આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ... અને કૂતરાઓનું હાઉ હાઉ હાઉ...

17 August, 2025 04:22 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

હવે આજે કબૂતરો અને કૂતરાઓ કંઈ પણ કર્યા વગર શાંતિથી  બેઠા રહે છે અને અખબારો આ નામો છાપવા માટે હરીફાઈ કરે છે. વાહ ક્યા બાત હૈ!

પ્રતીકાત્મક તસવીર

દૈનિક અખબારોના પહેલા અને છેલ્લા પાને જે સમાચારો છપાતા હોય છે એમાં શરદ પવારથી માંડીને આદિત્ય ઠાકરે સુધીનાં નામો નજરે પડતાં હોય છે. આજ સુધી આમાં ક્યાંય કબૂતર કે કૂતરાનું નામ વાંચ્યું નહોતું. છેલ્લા થોડા દિવસથી આ કબૂતરો અને કૂતરાઓનું ભાગ્ય ઊઘડ્યું છે! પોતાનું નામ અખબારમાં પ્રસિદ્ધ કરવા માટે VIPઓ સુધ્ધાં કંઈક ઉધામા કરતા હોય છે. હવે આજે કબૂતરો અને કૂતરાઓ કંઈ પણ કર્યા વગર શાંતિથી  બેઠા રહે છે અને અખબારો આ નામો છાપવા માટે હરીફાઈ કરે છે. વાહ ક્યા બાત હૈ!

આપણી સાંસ્કૃતિક પરંપરામાં કબૂતર, કાગડો, કાબર, ચકલીઓ આ બધાં પંખીઓ આંગણાનાં પંખીઓ કહેવાય છે. આ બધાંને ચણ નાખવી એને આપણા પૂર્વજો રોજિંદું કામ ગણતા. ચકલીને ચણ અને કૂતરાને રોટલો અપાયા પછી જ રસોડામાં કુટુંબીજનો માટે રોટલા ટિપાતા. જોકે આજકાલ કબૂતરો ચણ માટે અધિકારી બની ગયા છે. કોણ જાણે કેમ કાગડા, કાબર કે બીજાં પંખીઓને ચણ નખાતું નથી. જોકે એ બધાં પંખીઓ પણ નખાયેલી ચણમાંથી પોતાનો ભાગ મેળવી લેતા હોય છે. કાગડા કમનસીબ છે કે એ ચણતા હોય ત્યાંથી એમને ઉડાડી મૂકવામાં આવતા હોય છે. કબૂતરો માટે આ ખાસ પ્રકારનાં કબૂતરખાનાં કોણે અને ક્યારે શરૂ કર્યાં એનો ઇતિહાસ તો કોઈક અભ્યાસી જણ ખણખોદ કરીને જણાવે ત્યારે ખબર પડે. બીજાં શહેરોની તો ખબર નથી પણ મુંબઈમાં ૫૧ કબૂતરખાનાં છે. એવો આંકડો છે, આમાં સાચું-ખોટું રામ જાણે.

કબૂતરો એમને પીરસેલી ચણ શાંતિપૂર્વક ખાય છે એ આપણને જોવું પણ ગમે છે. કૂતરાને રોટલો આપવો હોય તો સલામત અંતરથી આ પુણ્ય કર્મ કરવું. (જોકે શ્વાનપ્રેમી આમાં અપવાદ  છે.)

પરમાત્માએ લાખો પ્રજાતિ બનાવી છે. માણસથી માંડીને મચ્છર સુધીના સહુને માટે જુદા-જુદા  ખાદ્ય પદાર્થો નિશ્ચિત કર્યા છે. હજારો મણનો હાથી શુદ્ધ શાકાહારી છે. પરમાત્માએ એમને માટે ઘાસનું તણખલું જીવન બનાવ્યું છે પણ ચપટીમાં ચોળાઈ જતા મચ્છર માટે બીજાનું લોહી પીવું એ જ જીવન છે. આમ જળમાં, સ્થળમાં કે આકાશમાં સર્વત્ર જ્યાં જીવન છે ત્યાં એમને માટે ખાદ્ય પદાર્થ છે જ. આ ખાદ્ય પદાર્થો એમને કોઈ પીરસતું નથી, એમને આપોઆપ મળી જાય છે અથવા શિકાર કરીને મેળવી લે છે. બીજાના પ્રાણ હરીને પોતાના પ્રાણ ટકાવી રાખવા એ નિયમ આપણને ગમે એવો નથી અને આમ છતાં આપણે માણસો સુધ્ધાં માંસાહારનું નામ પડતાં વેંત હોઠ પર જીભ ફેરવતા હોઈએ છીએ. આ એવું સૂચવે છે કે પરમાત્માની દૃષ્ટિમાં માણસથી માંડી સહુ એકસરખા છે.

હજારો કિલો વજન ધરાવતા હાથી માટે ઘાસનું એક તણખલું પણ ખોરાક છે. માણસ માટે અન્ય  પ્રાણીને માંસની જરૂર નહોતી છતાં એણે અન્ય પ્રાણીને મારીને માંસને પોતાનો ખોરાક બનાવ્યો.

પોતાના રક્ષણ માટે એક પ્રાણી બીજા પ્રાણીને મારી નાખે એમાં કશું અજુગતું નથી. આને હિંસા પણ ન કહેવાય. ગાંધીજીએ અમદાવાદમાં પોતાના આશ્રમનો આરંભ કર્યો ત્યારે મિલ કામદારોના વસવાટના વિસ્તારમાં હડકાયાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો હતો. મિલમાલિક મંડળના પ્રમુખે આ વિસ્તારના બધા કૂતરાઓને મારી નાખ્યા કેટલાક શ્વાનપ્રેમી અહિંસકોએ ગાંધીજીને ફરિયાદ કરી ત્યારે ગાંધીજીએ હડકાયા કૂતરા કરડવાથી માણસનું મોત થાય એના કરતાં હિંસા  સારી કહી હતી એમ કહ્યું હતું.

શાંતિદૂતની અશાંતિ

આપણી અનેક લોકકથાઓમાં કબૂતરને શાંતિદૂત કહેવાયાં છે. શાંતિદૂત ઉપરાંત એમને સંદેશવાહક પણ કહ્યાં છે. આવાં કબૂતરોએ એક અશાંતિ ઊભી કરી છે. સદીઓથી માણસોના હાથે ચણ મેળવતાં કબૂતરો જ માણસના કમોતનું કારણ છે એવું કહેવાયું છે. આવું આજ સુધી કહેવાયું નહોતું. હજી આજેય આવાં કમોતનું કારણ કબૂતર જ છે એવું છાતી ઠોકીને કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટે કહ્યું નથી. આમ છતાં કબૂતર આવા રોગનાં કારણ નથી એવું પણ કહી શકાય એમ નથી.

સદીઓ પહેલાં મુંબઈ એક જંગલ હતું. માણસે આ જંગલમાં વસવાટ શરૂ કર્યો અને આ વસવાટના સાચા મુંબઈ માલિકો એવાં હિંસક પશુઓ અને સર્પો એવા સહુને બળપૂર્વક હાંકી કાઢીને મુંબઈને પોતાનું બનાવી લીધું.

મુંબઈમાં કબૂતરોની સંખ્યા કેટલી છે એ આપણે કોઈ જાણતા નથી પણ દિલ્હીમાં રખડતાં કૂતરાની સંખ્યા ૮ લાખ છે એવું અખબારોએ કહ્યું છે. ૨૦૨૪ના વર્ષમાં દેશભરમાં ૧૫ લાખ કૂતરાઓ  લોકોને કરડ્યાં હતાં એવો આંકડો છે. સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ શાણા જજસાહેબોએ આ ૮ લાખ કૂતરાઓને પકડીને પૂરી દેવાની આજ્ઞા કરી છે. (જોકે આ લખતી વખતે આ આજ્ઞા હળવી પણ કરી છે એવા સમાચાર છે).

ચોપગા શ્વાનોથી મુક્ત થયેલા દિલ્હીવાસીઓ હડકવાથી હળવાં થાય એ શુભ સંકેત છે પણ  નિરંકુશ શ્વાનો કોઈને કરડે નહીં એની તકેદારી તો રાખવી પડે.

કેટલાક અણસમજુ માણસો કબૂતરોનો બચાવ કરતા અહિંસાવાદી લોકોનો માંસાહારના નામે વિરોધ કરે છે ત્યારે તેમને એટલું જ કહેવાનું, ભલા માણસ, આમાં માંસાહારને અને શાકાહારને કાંઈ લેવાદેવા નથી. દુનિયાભરનું માંસ પેટ ભરીને ખાઓ. આમાં ધર્મ અને ભાષાને કાંઈ લેવાદેવા નથી.

બિચારાં કબૂતરોને અને બાપડા કૂતરાઓને એમને મળેલા ઈશ્વરદત્ત પ્રારબ્ધ પર ભલે છોડી દો પણ આપણી સંભાળ તો રાખજો જ.

columnists gujarati mid day mumbai dinkar joshi supreme court mumbai high court bombay high court brihanmumbai municipal corporation sharad pawar aaditya thackeray