આવશ્યકતા બૅલૅન્સ અને આવશ્યકતા પ્રમાણભાનની

21 November, 2020 07:33 PM IST  |  Mumbai | Sanjay Raval

આવશ્યકતા બૅલૅન્સ અને આવશ્યકતા પ્રમાણભાનની

પ્રતીકાત્મક તસવીર

વાત લૉકડાઉન પહેલાંની છે, પણ અગત્યની છે એટલે અત્યારે કહેવાનું મન થાય છે. ગયા વર્ષે, કહો કે ૨૦૧૯ના અંતભાગમાં અમેરિકાથી કેટલાક લોકો ભારત ફરવા આવ્યા. ફરવાનું તો બહાનું માત્ર હતું, કારણ કે વિદેશથી આવતા આ ધોળિયાઓને ભારતના ઇતિહાસમાં રસ હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. મોટા  ભાગના આ ભૂરિયાઓ દેશ જોવાના નામે કે બહાને દેશની ગરીબી જોવા માટે આવે છે. દેશની ગરીબી જોઈને એ લોકો મનોમન પોરસાય છે, આશ્વાસન લે છે કે આપણે તો બહુ શ્રીમંત છીએ. પેલું ગીત છેને, ‘દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ...’

બસ, એવું જ છે. આપણી ગરીબી જોઈને એ લોકો પોતાની ગરીબીને ભૂલવાનો પ્રયાસ કરે છે. પૂછો તો કહે કે અમે તો રિયલ ઇન્ડિયા જોવા આવ્યા છીએ. અમેરિકામાં રિયલ અમેરિકા છે જ. એ જોવા જાઓ, ત્યાંના રેડ ઇન્ડિયનને જુઓને, પણ ના, એવું નહીં કરે એ. ત્યાંથી નીકળીને આપણે ત્યાં આવશે અને તેમને રિયલ ઇન્ડિયાના નામે આપણા દેશની ગરીબી જોવી હોય, તૂટેલા અને ખાડા પડેલા રસ્તાઓ જોવા હોય તથા ગામડાંઓમાં ફરવું હોય.

અમેરિકાથી આવેલા આ ધોળિયાઓ એક ગામડામાં ફરતા હતા ત્યારે અચાનક તેમનું ધ્યાન ઇંટના ઢગલા પર સૂતેલા એક માણસ પર ગયું. ભલે ડિસેમ્બર મહિનો હતો પણ ખુલ્લામાં બપોરની ગરમી આકરી જ હોય અને એ પણ ગામડાની ગરમી. તડકામાં ઇંટના ઢગલા પર સૂતેલા માણસની સામે માટીથી બનાવેલાં થોડાં રમકડાં હતાં. અમેરિકી ધોળિયાઓ તો પહોંચી ગયા ત્યાં. પેલાને જગાડ્યો અને પૂછ્યું કે માટીનું આ છે શું? સૂતાં-સૂતાં જ પેલાએ જવાબ આપ્યો કે પૂછો છો શું, દેખાતું નથી માટીનાં રમકડાં છે. ધોળિયાઓને વાતમાં રસ પડ્યો એટલે તેમણે કિંમત પૂછી તો પેલાએ તો બરાબરનો તતડાવીને જવાબ આપ્યો કે બધાં રમકડાં પર મોટા અક્ષરે જે લખ્યું છે એ ભાવ છે.

ધોળિયાઓને એવું સતત લાગ્યા કરે કે આપણે તો બુદ્ધિના બળદિયા છીએ અને આપણામાં કોઈ બુદ્ધિ જ નથી. એ લોકો વાતે-વાતે આપણા જેવાને સલાહ આપવા બહુ બેસી જાય. ઘરમાં જેમ બાના હાથમાં તેલનો વાટકો હોય એમ આ ધોળિયાઓના હાથમાં જ્ઞાનનો વાટકો તૈયાર જ હોય. અહીં પણ એવું જ થયું અને તેમને જ્ઞાન આપવાની જિજ્ઞાસા વધી. તેમણે તો ચાલુ કરી દીધું કે તારે અહીં આવીને તારા કસ્ટમરને વ્યવસ્થિત ટ્રીટ કરવા જોઈએ અને સરખા જવાબ આપવા જોઈએ. તું આમ કરીશ તો તારાં રમકડાંનું વેચાણ વધશે અને તારું વેચાણ વધશે તો તું વધારે રમકડાં બનાવીશ અને એનું વેચાણ વધારે કરી શકીશ અને એમ કરતાં તારી વેલ્થ વધી જશે અને તું જે જગ્યાએ સૂતો છે એ જગ્યાએ તારી પાસે મસ્તમજાની ઑફિસ હશે અને એમાં ઍરકન્ડિશન હશે, સોફા હશે. તું એ સોફા પર સરસ રીતે આરામથી સૂઈ શકીશ.

પેલાએ આ આખું ભાષણ સાંભળ્યું. દુભાષિયો સાથે હતો એટલે સમજવામાં પ્રૉબ્લેમ થયો નહીં. પેલા લોકોએ ભાષણ પૂરું કર્યું એટલે ગામડિયો વિચારે ચડ્યો. તેને વિચાર કરતા જોઈને પેલા ધોળિયાઓના ટોળાને લાગ્યું કે તેમની વાતની અસર બરાબર થઈ છે, પણ એ તેમની ગેરમાન્યતા હતી. થોડો વિચાર કરીને પેલાએ જવાબ આપ્યો કે આટલુંબધું સાલું કરી લીધા પછી પણ છેલ્લે સુવાનું જ હોય તો એ કામ તો હું અત્યારે પણ કરું જ છુંને અને એ પણ એકદમ આરામથી. મારે તો ભગવાનનો આભાર માનવાનો હોય કે આવી સરસ ગરમીમાં પણ મને આટલી સરસ ઊંઘ તેણે આપી છે. ભગવાનનો આભાર એ વાતનો પણ માનવો જોઈએ કે કોઈ જાતની તકલીફ વિના તેણે મને આવી ગાઢ ઊંઘ આપી છે.

બસ, આ જ તફાવત છે આપણા અને બીજા દેશો વચ્ચે. આપણે દરેક વસ્તુને આધ્યાત્મ સાથે, ભગવાન સાથે, પરમ કૃપાળુ સાથે જોડી અને અમેરિકા જેવા દેશોએ દરેક વાતને ભૌતિકતા સાથે જોડી. સરવાળે બન્યું એવું છે કે આપણે પણ હેરાન થઈએ છીએ અને અમેરિકા પણ સુખી નથી. અમેરિકાને જાગતાં-ખાતાં-પીતાં-સૂતાં એક જ ચિંતા હોય છે કે કોઈ હુમલો ન કરે. કેમ? કેમ કે આજે એ મહાસત્તા છે, જગતના જમાદાર છે એટલે એણે બીજાની વાતમાં ટાંગ અડાડવા જવું જ પડે છે. અમેરિકાની આ ટાંગ અડાડવાની માનસિકતાને લીધે બીજા દેશો કે પછી બીજી મહાસત્તાઓ જેવી કે રશિયા, ચીન કે જેનામાં વગર કારણે નાક ઘુસાડ્યું હતું એ કોરિયા જો હુમલો કરી દે તો એને લીધે એકઝાટકે યુદ્ધ શરૂ થઈ જાય અને યુદ્ધમાં સહન એણે જ કરવું પડે જેના ભાગે નુકસાનની શક્યતા હોય. ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં વિચાર ભારતે જ કરવાનો હોય. પાકિસ્તાનને તો પેલી કહેવત જેવું છે, ‘નંગા નહાયેગા ક્યા ઔર નિચોએગા ક્યા?’

અમેરિકાને તો હંમેશાં એ પણ ચિંતા રહે છે કે એમને ત્યાં અંદરોઅંદર વિગ્રહ ન ફાટી નીકળે. જો એવું થાય તો એ શાંત કરવામાં તેમણે સેંકડો કરોડ ડૉલર હોમવા પડે અને એવું અમેરિકાને પોસાય એમ નથી. હા, આપણા દેશમાં વિગ્રહો થાય છે, પણ એ ધર્મના નામે વધારે થતા હોય છે. આપણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા અને પ્રદેશને લઈને અંદરોઅંદર ઝઘડતા રહીએ છીએ. જે મળ્યું છે એ વધારે મેળવી લેવું એવી ભાવના ખૂટતી નથી અને સતત આપણે વિગ્રહ કર્યા કરીએ છીએ. અમેરિકા દરેક વસ્તુને ભૌતિકવાદ સાથે જોડીને હેરાન થાય છે અને આપણે બધી વાત આધ્યાત્મવાદ સાથે જોડીને હેરાન થયા છીએ. હેરાન થવાનું તો બન્નેના ભાગે સરખું જ છે.

સાચી રીત તો એ છે કે આ બન્નેને સાથે લઈને ચાલીએ અને ભયમુક્ત જીવન જીવી શકીએ. જો તમે ભૌતિકતા પણ સમજી જાઓ અને આધ્યાત્મિકતાની જરૂરિયાત પણ સમજી લો તો તમારા માટે બહુ ઈઝી થઈ જાય. આપણને બન્નેની જરૂર છે. એક જ ટેકાથી આગળ વધવું શક્ય નથી. આપણને સંસ્કાર, ધાર્મિકતા અને નીતિનિયમોની પણ જરૂર છે અને સાથેસાથે આપણે ઔદ્યોગિક થવાની, ભૌતિકવાદ તરફ વળવાની પણ જરૂર છે, કારણ કે આપણે જે ભગવાન આગળ માથું નમાવીએ છીએ એની દાનપેટીમાં પણ નાખવાના તો રોકડા જ હોય છે તો પછી એ કમાવા માટેના પ્રયત્ન કરવા પડે, એમાં બીજો કોઈ શૉર્ટકટ ચાલે જ નહીં. જો ભગવાન આપણી બધી માગણી સ્વીકારી લે અને આપણે તેમને માત્ર ‘થૅન્ક યુ’ કહીને રવાના થઈ જતા હોઈએ તો વાત સમજી શકાય, પણ ભગવાનના શ્રીફળ માટે પણ પૈસા ચૂકવવા પડે અને માતાજીને ચડાવવા માટે ચૂંદડીના પણ પૈસા આપવા પડે એટલે દરેક જગ્યાએ આપણે આધ્યાત્મિકતાને આગળ ધરીને જાતને મનાવ્યા કરીએ તો એ ખોટી વાત છે. એશિયાના દેશોમાં ધર્મના નામે સૌથી વધારે વિગ્રહ થયા છે અને પશ્ચિમી દેશોમાં ત્યાંની સંસ્કૃતિ અને ભૌતિકતાને લીધે વધારે વિગ્રહ થયા છે. ત્યાં બધાના મનમાં એક જ વાત ચાલતી હોય છે કે કેવી રીતે સૌથી વધારે ડૉલર કે પાઉન્ડ-યુરો કમાઈ લેવા અને એશિયામાં એક જ વાત ચાલે કે મારો પંથ, મારો ધર્મ અને મારી જ્ઞાતિ સૌથી મહાન છે.

હકીકત સ્વરૂપે જો બન્ને ભેગા થઈ જાય તો ખરેખર લોકો પ્રૅક્ટિકલિટી સમજી શકે અને ન કરવાનું, અર્થહીન કહેવાય એવું બને જ નહીં. તમને ખ્યાલ હોય કે તમે જે કરો છો એનાથી આર્થિક ફાયદો થવાનો છે અને એ આર્થિક ફાયદો તમારા સમાજને પણ આગળ લઈ આવવાનો છે અને મદદપ થવાનો છે તો એ ફાયદો શા માટે ન લેવો? જ્યારે તમને ખબર છે કે અમુક પ્રકારનાં નીતિવિહોણાં કામ તમારાથી નથી થવાનાં ત્યારે વાત બગડવાનો સવાલ નહીં આવે, એમાં ઈશ્વરને વચ્ચે લઈ આવવાને બદલે તમારા અંતરઆત્માને લઈ આવો વચ્ચે અને તમે જ તમારી જાતને એવું કામ કરતા રોકી દેશો. યાદ રાખજો કે દરેક પ્રશ્ન ઈશ્વર પર છોડવો યોગ્ય નથી અને દરેક પ્રશ્નને પૈસાની તાકાતથી ખરીદીને ચાવી જવો પણ યોગ્ય નથી. બન્નેનો સમન્વય થવો જોઈએ, જો એ થાય તો જ વિકાસ શક્ય છે. તમે તમારી પ્રજાને એક તરફ ધાર્મિક બનાવો અને પછી દિવસમાં ૬ કલાક ભજન કરાવો તો પણ દેશનો ઉદ્ધાર નથી થવાનો અને તમે પ્રજા પાસે ૨૪ કલાક ઉત્પાદન જ કરાવ્યે રાખો તો એ પ્રજા રોબો જેવી થઈ જશે. બન્નેમાં બૅલૅન્સ હોવું જરૂરી છે, કારણ કે સૃષ્ટિમાં બૅલૅન્સ આધારિત છે. માણસ ઑક્સિજન લે છે અને વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ લે છે. સવારે પ્રકાશ મળે, રાતે ચંદ્રની શીતળતા મળે. આ બૅલૅન્સ હવે આપણે જીવનમાં લાવવાનું છે અને આપણે પણ આધ્યાત્મિકતા અને ભૌતિકતાનો સમન્વય સાધવાનો છે. જે સમયે આ સમન્વય સાધી લીધો એ સમયથી, એ ઘડીથી વિકાસ નક્કી છે, પ્રગતિ નક્કી છે.

columnists Sanjay Raval