હજારો વર્ષોથી ઊભા કિલ્લાઓ આપણા બાંધકામશાસ્ત્રની કમાલ છે

27 November, 2022 08:31 AM IST  |  Mumbai | Chandrakant Sompura

આજે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે અને એ પછી પણ આપણાં શાસ્ત્રોની સામે એ પાંગળું છે એવું પુરવાર કરતાં સેંકડો મંદિર, મહેલ અને કિલ્લાઓ આપણે ત્યાં અડીખમ ઊભાં છે

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ઝીણાવારી ગામમાં આવેલું ગોપનું મંદિર આશરે ઈ. સ. ૫૭૫-૬૫૦ના સમયનું છે. પથ્થરોથી બનેલું આ મંદિર સમયાંતરે આવતી તમામ કુદરતી થપાટો પછી આજે પણ અડીખમ છે, જે આપણા બાંધકામશાસ્ત્રની કમાલ છે.

આજે પણ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક એવા મહેલ અને કિલ્લા છે જેનો રખરખાવ થતો નથી, કોઈ જાતની જાળવણી કરવામાં નથી આવતી છતાં તમામ પ્રકારના અવરોધ વચ્ચે પણ અડીખમ ઊભા છે.

અગાઉ કહ્યું છે એમ, ભારતમાં મળતા બેસ્ટ પથ્થરોમાં જો કોઈ શ્રેષ્ઠ પથ્થર હોય તો એ બંસી પહાડપુરનો પથ્થર અને પથ્થરોમાં સૌથી નબળો પથ્થર જો કોઈ હોય તો એ લાઇમસ્ટોન. લાઇમસ્ટોન આપણે ત્યાં પોરબંદરમાં ખૂબ મળે છે, તો કચ્છ અને જૂનાગઢમાંથી પણ એ પ્રાપ્ત થાય છે. લાઇમસ્ટોનનું પોતાનું એક માર્કેટ છે અને એની ખૂબ મોટી ડિમાન્ડ છે. એ અલગ-અલગ ગ્રેડમાં હોય. જેમ એનો ગ્રેડ ઊંચો એમ એની વૅલ્યુ વધારે અને એ વધુ સારા ઉપયોગમાં વાપરી શકાય. ઊંચા ગ્રેડનો લાઇમસ્ટોન સિમેન્ટ બનાવવામાં વપરાય છે. આ જ કારણ છે કે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જેવા વિસ્તારોમાં સિમેન્ટ અને મિની-સિમેન્ટ પ્લાન્ટ વધારે છે. કારણ કે ત્યાંથી લાઇમસ્ટોનની સરળ ઉપલબ્ધિ છે. નીચા ગ્રેડના લાઇમસ્ટોનનો ઉપયોગ ખાવામાં પણ કરવામાં આવે છે. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર. એના પર અમુક પ્રક્રિયા કરીને એને ખાવાયોગ્ય બનાવવામાં આવે છે. હા, એ પણ સાચું કે આ લાઇમસ્ટોન એટલે એ જ ચૂનો છે જે ચૂનો પાન અને માવામાં વાપરવામાં આવે છે.

આપણે ગયા રવિવારે પથ્થરોના ટેસ્ટની પણ વાત કરી. એની અનેક પ્રકારની ટેસ્ટિંગ પ્રક્રિયા છે, પણ એ અનેક પ્રકારમાં ઍસિડ ટેસ્ટ, એરિશન ટેસ્ટ, ક્રશિંગ ટેસ્ટ, ક્રિસ્ટલાઇન ટેસ્ટ, ફ્રીઝિંગ ટેસ્ટ, હાર્ડનેસ ટેસ્ટ, ઇમ્પૅક્ટ ટેસ્ટ, વૉટર ઍબ્ઝોર્પ્શન ટેસ્ટ, માઇક્રોસ્કોપિક ટેસ્ટ મહત્ત્વની ટેસ્ટ છે. ઘરથી માંડીને મંદિર કે કમર્શિયલ કોઈ પણ બિલ્ડિંગ બનાવતાં પહેલાં આવતા પથ્થરોના આ પ્રકારની ટેસ્ટ થાય છે અને એ બહુ જરૂરી છે. આ ટેસ્ટિંગમાં વાપરવામાં આવતી બેદરકારી અનેક લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.

અમારી વાત કરું તો, અમે પથ્થર મગાવતાં પહેલાં ત્યાં થયેલી ટેસ્ટનાં પેપર્સ ચેક કરીએ, પણ એ પ્રાથમિક તપાસ થઈ. એ પછી અમે અમારી રીતે પણ આ બધી ટેસ્ટ રેન્ડમ પથ્થર પર કરીએ, જેથી કોઈ જગ્યાએથી બેદરકારી ન રહે. હવે તો એજન્સીઓ આવી ગઈ છે, જે આ કામ તમને કરી આપે છે. આપણે ત્યાં સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં ઊભું થતું હોય ત્યાં આવી એજન્સીને જ કામ સોંપવામાં આવતું હોય છે. આપણે ઘણી વાર વાંચીએ છીએ કે ઓવરબ્રિજ તૂટ્યો કે પછી બિલ્ડિંગ પડી ગયું તો એની પાછળ આ બેદરકારી જ જવાબદાર છે. એવું નથી કે માત્ર સ્ટોનની બાબતમાં જ બેદરકારી રાખી હોય, બીજાં પણ અનેક કારણો છે, પણ વજન સહન કરવાની ક્ષમતાની ચકાસણી બરાબર ન થઈ હોય એવા સમયે આવું બનતું હોય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉલેપ્સ થતું હોય છે.

કુદરતી હોનારત સમયે તમે જોશો તો તમને એમાં નવાં બાંધકામ તૂટી ગયેલાં દેખાશે, પણ જૂનાં બાંધકામને કોઈ અસર નહીં જોવા મળે. ધરતીકંપ, સુનામી, સાયક્લોન સમયે પણ એવું જોવા મળ્યું હશે કે આપણાં મંદિર, રાજમહેલો અને બીજી જૂની ઇમારત અકબંધ રહી ગઈ હોય અને બે-ચાર વર્ષ પહેલાં બનાવેલી ઇમારત પડી ભાંગી હોય. એ જે આફત સામે ટકી રહેવાની ક્ષમતા છે એ ક્ષમતા પથ્થરોની છે. આપણા જૂના સમયમાં ટેક્નૉલૉજી નહોતી, પણ એ સમયે જે કોઠાસૂઝ હતી એ અદ્ભુત હતી, જેનો ઉપયોગ કરવામાં આવતો. ભારે જાનમાલની નુકસાની આપી ગઈ હોય એવી અનેક ઘટનાઓ આપણે ત્યાં બની છે, પણ એ સમયે તમને એવું ક્યાંય નહીં સંભળાયું હોય કે ૧૦૦ વર્ષ જૂનું મંદિર કે ૧૦૦ વર્ષ જૂનો રાજમહેલ પડી ગયો. એના પર સમયની અસર જોવા મળશે અને એ પણ પાંચ-દસ સદી પછી. આજે પણ રાજસ્થાનમાં, આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક એવા મહેલ અને કિલ્લા ઊભા છે જેનો રખરખાવ થતો નથી, કોઈ જાતની જાળવણી કરવામાં નથી આવતી એ પછી પણ એ તમામ પ્રકારના અવરોધ વચ્ચે પણ અડીખમ ઊભા છે અને ઇતિહાસની ઝલક દેખાડે છે. જરા વિચારો કે ટેક્નૉલૉજીના અભાવ વચ્ચે પણ કેવું અદ્ભુત કામ આપણે ત્યાં થતું. વિચારો કે આપણાં વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર અને બાંધકામશાસ્ત્રમાં કેવી તાકાત હતી કે આપણે વિજ્ઞાન વિના પણ આજના વિજ્ઞાનને ટક્કર આપે એ સ્તરનું કામ કરતા.

વિજ્ઞાનનો લાભ મળ્યો હોય એવા સમયે એનો લાભ ચોક્કસ લેવાનો હોય, પણ એની સાથોસાથ કોઠાસૂઝને પણ ઉમેરવાની હોય. કોઠાસૂઝ થકી જે પરિણામ મેળવી શકાય છે એની તોલે કોઈ ન આવી શકે, ક્યારેય ન આવી શકે.

columnists