દોસ્તી

07 May, 2021 03:05 PM IST  |  Mumbai | Rashmin Shah

રિસાઈને ઢબ્બુ પપ્પાના પેટ પરથી ઊતરીને જવાની તૈયારીમાં લાગ્યો, પણ પપ્પાએ તરત જ પકડી લીધો.

દોસ્તી

‘પપ્પા, એક પ્રૉબ્લેમ છે...’
રૂમમાં પપ્પા વાંચતા હતા ત્યાં ઢબ્બુ દોડતો આવ્યો. પપ્પા કંઈ પૂછે એ પહેલાં તો ઢબ્બુ પપ્પાના પેટ પર ચડી ગયો. 
પપ્પા માટે બે વાતનું આશ્ચર્ય હતું અત્યારે. એક તો રાતના સાડાઅગિયાર વાગ્યે પણ ઢબ્બુમહારાજ કેમ જાગે છે એ અને બીજું આશ્ચર્ય, અત્યારે આ ટાઇમે આ બટેટીને શું પ્રૉબ્લેમ આવ્યો?
‘તારા પ્રૉબ્લેમની વાત પછી કરીશું, પહેલાં મારા પ્રૉબ્લેમનો જવાબ આપ.’ 
પપ્પાએ ઢબ્બુના વાળ લાડથી વિખેર્યા, ‘હજી સુધી તમે જાગો છો કેમ? કીધું છેને, રાતે વહેલા સૂવાનું...’
‘હા પણ પ્રૉબ્લેમ છેને એટલે...’
‘મેજર પ્રૉબ્લેમ છે?’ સવાલ પૂછીને જવાબ પણ પપ્પાએ આપી દીધો, ‘આપણે એની વાત સવારે કરીશું, અત્યારે સૂઈ જવાનું... ચાલો ભાગો, રૂમમાં.’
‘ના, મેજર પ્રૉબ્લેમ છે.’ ઢબ્બુની આર્ગ્યુમેન્ટ ચાલુ રહી, ‘તમે કહેતા હો છોને, પ્રૉબ્લેમ સૉલ્વ કરીને સૂઈએ તો જ ઊંઘ આવે.’
‘હા પણ એ અમારા જેવા મોટા લોકોને લાગુ પડે. તમને નહીં...’
‘હું મોટો જ છુંને હવે...’ ઢબ્બુની વાત ખોટી નહોતી, ‘અનાયા કરતાં મોટોને. તેને તો હજી ચાલતાં પણ નથી આવડતું. હું તો દોડું છું હવે... અનાયાને તો આન્ટી જમાડે, હું તો જાતે જમી લઉં ને કપડાં પણ નથી બગાડતો.’
‘હમં... બહુ મોટો, ખાલી તારી મમ્મીએ તને ચડ્ડીનાં બટન બંધ કરી દેવાં પડે.’ 
ઢબ્બુએ મોઢું બગાડી નીચેનો હોઠ બહાર કાઢ્યો. પપ્પા સમજી ગયા કે જો વાતને વાળવામાં નહીં આવે તો હવે ઢબ્બુની આંખમાંથી ગંગા-જમનાનો બહાવ શરૂ થઈ જશે. તેમણે તરત જ ટૉપિક ચેન્જ કર્યો.
‘બોલ, પ્રૉબ્લેમ.’ પપ્પાએ સુધાર્યું, ‘મેજર પ્રૉબ્લેમ શું છે, આપણે એનું સોલ્યુશન લાવીએ.’
‘ના.’
રિસાઈને ઢબ્બુ પપ્પાના પેટ પરથી ઊતરીને જવાની તૈયારીમાં લાગ્યો, પણ પપ્પાએ તરત જ પકડી લીધો.
‘અરે બેસ, બેસ. હજી તો જમીને જવાનું છે તારે.’
‘ભૂખ નથી.’ ઢબ્બુએ પણ હઠ પકડી, ‘મારે જવું છે.’
‘પ્રૉબ્લેમ કહ્યા વિના?’ પપ્પાને ટાસ્ક મળી ગયો હતો દીકરાને મનાવવાનો, ‘શું પ્રૉબ્લેમ છે એ કહે પહેલાં મને...’
‘કાલે.’
‘આજે.’ પપ્પાએ એનું બ્રહ્માસ્ત્ર વાપર્યું, ‘અને ફાસ્ટ. સે, વૉટ હેપન્ડ...’
‘તપન.’
‘શું થયું તપનને?’
‘તેને કંઈ નથી થયું પણ મને થશે...’ ઢબ્બુ ભૂલી ગયો કે તે રિસાયો છે, ‘કાલથી તેને ફોન કરું છું, વાત જ નથી કરતો.’
‘પણ ફોન તું શું કામ કરે છે તેને?’
‘એમસીક્યુ લેવાના છે તેની પાસેથી. બે દિવસ પહેલાં ટીચરે આપ્યા એ.’
‘તો બે દિવસ પહેલાં જ્યારે ટીચર આપતા હતા ત્યારે તું ક્યાં હતો?’
પપ્પાનો પ્રશ્ન વાજબી હતો.
‘કોઈની પાસેથી માગવું પડે એવો સમય જ ન આવવો જોઈએ.’
‘હા પણ એ દિવસે હું ઍબ્સન્ટ હતો.’ પપ્પા ઢબ્બુને ધારી-ધારીને જોતા હતા એટલે બે સેકન્ડ પછી ઢબ્બુએ ચોખવટ પણ કરી, ‘તમારી પરમિશન લીધી’તી મેં. પૂછો મમ્મીને...’
પપ્પા કંઈ પૂછે એ પહેલાં તો ઢબ્બુએ મમ્મીને રાડ પણ પાડી દીધી.
‘મમ્મીઇઇઇ...’
મમ્મી જો અત્યારે ઢબ્બુનો અવાજ સાંભળશે તો એ ભડકશે એવું ધારીને પપ્પાએ તરત જ વાતને પડતી મૂકી દીધી.
‘સમજી ગયો, બોલાવમા એને તું... તને જ ખીજવાશે.’ પપ્પાએ વાતને પૂરી કરવાના હેતુથી જ પૂછી લીધું, ‘શું થયું તપન સાથે તારે?’
‘મને કંઈ નથી થયું, તેને થયું હશે. એમસીક્યુ માગ્યા એટલે મને કહે, હમણાં મોકલાવું પણ પછી એ ફોન પર જ નથી આવતો. કાલે મારે આપવાના છે મૅડમને.’ 
‘હમં... એટલે ભાઈની બકરી ડબ્બામાં પુરાઈ છે.’
‘હા, ને બહારથી કોઈએ લૉક પણ મારી દીધું છે.’
ઢબ્બુના જવાબથી પપ્પાને હસવું આવી ગયું એટલે ઢબ્બુ સહેજ ઇરિટેટ થયો.
‘હસો નહીં, જવાબ આપો. હવે કરવું શું?’
‘એક થાય, કાલે સવારે મૅડમની સામે સ્ક્રીન પર હું આવીને તેમને રિક્વેસ્ટ કરી દઉં...’
‘બેસ્ટ આઇડિયા, આમ પણ મૅડમ તમારાથી મસ્ત ઇમ્પ્રેસ છે.’
પપ્પાએ ઢબ્બુને ટપલી મારી.
‘ઇડિયટ, મમ્મી સામે બોલતો નહીં, નહીં તો તને ને મને બેઉને પ્રેસ કરી દેશે.’
‘નહીં બોલું પણ તમે મસ્ત રીતે પટાવીને કહી દેજોને મૅડમને. પ્લીઝ...’
‘હમં...’ પપ્પાએ સહેજ વિચાર કર્યો અને કહ્યું, ‘એક શરતે...’
‘ડન... પણ એક શરતે.’
‘શરત સામે શરત?’
‘હા, મારી નાની જ છે.’ ઢબ્બુએ બે આંગળી વચ્ચે સહેજ જગ્યા રાખીને કહ્યું, ‘આટલી નાની, સ્ટોરી...’
‘હમં... એકદમ અપ્રોપ્રિએટ સ્ટોરી...’ ઢબ્બુના ફેસ પર સ્માઇલ આવી ગયું.
પપ્પાએ સ્ટોરી શરૂ કરી.
‘બે ફ્રેન્ડ્સ હતા...’
‘મારા અને સની જેવા.’
‘ના, તારા અને તપન જેવા...’
‘ઓકે, પછી...’
‘એક ફ્રેન્ડનું તપન અને બીજા ફ્રેન્ડનું નામ...’
જવાબ ઢબ્બુએ આપી દીધો.
‘ઢબ્બુ...’
lll
તપન અને ઢબ્બુ બેઉ એકદમ પાકા ફ્રેન્ડ્સ. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય. ક્યાંય એકલા જાય નહીં. આખું વિલેજ કહે કે તપન અને ઢબ્બુ જેવી ફ્રેન્ડશિપ કોઈની હતી નહીં અને ફ્યુચરમાં કોઈની થવાની નથી. નાનપણથી બેઉ સાથે. સાથે ભણ્યા, સાથે જ મોટા થયા અને હવે સાથે જ બન્ને કામ પર લાગવાના હતા.
બેઉએ નક્કી કર્યું કે આપણે આપણા વિલેજથી દૂર જઈને કામ કરીએ. મોટા શહેરમાં કામ કરીએ. શહેર મોટું હોય તો નૅચરલી કામ પણ ઝડપથી મળી જાય અને પૈસા પણ મળે. તપન અને ઢબ્બુએ તો ફૅમિલીના બધાને મનાવી લીધા. બધા માની પણ ગયા. માનવાનું મેઇન કારણ એક જ, સગા ભાઈ જેવા બે ફ્રેન્ડ્સ સાથે જતા હતા એટલે બેમાંથી કોઈના પેરન્ટ્સને ચિંતા નહોતી.
lll
‘તું અને તપન ફૉરેન ભણવા જવાનું નક્કી કરો છોને?’ ઢબ્બુએ હા પાડી એટલે પપ્પાએ કહ્યું, ‘તમે બન્ને જાઓ તો અમને ચિંતા થાય?’
‘ના, જરાય નહીં.’
‘બસ, એવું જ સ્ટોરીના તપન અને ઢબ્બુની માટે હતું. કોઈને ટેન્શન નહીં. બધાને એવું જ મનમાં કે બેઉ એકબીજાનું ધ્યાન રાખશે અને સરસ રીતે સિટીમાં સેટ થઈ જશે.’
‘હમં, પછી...’
‘બન્ને ઘરેથી રવાના થયા. મોટું સિટી તો એ બન્નેના વિલેજથી બહુ દૂર હતું. ચાલીને જવું પડે અને રસ્તામાં તો વચ્ચે મોટું બધું જંગલ આવે. જંગલમાં સિંહ પણ રહે, વાઘ પણ રહે અને રીંછ પણ રહે...’
‘લેપર્ડ?’
‘હા, મોટા-મોટા લેપર્ડ... પણ એ લેપર્ડ કરતાં વધારે ખતરનાક સિંહ હતા. ભૂખ લાગે એટલે કોઈને મૂકે નહીં. હાથી પર પણ અટૅક કરે અને એને પણ ખાઈ જાય.’
‘બધાને?’ પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુએ ફરી પૂછ્યું, ‘માણસને પણ?’
‘હા માણસને પણ...’
lll
ઢબ્બુ અને તપન તો ઘરેથી ખાવાનું લઈને નીકળ્યા હતા. ચાલતા જાય, ચાલતા જાય, ચાલતા જાય. બપોર પડી એટલે બન્ને થાક્યા. એક નદી આવી એટલે નદી પાસે બેસીને બન્નેએ જમી લીધું, નદીમાંથી પાણી પી લીધું અને થોડી વાર આરામ કરીને ફરીથી આગળ ચાલવા માંડ્યા. ચાલતા જાય, ચાલતા જાય, ચાલતા જાય. 
ધીમે-ધીમે સાંજ પડી અને સાંજ પડી કે તરત જ જંગલમાંથી સિંહ-વાઘ-દીપડાની ત્રાડ સંભળાવા માંડી.
‘ચિંતા નહીં કર, આપણને કોઈ કંઈ નહીં કરે.’ ઢબ્બુને બીક લાગતી જોઈને તપને ઢબ્બુને કહ્યું, ‘આપણે ચાલતા રહીએ એટલે જલદી શહેર પહોંચી જઈએ.’
બન્નેએ ચાલવાનું ચાલુ રાખ્યું. 
આગળ વધતા જાય અને એકબીજાને સપોર્ટ કરતા જાય.
lll
‘ટૉર્ચ હતી એ લોકો પાસે?’
‘ના, એ સમયમાં ટૉર્ચ નહોતી શોધાઈ.’
‘તો અંધારામાં બધું દેખાતું’તું એ લોકોને?’
‘હા, મોટો મૂન હતો, મૂનલાઇટમાં જંગલમાં તો દેખાય બધું...’
‘હમં... પછી?’
lll
આગળ વધતાં ઢબ્બુ અને તપનને ખબર નહોતી કે થોડે આગળ એક સિંહ ઝાડીમાં સંતાઈને બેઠો હતો. સિંહ સવારથી ભૂખ્યો હતો. એણે કંઈ ખાધું નહોતું. એ રાહ જોતો હતો કે કોઈ પ્રાણી ત્યાંથી નીકળે એટલે એને મારીને એ જમી લે.
તપન અને ઢબ્બુ થોડા આગળ ગયા ત્યાં તો સિંહને તેમનાં પગલાંનો અવાજ આવી ગયો. સિંહે ત્રાડ પાડી અને છલાંગ મારી સીધો ઝાડીની બહાર આવ્યો. બરાબર એ જ સમયે ઢબ્બુના પગમાં ઠેસ લાગી અને તે જમીન પર પડ્યો.
ઘરરર...
સિંહ ઝાડીમાંથી બહાર આવી તપન અને ઢબ્બુ તરફ આગળ વધ્યો. ઢબ્બુના હાર્ટબીટ્સ વધી ગયા. તેણે તપન સામે જોયું. તપન સમજી ગયો કે જો એ ઢબ્બુને ઊભો કરવા રોકાય તો એટલી વારમાં સિંહ આવી જાય અને બેઉને મારી નાખે. ઢબ્બુને પડતો મૂકીને તપન તો સીધો ભાગ્યો બાજુમાં હતું એ ઝાડ તરફ અને ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો. 
lll
‘હાય, હાય...’ ઢબ્બુથી બોલાઈ ગયું, ‘એ તો ખોટું કહેવાય... ફ્રેન્ડ સાથે આવું ન કરાય.’
‘હા પણ તપનને ફ્રેન્ડ કરતાં જીવ વહાલો હતો, સો તેણે એ રસ્તો લીધો.’
‘પછી, સિંહ ઢબ્બુને ખાઈ ગયો?’
lll
તપનને ઝાડ પર ચડી ગયેલો જોઈ સિંહ ઢબ્બુ તરફ વળ્યો પણ ઢબ્બુએ એ જ સમયે મસ્ત બુદ્ધિ વાપરી લીધી હતી. તે જાણે કે મરી ગયો હોય એમ જમીન પર સૂઈ ગયો. સિંહ ધીમે-ધીમે તેની પાસે આવ્યો. પાસે આવીને તેણે ઢબ્બુના મોઢા પાસે મોઢું રાખ્યું. ઢબ્બુએ શ્વાસ સાવ રોકી લીધો. સિંહ પણ એ જ તો હતો કે ઢબ્બુ જીવે છે કે નહીં. જંગલના સિંહની એક ખાસિયત છે, એ ક્યારેય મરેલા પ્રાણી ખાય નહીં. એ જાતે જ શિકાર કરે અને પછી એને ખાય.
સિંહ થોડી વાર એમ જ ઢબ્બુના મોઢા પાસે મોઢું રાખીને ઊભો રહ્યો અને પછી ખાતરી થઈ ગઈ કે આ તો મરી ગયો છે એટલે ત્યાંથી નીકળીને આગળ વધી ગયો. થોડી વાર ઢબ્બુ જમીન પર એમ જ મરેલો પડ્યો રહ્યો અને તપન ઝાડ પર. થોડી વાર પછી ખાતરી થઈ કે સિંહ દૂર નીકળી ગયો છે એટલે તપન ઝાડ પરથી નીચે આવ્યો અને ઢબ્બુ પણ જમીન પરથી ઊભો થઈ ગયો.
બન્ને ફરી આગળ વધવા માંડ્યા. 
બેમાંથી કોઈ કશું બોલે નહીં. 
સવાર પડ્યું, શહેર આવ્યું. હવે તપનથી રહેવાયું નહીં. તેણે ઢબ્બુને પૂછ્યું,
‘સિંહ તારા કાન પાસે શું કરતો હતો? કંઈ કીધું એણે તને...’ 
‘પર્સનલ મેસેજ આપતો હતો...’
‘શું કીધું, કહેને...’ ઢબ્બુ બોલ્યો નહીં એટલે તપને દોસ્તી યાદ કરાવી, ‘આપણે ફ્રેન્ડ્સ છીએને, આવું કરવાનું, કહેવાનું નહીં મને, સિંહે શું કીધું?’
‘સિંહે કીધું, સમય આવ્યે જ સાચા ફ્રેન્ડ્સની ખબર પડે...’
lll
‘જેમ મને અત્યારે ખબર પડી ગઈ એમ...’
ઢબ્બુએ હાઇ-ફાઇ માટે પપ્પા તરફ હાથ લંબાવ્યો.
‘એક્ઝૅક્ટલી...’ 

સમાપ્ત

Rashmin Shah columnists