યુવાનીમાં શરૂ કરેલો વૉલીબૉલ રમવાનો નિયમ આ વડીલોએ હજી સુધી તોડ્યો નથી

22 May, 2019 02:01 PM IST  |  મુંબઈ | ફ્રેન્ડ સર્કલ - વર્ષા ચિતલિયા

યુવાનીમાં શરૂ કરેલો વૉલીબૉલ રમવાનો નિયમ આ વડીલોએ હજી સુધી તોડ્યો નથી

વૉલીબૉલ પ્લેયર્સ

રવિવારની સવારના સાડાસાત વાગ્યાનો ટાઇમ, ઘાટકોપરના રાજાવાડી વિસ્તારમાં આવેલા કંઠી ભુવનનું કમ્પાઉન્ડ, વીસ મિત્રો અને વોલીબૉલ. છેલ્લાં ચાલીસ વર્ષમાં આ શેડ્યુલમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. આર્કિટેક્ચર, બિઝનેસમેન, ડૉક્ટર, એન્જિનિયર અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એમ જુદાં જુદાં ફીલ્ડ સાથે સંકળાયેલા આ મિત્રોને જોડનારી કડી બની છે વૉલીબૉલની રમત.

ટીનેજથી અમે વૉલીબૉલ રમવા દર રવિવારે ભેગા થઈએ છીએ એમ જણાવતાં ગ્રુપના મેમ્બર મુકેશ ભાટિયા કહે છે, ‘અત્યારે મારી ઉંમર ૫૯ વર્ષ છે. હું ૭૭ની સાલથી વૉલીબૉલ રમું છું. નાનપણમાં અમે જુદાં જુદાં ત્રણ-ચાર ગ્રુપમાં રમતા હતા. ધીમે-ધીમે સારા પ્લેયરોનું એક કૉમન ગ્રુપ બની જતાં વી. બી. ચૅમ્પ્સ કંઠીભુવન નામની ટીમ ઊભી થઈ. ત્યારથી અમે બધા સાથે જ છીએ. અમારા માટે આ માત્ર સમય પસાર કરવા માટે રમાતી ગેમ નથી. ફિટનેસ, ડેડિકેશન અને ડિસિપ્લિન છે.’

ચાર કલાકમાં ત્રણથી ચાર ગેમ રમાય છે. દરેક ગેમમાં ૧૨ ખેલાડી વારાફરતી રમે છે. કેટલાક મિત્રો નેટિંગમાં એક્સપર્ટ છે તો કોઈ લૉન્ગ શૉટ્સમાં. ત્રણેક મિત્રો તો ઑલરાઉન્ડરની ગરજ સારે એવા જોશીલા છે. કોઈ પણ રમતમાં શિષ્ટતા હોવી જોઈએ એ બાબતને ધ્યાનમાં રાખી અમુક નિયમ પણ બનાવ્યા છે. ગેમ્સના રૂલ્સ વિશે માહિતી આપતાં ગ્રુપના અન્ય મેમ્બર આશિષ ગોપાણી કહે છે, ‘કમ્પાઉન્ડમાં ભેગા થવાનો ટાઇમ છે સાડાસાતનો. આઠ વાગ્યે સિક્કો ઉછાળી કૅપ્ટન અને ટીમનું સિલેક્શન થાય છે. ખેલાડીને શિસ્તબદ્ધ રાખવા અને ગેમની ગરિમા જાળવવા નિયમો જરૂરી છે. મોડા આવનારે ૧૦૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડે. દરેક રમતમાં હાર-જીત હોય છે. હારી જનારી ટીમના દરેક મેમ્બરે પ્રતિ ગેમ વીસ રૂપિયા આપવા પડે છે. આ રકમ નાસ્તા માટેની હોય છે. રમતમાં બ્રેક પડે એટલે ચા-નાસ્તો આવે. હમણાં ઉનાળાની સીઝન છે તો બટર મિલ્ક અથવા કોલ્ડડ્રિન્ક મગાવીએ. સામાન્ય રીતે કોઈ ને કોઈ મિત્રના ઘરેથી નાસ્તો આવતો હોય છે.’

સિનિયર સિટિઝનનો જુસ્સો અને ઉત્સાહ યુવાનોને શરમાવે એવા છે. આ ગ્રુપના કેટલાક મેમ્બરો દાદા બની ગયા છે, પણ ફિટનેસની બાબતમાં તેમનો જોટો જડે એમ નથી. વડીલોને આ રીતે વૉલીબૉલ રમતાં જોઈ કેટલાક યુવાનો પણ તેમની સાથે જોડાવા પ્રેરાયા છે. સમયાંતરે નવા મેમ્બર જોડાતાં હાલમાં આ ગ્રુપમાં ત્રીસથી સિત્તેરની વયના મળીને ૨૫ જેટલા ખેલાડી થઈ ગયા છે. વૉલીબૉલ રમતાં રમતાં તેમની વચ્ચેની મૈત્રીની ગાંઠ એટલી મજબૂત બની ગઈ કે આજે તેઓ બર્થડે, વેડિંગ ઍનિવર્સરી, તેમનાં બાળકોના લગ્નપ્રસંગ એમ બધાં જ ફંક્શન સાથે મળીને ઊજવે છે. બેત્રણ મહિને એકાદ વાર બીચ વૉલીબૉલનું આયોજન પણ કરે છે.

આ પણ વાંચો : કૉલમ: દરેક વ્યક્તિ એક પાઠશાળા છે

જીવનના અંત સુધી વૉલીબૉલ રમવું એ અમારા સૌનું સ્વપ્ન છે એમ જણાવતાં મુકેશભાઈ કહે છે, ‘વૉલીબૉલ માટેનો અમારો પ્રેમ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. અમારા ગ્રુપમાં એક મિત્ર છેક ડોમ્બિવલીથી રમવા આવતા હતા. ૬૮ વર્ષના શરદભાઈ રવિવારે અમારી સાથે વૉલીબૉલ રમ્યા અને બુધવારે તેમનું મૃત્યુ થઈ ગયું. ગયા વર્ષે વૉલીબૉલ રમતાં રમતાં મને હાર્ટએટેક આવ્યો હતો, પણ મારો જુસ્સો એવો જ છે. ઍન્જિયોપ્લાસ્ટી બાદ થોડા જ સમયમાં ફરીથી રમવાનું શરૂ કર્યું છે. નવા-નવા મેમ્બરો જે રીતે જોડાઈ રહ્યા છે એ જોતાં એટલું તો ચોક્કસ છે કે અમે રહીએ કે ન રહીએ, આ જગ્યાએ અમારુ ગ્રુપ વૉલીબૉલ રમતું રહેશે.’

Varsha Chitaliya columnists