલે આપણે વધુ દૂષિત તો નથી કરી રહ્યાને એની પાકે પાયે ચકાસણી થાય તો સારું. એ માટે એક નરશી પટેલ કહે છે, ‘એકવાર મોટા પાયે યજ્ઞ અનુષ્ઠાન મુંબઈમાં હતું ત્યારે અમે આઇઆઇટીમાંથી ઍર ક્વૉલિટી ચેક કરી આપે એવી ટીમને મશીન સાથે બોલાવી હતી જેમાં તેમણે આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યજ્ઞ પહેલાં અને યજ્ઞ પછીની ઍર ક્વૉલિટીમાં જમીન-આસમાનનો ફરક હતો. યજ્ઞ પછી હવામાંથી કાર્બન મૉનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ નોંધનીય રીતે ઘટ્યું હતું.’

તો લોકો ભૂલી કેવી રીતે ગયા?

યજ્ઞ ડે ટુ ડે લાઇફનો હિસ્સો હતો. એની અતિપૉપ્યુલરિટી જ એના માટે ઘાતક બની. સ્વામી યજ્ઞદેવ કહે છે, ‘જો કોઈક બાબત વધારે પ્રચલિત થઈ જાય એટલે બધા જ એને અપનાવે. એ સમયે દરેક મનોકામના માટે યજ્ઞ થતો હતો. પરંતુ કેટલાક સ્વાર્થી લોકોએ એને હથિયાર બનાવ્યો. સ્વાર્થને સાધવા યજ્ઞના નામે લોકોને ભરમાવવાનું શરૂ કર્યું. ખોટું અર્થઘટન કર્યું. યજ્ઞમાં બલિદાનનું મહત્ત્વ બતાવીને બલિદાનના નામે લોકોએ પશુહત્યા શરૂ કરી. બલિદાનની સાચી વ્યાખ્યામાં યજ્ઞ પછી દાન આપીને પોતાની આસપાસના વર્તુળના લોકોને પણ શક્તિશાળી બનાવવાની વાત હતી. જ્યારે લોકોએ પશુને હવન કુંડમાં હોમવાના શરૂ કર્યાં. હિંસાત્મક કાર્ય બનતાં એનો વિરોધ થયો. છેલ્લે એનો બહિષ્કાર શરૂ થતાં વિલુપ્ત થવાની દિશાએ પહોંચ્યું. બૌદ્ધ પરંપરા પછી ફરી શંકરાચાર્ય આવ્યા અને એની સાચી રીત લોકો સમક્ષ પ્રસ્તુત થઈ અને ફરી આ પરંપરા શરૂ થઈ.’

યજ્ઞને અને શરીરને શું લેવાદેવા?

શરીર શેનાથી ચાલે છે ઊર્જાથી. સ્વામી યજ્ઞદેવ આગળ કહે છે, ‘શરીરને ઊર્જા શેમાંથી મળે? આહાર. અને આહાર કેટલા રૂપમાં લઈએ છીએ આપણે? દ્રવ્ય સ્વરૂપે એટલે કે શાક, રોટલી, દાળ-ભાત એ અન્ન, બીજું દ્રવ્ય સ્વરૂપે એટલે કે પાણી, શરબત, છાશ, જૂસ વગેરે અને ત્રીજું વાયુરૂપે. સતત શ્વાસમાં હવા ભરીએ છીએ એ પણ આપણો આહાર છે. અન્ન તમે દિવસમાં ત્રણ વાર લેતા હશો, પાણી દસ વાર; પણ વાયુ? એ તો સતત લેવો પડે છે. અન્ન વિના તમે બે મહિના જીવી શકો, પાણી વિના કદાચ એક મહિનો, પણ વાયુ વિના દસ મિનિટ પણ જીવી શકો? નહીં જ. એનાથી એટલું જ સાબિત થાય કે તમને ઊર્જા આપવામાં વાયુની ભૂમિકા બધા કરતાં વધારે મહત્ત્વની છે. હવે આ જ વાયુને પોષણ આપવાનું કામ, વાયુની ક્વૉલિટી સુધારવાનું કામ યજ્ઞ દ્વારા થતું હોય તો એ શરીરને લાભ આપે કે ન આપે?’

સામગ્રીનું મહત્ત્વ

છેલ્લાં આઠેક વર્ષથી યજ્ઞ કરતા અને અત્યાર સુધીમાં યજ્ઞને કારણે અંગત જીવનમાં ઘણા લાભ મળવાને કારણે હવે આ ચિકિત્સા માટે લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન આપનારા થાણેમાં રહેતા સુરેશ પટેલ કહે છે, ‘વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો દરેક પદાર્થનો ફ્રીઝિંગ, મેલ્ટિંગ અને બૉઇલિંગ પૉઇન્ટ હોય છે. પાણીને ઝીરો ડિગ્રીથી નીચે લઈ જાઓ તો બરફ બને અને નાઇન્ટી તરફ લઈ જાઓ એટલે બાફ બને. એમ યજ્ઞમાં પડતી સામગ્રીઓની પોતાની દહન થવાની અમુક માત્રા છે. ઊર્જાનો નાશ થતો નથી એ ન્યાયે આ સામગ્રીઓ અગિનમાં દહન થયા પછી સૂક્ષ્મ પરમાણુંનું રૂપ લઈ લે છે. યજ્ઞમાં વિવિધ સામગ્રીનું પોતાનું મહત્ત્વ છે. જેમ કે ગણપતિ બાપ્પાને ચડતી દુર્વા વિશે શાસ્ત્રોમાં વ્યાધિ વિનાશાય ઔષધી એવું લખાયું છે. પંચ મહાભૂતમાં ઉત્પાત મચ્યો હોય ત્યારે એને સંતુલન કરવા માટે તલ અને ઘીનો સાથે પ્રયોગ થાય અને એનાથી વાયુમંડળમાં જે સૂક્ષ્મતમથીયે સૂક્ષ્મતમ તત્ત્વો બહાર પડે છે એ સંતુલનનું કાર્ય કરે છે. એ રીતે યજ્ઞમાં હોમવામાં આવતી સામગ્રીને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. રોગનાશક સામગ્રી, પુષ્ટિવર્ધક સામગ્રી, મધુર સામગ્રી અને સુગંધિત સામગ્રી. આ ચારેયનું મહત્ત્વ છે અને કઈ રીતે એ કામ કરે છે એ પણ જોઈએ. દાખલા તરીકે રોગનાશક સામગ્રી. ગૂગળ, ગિલોય, બ્રાહ્મી, શંખપુષ્પી, હળદર, અર્જુનની છાલ, તેજપત્ર, લીમડો, દુર્વા ઘાસ જેવી સામગ્રીને જ્યારે તમે અગ્નિકુંડમાં હોમી એટલે સ્વાભાવિક રીતે એ થોડાક સમયમાં દહન થઈને ગૅસમાં પરિવર્તિત થશે. અત્યારે જેમ કોરોના વાઇરસથી બચવા તમને સતત હાથ ધોવાનું કહેવામાં આવે છે, કારણ કે એમ કરવાથી એ જીવાણુ મરે ન મરે પણ હાથ ધુઓ એટલે સેલ્યુલર લેવલ પર એની પ્રભાવકતા સમાપ્ત થઈ જાય અને એ પછી તમારા શરીરમાં જઈને કોશોના ડીએનએ સુધી નુકસાન કરવાનું એનું બળ પૂરું થઈ જાય છે. હવનમાં જ્યારે આ ઔષધિય સામગ્રી સૂક્ષ્મ સ્વરૂપે હવામાં ભળે છે ત્યારે હવાને સ્ટરલાઇઝ્ડ કરવાનું કામ કરે છે અને જંતુનો નાશ કરે છે અને એ જ હવા શ્વાસમાં ભરવાથી શ્વાસ દ્વારા ફેફસાંમાં અને લોહીમાં ભળેલા ઔષધિય ગુણોયુક્ત કણો તમારા શરીરના કોષોને પોષણ આપે છે. એ જ રીતે ડ્રાયફ્રૂટ્સ જેવી પુષ્ટિવર્ધક સામગ્રી કામ કરે છે. મધુર સામગ્રી અન્ય સૂક્ષ્મ કણોના વહન માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સુગંધિત સામગ્રી વિશેષ ગમતી ગંધને કારણે શરીરની અંતસ્રાવી ગ્રંથીઓને હૅપી હૉર્મોન્સનો સ્રાવ વધારવામાં મદદરૂપ થાય છે. શ્રેષ્ઠ સામગ્રી જ્યારે અગ્નિ સાથે ભળે છે ત્યારે એની ક્વૉન્ટિટી અને સામર્થ્ય બન્ને વધી જાય છે અને એ તમને તેમ જ તમારી આસપાસના છ કિલોમીટર સુધીના એરિયાની હવાના શુદ્ધિકરણનું કામ કરે છે. એટલે જ યજ્ઞ માત્ર સ્વહિત માટે નહીં, પણ પરમાર્થનો અને જગત કલ્યાણનો કારક મનાય છે.’

અહીં એક બીજો મહત્ત્વનો મુદ્દો શૅર કરતાં નરશીભાઈ કહે છે, ‘ખોરાક પચશે કે નહીં એ તમારી હોજરી કેવી છે એના પર નિર્ભર કરશે. ધારો કે તમે બદામ ખાધી પણ એ બદામમાં રહેલું સત્ત્વ શોષવાનું સામર્થ્ય તમારી હોજરીમાં નથી તો એનાથી કોઈ પોષણ તમને મળવાનું નથી. જોકે હવનકુંડમાં જે તત્ત્વો તમે આહુતિરૂપે આપો છો એ તમારા શ્વાસ વાટે તમારા શરીરમાં અતિસૂક્ષ્મરૂપે જવાનાં છે અને એ હજારગણાં થઈ ગયાં હોવાથી તમારી સાથે તમારી આસપાસના લોકો પણ એનો લાભ લઈ શકશે. ધારો કે એક ગ્રામ ઘી તમે નાખ્યું જે સૂક્ષ્મ સ્વરૂપે સત્તરસો ગ્રામ ગણું થઈ ગયું અને શ્વાસરૂપે એ તમે અને તમારા પરિવારજનો પણ ગ્રહણ કરી શકશે એ અલગ. આ જ એની બહુ જ મોટી ખાસિયત કહેવાય. યજ્ઞ થેરપીને કારણે કોમાના પેશન્ટ બહાર આવ્યા હોય, લોકોને લકવામાં ફરક પડ્યો હોય અને અન્ય પણ ઘણી મોટી બીમારીઓમાં પણ ફરક પડ્યો હોવાનું અમે જોયું છે. હવન પછી પ્રાણાયામ કરવાથી વિશેષ લાભ થતો હોય છે. બીજી પણ એક વાત કે હવનમાં ગાયનું છાણ નાખેલું અને એ પછી એની અંતિમ રાખને પીવાના પાણીમાં નાખી તો એ પાણીનું પીએચ લેવલ વધી ગયું. એ પાણીમાં આલ્કલાઇનની માત્રા વધી ગઈ. આનો તો લૅબ રિપોર્ટ પણ છે અમારી પાસે. એ રાખમાં લગભગ ૯૦ તત્ત્વો મળ્યાં હતાં. આ પાણી પણ ઔષધનું કામ કરી શકે છે.’

કેવી રીતે કરશો તમારા ઘરે યજ્ઞ?

તમે ઘરે કોઈ પણ જાતના એક્સ્ટ્રા તામઝામ વિના યજ્ઞ કરી શકો છો. યજ્ઞમાં ત્રણ વસ્તુ જોઈએ. યજ્ઞકુંડ, યજ્ઞસામગ્રી અને તમારી ઇચ્છા. આજકાલ તો હવન સામગ્રીનાં તૈયાર પૅકેટ્સ ગાયત્રી પરિવાર, પતંજલિ ચિકિત્સાલય અથવા આર્યસમાજ અથવા આયુર્વેદિક દુકાનોમાં પણ મળતાં હોય છે. જોકે અત્યારે લૉકડાઉન સમયમાં તમારા ઘરમાં જે સામગ્રી હોય એ સામગ્રીથી પણ કામ ચાલી જશે. 

સામાન્ય સામગ્રી (આમાંથી તમારા ઘરે જે હોય એ-ઘણીબધી વસ્તુઓ કરિયાણાની દુકાનમાં અત્યારે પણ મળી શકશે.)

કાળા તલ, જવ, લવિંગ, હળદર, નારિયેળ, તેજપત્ર, લીમડાનાં પાન, આંબાનાં પાન, કાળાંમરી, આખા ચોખા, મગ, ઘઉં, તજ, હરડ, ખડી સાકર‍, કિશમિશ, ગિલોય, દુર્વા ઘાસ અથવા એનો પાઉડર, મધ, ગૂગળ, અરડૂસા, અશ્વગંધા, જાવિત્રી, ગુલાબની પાંખડી, વરિયાળી, કરિયાતાના પાંદડાં, અંજીર, તુલસીપત્ર, ગાયનાં છાણાં, બિલીપત્ર, સૂંઠ, સમિધા (પીપળો, આંબો, વડ, પલાશ જેવા કોઈ પણ ઝાડનું લાકડું અથવા શ્રીફળની કાચલી અથવા સુકા ખોપરાની કાતરીઓ), ગાયનું ઘી (જો ન હોય તો તલનું કે નારિયેળનું તેલ પણ લઈ શકાય), યજ્ઞકુંડ(જો ન હોય તો ઊંડી તપેલી કે કડાઈ જેવું વાસણ પણ લઈ શકાય)

રીત ઃ

ઉપર જણાવેલી સામગ્રીઓમાંથી જેટલી પણ સામગ્રી તમારી પાસે ઉપલબ્ધ હોય એમાં પાઉડરયુક્ત હોય એને અને આખી વસ્તુ હોય તો એને એમ અલગ રાખી દો. હવન કુંડ અથવા તમે જેને હવન કુંડ બનાવ્યો છે એની સામે સૌથી પહેલાં ઘીનો દીવો કરીને ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્ર કે અન્ય તમારી પસંદના કોઈ પણ મંત્રથી શરૂઆત કરો. પછી ઘી કે તેલયુક્ત કરેલી કોઈ પણ ઝાડની લાકડીઓ અથવા છાણાને હવનકુંડમાં મૂકીને કપૂર પ્રગટાવીને અગ્નિ પ્રજ્વલિત કરો. એને હવન કુંડની વચ્ચે મૂકો. હવે મનપસંદ મંત્ર બોલીને છેલ્લે સ્વાહા બોલતા જાઓ અને પ્રત્યેક મંત્ર અને સ્વાહા સાથે તમે ભેગી કરેલી સામગ્રીને થોડી-થોડી માત્રામાં આહુતિરૂપે અગ્નિમાં હોમતા જાઓ. કમ સે કમ ૩૧ આહુતિ અપાય એવા પ્રયાસો કરો. અગ્નિ ન પ્રગટે તો કપૂર અને ઘીનો આવશ્યકતા મુજબ ઉપયોગ કરી શકાય. છેલ્લે આવડતો હોય તો વિશ્વ શાંતિમંત્ર બોલીને અથવા મનમાં જ બધાનું ભલું થાય એવા ભાવ સાથે હવનની પૂર્ણાહુતિ કરો. સવારે સૂર્યોદય સમયે અને સાંજે સૂર્યાસ્ત સમયે હવન કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. યજ્ઞમાં અર્પિત કરેલી વસ્તુઓ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હવામાં ફેલાતી હોય છે. એટલે યજ્ઞ પછી યજ્ઞનો અગ્નિ શાંત પડ્યા પછી એમાં ગૂગળ અથવા અન્ય જડીબુટ્ટીઓના પાઉડર નાખીને ત્યાં પ્રાણાયામ કરી શકાય. યજ્ઞ પછી એ જ સ્થાન પર બેસીને કપાલભાતિ ક્રિયા, ભસ્ત્રીકા, અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરી શકાય. છેલ્લે નવ, ૧૮ કે ૨૭ વાર પરિવારના દરેક સભ્ય મળીને ઓમકારનું ચૅન્ટિંગ પણ કરી શકે છે. પંદર જ દિવસ સવાર-સાંજ યજ્ઞ અને પછી પ્રાણાયામ કરવાથી માત્ર વાતાવરણની શુદ્ધિ નહીં પણ શરીરના ઘણા રોગોમાં પણ લાભ મળે છે એવું યજ્ઞ ચિકિત્સાના નિષ્ણાતો કહે છે.

ગાંધીનગરને યજ્ઞનગરી બનાવવાનો સંકલ્પ કર્યો છે આ બહેને (નેહા વ્યાસ)

અમદાવાદ અને મુંબઈમાં અવરજવર કરતાં નેહા વ્યાસે વ્યક્તિગત લાભ અનુભવ્યા પછી યજ્ઞ કરાવવાનું શરૂ કર્યું છે. શ્રમણ ગુપ્તા અને નિર્મલ ગુપ્તા આ બન્ને યજ્ઞ પ્રત્યે અહોભાવીઓના સહાયથી મુંબઈમાં ઘણાં ઠેકાણે તેમણે ઘર-ઘરમાં લોકોને યજ્ઞ કરતા કર્યા અને અમદાવાદમાં પણ તેમણે આ કાર્ય શરૂ કરી દીધું છે. અમદાવાદના ગાંધીનગરમાં વિવિધ સોસાયટીઓથી લઈને ફૅક્ટરીમાં પણ તેઓ હવન કરાવી રહ્યાં છે. નેહાબહેન કહે છે, ‘મેં મારા વ્યક્તિગત જીવનમાં યજ્ઞના અનેક લાભ અનુભવ્યા પછી જ એને વધુ લોકો સુધી પહોંચાડવાની ઇચ્છા જાગી. શારીરિક, માનસિક, વ્યવહારિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે યજ્ઞનું અનન્ય મહત્ત્વ છે. મારી હેલ્થ બહેતર બની, નિર્ણયક્ષમતા બહેતર બની, વૈચારિક દૃઢતા આવી છે. યજ્ઞ ચિકિત્સા તર્કબદ્ધ પણ છે અને આપણી સંસ્કૃતિની ધરોહર છે. હવે આપણે એને ફરીથી અપનાવવી જ રહી. અત્યારે રોજ સવાર અને સાંજ લગભગ અઢીસોથી વધુ પરિવારો યજ્ઞ કરી રહ્યા છે. પ્રત્યેક ઘરમાં યજ્ઞ થવાના શરૂ થાય અને ગાંધીનગર યજ્ઞનગરી બને એવા ધ્યેય સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.’

અન્ન વિના તમે બે મહિના જીવી શકો, પાણી વિના કદાચ એક મહિનો, પણ વાયુ વિના દસ મિનિટ પણ જીવી શકો? નહીં જ. એનાથી એટલું જ સાબિત થાય કે તમને ઊર્જા આપવામાં વાયુની ભૂમિકા બધા કરતાં વધારે મહત્ત્વની છે. હવે આ જ વાયુને પોષણ આપવાનું કામ, વાયુની ક્વૉલિટી સુધારવાનું કામ યજ્ઞ દ્વારા થતું હોય તો એ શરીરને લાભ આપે કે ન આપે?

-સ્વામી યજ્ઞદેવજી

અમે જાતે કરાવેલી તપાસમાં ધ્યાનમાં આવ્યું છે કે યજ્ઞ પહેલાં અને યજ્ઞ પછીની ઍર ક્વૉલિટીમાં જમીન-આસમાનનો ફરક હતો. યજ્ઞ પછી હવામાંથી કાર્બન મૉનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ નોંધનીય રીતે ઘટ્યું હતું.

-નરશી પટેલ

ruchita shah weekend guide columnists