ભાઈબંધી કર્ણ જેવી હોવી જોઈએ,નહીં તો મિત્ર વિના ટકી રહેવાની તૈયારી રાખવી

02 August, 2020 11:23 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

ભાઈબંધી કર્ણ જેવી હોવી જોઈએ,નહીં તો મિત્ર વિના ટકી રહેવાની તૈયારી રાખવી

પ્રતીકાત્મક તસવીર

ભાઈબંધી, દોસ્તી, દોસ્તાના, યારી અને મિત્રતા આ બધા શબ્દોના અનેક અર્થ છે, પણ એ બધામાં મને મારા એક મિત્રએ આપેલી ભાઈબંધીની વ્યાખ્યા અત્યંત પસંદ છે. ભાઈ જેવું બંધન ધરાવતા હોય એ સંબંધ એટલે ભાઈબંધી. ભાઈબંધી એવી જ હોવી જોઈએ, પછી એને ભલે કોઈ પણ નામથી ઓળખવામાં આવતી હોય અને પછી એ ભલે કોઈ પણ સાથેની હોય. બે છોકરાઓની દોસ્તી હોય તો પણ આ જ વ્યાખ્યા લાગુ પડવી જોઈએ અને છોકરી-છોકરાની દોસ્તી હોય તો એમાં પણ આ જ વ્યાખ્યા લાગુ પડવી જોઈએ. ભાઈબંધી માટેના, ઉમદા ભાઈબંધી માટેના અનેક કિસ્સા આપણી આંખ સામે છે. ઇતિહાસ પાસે પણ સર્વશ્રેષ્ઠ ભાઈબંધીના દાખલા છે તો ફિલ્મોમાં પણ આપણે ભાઈબંધીની ઘટના જોઈ ચૂક્યા છીએ. ફિલ્મોમાં જો ‘શોલે’ના જય-વીરુની ભાઈબંધી શ્રેષ્ઠ ગણાતી હોય તો ઇતિહાસમાં કૃષ્ણ-સુદામાની ભાઈબંધી અવ્વલ દરજ્જાની છે, પણ અંગત રીતે મને જો કોઈ ભાઈબંધી ગમતી હોય તો એમાં પહેલા નંબરે આવતી ભાઈબંધી કર્ણ અને દુર્યોધનની ભાઈબંધી છે.
કર્ણ જાણતો હતો કે દુર્યોધન ખોટું કરે છે, કર્ણને એ પણ ખબર હતી કે દુર્યોધન કોઈનું અહિત કરે છે અને કર્ણ એ વાતથી પણ વાકેફ હતો કે દુર્યોધન અન્યાય કરી રહ્યો છે. પાંડવ માટે પાંચ ગામ માગવામાં આવ્યાં એ સમયે દુર્યોધને એની પણ ના પાડી ત્યારે કર્ણ પહેલી એવી વ્યક્તિ હતી જેણે દુર્યોધનને કહ્યું હતું કે વિનાશની શરૂઆત તારા આ નકારથી થવાની છે. આંખ સામે વિનાશ હતો, આંખ સામે મોત હતું અને એ પછી પણ તેણે ભાઈબંધીની વાત આવી એ સમયે પહેલું હથિયાર ભાઈબંધ માટે ઉપાડ્યું હતું. દાસીપુત્રનું અપમાન થયું એટલે કર્ણ નારાજ હતો એવું જો કોઈ ધારતું હોય તો એ હળાહળ જૂઠું છે. કર્ણને તો પોતાની પાલક મા માટે જબરું માન હતું અને એ તેણે પોતે પણ ‘કર્ણીશ્યમ:’ નામના ગ્રંથમાં સ્વીકાર્યું છે.
કર્ણને કોઈ અપમાનની અસર નહોતી થઈ, પણ તેને પોતાની ભાઈબંધી માટે જબરદસ્ત માન હતું. કર્ણ અને કૃષ્ણ વચ્ચેનો એક સંવાદ જોવા-સાંભળવા જેવો છે. કૃષ્ણની ઇચ્છા હતી કે કર્ણ પાંડવ પક્ષે રહે. કૃષ્ણની વાત સાંભળીને કર્ણે કહ્યું હતું કે ‘જો તમે મારા મનની મૂંઝવણનું નિરાકરણ કરો તો હું પક્ષ બદલી નાખું.’
‘કહે, શું મનની મૂંઝવણ છે તારી?’
‘ભાઈબંધીમાં ગદ્દારી કરીએ એ મોટું પાપ કે પછી ખરાબ સમયે પણ સાથ નહીં છોડનારા ભાઈબંધ માટે ભાઈઓ સામે હથિયાર ઉપાડીએ એ મોટું પાપ? વાક્‍ચાતુર્ય વાપર્યા વિના તમારા હૃદયને પૂછીને જવાબ આપજો. મને તમારો જવાબ સાંભળવો છે, પાંચ મિનિટ... પાંચ મિનિટ હું આંખ બંધ રાખીશ અને માત્ર તમારો જવાબ સાંભળીશ.’
કર્ણે આંખ બંધ કરી.
પાંચ મિનિટ પછી તેણે આંખ ખોલી ત્યારે કૃષ્ણ ત્યાં હાજર નહોતા. કર્ણને જવાબ મળી ગયો હતો અને કૃષ્ણએ વણકહ્યે જવાબ આપી પણ દીધો હતો.

manoj joshi columnists