રીલ લાઇફમાં મૈત્રીની મિસાલ સમાન પાત્રો કરનારા કલાકારો સાથે કરીએ રિયલ લાઇફ ફ્રેન્ડશિપની વાત

01 August, 2021 12:34 PM IST  |  Mumbai | Jigisha Jain

મૉડર્ન ગુજરાતી ફિલ્મોમાં ‘છેલ્લો દિવસ’, ‘બે યાર’, ‘પોલમપોલ’, ‘તારી માટે વન્સ મોર’ જેવી અઢળક ફિલ્મો છે જેમાં મૈત્રી અને મિત્રતાની મિસાલ રજૂ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

મૉડર્ન ગુજરાતી ફિલ્મોમાં ‘છેલ્લો દિવસ’, ‘બે યાર’, ‘પોલમપોલ’, ‘તારી માટે વન્સ મોર’ જેવી અઢળક ફિલ્મો છે જેમાં મૈત્રી અને મિત્રતાની મિસાલ રજૂ કરવામાં આવી છે. આજે ફ્રેન્ડશિપ ડે પર જિગીષા જૈને વાત કરી આ ફિલ્મોનાં મુખ્ય પાત્રો સાથે અને જાણ્યું તેમના જીવનના ખાસ મિત્રો વિશે તેમ જ મિત્રતાનું તેમને મન શું મહત્ત્વ છે એ

હું મારા પરમ મિત્રને મળું ત્યારે મને મારી અંદરની માણસાઈ સચવાયેલી લાગે છે : પ્રતીક ગાંધી

ફિલ્મ ‘બે યાર’માં મોટરસાઇકલ ચલાવતાં-ચલાવતાં સેલ્ફી પાડતો ચકો અને તેની પાછળ ઍક્સિડન્ટ થઈ જશેની સાવચેતી દેખાડતા ટીનાને જોઈને કોઈ પણ બોલી ઊઠે કે આ બન્ને તો ગુજરાતી ફિલ્મના જય-વીરુ જેવા છે. ફિલ્મમાં એક ભોળા-અતરંગી ચકાને ચાલાક અને હોશિયાર ટીનો જે પ્રકારનો સાથ આપે છે એ દોસ્તીની મિસાલ કાયમ કરે છે. આ ફિલ્મમાં તપન એટલે કે ટીનો બનનાર ઍક્ટર પ્રતીક ગાંધી કહે છે, ‘આપણા જીવનમાં અઢળક મિત્રો હોય છે અને દરેક જગ્યાએ ચકા અને ટીનાનું કૉમ્બિનેશન મળી જ આવે છે. ટીનો હોશિયાર છે એટલે ચકાને નાના ભાઈની જેમ સાચવે છે. તેના પર ખિજાય પણ જાય છે અને તેના ખરાબ સમયમાં તેને સાથ આપીને સંભાળી પણ લે છે.’

શું તમારા જીવનમાં કોઈ ટીનો છે જેના રેફરન્સને તમે આ ફિલ્મમાં ઉતાર્યો હોય? આ પ્રશ્નનો જવાબ આપતાં હસતાં-હસતાં પ્રતીક કહે છે, ‘અઢળક. મિત્રોના ઝુંડમાં કેટલાય એવા છે જે મારા માટે ટીનો સાબિત થયા હોય અને એવા કેટલાય છે જેમનો હું ટીનો બન્યો હોઉં.’

આ ફિલ્મમાં જે મસ્તીવાળી સીક્વન્સ છે એ પ્રતીકે ઘણા રિયલ લાઇફ બનાવો પરથી ઇમ્પ્રોવાઇઝ કરેલી છે. પોતાને અઢળક મિત્રો છે એવું કહેતાં પ્રતીક કહે છે, ‘મિત્રો વગરનું જીવન તો શક્ય જ નથી, પરંતુ મને લાગે છે કે જેવી મિત્રતા સ્કૂલકાળમાં શક્ય છે એવી મિત્રતા તમને પછી મળતી નથી. સ્કૂલના મિત્રોમાં જે નિર્દોષતા અને પોતાપણું તમને મળે એ પછી પણ મળવું થોડું અઘરું છે. જોકે એ વાત પણ એટલી જ ખરી છે કે દરેક મિત્રનું આપણા જીવનમાં અનેરું સ્થાન હોય છે. કોઈ કોઈની જગ્યા લઈ ન શકે.’

માટે જ પ્રતીકના હૃદયથી ખૂબ જ નજીક એવો મિત્ર તેની સ્કૂલનો મિત્ર છે જેનું નામ છે કુશાંક શાહ. હાલમાં યુએસમાં રહેતો આઇટી પ્રોફેશનલ કુશાંક છેલ્લાં ૨૭ વર્ષથી પ્રતીકનો મિત્ર છે. આઠમા ધોરણથી તેઓ મિત્રો હતા અને તેમનાં ઘર પણ ઘણાં નજીક હતાં. બારમા ધોરણ સુધી તેમનો એક પણ દિવસ એકબીજાને ન મળે એવો ગયો જ નથી એમ કહી શકાય. પોતાની મિત્રતાની શરૂઆત યાદ કરતાં પ્રતીક કહે છે, ‘કુશાંક ક્લાસનો ખૂબ જ મસ્તીખોર છોકરો હતો. તે એવી મસ્તી કરતો કે સામેવાળો માણસ ખૂબ જ ગુસ્સે ભરાય, પરંતુ તેને કોઈ ફરક જ ન પડે. શરૂઆતમાં હું તેનાથી એવો જ ગુસ્સે ભરાતો, પરંતુ તેની મસ્તીને કારણે જ અમે ફ્રેન્ડ્સ બન્યા અને એવા ફ્રેન્ડ્સ બન્યા કે જીવનભરના ફ્રેન્ડ્સ બની ગયા.’ 

એ પછી ભણવામાં, કરીઅર બનાવવામાં શહેરો બદલાયાં, જીવન પણ બદલાયું પરંતુ બન્નેનું બૉન્ડિંગ બદલાયું નહીં. એ વિશે વાત કરતાં પ્રતીક કહે છે, ‘દરરોજ તમે મળી ન શકો, પરંતુ જ્યારે મળો ત્યારે આખેઆખા ઠલવાઈ જાવ, આનંદથી ભરાઈ જાવ એવી મિત્રતા છે અમારી. ફિઝિકલી દૂર છીએ, પરંતુ મનથી એકદમ નજીક. બન્નેના જીવનની આટઆટલી વ્યસ્તતા છતાં હજી આજે પણ અમને એકબીજા વિશે બધી ખબર હોય.’

પ્રતીક માટે મિત્રતાનું મહત્ત્વ શું?

આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રતીક કહે છે, ‘માણસની ઓળખ કરવી હોય તો તેની કેવા લોકો જોડે મિત્રતા છે એ જાણવું જોઈએ એમ કહેવાય છે અને આ વાત મને સાચી લાગે છે. જ્યારે હું મારા પરમ મિત્રને મળું ત્યારે મને મારી અંદરની માણસાઈ સચવાયેલી લાગે છે. મને લાગે છે કે હું મારામાં છું. મને ખુદમાં રાખે અને ખુદથી ભેટ કરાવે એ જ સાચી મિત્રતા.’

મારા માટે મિત્ર એટલે હૂંફ : ઓજસ રાવલ

૨૦૧૮માં રિલીઝ થયેલી અને હાલમાં શેમારૂ પર આવેલી ફિલ્મ ‘તારી માટે વન્સ મોર’માં કૉલેજકાળના મિત્રો જે છૂટા પડી જાય છે અને ફરી ભેગા થવાનું વિચારે છે અને વાર્તા આગળ વધે છે. ઊલમાંથી ચૂલમાં પડવાની આ ફિલ્મમાં ૬ મિત્રોની વાત છે જેમાંના એક મિત્ર મૅગીનું પાત્ર ઍક્ટર અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન ઓજસ રાવલ નિભાવી રહ્યો છે. એ પાત્ર સાથે તે પોતાને ઘણી રીતે સરખાવી શકે છે એવી વાત કરતાં ઓજસ કહે છે, ‘મૅગી એક જિજીવિષા ધરાવતું કૅરૅક્ટર છે જેનામાં એક ધગશ છે કામ કર્યે રાખવાની. આ સિવાય તેને હંમેશાં મિત્રોને મળવાની ઉત્કંઠા ખૂબ વધારે રહે છે, કારણ કે કૉલેજકાળની મસ્તીને વાગોળવી તેને ખૂબ ગમે છે. હું પણ એવી જ પ્રકૃતિનો માણસ છું. મને પણ મિત્રોને મળવું અને જૂના દિવસો યાદ કરવા ખૂબ ગમે. આ ઉપરાંત હસવું, રમવું અને ધમાલ કરવી એ મિત્રો સાથે ખરી મજા છે અને એ મૅગી અને ઓજસ બન્નેને ગમે છે. મિત્રોનું એવું છે કે જ્યારે પણ મિત્રો મળે ત્યારે ખૂબ મજા પડે, ખૂબ ધમાલ થાય અને એ જે ખુશી છે એ બીજે ક્યાંય મળે નહીં.’

સ્કૂલ, કૉલેજ અને બીજી અનેક જગ્યાએ ઘણા મિત્રો ધરાવતો ઓજસ તેના પરમ મિત્ર તરીકે હેમાંગ દવેનું નામ આપે છે. હેમાંગ દવે ખુદ એક પ્રસિદ્ધ કલાકાર છે. ઓજસ અને હેમાંગ બન્નેએ અઢળક પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે. ઘણાં નાટકો જેમ કે ‘મેરા પિયા ઘર આયા’ અને ફિલ્મોમાં ‘મેડ ઇન ચાઇના’, ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’, ‘તારી માટે વન્સ મોર’, ‘તંબુરો’, ‘બાઘડ બિલ્લા’માં સાથે કામ કર્યું છે. હેમાંગ અને ઓજસ બન્ને પહેલી વાર ન્યુ જર્સીમાં થયેલા એક વિખ્યાત શો ‘ચાલો ગુજરાત’ જેમાં ૧૫૦ જેટલા ગુજરાતી કલાકારોએ ભાગ લીધો હતો ત્યાં મળ્યા હતા. એ પ્રથમ મુલાકાતની વાત કરતાં ઓજસ કહે છે, ‘જ્યારે તમે જીવનમાં એકદમ અજ્ઞાત લોકોને મળો એ પહેલાં તમારા મનની અંદર તેમના વિશે કેટલીયે વાડ ઊભી થઈ ગઈ હોય છે. તમને કેટલીયે પ્રકારે લાગતું હોય છે કે આમ વર્તાય, આમ નહીં; આમ બોલાય, આમ નહીં. હવે એમાં અમુક વ્યક્તિઓને મળીને આ વાડ દૃઢ થઈ જાય છે. જોકે અમુક લોકો એવા હોય છે જેમને મળીને આ વાડ ઓગળી જાય છે, અંતર મટી જાય છે અને તમે પહેલી જ મુલાકાતમાં એકદમ નિખાલસ અને સહજ વર્તી શકો છો. આવી વ્યક્તિ તમારી જીવનભરની મિત્ર બની જાય છે. હેમાંગ જોડે પણ એવું જ થયું.’

ઓજસ અને હેમાંગે એ પછી ઘણી જગ્યાએ સાથે કામ કર્યું, ઘણી જગ્યાએ જાહેરમાં પણ તેઓ સાથે ને સાથે જ જોવા મળતા તેથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમની જોડી જય-વીરુના નામે ઓળખાવા લાગી. પ્રોફેશનલ ફીલ્ડમાં જિગરજાન મિત્રો મળતા નથી એવી એક માન્યતા છે, પરંતુ એ માન્યતા અમારા કેસમાં ખોટી પુરવાર થઈ છે એમ જણાવતાં ઓજસ કહે છે, ‘પ્રોફેશનલ રાઇવલ હોવાનો સવાલ જ નથી, કારણ કે અમે બન્ને ખૂબ જ સિક્યૉર છીએ એટલે ચડસાચડસીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. ઊલટું એકબીજાને કામમાં પણ અમે ઘણી મદદ કરીએ છીએ. સાચાં અને સારાં સજેશન્સ આપીએ છીએ અને સામેવાળા પાસેથી માગીએ પણ છીએ.’

ઓજસ રાવલ માટે મિત્રતાનું મહત્ત્વ શું?

આ પ્રશ્નનો જવાબ આપતાં ઓજસ કહે છે, ‘મારા માટે પરિવારનો અર્થ સ્નેહ છે, જીવનસાથીનો અર્થ શ્વાસ છે અને મિત્રનો અર્થ હૂંફ છે.

મિત્ર વગર જીવનનું ભાણું અધૂરું છે : જિમિત ત્રિવેદી

૨૦૧૬માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘પોલમપોલ’માં મૉન્ટુ અને ડુગ્ગી નામના બે મિત્રોની વાર્તા છે જે જીવનમાં કંઈક કરવા માગે છે, મોટા માણસ બનવા માગે છે. અવૉર્ડ્સ જીતવાનાં દિવાસ્વપ્નો જોતો, પોતાના મિત્રને એક ગ્રેંજરવાળું મોટું નાટક બનાવવા માટે પ્રેરણા આપતો અને મોટો ઝોલર કહી શકાય એવો ડુગ્ગી એક યાદગાર પાત્ર છે. આ વાર્તામાં ડુગ્ગીનું પાત્ર ઍક્ટર જિમિત ત્રિવેદીએ ભજવેલું. ડુગ્ગી અને જિમિત વચ્ચે કોઈ સમાનતા ખરી? એ પ્રશ્નનો જવાબ આપતાં જિમિત કહે છે, ‘મૂળભૂત રીતે આ પાત્રથી હું ઘણો અલગ છું. લોકોને છેતરવા, પોતાનો મતલબ કાઢી લેવો કે એવી કોઈ ભાવના મારી અંદર ક્યારેય નહોતી અને આવશે પણ નહીં. હું નીતિબદ્ધ જીવનમાં માનનારો છું, પરંતુ મારા મિત્રને તકલીફ પડે તો ડુગ્ગીની જેમ જ ખડેપગે હોઉં એમાં કોઈ શંકા નથી.’

જિમિતને તેના મિત્ર વિશે પૂછવામાં આવ્યું તો તેણે પહેલું નામ તેની મમ્મીનું લીધું. તેના પેરન્ટ્સ સાથે જિમિતને સખાભાવ છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘દરેક સંબંધને જો તમે મિત્રતાથી સીંચો તો એ વધુ નિખાર પામે છે. મારા પેરન્ટ્સ મારી ખૂબ નજીક છે. એનું કારણ એ છે કે તેઓ મારા પરમ મિત્રો છે. હું મારી દરેક વાત તેમને છોછ વગર કહી શકું છું.”

જિમિત માને છે કે મિત્રો કઈ જગ્યાએ કઈ રીતે બની જાય એનું કંઈ કહેવાય નહીં. એ કોઈ મૅજિક જ હોય છે. ૨૦૦૬માં મીઠીબાઈ કૉલેજમાં તે ભણતો હતો ત્યારે એક નાટકમાં એક ડાન્સ માટે કોરિયોગ્રાફરની જરૂર હતી ત્યારે તેણે તેના એક જુનિયરને બોલાવેલો. તે જુનિયર હતો આજનો ઍક્ટર હર્ષ રાજપૂત. એ સમયે જિમિત પહેલી વાર હર્ષને મળ્યો અને મિત્રતા થઈ. ત્યારથી બન્ને ખૂબ સારા મિત્રો છે. પ્રોફેશનલ લાઇફની વ્યક્તિઓ સાથે મિત્રતા ઘનિષ્ઠ હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં જિમિત કહે છે, ‘અમે બન્ને એક જ પ્રોફેશનમાં છીએ, પરંતુ આટલાં વર્ષોથી એકબીજાને ઓળખવા છતાં અમે ક્યારેય સાથે કામ નથી કરી શક્યા. ઘણી વખત વાત થઈ કે સાથે કામ કરવું જોઈએ, પરંતુ એવો મોકો જ મળ્યો નથી. બાકી અમે એકબીજા સાથે કામની ઘણી વાતો કરીએ છીએ. કામને લીધે બન્ને ખૂબ વ્યસ્ત રહીએ છીએ. પરંતુ જ્યારે મળીએ ત્યારે એક અલગ સ્નેહથી મળીએ છીએ.’

એવી કઈ વસ્તુ છે જે તમને બન્નેને જોડે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જિમિત કહે છે, ‘આમ જોઈએ તો કોઈ પણ બે માણસ સરખા નથી હોતા. તેઓ અલગ તો હોવાના જ. જોકે મિત્રો સાથે એવું બનતું હોય છે કે તમારી અમુક બાબતો એવી મળતી હોય જેનાથી તમે એકબીજા સાથે જોડાઈ જાવ. અમે બન્ને સારું કામ કરવા ઇચ્છીએ છીએ અને અમારા બન્નેનાં નૈતિક મૂલ્યો ઘણાં ઊંચાં છે. અમારા કામને અમે ઘણું માન આપીએ છીએ અને અમારાં નૈતિક મૂલ્યો સાથે જ અમારે આગળ વધવું છે.’

જિમિત ત્રિવેદી માટે મિત્રતાનું મહત્ત્વ શું?

આ પ્રશ્નના જવાબમાં જિમિત કહે છે, ‘જો પરિવાર તમારા માટે જમણવાર હોય તો કોઈ રોટલી હોય, કોઈ દાળ કે કોઈ લાડુ. આ બધામાં મિત્ર પાણીની ભૂમિકા ભજવે છે. સવારે ઊઠીને માણસ પહેલું પાણી પીએ. જમવામાં બે આઇટમ ઓછી હોય તો ચાલે, પરંતુ પાણી વગર ન ચાલે. મિત્રતાનું આવું જ છે. એના વગર ન ચાલે.’

જિંદગી માણવાનો એકમાત્ર ઉપાય એટલે મિત્રતા : યશ સોની

કૉલેજ-લાઇફની મસ્તી અને મજાને પડદા પર લાવનાર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં નિખિલની ભૂમિકા ઍક્ટર યશ સોનીએ કરી છે. પોતાના ખાસ મિત્રને ફોન પર ચંબુ, ચમન, લખોટા, મૂરખા કહેતો; પોતાની ગર્લફ્રેન્ડથી ત્રસ્ત થઈને ફરતો અને દિવાસ્વપ્ન જોયા કરતો નિખિલ બધાને યાદ રહી જાય એવું પાત્ર હતું. આ પાત્ર સાથે પોતાની સરખામણી કરતાં યશ કહે છે, ‘નિખિલ શાંત માણસ છે, જલદી ગુસ્સે થતો નથી અને ભાઈબંધ માટે બધું જ કરી છૂટે છે. નિખિલના આ ગુણો મારી અંદર પણ છે. આ સિવાય મિત્રોની ખૂબ ઉડાવવી અને જરૂર પડ્યે તેમનાં વખાણ પણ કરવાં એ બાબત પણ મારી આ પાત્ર સાથે મળતી આવે છે. કૉલેજ-લાઇફ મારી થોડી અલગ હતી, પરંતુ મિત્રો સાથેનો સંગાથ અને પ્રેમ આવા જ એટલે આ પાત્ર સાથે કનેક્ટ જલદી થઈ જવાયું.’

યશના પરમ મિત્રોની કૅટેગરીમાં બે નામ આવે છે. એક, હર્ષિલ ભટ્ટ જે ઍડમેકર, ડિરેક્ટર અને રાઇટર તરીકે કામ કરે છે અને અયાન પટેલ જે ફોટોગ્રાફર, સિનેમૅટોગ્રાફર અને એડિટર પણ છે. યશ અને અયાન આમ તો સ્કૂલથી સાથે હતા, પરંતુ એક જ સ્કૂલમાં હોવા છતાં ખાસ મિત્રતા નહોતી. તેઓ બન્ને મળ્યા ૧૧મા ધોરણમાં. એટલે આમ ૧૨ વર્ષથી ઓળખાણ છે, પણ મિત્રતા છેલ્લાં સાતેક વર્ષથી જ છે. લગભગ એ જ સમયગાળામાં હર્ષિલ જોડે યશની મુલાકાત થઈ. હર્ષિલ સાથે યશે નાટકોમાં કામ કર્યું છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કન્ટિન્યુટીમાં હર્ષિલે કામ કર્યું છે. અલગ-અલગ રીતે મળ્યા હોવા છતાં આ ત્રણેય આજે એકબીજાના પરમ મિત્રો છે.

મિત્રો એક જ ફીલ્ડમાંથી હોય તો એના ઘણા ફાયદા છે એમ જણાવતાં યશ કહે છે, ‘તમારી વેવલેન્થ મૅચ થતી હોય એટલે તમે કેટલીયે રીતે એકબીજાને મદદ કરી શકો. અમે સાથે ફિલ્મો જોઈએ છીએ અને ફક્ત જોઈએ નહીં પરંતુ અમારો ટેસ્ટ પણ એક પ્રકારનો છે એટલે અમે એને સાથે એન્જૉય કરી શકીએ છીએ. અમારા કામને લગતાં ઘણાં ડિસ્કશન્સ થતાં હોય છે અને એ અમને સાથે ગ્રો થવામાં ઘણી મદદ કરે છે.’

મિત્રો સાથે કરેલી મસ્તી જીવનભરનાં સંભારણાં બની જાય છે જે યાદ કરીને ખુશ થતાં યશ કહે છે, ‘હું અને અયાન બન્ને સ્કૂલમાં ક્લાસ બંક કરીને દર શુક્રવારે ફિલ્મ જોવા જતા. અમે સાઇકલ પણ એ રીતે પાર્ક કરતા કે તરત કાઢીને ભાગી શકાય. આજે એ પળો યાદ કરું તો આંખોમાં ચમક આવી જાય છે. એક વાર ‘તોખાર’ કરીને એક નાટક હતું જેમાં હર્ષિલ ઘોડો બનેલો. સ્ટેજ પર તે માસ્ક પહેર્યા વગર જ જતો રહ્યો. મેં એ જોયું અને તેને બૅકસ્ટેજથી બોલાવ્યો. બિચારો માસ્ક પહેરવા પાછો આવ્યો અને ત્યાં તેનો સમય પતી ગયો એટલે તે સ્ટેજ પર જઈ જ ન શક્યો. આ વાતને યાદ કરીએ તો અમે આજે પણ ખડખડાટ હસીએ છીએ. આ નિર્દોષતાની મજા જ જુદી છે.’

યશ સોની માટે મિત્રતાનું મહત્ત્વ શું?

આ પ્રશ્નનો જવાબ આપતાં યશ કહે છે, ‘જિંદગીને માણવાનો એકમાત્ર ઉપાય મિત્રતા છે. એ એક એવું બૉન્ડ છે જે તમને અંદરથી સ્ટ્રૉન્ગ અને જીવનને પ્રફુલ્લિત રાખે છે.’

મિત્રતાની ખરી પરખ વ્યક્તિને તેના ખરાબ સમયમાં થતી હોય છે : મલ્હાર ઠાકર

‘છેલ્લો દિવસ’ ફિલ્મમાં વિકીનું પાત્ર ભજવીને અઢળક લોકચાહના મેળવનાર ઍક્ટર મલ્હાર ઠાકરે મિત્રતા પર આમ તો બીજી ફિલ્મો પણ કરી છે, પરંતુ તેની ‘છેલ્લો દિવસ’ને લોકોએ અઢળક પ્રેમ આપ્યો હતો. પોતાના મિત્રને ટરકાવતો, પિતાના હાથે ગમે ત્યારે લપડાક ખાતો અને ડબલ મીનિંગની વાતો કરતો વિકી ફિલ્મમાં એક મસ્તીખોર પાત્ર છે જે કૉલેજ જતા કોઈ પણ છોકરાની પ્રતિકૃતિ સમજી શકાય. પોતે આ પાત્ર સાથે કેટલું સામ્ય ધરાવે છે એ બાબતે વાત કરતાં મલ્હાર કહે છે, ‘અમે બન્ને ઘણા અલગ છીએ. વિકી કોઈ દિવસ ક્યાંય સમય પર પહોંચતો નહીં, પરંતુ હું સમયનો પાકો છું. તે જે લેવલની મસ્તી કરે છે એવી મેં ક્યારેય નથી કરી. હા, હું વિકીની જેમ નૉટી છુ. ઘણી ધમાલ કરું છું હું. મને મસ્તી કરવી, મજા કરવી અને કરાવવી બન્ને ગમે છે.’

મિત્રતા ફક્ત હસી-મજાક કરવા માટે અને જીવનને માણવા માટે જ નથી હોતી. મિત્રતા મિત્રના ખરાબ સમયમાં બધી જ રીતે તેના પડખે ઊભા રહેવા માટે પણ હોય છે. ફન એ મિત્રતાનું એક અંગ છે. જોકે મિત્રતાની ખરી પરખ વ્યક્તિને તેના ખરાબ સમયમાં થતી હોય છે. જે આ સમયે તમને મદદ કરે એ જ તમારો ખરો મિત્ર છે. એ વાતમાં શ્રદ્ધા રાખતા મલ્હારની રિયલ લાઇફમાં પરમ મિત્ર છે દર્શિની શાહ. અમદાવાદમાં રહેતી દર્શિની ખૂબ સારી બેકર છે અને ઇન્ટીરિયર ડિઝાઇનર પણ છે. મલ્હાર અને દર્શિની સી.એન. વિદ્યાલયમાં સાથે ભણતાં. એ સમયથી જ તેઓ ખૂબ સારા મિત્રો હતાં. એ સમયથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે અને જબરું બૉન્ડિંગ ધરાવે છે. દર્શિની વિશે વાત કરતાં મલ્હાર કહે છે, ‘એક સમય એવો હતો જ્યારે મને પૈસાનો પ્રૉબ્લેમ નડેલો. એ સમયે દર્શિનીએ મને મદદ કરેલી. તેની ઉધારી રહેલી મારા પર જેને મારી પાસે સગવડ થઈ ત્યારે મેં ચૂકવી દીધી. જોકે એ ખરાબ સમયે મને તેની ગણના કરાવતાં શીખવ્યું. સુખમાં તો ઘણા લોકો મારી સાથે હતા, પરંતુ દુઃખમાં મારા પડખે ઊભા રહેવાવાળી દર્શિની હતી. દર્શિની ખૂબ જ અનુભવી છે. જીવનની ઘટનાઓએ તેને ઘણું શીખવ્યું છે એટલે હું જ્યારે પણ તેને મળું ત્યારે તે જે કંઈ પણ વાત કરે એ હંમેશાં એવી હોય જેમાંથી કંઈક તો શીખવા મળે જ. તે કોઈ એવી વાત લઈને આવે કે આપણને લાગે કે ગજબ છે. તેના આ ગુણોને લીધે હું ઘણું શીખ્યો છુ અને તેનાથી મને ઘણો સપોર્ટ પણ મળ્યો છે.’

મલ્હાર ઠાકર માટે મિત્રતા એટલે શું?

આ પ્રશ્નનો જવાબ આપતાં મલ્હાર કહે છે, ‘મિત્રો મારી લાઇફલાઇન છે. જીવનમાં આગળ વધવા માટે જે તમારા પર વિશ્વાસ મૂકે, તમને પૂરો સાથ આપે અને જેના સ્નેહના બળથી તમે તમારી મંઝિલ સુધી પહોંચી શકો એ જ ખરી મિત્રતા.’

columnists friends Jigisha Jain