ડૉક્ટર મેલ છે કે ફીમેલ એવું તમે ક્યારેય પૂછો છો ખરા?

02 July, 2022 12:30 PM IST  |  Mumbai | Shital Shah

ના, ક્યારેય નહીં; કારણ કે તમારે માટે એની સ્કિલ મહત્ત્વની છે, જેન્ડર નહીં. એવું જ ડિરેક્શનમાં પણ છે. ડિરેક્ટરને સરસ ફિલ્મ બનાવતાં આવડવી જોઈએ, સ્ટોરી-ટેલિંગની આર્ટ તેનામાં હોવી જોઈએ, પછી તે મેલ હોય કે ફીમેલ એનાથી કોઈ નિસબત ન હોવી જોઈએ

શીતલ શાહ

ડિરેક્શન મલ્ટિ-ટાસ્ક સાથેની જવાબદારી છે અને છોકરીઓમાં મલ્ટિ-ટાસ્કિંગની ગૉડ્સ ગિફ્ટ ઑલરેડી હોય છે. એકસાથે પાંચ કામ પર તે એકસાથે નજર રાખી શકે, જ્યારે છોકરાઓ એવું નથી કરી શકતા. તમે જઈને જુઓ, છોકરીઓ જ્યાં બૉસ હશે ત્યાં મેસ-અપ ઓછું હશે. સ્ટ્રેસ પણ ઓછું વર્તાતું હશે, મેનર્સ પણ ભારોભાર દેખાતું હશે અને કામ પણ સરળતા સાથે હસતાં-રમતાં પૂરું થઈ જશે. 

ડિરેક્ટર ફીમેલ થોડી હોય?! તે તો ઍક્ટ્રેસ હોય, તેણે સ્ક્રીન પર દેખાવાનું હોય, તે ડિરેક્શન થોડું કરે?

આ અને આ પ્રકારના અનેક સવાલ મને પુછાતા રહે છે, પણ હું હસીને એ વાતને ટાળી દઉં છું. મને કહેવાનું મન થાય કે આર્ટને જેન્ડર સાથે કંઈ લેવા-દેવા નથી તો પછી કેવી રીતે આ કામ ‘એક્સ’નું અને આ કામ ‘વાય’નું એવું ધારી શકાય. મારી વાત કરું તો ડિરેક્શન તરફની મારી આ જે જર્ની હતી એ જર્ની એક ગ્રૅજ્યુઅલ પ્રોગ્રેશન હતું. હું વર્ષોથી ઍક્ટિંગ કરતી, લીડ ઍક્ટ્રેસ તરીકે મેં અત્યાર સુધી બાવીસ ફિલ્મો કરી, પણ અનફૉર્ચ્યુનેટલી એ બાવીસ ફિલ્મમાંથી માત્ર ચાર જ રિલીઝ થઈ. બહુ ડિસઅપૉઇન્ટમેન્ટ થાય કે આટલું સારું કામ કર્યું, આટલી સારી મહેનત કરી અને એ પછી પણ પિક્ચર રિલીઝ નથી થતું.

પિક્ચર રિલીઝ ન થતું હોય એટલે આપણે નૅચરલી કારણ જાણવાની કોશિશ કરીએ ત્યારે ઘણી વાર એવું દેખાય કે કારણ સાવ ક્ષુલ્લક છે, એવાં ક્ષુલ્લક કે એને તમે સરળતાથી અવગણી શકો, પણ ના, એવું ન થતું હોય અને એને લીધે પિક્ચર આખું અટકી ગયું હોય. કારણ શું કામ અવગણવામાં નહીં આવતાં હોય એ વિશે વિચારતાં-વિચારતાં અજાણતાં રિવર્સ વર્કિંગ શરૂ થયું. આમ તો એ મેન્ટલ પ્રોસેસ હોય, પણ ફૅમિલીમાં અમે બધા એકબીજા સાથે વાતો કરવામાં માનીએ એટલે એ પ્રોસેસની વાતો પણ હું ઘરમાં કરતી હોઉં. આવી જ વાતો ચાલતી હતી એ દરમ્યાન મારા ફાધરે એક દિવસ મને કહ્યું કે તને ખબર છે કે શું મિસ્ટેક થાય છે અને એ મિસ્ટેકને કેવી રીતે શૉર્ટઆઉટ કરવી જોઈએ તો પછી તું શું કામ અટકી છો, તું બનાવને ફિલ્મ. 

બસ, એ પહેલો પંચ, જેણે મારી અંદરનો આ દરવાજો ખોલી નાખ્યો અને મેં ફિલ્મ બનાવવા માટે સ્ટોરી શોધવાનું અને સાથોસાથ મને જે ગમતી હતી એ વાત પરથી સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. મારી પહેલી ફિલ્મ ‘હુતુતુતુ’. મારી આ ફિલ્મ કુલ ૪પ૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ અને ૧૦૬ દિવસ થિયેટરમાં ચાલી. બહુ જ ગ્રૅજ્યુઅલ પ્રોગ્રેશન સાથે આગળ વધતી ગઈ, વાત અનપ્લાન્ડ હતી, પણ હા, એ પછી બીજી પણ બે ફિલ્મ મેં ડિરેક્ટ કરી ‘દુનિયાદારી’ અને ‘સાતમ આઠમ’. આ ત્રણ ફિલ્મના ડિરેક્શન પછી હું કહીશ કે મારું એ ટ્રુ-કૉલિંગ હતું. ડિરેક્ટર બન્યા પછી હવે મને ઍક્ટિંગ બહુ લિમિટેડ લાગે છે. ઍક્ટ્રેસ તરીકે હું માત્ર ઍક્શન અને કટ વચ્ચે પર્ફોર્મ કરી શકું છું, પણ ડિરેક્ટર તરીકે મારી પાસે એટલું ક્રીએટિવ ફ્રીડમ અને ઇન્પુટની રેન્જ હોય છે કે ફિલ્મની દરેક ફ્રેમને હું મારી સ્પેસિફિક સિગ્નેચર સાથે પ્રેઝન્ટ કરી શકું છું. 

આપણે ત્યાં બેઝિક મેન્ટાલિટી રહી છે કે અમુક ફીલ્ડમાં તો મેલ જ હોવા જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે આજનો આ ન્યુ-એજ એરા હજી શરૂ નહોતો થયો. અર્બન ફિલ્મોની શરૂઆત થઈ હતી, પણ આજ જેટલી ઇઝીલી એ બનતી નહોતી. ડિરેક્ટર્સે વધારે મહેનત કરવી પડતી, લોકોને કન્વિન્સ કરવા પડતા અને પ્રોજેક્ટમાં ખૂબ વિશ્વાસ અપાવવો પડતો. ‘હુતુતુતુ’ની જ વાત કરું તો, એક તો એવી માનસિકતા કે ડિરેક્ટર તો છોકરો જ હોય એમાં છોકરી ફિલ્મ ડિરેક્ટ કરવાની છે એ વાત આવે એટલે એ સાંભળનારનું મોઢું જોવા જેવું થઈ જાય. પહેલી ફિલ્મની હર્ડલ્સની વાત કરું તો આજે બહુ હસવું આવે છે, પણ એ સમયે થોડી વાર માટે આપણને ટેન્શ કરી દે એવું પણ બનતું. એક બહુ મસ્ત કિસ્સો કહું તમને. છે તો બહુ બધા કિસ્સા, પણ અત્યારે એક યાદ આવે છે એ કહું તમને.

એવું હતું કે ‘હુતુતુતુ’માં કૉર્પોરેટ ઇન્વેસ્ટર હતા. અમે તેમને મળીને વાર્તા સંભળાવી અને તેમને વાર્તા બહુ ગમી. કાસ્ટિંગની વાત પણ થઈ અને તેને એ વાત પણ પર્ફેક્ટ લાગી. એ લોકોએ કમિટમેન્ટ કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી દેખાડી. મારી એ પહેલી ફિલ્મની પ્રોડ્યુસર મારી બહેન શાઈના શાહ હતી એ તમારી જાણ ખાતર. બધી વાતો આગળ વધી અને અમે કામે લાગ્યાં. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાને ત્રણ વીક બાકી હતાં અને એ કૉર્પોરેટ ફાઇનૅન્સર બૅકઆઉટ કરી ગયા. અમારી વચ્ચે જે મીડિયેટર હતા તેને તેમણે કારણ જે આપ્યું એ બહુ મજા પડે એવું હતું. તેમણે કહ્યું કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર બન્ને છોકરીઓ છે અને ફિલ્મનો સબ્જેક્ટ સ્ટૉકમાર્કેટ સ્કૅમનો છે. છોકરીઓથી એ થઈ જ ન શકે. શૂટ શરૂ થવાનાં ત્રણ વીક બાકી અને તેમની ના આવી ગઈ.

ખરેખર અમારી બોલતી બંધ થઈ ગઈ હતી. અમારી પાસે બે જ ચૉઇસ હતી; કાં તો પ્રોજેક્ટ અમે રોકી દઈએ અને નવેસરથી ફાઇનૅન્શર શોધીએ અને કાં અમે અમારી પાસે હોય એ બધું નાખીને ફિલ્મ બનાવીએ. શું કરવું એની ગડમથલ ચાલતી હતી એ દરમ્યાન અમારા પેરન્ટ્સે કહ્યું કે તમને ક્લૅરિટી છે, લાગે છે કે ફિલ્મ તમે સારી બનાવશો?

અમે હા પાડી એટલે તરત જ તેમણે કહ્યું કે તો પછી લાંબું વિચારવાની જરૂર નથી, જાત પર કૉન્ફિડન્સ રાખીને બનાવો તમારી રીતે ફિલ્મ અને અમે અમારું બધું સેવિંગ્સ નાખીને અમારી પહેલી ફિલ્મ બનાવી.

હું એક વાત કહેવા માગીશ કે ચાર-છ કામને છોડતાં મેલ-ફીમેલમાં કોઈ ફરક નથી પડતો. ડિરેક્ટરની જેટલી આવડત હોય એ જ સ્ક્રીન પર દેખાવાની છે, ડિરેક્ટરની જેન્ડર કઈ છે એ વાત મહત્ત્વની છે જ નહીં. ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. તમે ક્યારેય હૉસ્પિટલ જઈને ડૉક્ટરની જેન્ડર પૂછો છો? નહીંને, અને ધારો કે એવું હોય તો પણ ડૉક્ટરની જેન્ડરથી પેશન્ટ કે તેના રિલેટિવ્સને કોઈ ફરક નથી પડતોને. બસ, તમને ઑપરેશન આવડવું જોઈએ. જેટલી સિમ્પલ વાત આ છે એટલી જ સિમ્પલ વાત દરેક ફીલ્ડમાં છે. ડ્રાઇવરને ગાડી ચલાવતાં આવડવી જોઈએ એવી જ રીતે ડિરેક્ટરમાં ટેક્નૉલૉજીનો નો-હાઉ અને સ્ટોરીટેલિંગની આર્ટ હોવી જોઈએ. પ્રૉબ્લેમ લોકોની માનસિકતાનો છે, ટૅલન્ટનો બિલકુલ નથી. હા, હું કહીશ કે ડિરેક્શનમાં ટેક્નિકલ સેક્ટર પણ જોડાયેલું હોવાથી આ રોલમાં છોકરીઓ ઓછી જોવા મળે છે, પણ એનો અર્થ એવો નથી કે આ કે પછી કોઈ પણ કામ છોકરીઓનું નથી હોતું. ના, ના અને ના, એવું નથી જ હોતું.

ડિરેક્શનની વાત કરું તો એ મલ્ટિ-ટાસ્ક સાથેની જવાબદારી છે અને આઇ પર્સનલી ફીલ, છોકરીઓને મલ્ટિ-ટાસ્કિંગની ગૉડ્સ ગિફ્ટ હોય છે. એકસાથે પાંચ કામ પર તે એકસાથે નજર રાખી શકે, જ્યારે છોકરાઓ એવું નથી કરી શકતા. હું કોઈ બાયસ સાથે આ વાત નથી કરતી, જનરલ સેન્સથી કહું છું. તમે જઈને જુઓ, ઝોયા અખ્તરથી માંડીને ફારાહ ખાન અને સઈ પરાંજપે કે મીરા નાયર જેવા જેકોઈ ફીમેલ ડિરેક્ટર છે તેના સેટ પર મેસ-અપ ઓછું હશે. સ્ટ્રેસ પણ ઓછું વર્તાતું હશે અને મેનર્સ પણ ભારોભાર દેખાતું હશે અને કામ પણ સરળતા સાથે હસતાં-રમતાં પૂરું થશે. મને ઘણા ક્રૂ-મેમ્બર કહે કે અમે તમારા સેટ પર વારંવાર દેકારા થતા હોય એવું નથી જોયું, કારણ છે કે કોઈ ઇચ્છતું ન હોય કે એક ફીમેલ હેરાન થાય અને ફીમેલ ક્યારેય આજનું કામ કાલ પર જાય એવું ઇચ્છતી ન હોય એટલે સરસ ગઠબંધન સાથે કામ આગળ વધતું જાય અને સમયસર પૂરું થઈ જાય.

બીજી વાત, મેલ-ફીમેલની સેન્સિબિલિટી અલગ હોય છે. મેં જે ફીમેલ ડિરેક્ટર્સનાં નામ આપ્યાં એ લોકોની ફિલ્મ તમે જુઓ, તમને તેની સેન્સિબિલિટીમાં ગજબનાક સ્પાર્ક જોવા મળશે. એક નાનો કિસ્સો કહું, ફીમેલ ડિરેક્ટરશિપને લગતો.

અમારી ફિલ્મ ‘દુનિયાદારી’માં લગ્નની એક સીક્વન્સ હતી, જેને માટે એક પંડિત આવ્યા હતા. ઍક્ટર હતા તેઓ. ફિલ્મોમાં તેઓ પંડિતના જ રોલ કરતા. કહો કે પૂરેપૂરા ફિલ્મ પંડિત. પંડિતનું કામ હોય એટલે કાસ્ટિંગ ટીમ તેમને જ બોલાવે. એ પંડિત પાસે હું મારા અસિસ્ટન્ટ સાથે ગઈ અને મેં તેમને સીન સમજાવીને પૂછ્યું કે લગ્નની વિધિમાં આ પહેલાં આવે કે આ આવે, મતલબ કે એ મુજબ આપણે સીન લઈએ. પેલા ભાઈ મને જવાબ જ ન આપે. બે-ત્રણ વાર ફેરવી-ફેરવીને મેં તેમને પૂછ્યું, પણ મેકઅપ જ કરાવતા રહે અને મને કંઈ કહે જ નહીં. થોડી વાર પછી તેમણે મારા અસિસ્ટન્ટને જવાબ આપ્યો કે સાહેબને કહો કે તેઓ મારી સાથે વાત કરે. સિનિયર ઍક્ટર હતા એટલે નૅચરલી એવી અપેક્ષા તેમને હોય જ.

મારા અસિસ્ટન્ટે મને દેખાડીને તેમને પોલાઇટલી કહ્યું કે આ જ સાહેબ છે, પણ પેલા ભાઈને તો પણ ન સમજાયું એટલે અસિસ્ટન્ટે કહ્યું કે ડિરેક્ટર આ જ છે આપણાં. પછી તો તેમણે તરત જ મને સૉરી કહ્યું, પણ કહેવાનો મતલબ એ કે આ જે માઇન્ડસેટ છે એને ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. આજે મારી ફિલ્મ ‘સાતમ આઠમ’માં ઑફિશ્યલ પાર્ટનર તરીકે ફિલ્મ -ડિરેક્ટર નીરજ પાંડેની કંપની ફ્રાઇડે ફિલ્મ વર્ક્સ જોડાઈ છે. એ જગ્યાએથી તો આવો કોઈ પ્રશ્ન નથી આવતો. મારે એક જ વાત કહેવી છે કે ટૅલન્ટને કોઈ જેન્ડર નથી હોતી અને જેન્ડરને જોનારા ક્યારેય ટૅલન્ટને પારખી નથી શકતા.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

લેખિકા વિશે : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રથમ અને અત્યારનાં એકમાત્ર ફીમેલ ડિરેક્ટર એવાં લેખિકાએ કરીઅરની શરૂઆત ઍક્ટ્રેસ તરીકે કરી હતી. ‘હુતુતુતુ’, ‘દુનિયાદારી’ અને ‘સાતમ આઠમ’ એમ ત્રણ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી છે. લેખિકાના પ્રોડક્શન-હાઉસ દ્વારા જ બૉલીવુડના જાણીતા ફિલ્મ-ડિરેક્ટર નીરજ પાંડે પણ પહેલી વાર ગુજરાતી ફિલ્મ સાથે જોડાયા છે.

columnists